સંઘર્ષ - (ભાગ-7) Roshani Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - (ભાગ-7)

ગાડી ફરી એકવાર અમિતભાઇએ તેમના ગામ તરફ દોડાવી.... અમિતભાઇને તેમનું ગામ બહુ ગમતું હતું.... દરેક વ્યક્તિને તેમનું બચપન વિતાવ્યુ હોય તે જગ્યા હંમેશા વહાલી જ લાગતી હોય છે. જ્યાં તેમની નટખટ મસ્તી, મિત્રો સાથે કરેલી ધમાલ અને પછી મળેલી સજાઓનું લિસ્ટ હોય છે જે યાદ કરતા હંમેશા ખુશી મળતી હોય છે.

ગામ તરફ જતો રસ્તો જોઈ અમિતભાઇ બોલ્યા " જો પિહુ રસ્તાની બાજુનું બીજા નંબરનું ખેતર આપણું છે. ત્યાં હું નાનો હતો ત્યારે પપ્પા સાથે રોજ આવતો. રજાના દિવસે તો અમે બધા ભાઈબંધ રમતા રમતા ખેતરે જ જતા રહેતા. ત્યાં જઈ પપ્પાના ભાથામાંથી જ ખાઈ લેવાનું અને થોડું પપ્પાને કામ પણ કરાવી લેવાનું. "
" ખેતરમાં થોડું રમવાનું હોય ..?"

" અમે તો અહીં જ મોટા થયેલા, સવારે ઉઠીને અહીં ..... તળાવમાં ન્હાવા જતા, વડની વડવાઈ અમારો હિંચકો, અમે શું ભણ્યા એ પણ ઘેર ખબર ના હોય. અત્યારે તમે શાક લેવા લઇ જાઓ એવી થેલીમાં એક સ્લેટ, એક પેન અને દેશીયાક લઇને જવાનું ..... "
" શાક લેવાની બેગ ...? "

" બધા એજ વાપરે ....તને ખબર છે ચોમાસામાં તો છત્રી ના હોતી.... ત્યાંરે તો કોઈ છત્રી લાવે તોય નવાઈ લાગતી. અમે પ્લાસ્ટિકની ખાતરની કોથળીઓનો મોચીલો બનાવી વરસાદમાં મસ્તી કરતા આવીયે ....ચપલ પણ તો ક્યાંક ગામ જાઓ તો જ પહેરવાના ....નહિતર કોઈ ચોરી જાય ..." હસતા અમિતભાઇ બોલ્યા.
" કેમ ચોરી જાય ...." નવાઈ સાથે પિહુ બોલી.

" અરે બેટા કોઈ ઘેર પહેરતું જ નહીં તો...... ઓછી વસ્તુ ચોરાય વધારે. "
" જબરું કેવાય ..."

" પણ બહુ મજા આવતી.... આ ખુલ્લી હવા, નીચે જમીન અને ઉપર આકાશ આ જ જીવન હોય ખેડૂતના છોકરાઓનું... હવે તો સમય બદલાઈ ગયો. લોકો બહુ આગળ વધી ગયા, બાકી અમારાં વખતની તો વાત જ કઈ ઓર હતી..... પણ લોકો બહુ પ્રેમાળ હતા અમે કોઈ પણ ફ્રેન્ડના ઘેર ખાઈ લેતા. પરીક્ષા હોય એટલે બધા એકના ઘેર વાંચવા ભેગા થતા ..... અને સૂઇ પણ ત્યાં જ જતા. રાત પડે એટલે બા શોધવા નીકળે ...ત્યાં સુધી કોઈ યાદ પણ ના કરે કે છોકરા ક્યાં હશે ....? એ વખતે ગાડી નહોતી પણ જો, આ રસ્તામાં દેખાય એવા સકડા હતા ....તો અમે શું કરતા ગામમાં કોઈના પણ ઘેર કોઈ વસ્તુ મુકવા આવે તો અમે તેમાં બેસી જતા અને આખો સકડો છોકરાથી ભરાઈ જાય.... પછી અમે ઘેરથી સ્ટેશન સુધીની સફર કરતા..... પણ એ પાંચ મિનિટની મજા એવી લાગતી જયારે એરોપ્લેનમાં જઈ આવ્યા... આકાશમાં વિમાન નીકળે એટલે તો અવાજ સાંભળી બધા છોકરા બહાર .... વિમાન આવ્યું જુઓ જુઓ .... ગાંડા થઈ જતા. ગાડી તો ટીવી સિવાય જોઈ પણ ન હતી. કોઈ કોઈ ના ઘેર ટ્રેક્ટર હતા. અત્યારે પોતાની ગાડીમાં નથી આવતી એટલી મજા આવતી એ સકડાની સફરમાં...."
" અત્યારે તો સાવ જમાનો બદલાઈ ગયો છે. જાણીતાનો પણ વિશ્વાસ નથી કરી શકતો. " મનીષા તેનું મોંન તોડી બોલી.

" તારી વાત સાચી છે ..... પ્રેમ કરતા સ્વાર્થ વધી ગયો છે...."
વાતો કરતા ગામ પહોંચી ગયા.

ગામનું બસસ્ટેન્ડ જ્યાં થોડા લોકો બસની રાહ જોઈ ઉભા હતા. નાનકડું એવું ગામ જ્યાં રસ્તાઓ પર ચારે બાજુ ઉકરડા હતા....ગામમાં પ્રાણીઓનું પ્રમાણ વધારે, દરેક ઘેર ગાયો અને એ બે ભેંસો હોય જ, ખેતી કરતા તો ચારો પણ મળી જ રહેતો. શુદ્ધ ઘી દૂધ ખાઈ લોકોને દવા ખાવાની જરૂર નહોતી પડતી. અહીંનું વાતાવરણ પણ બહુ શુદ્ધ અને ઘોઘાટ વગરનું હતું જે બહુ જ શાંતિ આપતું હોય છે.

ગામમાં એક સરસ મજાનું તળાવ છે જ્યાં સૌ સ્ત્રીઓ કપડાં ધોવા જાય એમ પણ ગામમાં ગટર તો હતી નહીં અને ત્યાં જ આખા ગામના અને સમાજના લોકોની નવા જૂની ચર્ચા થતી હોય... ગામની વિધાનસભા કહીએ તો ખોટું નથી....ગામના ચોરે ઓટલા પર સૌ વડીલો બેઠા ચલમ પીતા પીતા વાતો કરી સમય પસાર કરતા. ગામ વચ્ચે સરસ રામજી મંદિર અને શિવ મંદિર પણ હતું જ્યાં ડોસીમાંઓ ભજન કરી સમય કાઢે તો ઘેર વહુને નડે પણ ઓછા ..... બહુ સારી એવી રચના હતી ગામની ..... પણ શહેરના લોકોને ગામડે ના ગમે.

અમિતભાઇએ ગાડી તેમના ઘરની બહારના આંગણમાં ઉભી રાખી. શાંતિમાં અવાજ સાંભળતા જ તેમની ધીમી ચાલે દોડતા બહાર આવ્યા. અમિતભાઇ અને માથે સાડીનો પાલવ કરી મનીષા તેમને પગે પડ્યા. પિહુને જોઈ શાંતિમાં ખુશ થઈ બોલ્યા " હાશ ....કેટલા વખત પછી ઘરે આવી મારી દિકરી "

પિહુ તેમને પગે લાગવા ગઈ તો તેને રોકી તેના માથે હાથ મૂકી શાંતિમાં બોલ્યા " દિકરી પગે ના પડે .... દિકરી તો પારકી થાપણ કહેવાય... "

" પિહુ તને બા બહુ યાદ કરતા હોય છે. "
" અરે આ શું ? પિહુ બિહુ નહીં બોલવાનું ..... દિકરી પરણાવે એવી થઈ ... પ્રિયાંશી જ કહી બોલાવવાની ..." દાદીએ શરૂઆત કરી તેમના હુકમોં કરવાની. તેમની વાત કોઈ ટાળી ના શકતું.

" ચાલ બેટા તને આપણું પરદાદાનું ઘર બતાવું ..... તારા પપ્પા બહુ કે છે નવું બનાવું પણ હું જીવું છું ત્યાં સુધી તો આ જ ઘરમાં રહીશ. મારી યાદો આ ઘરમાં જોડાયેલી છે. " શાંતિમાં તેમનું ઘર બતાવતા પ્રિયાંશીને તેમની દરેક વસ્તુ અને ભૂતકાળની વાતો કરવા લાગ્યા. પ્રિયાંશીને એમની વાતોમાં જરાય રસ નહોતો પડતો પણ દાદીને ના પણ ના પાડી શકાય.

અમિતભાઇ તેમની પાસે જઈ બોલ્યા " બા અમે બીજા પણ આવ્યા છીએ ....પ્રિયાંશી એકલી નથી."
" હા, જોયો હવે તને ..... તને શું ખબર પડે ? અમને તો મૂડી કરતા વ્યાજ વધારે વહાલું લાગે. તું દાદા થઈશ એટલે ખબર પડશે. "

" પણ બા પ્રિયાંશીને હાથ પગ તો ધોઈ લેવા દે ....થોડો થાક ઉતરી જાય ..."
" જવાનને શેનો થાક લાગે .... ? અને તમે ક્યાં હાલીને આવ્યા તે થાકી જ્યાં ..... બેઠા બેઠા આવ્યાને પાછા, છોડીને બહુ લાડ નહીં લાડવવાના, પારકા ઘેર મોકલવાની છે. ઘર જમાઈ નહીં હોધવાનો .... હમજ્યો " શાંતિમાં તેમના સ્વભાવ પ્રમાણે ગુસ્સો કરતા બોલ્યા.

આગળ આવતા અંકે......