સુંદરી - પ્રકરણ ૬૫ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૬૫

પાસઠ

“ક્યાં જાય છે સવાર સવારમાં?” પોતાના ઘરના ઝાંપા પાસે ઉભા ઉભા જ કૃણાલે પૂછ્યું.

“સવારના પહોરમાં મને પાછળથી ક્યાંકારો ન કર તો તને આખો દિવસ ચેન ન પડે કેમ?” વરુણે વડચકું ભર્યું.

“અરે આ તો રિડિંગ વેકેશન પડી ગયું એટલે પૂછ્યું. અને તારી કોલેજ આમ પણ આટલી વહેલી ક્યાં હોય છે.” કૃણાલે જવાબ આપ્યો.

“રિડિંગ વેકેશન પડી ગયું પણ પ્રેક્ટીસ નહીં કરવાની? રણજી સિઝન તો પતી ગઈ પણ હવે આઈપીએલની તૈયારી તો કરવાની કે નહીં?” વરુણે કૃણાલને યાદ દેવડાવ્યું.

“અરે હા.. એ તો હું ભૂલી ગયો. પણ રણજીમાં તો તું એક પણ મેચ નથી રમ્યો તો તને આઈપીએલ રમાડશે ખરા?” કૃણાલે પ્રશ્ન પૂછ્યો.

“જો ભાઈ, અનુભવ પણ કોઈ ચીજ છે. આ સિઝનમાં ભલે રણજીમાં મારો વારો ન આવ્યો હોય પણ મને ઘણું શીખવા મળ્યું છે. આઈપીએલને હજી મહિનો બાકી છે અને મારે દસ દિવસ પછી ટીમને જોઈન કરવા મુંબઈ જવાનું જ છે, પણ ટચ ગુમાવવો પોસાય નહીં એટલે જાઉં છું પ્રેક્ટીસમાં. કોચ સરે બોલાવ્યો છે.” વરુણે ચોખવટ કરી.

“ક્યાં જઈશ પ્રેક્ટીસ કરવા?” કૃણાલે પૂછ્યું.

“યુનિવર્સીટી ગ્રાઉન્ડમાં બીજે ક્યાં!” વરુણે આટલું કહીને પોતાના બાઈકને કિક મારી.

“ઓહ, તું યુનિવર્સીટી જાય છે?” કૃણાલને અચાનક જ કશું યાદ આવ્યું હોય એમ બોલ્યો.

“હા કેમ? તારે કશું લાવવાનું છે? જો લાવવાનું હોય તો અત્યારથી જ મારું સોરી ઓકે? મારી પાસે એટલો ટાઈમ નથી.” વરુણે પહેલેથી જ શરત મૂકી દીધી.

“અરે! મારે કશું નથી લાવવું, પણ યુનિવર્સીટીથી સાત રસ્તા પાસે પેલું કોર્પોરેશનનું ફૂડ કોર્ટ છે ને? ત્યાં એક રિક્ષામાં મસ્ત ચ્હા મળે છે. હું પરમદિવસે જ ગયો હતો ત્યાં. તો તું પણ ત્યાં ચ્હા પીતો આવ. તને ભાવશે” કૃણાલે લાગ જોઇને સોગઠી મારી.

“પ્રેક્ટીસ કરીને સીધો ઘેર હોં ભાઈ? મારે હજી આઈપીએલની તૈયારી પણ કરવાની છે. મુંબઈ ઇન્ડિયન્સે મને ઘણા બધા વિડિયોઝ મોકલ્યા છે એ જોવાના છે. અને મને બહુ ચ્હા-બા ભાવતા નથી, તને ખબર તો છે જ.” વરુણે જવાબ આપ્યો.

“બને તો જરૂર જજે. એક વખત જઈશ પછી ત્યાં રોજ જવાનું મન થશેજ, મારી ચેલેન્જ.” કૃણાલ વરુણ ગમેતે રીતે શ્યામલની ચ્હાની દુકાને જાય જ એમ ઈચ્છતો હતો.

“તારી પાર્ટનરશીપ લાગે છે એ ચ્હાવાળા સાથે.” આટલું કહીને વરુણે પોતાની બાઈક મારી મૂકી.

“ચ્હાવાળા સાથે તો મારી પાર્ટનરશીપ નથી બકા, પણ તારી લાઈફ પાર્ટનરશીપ મેડમ જોડે નક્કી થઇ જાય એ જ મારી અને સોનલબાની ઈચ્છા છે, બસ એટલેજ તને ફોર્સ કરતો હતો.” દૂર જઈ રહેલા વરુણને જોતાં જોતાં કૃણાલે સ્મિત સાથે કહ્યું.

==::==

“શું યાર, કોચ સરે એક કૉલ તો કરી લેવો જોઈતો હતો? ખોટા વહેલા ઉઠીને આવ્યાને? આને બદલે હું વિડિયોઝ જોઈ લેત.” પોતાની સાથે કોચિંગ લઇ રહેલા એક ખેલાડીને વરુણે કહ્યું.

“મારે તો જોબ પર જવાનું હોય છે, હવે મારે બે કલાક અહી બેસી રહીને શું કરવું? હું ઘરે જઈશ તો પાછો જોબ પર મોડો પડીશ. મારી તો સવાર બગાડી કોચ સરે!” પેલા ખેલાડીએ કહ્યું.

“ચલ, તો પછી ક્યાંક ટાઈમપાસ કરીએ. ઘરેથી આવતો હતો ત્યારે મારા ફ્રેન્ડે મારી પાસે અહીં એક જગ્યાએ સારી ચ્હા મળે છે એના વખાણ કર્યા હતા. આપણે ત્યાં જ જઈએ અને ચ્હા પીએ. પછી તમે ત્યાંથી જોબ પર જતા રહેજો. જોઈએ તો ખરાં કે કૃણાલીયાના વખાણ સાચા છે કે ખોટાં?” વરુણે પેલા સાથી ખેલાડીને પોતાની સાથે આવવાની ઓફર કરી.

પેલો સાથી ખેલાડી પોતાની કીટ પકડીને વરુણની પાછળ બેઠો અને વરુણે પોતાની કીટ બાઈકની આગળ મૂકી અને બાઈકને યુનિવર્સીટી ગ્રાઉન્ડ નજીક આવેલા સાત રસ્તા તરફ ચલાવી મૂકી.

વરુણ અને તેનો સાથીદાર સાત રસ્તા નજીક આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ કોર્ટ પાસે આવી પહોંચ્યા. વરુણે પોતાનું બાઈક પાર્કિંગ લખેલા બોર્ડ પાસે પાર્ક કર્યું અને બંને પોતપોતાની કિટ્સ ખભે લટકાડીને ફૂડ કોર્ટમાં પ્રવેશ્યા. સવારનો સમય હોવાથી માત્ર ગણતરીની દુકાનો, જે ખરેખર તો કોઈને કોઈ વાહનોની ડીઝાઇન બદલીને બનાવેલી દુકાનો જ હતી, ખુલ્લી હતી. મોટેભાગે બે ત્રણ ચ્હાની દુકાનો અને એકાદી ગરમાગરમ ગાઠીયા પીરસતી કે પછી સેન્ડવીચ મસ્કા બનની દુકાનો જ ખુલ્લી જોવા મળી.

“અહિયાં તો ત્રણ ચ્હાની દુકાનો છે. કૃણાલીયો કઈ દુકાનના વખાણ કરતો હશે?” વરુણે મનોમન વિચાર્યું.

પછી તરતજ તેણે કૃણાલને કોલ જોડ્યો.

“કૃણાલીયા, તું કઈ ચ્હાની દુકાન કહેતો હતો?” કૃણાલે કૉલ રિસીવ કર્યો કે વરુણે તરત જ પ્રશ્ન કર્યો.

“કેમ? તને ક્યાં ચ્હા પીવામાં રસ છે?” કૃણાલે શોટ ફટકાર્યો.

“હવે બહુ હોશિયારી ના માર ને? તે કીધું હતું એ જગ્યાએ જ ઉભો છું. અહીં ત્રણ ચ્હાવાળા છે. તારા વાળો કયો છે?” વરુણે ત્રણેય ચ્હાની દુકાનો તરફ એક પછી એક જોયું અને કહ્યું.

“ઓકે, શિવ ટી એન્ડ સ્નેક્સ દેખાય છે? મારા ખ્યાલથી સેવ-ઉસળનો ટ્રક છે ને એની બાજુમાં જ છે.” કૃણાલે વરુણને હિન્ટ આપતાં કહ્યું.

“અમમમમ... આ રહી, મળી ગઈ.” વરુણે નજર ફેરવતાં જ પોતાની નજર શિવ ટી એન્ડ સ્નેક્સ પર પડતાની સાથે જ કહ્યું.

“બસ, તો પછી એન્જોય. ચ્હાવાળો પણ મસ્ત માણસ છે.” આટલું કહીને કૃણાલે કૉલ કટ કરી દીધો.

“ચાલો, પેલો રહ્યો આપણો ચ્હાવાળો.” વરુણે પોતાના સાથીદારને ઈશારો કરીને જગ્યા દેખાડી અને બંને એ તરફ ચાલવા લાગ્યા.

વરુણ અને એનો સાથીદાર શિવ ટી એન્ડ સ્નેક્સ લખેલા બોર્ડવાળી મોડિફાઇડ ઓટો રિક્ષા પાસે ઉભા રહ્યા, જ્યાં શ્યામલ ચ્હા ઉકાળી રહ્યો હતો.

“દોસ્ત બે ચ્હા અને બે મસ્કા બન આપજોને?” વરુણે શ્યામલને ઓર્ડર આપતાં કહ્યું.

જવાબમાં શ્યામલે સ્મિત કર્યું અને બંનેને નજીકમાં પડેલા મુંઢા પર બેસવાનો ઈશારો કર્યો. વરુણ અને એનો સાથીદાર એક એક મુંઢા પર બેઠા અને શ્યામલ ફરીથી ચ્હા બનાવવામાં લાગી ગયો.

“મસ્કા બન જોડે જ લેશો કે પછી?” શ્યામલે પૂછ્યું,

“ભેગા જ હોય ને યાર!” વરુણે સ્વાભાવિક જવાબ આપ્યો.

“ના, આ તો ઘણાને મસ્કા બન ખાતાં ખાતાં ચ્હા પછી મોળી લાગતી હોય છે, એટલે.” શ્યામલનું સ્મિત હજી ટકી રહ્યું હતું.

“ઓહ ઓકે! ના ના, આપણે ચ્હા જોડે જ મસ્કા બન ખાઈએ, કેમ બરોબર બોલ્યોને સાહેબ?” વરુણે હસીને કહ્યું અને પોતાના સાથીદારને સવાલ પણ કર્યો.

પેલાએ જવાબમાં પોતાનું માથું હકારમાં ધુણાવ્યું.

થોડીજ વારમાં શ્યામલ એક ટ્રે માં ચ્હાના બે નાના કપ અને બે પેપર ડીશમાં બે-બે મસ્કા બન લઈને આવ્યો અને આ બંને સામે ઉભો રહ્યો. વરુણે ચ્હાનો એક કપ અને મસ્કા બન લઈને પોતાના સાથીદારને આપ્યો અને બીજો કપ અને બન પોતે લઇ લીધો.

“થેન્કયુ સર!“ વરુણે હસીને શ્યામલને કહ્યું. જવાબમાં શ્યામલ પણ હસ્યો.

મસ્કા બનનો એક ટુકડો ખાધા પછી વરુણે ચ્હાનો પહેલો ઘૂંટડો ભર્યો.

“વાઆઆઆ...! ચ્હાનો ઘૂંટડો ભરતાં વેંત જ વરુણના મોઢામાંથી આપોઆપ નીકળી ગયું.

વરુણે શ્યામલ સામે પોતાનો કપ ઉંચો કરીને એની ચ્હાના વખાણ કર્યા જવાબમાં શ્યામલે પોતાનો જમણો હાથ ઉંચો કરીને તેને સ્વીકાર્યા.

થોડો સમય વરુણ અને એનો સાથીદાર સાવ મૂંગા જ રહ્યા અને મૂંગામૂંગા ચ્હા અને મસ્કા બનનો સ્વાદ માણતા રહ્યા.

“ચાલો, તમને તમારી ઓફિસે મુકતો જઉં.” ચ્હા અને મસ્કા બન ખતમ થવાની સાથે જ વરુણે તેના સાથીદારને કહ્યું.

“ના, ના મને અહીંથી બસ મળી જશે. આઠ પાત્રીસની છે. આજે થોડો વહેલો ઓફિસ જઈશ. પ્યુન તો આવી જ જાય છે.” પેલો ઉભો થતાં થતાં પોતાની કીટ ઉપાડતાં બોલ્યો.

“શ્યોર?” વરુણે ખાતરી કરતાં કહ્યું.

“હા, હા, શ્યોર. તો કાલે મળીએ.” પેલા સાથીદારે પોતાનો હાથ લંબાવતાં કહ્યું.

“ચોક્કસ, ચોક્કસ. તો મળીએ કાલે.” આટલું કહીને વરુણે તેનો હાથ પકડીને હલાવ્યો.

વરુણનો સાથીદાર ચાલતાં ચાલતાં ફૂડ કોર્ટની બહાર નીકળી ગયો.

“બોસ! એક બીજી બનાવો. આમ તો મને ચ્હા પીવાનો બહુ ખાસ શોખ નથી પણ તમારી ચ્હામાં કશુંક એવું છે કે મને બીજો કપ પીવાનું મન થઇ ગયું.” વરુણ શ્યામલ નજીક જઈને બોલ્યો.

“ચોક્કસ, કેમ નહીં.” શ્યામલે હસીને કહ્યું અને થર્મોસમાંથી વરુણ માટે બીજો કપ ભરવા લાગ્યો.

“અમદાવાદના જ છો?” વરુણે શ્યામલને પૂછ્યું.

“હા, પહેલેથી જ. કેમ?” વરુણના પ્રશ્નથી શ્યામલ થોડો ઓસંખાયો.

“ના ના, આ તો અમદાવાદમાં ચ્હાવાળા મોટેભાગે રાજસ્થાનના જ હોય છે એટલે. પણ ગુજરાતીની ચ્હા એટલે ગુજરાતીની ચ્હા, તમે તો સાબિત કરી આપ્યું.” વરુણ શ્યામલની ચ્હાના વખાણ કરતો થાકતો ન હતો.

“થેન્કયુ!” શ્યામલને પણ વરુણના વખાણ સાંભળીને આનંદ થયો અને તેણે ચ્હાનો કપ તેની સામે ધર્યો.

વરુણે તરતજ કપ હાથમાં લીધો અને ધીમે ધીમે તેમાંથી ચ્હા પીવા લાગ્યો, એક રીતે તે ચ્હાનો એક એક ઘૂંટડો માણી રહ્યો હતો.

“જોરદાર, બહુ મજા આવી. હવે પ્રેક્ટીસ પતાવીને ઘરે જતાં પહેલાં રોજ તમારી ચ્હા પીવી જ પડશે. કેટલા થયા?” વરુણે પૂછ્યું.

“એકસો પાંચ.” શ્યામલે ત્રણ ચ્હા અને બે મસ્કા બનની રકમ કહી.

વરુણે એક સો ની નોટ અને પાંચનો સિક્કો શ્યામલને આપ્યો.

“ચલો, તો હું નીકળું.... તમારું નામ?” વરુણે શ્યામલને પૂછ્યું.

“શ્ય.. શિવ! મારું નામ શિવ છે.” દુકાનના બોર્ડ તરફ ઈશારો કરીને શ્યામલે વરુણને કહ્યું.

==:: પ્રકરણ ૬૫ સમાપ્ત ::==