પ્રકરણ - 31
"વિજય તું શું કરી રહ્યો છે?" રેશ્માએ પુછ્યું. એ બંને મીનારથી થોડે દૂર એક ઘરમાં સંતાયા હતાં. વિક્રમ મીનાર પર ચડીને શહેરનો બેટર વ્યું મેળવવા ગયો હતો. અને વિજય ઘરની તલાશી લઈ રહ્યો હતો.
એણે કહ્યું, "હું જોઇ રહ્યો છું કે આપણને અહીંયાં કોઇ તાડપત્ર મળે છે કે નહીં. કદાચ મળી જાય તો શહેર વિશે કંઇક તો જાણવા મળે." એણે એકાદ પેટી અને ઢાંકેલા મટકાં તપાસી જોયા. એટલામાં એની નજર એક પેટી પર પડી. એ એવી જ પેટી હતી જે એમને પહેલા ઘરમાં મળી હતી. વિજયે એક નજર રેશ્મા તરફ કરી. રેશ્માનું ધ્યાન પર તાડપત્ર પર ગયું.
વિજયે તાડપત્ર જોયું. પહેલાં મળેલા તાડપત્ર ની જેમ આમાં પણ પ્રાચીન કન્નડ ભાષામાં કંઇક લખ્યું હોય એવું લાગતું હતું. એણે તાડપત્ર વાંચવાની શરૂઆત કરી.
"રાજ પરિવારે પ્રજા સાથે ઘોર અન્યાય કર્યો છે. સદીઓથી રાજ પરિવારના સદસ્યો કહેતા આવ્યા છે કે એમના પર દેવતાઓનો આશીર્વાદ છે. જેના પર વિશ્વાસ કરનાર હું પણ હતો. એક વૈદ તરીકે મને લાગતું હતું કે અમૃતરસ બનાવવાની વિધી રાજ ગુરુ કપિલાચાર્યે બધાને યોગ્ય રીતે કોઇપણ ભેદભાવ વગર જણાવી દીધી હતી. પણ વિદ્રોહીઓની વાત પર વિશ્વાસ કરીએ તો રાજ ગુરુએ એક વાત છોડી દીધી હતી. જે અમૃતરસ રાજ પરિવારના સભ્યો માટે બનાવવામાં આવે છે એમાં નાગ પુષ્પ, એક અતિ દુર્લભ પુષ્પ જે દર બાર વર્ષે પવિત્ર કાલી નદીની ખીણમાં ઉગે છે એનો રસ નાખવામાં આવે છે." રેશ્માએ ચોંકીને વિજય તરફ જોયું. એ પણ નવાઇ પામી ગયો. વિજયે આગળ વાંચ્યું, "એ રસની મદદથી જ રાજ પરિવારના સભ્યો ત્રણ શતાબ્દી સુધી જીવી શકે છે. જ્યારે સામાન્ય પ્રજા માટે બનાવવામાં આવતા અમૃતસરમાં આ નાગ પુષ્પનો રસ નથી નાખવામાં આવતો. એટલે જ સામાન્ય લોકો એક શતાબ્દી પણ નથી જીવી શકતા. રાજ પરિવારે અને ખાસ કરીને મહારાજે નાગ પુષ્પનું રહસ્ય રાજમહેલ સુધી સિમિત રાખીને ઘોર અન્યાય કર્યો છે. અને વિદ્રોહીઓ એટલે જ મહારાજને સિંહાસનનો ત્યાગ કરી દેવાની માંગણી કરી રહ્યા છે. હું એમની સાથે છું."
આખી વાંત સાંભળીને રેશ્માની આંખો પહોળી થઇ ગઇ. વિજય પણ આશ્ચર્યચકિત થઇ ગયો. એણે કહ્યું, "જો હું સંબલગઢમાં રહેતો હોત તો હું જરૂર આ વિદ્રોહીઓનો સાથ આપત. મે તને કહ્યું હતું ને કે આ દેવતાઓના આશીર્વાદ વાળી વાત સાવ ખોટી છે? જો હવે તો સાબિત પણ થઇ ગયું."
"નાગ પુષ્પ..." રેશ્મા પોતાના જ વિચારોમાં હતી. એણે વિજયની વાત સાંભળી હતી પણ એને ધ્યાનમાં લીધા વગર એણે કહ્યું, "ક્યારેય નામ સાંભળ્યું છે આ ફુલ નું?" વિજયે નકારમાં માથું હલાવ્યું. રેશ્માએ કહ્યું, "પણ મે એક નાગ પુષ્પ વિશે સાંભળ્યું છે જે હિમાલયના પહાડોમાં ખીલે છે. એ ફુલ દેખાવમાં શેષનાગ જેવું લાગે છે. પણ એ ફુલ તો દર છત્રીસ વર્ષમાં એકવાર ખીલે છે. તને લાગે છે કે અહીંયાં બીજા કોઇ પુષ્પની વાત થતી હશે?"
"કંઇ ખબર નહી. કદાચ આ લોકોએ બીજા કોઇ ફુલ નું નામ પણ નાગ પુષ્પ રાખ્યું હશે. જે અહીંયા કાલી નદીની ખીણમાં ખીલતું હશે. અને આ તો દર બાર વર્ષે ખીલે છે. એટલે એ બંને એક હોવા શક્ય નથી લાગતા."
"હાં એ પણ હોય શકે છે." રેશ્માએ કહ્યું. એને વિક્રમ આવે એટલે એને આ નવી જાણકારી આપવાની છે એમ મનોમન યાદ કરી લીધું.
એટલામાં એક મોટા ધડાકાના અવાજે એનું અને વિજયનું ધ્યાન ખેંચ્યું. બંને સતર્ક થઇ ગયા. એમણે બારી બહાર નજર કરી. ઘણા બધા અર્ધજીવીઓ ઝડપથી ભાગી રહ્યા હતા. એમને ખૂબ જ નવાઇ લાગી. "આ ધમાકો શેનો થયો વળી?" વિજયે પુછ્યું.
"ચાલ છત પર જઇને જોઇએ.." રેશ્માએ છત પર જવા માટે કહ્યું. એ બંને છત પર ગયા. ત્યાંથી દેખાતો નજારો જોઇને એ બંને ચોંકી ઉઠયા.
મોટી સંખ્યામાં અર્ધજીવીઓ વિશાળ દિવાલ તરફ આગળ વધી રહ્યા હતા. એમના ભયાનક અવાજો એ બંનેના કાન ફાડી નાખે એટલા તીવ્ર હતા. રેશ્માએ ચિંતિત નજરે ટાવર તરફ નજર કરી. ટાવર પર કોઇ ન હતું. એને વિક્રમની ચિંતા થઇ આવી. એટલામાં ઘરની પાછળથી અવાજ આવ્યો, "રેશ્મા, વિજય, જલ્દી ચાલો...." રેશ્માએ અવાજની દિશામાં જોયું. ત્યાં વિક્રમ એક નાની ગલીમાં ઈભો હતો. એને જોઇને રેશ્માએ નિરાંત અનુભવી. એણે ઉતરીને તરત જ પુછ્યું, "શું થઇ રહ્યું છે?"
"ધનંજય મહેરા એના માણસો સાથે આવી ગયો છે."
"વ્હોટ?" વિજયને ઝાટકો લાગ્યો. એને આવી જગ્યાએ એના પિતાનો સામનો કરવાનો વિચાર નહોતો કર્યો. હાં એ જવાબો જરૂર જાણવા માંગતો હતો પણ આવી ભયંકર જગ્યાએ નહી.
"ચાલો જલ્દી આપણે મહેલ સુધી પહોંચવું પડશે." વિક્રમે કહ્યું, "આપણી પાસે વધારે સમય નથી. આ બધા જીવો ધમાકાના અવાજથી આકર્ષિત થઇને ધનંજય તરફ જશે એટલા સમયમાં આપણે મહેલ સુધી પહોચી જઇશું. મારી પાછળ આવો." કહીને વિક્રમ બાજુની ગલીમાં ગયો. રેશ્મા અને વિજય પણ એની પાછળ ગયા. વિક્રમે જે પહોળો રસ્તો કે જે સીધો મહેલ તરફ જતો હતો, એના પર ચાલી શકાય એમ ન હતું. કારણ કે ધનંજયે કરેલા ધમાકાના અવાજને કારણે સેંકડો અર્ધજીવીઓ એ રસ્તા પર ઉતરી આવ્યા હતા. એટલે એણે મીનાર પરથી બીજો રસ્તો જે ગલીઓમાંથી પસાર થતો એ શોધી લીધો હતો. જેના પર એ લોકો અત્યારે જઇ રહ્યા હતા. થોડા આગળ વધ્યા પછી એ લોકો ફરી એ જ પહોળા મેઇન રોડ પર આવી ગયા. હવે બધા જ જીવો બહારના દરવાજા તરફ હતા. અને આ લોકો અને મહેલના દરવાજા વચ્ચે કોઇ ન હતું.
પણ હજુ વિક્રમ, રેશ્મા અને વિજય એક ડગલું પણ આગળ વધે એ પહેલ જ રેશ્માને એક જોરદાર ઉબકો આવ્યો. એ આગળ તરફ ઝુકી ગઇ. એના મોઢામાંથી જથ્થાબંધ લોહી જમીન પર પડ્યું. આખું શરીર નીચોવાઇ ગયું હોય એવી પીડા રેશ્માને થઇ. વિક્રમે તરત જ એની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો. વિજય તો નવાઇ જ પામી ગયો હતો. કારણ કે એને ખબર નહોતી કે આ રેશ્માને અચાનક શું થયું.
અચાનક વિક્રમને અહેસાસ થયો કે શું થઇ ગયું છે. એણે તરત જ પાછળ ફરીને જોયું. એ અર્ધજીવીઓ જે કીલાની દિવાલ તરફ જઇ રહ્યા હતા એ ઉભા રહી ગયા હતા. અને પાછળ તરફ ફર્યા. વિક્રમનો ભય સાચો પડ્યો. એ જીવોને રેશ્માના લોહીની ગંધ આવી ગઇ. એમણે ભયાનક ઝડપે રેશ્મા તરફ દોટ મુકી.
એક પણ ક્ષણ ગુમાવ્યા વગર વિક્રમે તરત જ રેશ્માનો હાથ પોતાના ખભા પર નાખીને એને ઉપાડીને દોડવા માંડ્યો. લોહી ફક્ત જમીન પર પડ્યું હોત તો તો કોઇ સમસ્યા ન હતી. પણ રેશ્માના કપડાં અને પગ પર પણ પડ્યું હતું. એટલે એ જીવો રેશ્મા પર પણ હુમલો કરે એ પહેલા જ રેશ્માને લઇને જવી ખૂબ જ જરૂરી હતી.
મહેલ વધારે દુર ન હતો. એ તરત જ સામાન્ય મકાનો પુરા કરીને મહેલ પાસે પહોંચી ગયા. પણ એ જ ક્ષણે એ ઉભા રહી ગયા. ત્રણેયની આંખો ફાટી ગઈ. આગળ રસ્તો જ ન હતો. મહેલ અને એમની વચ્ચે એક પહોળી કેનાલ હતી જેમાં ગંદુ, વાસ મારતું, કાળા રંગનું પાણી ભર્યું હતું. મહેલનો પ્રવેશદ્વાર જમણી તરફ હતો. એ લોકો તરત જ એ તરફ ભાગ્યા. પણ દરવાજાની આગળ જ ત્રણ અર્ધજીવીઓ એમના પર હુમલો કરવા દોડ્યા. વિજયે બંદુકની મદદથી ત્રણેયની ખોપડીઓ ઉડાડી દીધી. એ ત્રણેય ત્યાં જ ઢેર થઇ ગયા.
દરમિયાન વિક્રમ રેશ્માને લઇને આગળ વધ્યો. કેનાલ પાર કરવા માટે એક પુલ બનેલો હતો. દરવાજો મોટો અને મજબુત હતો. અને વજનદાર પણ. વિક્રમે થોડીવાર માટે રેશ્માને સાઇડમાં બેસાડી દીધી. પણ હવે એ સ્વસ્થ થઇ ગઇ હોવાથી એ ઉભી રહી ગઇ. પણ હજુ એ પુરી રીતે સ્વસ્થ નહોતી થઇ. વિક્રમ દરવાજાને ધક્કો મારવા લાગ્યો. પણ દરવાજો જરા પણ હલતો ન હતો. વિજયે એક પાણીની બોટલ રેશ્માને આપી દીધી અને વિક્રમ સાથે દરવાજાને ધક્કો મારવા લાગ્યો. અંતે ઘણાં પ્રયાસો કર્યા બાદ અંતે એક બાજુનો દરવાજો થોડો ખુલી ગયો. એ સાથે જ કેટલાક અર્ધજીવીઓ આવી પહોંચ્યા. વિક્રમે તરત જ રેશ્માને અંદર ખેંચી લીધી. વિજય પણ અંદર આવી ગયો. એ બંને એ દરવાજા પર જોર લગાવ્યું. પણ સામી તરફથી અર્ધજીવીઓ અંદર આવવા માટે ખૂબ જ દબાણ આપી રહ્યા હતા એટલે દરવાજો બંધ નહોતો થતો. એમના ભયાનક ચિત્કારો વાતાવરણને ડરામણું બનાવી રહ્યા હતા. અંતે રેશ્માએ પોતાની ગન ઉઠાવી અને બંને દરવાજા વચ્ચે ઉભેલા અર્ધજીવીઓને ઠાર કરી દીધા. એ ત્યાં જ ઢળી પડ્યા. વિક્રમને એમને લાત મારીને દરવાજો બંધ કરી દીધો. અને એની મોટી કુંડી લગાવી દીધી. જેથી થોડીવાર માટે શાંતિ રહે.
જેવો ખતરો ટળ્યો કે તરત જ વિક્રમે રેશ્માનો હાથ પકડીને ચિંતિત અવાજે પુછ્યું, "તું ઠીક તો છે ને?" રેશ્માએ હકારમાં ગરદન હલાવી. એના શ્વાસની ગતિ વધી ગઈ હતી. વિજયે પુછ્યું, "તને અચાનક આમ લોહીની ઉલ્ટી કઇ રીતે થઇ?"
"હું બીમાર છું." રેશ્માએ કહ્યું. વિજય નવાઇ પામી ગયો. હવે એને સમજાયું થોડા સમય પહેલાં રેશ્મા જંગલમાં બેભાન કેમ થઇ ગઇ હતી. પણ એ આગળ કંઇ બોલે એ પહેલા જ વિક્રમે કહ્યું, "આ બધી વાત આપણે પછી કરીશું. પહેલા અંદર જઇને આખો મહેલ ફંફોળી નાખીએ. આપણે કંઇક શોધવાનું છે." કહીને એ ચાલવા લાગ્યો. રેશ્મા અને વિજય પણ એની પાછળ ચાલવા માંડ્યા.
એ લોકો એક કોરીડોરમાં ચાલી રહ્યાં હતાં. જેની જમણી તરફ સંખ્યાબંધ નાનાં નાનાં થાંભલાઓ લગાવેલા હતાં જેમની વચ્ચેથી બહારનો નજારો જોઇ શકાતો હતો. અને ડાબી તરફ સળંગ દિવાલ પર તલવારો અને સુર્યના ચિહ્ન વાળી ઢાલ લગાવેલી હતી.
આગળ કોરીડોરમાં એક ડાબી બાજુ એક પેસેજ આવ્યો. વિજયે વિક્રમને કહ્યું, "હું આ તરફ જાવ છું. કંઇ મળશે તો એ લઇને સીધો રાજસભામાં આવીશ. એ જ્યાં પણ હશે ત્યાં. તમે પણ ત્યાં જ મળજો." વિક્રમે એની સહમત થતાં કહ્યું, "ધ્યાન રાખજે. અહીંયા પણ અર્ધજીવીઓનો ખતરો હોય શકે છે." વિજયે એની વાતની નોંધ લીધી અને આગળ ચાલ્યો.
થોડે આગળ ગયા પછી રેશ્માએ વિક્રમને નાગ પુષ્પ વાળી વાત કરી. જે સાંભળીને વિક્રમ અચંબામાં પડી ગયો. એણે કહ્યું,"તો એ દેવતાઓના આશીર્વાદ વાળી વાત સાવ ખોટી છે એમને?" રેશ્માએ કહ્યું,"હાં. સદીઓ સુધી આ રાજ પરિવારના લોકો એમના રાજ્યની પ્રજાને બેવકૂફ બનાવતા હતા. પણ પેલા વિદ્રોહીઓને ખબર પડી ગઇ હતી. એટલે એમણે વિદ્રોહ કર્યો હતો."
"એ તો કરે જ ને." વિક્રમે કહ્યું, "વર્ષો સુધી એમના પુર્વજો સાથે અન્યાય થતો આવ્યો હશે. અને આ દેવતાઓના આશીર્વાદ વાળી વાતને લીધે લોકો એમને ખાસ માણસ સમજીને એમની પૂજા કરતાં હશે. એમને પોતાના રાજા માનીને એમને રાજ્યનો કારોબાર સોંપી દીધો હશે. જેના માથા પર દેવતાઓનો હાથ હોય એના પર કોઇ આંગળી પણ ન ઉપાડી શકે. એટલે એમણે એ માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હશે."
"પણ અંતે એમની પોલ ખુલી ગઇ." રેશ્માએ કહ્યું. એ લોકો એક ખંડ પાસેથી ગુજર્યા હશે ત્યાં જ એક અર્ધજીવીએ એમના પર હુમલો કર્યો. પણ તરત જ સમય સુચકતા વાપરીને એ બંને ખંડના દરવાજાની બંને તરફ ઉભા રહી ગયા. એ જીવ એમની વચ્ચે જમીન પર પડ્યું. વિક્રમે એના માથામાં એક ગોળી ઉતારી દીધી. વિક્રમે એનું નિરીક્ષણ કર્યું.
એ અર્ધજીવી એક પુરુષ હતો. એના શરીર પર સફેદ ધોતી જે ખૂબ જ ગંદી અવસ્થામાં હતી,અને ખભા પર સફેદ અંગવસ્ત્ર હતું. બંને બાજુઓ પર બાજુબંધ પહેર્યું હતું. વિક્રમને લાગ્યું કે એ કોઇ રાજ પરિવારનો સભ્ય અથવા તો રાજાના કોઇ મંત્રી કે પુરોહીત કે બીજા કોઇ ઉંચી પદવી ધરાવતો વ્યક્તિ રહ્યો હશે. અને એ આ કમરાં માંથી બહાર આવ્યો છે મતલબ ત્યાં એક વાર ચેક કરી લેવું જોઇએ. એ અને રેશ્મા બંને અંદર ગયા.
* * * * *
જગ્યા જોઇને તો વિજયને લાગ્યું કે હથિયારો રાખવાનું ગોદામ હશે કદાચ. પણ એવું કોઇ ગોદામ મહેલમાં હોતું નથી. એટલે કદાચ આ જગ્યા પર મહેલના સૈનિકોના હથિયારો જમા કરીને રખાતા હશે કદાચ. ત્યાં ઘણા બધા હથિયાર પડ્યા હતા. ઉરુમી, કટારી, તલવાર, ભાલા, ઢાલ, ખંજર, ચક્રમ, આ બધા જ હથિયારો અહીંયા હતા. પણ એની નજર જે વસ્તુ પર પડી એ વસ્તુ કોઇ હથિયાર ન હતી. પણ એક પેટી હતી. શહેરમાં આવ્યા બાદ આ ત્રીજી પેટી એણે જોઇ હતી. એણે એ પેટી ખોલી તો એમાં એક તાડપત્ર હતું. વિજય મનોમન બોલ્યો, "આ સંબલગઢના લોકોની આમ પેટીમાં તાડપત્ર રાખીને મહત્ત્વની ઘટનાઓની નોંધણી કરવાની ટેવ કેટલી સરસ છે. અમને કેટલી કામ આવી રહી છે." એણે તાડપત્ર વાંચવાની શરૂઆત કરી.
"સેનાપતિ ચિરાયુ, આપને આ આદેશ આપવામાં આવે છે કે આપ યુવરાજ સાથે એમના પ્રવાસ પર એમની સાથે જાવ અને એમની રક્ષા કરજો. એમને સુરક્ષિત પંચાવતી સુધી પરત લઇ આવજો." વિજયને યાદ આવ્યું કે સંબલગઢ પંચાવતી રાજ્યનું બીજું નામ હતું. "અને જો યુવરાજને કંઇ થઇ જાય તો યાદ રાખજો, રાજ પરિવારના વંશજોના પવિત્ર દેહનું રક્ષણ કરવું એ પરંપરા છે. યુવરાજના પાર્થિવ દેહનું રક્ષણ કરવા માટે એમની એક કબર બનાવડાવજો. અને આપની સાથે આવેલા જીવિત સૈનિકો અનંત સમય માટે યુવરાજના પવિત્ર દેહની રક્ષા કરે એની વ્યવસ્થા કરી રાખજો. તમે જાણો જ છો કે તમારે એ કેવી રીતે કરવાની છે."
વિજયને કંઇ સમજાણું નહી. પછી એને યાદ આવ્યું કે રેશ્માને રાજસ્થાનમાં આવેલી એકબરમાં કંઇક લખેલું મળ્યું હતું. જેમાંથી એને એ લાશ યુવરાજની હતી એ ખબર પડી હતી. મતલબ એ લખનાર આ સેનાપતિ ચિરાયુ હતો? અને આ દેહના રક્ષણ માટેની વ્યવસ્થા એટલે આ અર્ધજીવીઓ જ હશે. કારણ કે એ જ તો હતાં ને જેમણે યુવરાજની કબરમાં આવેલા બધાને મારી નાખ્યા હતા. પણ હજુ પણ એક પ્રશ્ન એમનો એમ જ છે કે આ યુવરાજનો પ્રવાસ કઇ જગ્યા માટેનો હતો?
* * * * *
વિક્રમે કમરાનું અવલોકન કર્યું. એ રૂમ ખાસ્સો મોટો અને શાનદાર હતો. વચ્ચે એક મોટો ગોળ બેડ હતો. જેના પર મખમલી ચાદર અને ગાદલું પથારેલા હતા. પડદાઓ પણ સુંદર હતા. પણ બે હજાર વર્ષ કોઇ માવજત વગર રૂમની હાલત ખરાબ હતી. મકડીઓના જાળા બધે જ ફેલાએલા હતા. ક્યાંક દિવાલનો રંગ ઉડી ગયો હતો. એણે અને રેશ્માએ રૂમની તલાશી લેવાની શરૂઆત કરી.
"આપણે શું શોધી રહ્યા છીએ?" રેશ્માએ પુછ્યું.
"કંઇ પણ જે આપણને કંઇક જાણકારી આપી શકે. કોઇ તાડપત્ર કે ભોજપત્ર, કે પછી તામ્રપત્ર પણ હશે જ." વિક્રમ બોલી રહ્યો હતો ત્યાં જ એની નજર એક પેટી પર પડી. એવી જ એક પેટી એણે આની પહેલાં પણ એક મકાનમાં જોઇ હતી. જેમાંથી એમને જરૂરી જાણકારી મળી હતી. વિક્રમે એ પેટી ખોલી. દરમિયાન રેશ્મા પણ એની પાસે આવીને ઉભી રહી ગઇ. પેટીમાં એક તાડપત્ર હતું. વિક્રમે વાંચવાની શરૂઆત કરી.......
જેનો ભય હતો એ જ થયું. પંચાવતીનો વિધ્વંસ હવે કોઇ રોકી શકે એમ નથી. એ વિધ્વંસ કે જે મહારાજ જયવર્ધનની લાલચે આમંત્રિત કર્યો છે....."
(ક્રમશઃ)
* * * * *