પ્રકરણ - 32
"આખરે આ ભયાનક જીવો છે શું?" રાજીવે ગુસ્સેથી કહ્યું, "અને અહીં આવ્યા ક્યાંથી?"
ધનંજયે કહ્યું, "મને પણ કંઇ સમજાતું નથી. આ શહેરમાં કોઇ ભયાનક ઘટના ઘટી હોય એવું લાગે છે."
"એ જે હોય તે.." વનિતાએ કહ્યું, "આપણે અહીંથી બહાર નીકળી જવું જોઇએ. અહીંયા ખૂબ જ ખતરો છે."
"નહીં..." મોટા અવાજે ધનંજયે કહ્યું, "હું સંબલગઢનું રહસ્ય જાણ્યા વગર અહીંથી નથી જવાનો. અને એનો મતલબ કે તમે બંને પણ મને છોડીને નહીં જાઓ." પોતાની ગન વનિતા અને રાજીવ તરફ કરતાં એણે ઉમેર્યું, "સમજી ગયાં ને?"
વનિતા કંઇ ન બોલી. રાજીવે પણ મોં ફેરવી લીધું. આજ સવારે જ ધનંજયને જ્યારે ખબર પડી કે વિક્રમ ફરાર થઇ ગયો છે ત્યારનો એ ખુબ જ ગુસ્સે ભરાયો હતો. વિક્રમ પોતાની નાક નીચેથી નીકળી ગયો એ વાત એના ઇગો પર વાગી. એણે તરત જ ચાલવાનું કહીને પશ્ચિમ તરફ જવાનો નિર્ણય કર્યો.
કલાકો સુધી ચાલ્યા પછી એકાએક એક વિશાળ દિવાલ સામે આવીને ઉભી રહી જતાં ધનંજય ખુશીનો માર્યો ઉછળવા લાગ્યો હતો. અને પછી ઘણા પ્રયત્નો કર્યા પછી પણ દિવાલમાં કોઇ દરવાજો ન દેખાતા અંતે બે ચાર ગ્રેનેડની મદદથી દિવાલમાં છેદ કરવામાં આવ્યું હતું. એ છેદમાંથી અંદર આવીને થોડા આગળ ગયાં ત્યાં જ બધી દિશાઓમાંથી આ ભયાનક અને વિકૃત જીવોએ એમના પર હુમલો કરી દીધો હતો. જેમાં પોતાના ત્રણ માણસોએ એમનો જીવ ગુમાવી દીધો એ જોઇને રાજીવને ખૂબ જ દુઃખ થયું હતું. પોતાનો જીવ બચાવવા માટે બધા લોકો એક મકાનમાં છુપાઇ ગયા હતા.
રાજીવની નજર બારી બહાર હતી. એ ભયાનક જીવો એની નજર સામે એના માણસના આંતરડા ખાઇ રહ્યાં હતાં. એ જોઇને રાજીવને સુગ ચડી અને એ અંદર ચાલ્યો ગયો.
"મને નથી લાગતું કે વિક્રમ અહીંયા આવ્યો હશે." અંદર આવીને રાજીવે ધનંજયને કહ્યું, "એની પાસે કોઇ હથિયાર પણ નથી અને દિવાલ એટલી ઉંચી છે કે કુદીને આવવું પણ પોસિબલ નથી. એટલે મને નથી લાગતું કે એ કે રેશ્મા અહીંયા હોય."
જવાબમાં એણે કહ્યું, "હવે આપણે એ બંનેની જરૂર નથી. એમનું કામ આપણાને આ શહેર સુધી લઇ આવવાનું હતું. હવે જ્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ તો એ જીવે કે મરે મને કોઇ ફેર નથી પડતો." બોલતી વખતે ધનંજયનો ચહેરો ભાવહીન હતો.
"આપણે આગળ શું કરવું જોઈએ?" દર્શે પુછતાં ધનંજયે કહ્યું, "આપણે જે જોઇએ છે તે આપણને મહેલમાં મળી જશે. આ જીવોથી બચીને આપણે મહેલ સુધી જવાનું છે."
"આમાં કેટલો ખતરો છે એ ખબર છે તમને?" રાજીવે કહ્યું.
"અમને આવા ખતરાઓથી બચાવવા માટે જ તો તમને અને તમારા માણસોને પૈસા આપ્યા છે.." ધનંજયે કડક અવાજમાં કહ્યું, "ભૂલી ગયા કમાન્ડર?"
રાજીવે કહ્યું, "હું ભૂલ્યો નથી. પણ મારા ફક્ત બે જ માણસો બચ્યા છે. અને અહીંયા મોટી સંખ્યામાં આ ભયાનક જીવો ફરી રહ્યા છે. એમનો સામનો કરીને બહાર કઇ રીતે નિકળીશું?"
"મારી પાસે એનો રસ્તો છે.." ધનંજયે કહ્યું. એના ચહેરા પર પણ એક લુચ્ચું સ્મિત ફર્યું.
"શું પ્લાન છે તમારો?" શંકાસ્પદ અવાજમાં રાજીવે પુછ્યું. જવાબ આપવાને બદલે ધનંજયે દર્શના કાનમાં કંઈક કહ્યું. દર્શે એક નજર એના પર નાખી. પછી એ રાજીવના એક માણસ પાસે ગયો અને એના ખભે હાથ મૂકીને કહ્યું, "ઓલ ધ બેસ્ટ.." રાજીવને કે એના એ માણસને કંઇ સમજાણું નહીં. અને હજુ એ કંઇ સમજે એ પહેલાં જ દર્શે એની પકડ મજબૂત કરી અને એક હાથે એ માણસને પકડીને બીજા હાથે દરવાજો ખોલ્યો. રાજીવની આંખોમાં ભય ઉતરી આવ્યો. એ તરત જ દર્શને રોકવા આગળ વધ્યો પણ ધનંજયે એને રોકી લીધો. એટલામાં જ દર્શે એ માણસને ધક્કો મારીને દરવાજાની બહાર ફેંકી દીધો. જ્યાં વિકૃત જીવોનું ટોળું એના જ એક સાથીના આંતરડા ખાઇ રહ્યું હતું. એ જીવોની નજર એ માણસ પર પડી. એની આંખોમાં મોત દેખાય આવી. એણે તરત જ ડાબી તરફના રસ્તે દોટ મુકી. વિકૃત જીવો પણ એની પાછળ દોડ્યા.
રાજીવ સ્તબ્ધ થઇનૂ આ જોઇ રહ્યો. પણ એ એના માણસને બચાવવા માટે કંઇ ન કરી શક્યો. એને પોતાના પર ઘૃણા થવા લાગી. અને ધનંજય પર ગુસ્સો આવ્યો. એણે ખિન્ન અવાજે પુછ્યું, "તમે આવું કઇ રીતે કરી શકો છો?"
ધનંજયે એક કુટિલ હાસ્ય સાથે કહ્યું, "એ માણસે પોતાની કુરબાની આપીને આપણો જીવ બચાવ્યો છે." પછી એણે બધાને સંબોધતા કહ્યું, "બધા ભયાનક જીવો એ માણસ પાછળ ડાબી તરફ ગયા છે. મતલબ જમણી તરફનો રસ્તો સાફ હશે. ચલો.. આપણે જલ્દી અહીંથી નીકળીને મહલ તરફ જવું જોઈએ." કહીને એ ચાલવા લાગ્યો. દર્શ પણ એની પાછળ ગયો. એક દયાભરી દ્રષ્ટિ રાજીવ પર નાખીને વનિતા પણ ચાલી ગઇ. અંતે ભારી કદમો સાથે રાજીવ અને એનો છેલ્લો સાથી પણ એમની પાછળ ગયા.
* * * * *
"જ્યારે મહારાજ મારી પાસે આવ્યા ત્યારે મને જરા પર અપેક્ષા ન હતી કે તેઓ આવી વિચિત્ર માંગ કરશે. રાજગુરુ તરીકે હું હંમેશાંથી જાણતો હતો કે મહારાજ જયયવર્ધન એમના પિતા વીરવર્ધનની જેમ ઉદાર અને પરોપકારી સ્વભાવના નથી...."
"એક મિનિટ..." રેશ્મા વચ્ચે બોલી એટલે વિક્રમે વાંચવાનું બંધ કર્યું. રેશ્માએ પુછ્યું, "વીરવર્ધન તો જયવર્ધનનો દીકરો હતો ને? જ્યારે આ રાજગુરુએ તો એને જયવર્ધનનો પિતા દર્શાવ્યો છે."
"આટલી નાની વાત તું ભૂલી ગઇ રેશ્મા?" વિક્રમે કહ્યું, "ઇતિહાસમાં રાજ પરિવારના ઘણા વંશજોના નામ એક સરખા જ રાખી દેતાં હતાં. આપણા ગુજરાતના મૈત્રક વંશના છેલ્લા છ રાજાઓનું નામ શિલાદિત્ય હતું યાદ છે? શિલાદિત્ય બીજો, ત્રીજો એમ કરીને સાતમાં સુધી. એવી જ રીતે આ રાજા જયવર્ધનનો દિકરો વીરવર્ધન પણ વીરવર્ધન બીજો હશે. અથવા તો ત્રીજો, અથવા ખબર નહી કેટલામો હશે.."
"હાં સમજી ગઇ... હવે આગળ વાંચ."
વિક્રમે આગળ વાંચ્યું, "મહારાજની આજ્ઞા સામે મારે નમવું પડ્યું. અને અંતે અમે અમૃતરસમાં પરિવર્તન કરીને કેટલાક સ્વયંસેવકો પર પ્રયોગો શરૂ કર્યા. પણ એના ખૂબ જ વિચિત્ર અને ભયાનક પરિણામ આવશે એની તો કોઇએ કલ્પના પણ નહોતી કરી. આ મિસરથી આવેલ તત્વ ખુબ જ રહસ્યમય અને ભયાનક છે."
આગળ કંઇ લખ્યું ન હતું. વિક્રમે રેશ્મા તરફ મુંઝવણ ભરી નજર નાખી. એને પણ એ જ વિચારો આવી રહ્યા હતા જે વિક્રમને આવતા હતા.
રેશ્માએ કહ્યું, "સંબલગઢમાં માણસો પર પ્રયોગો થતાં હતાં? આખરે કેવો રાજા હતો જે પોતાની જ પ્રજા પર પ્રયોગો કરતો હતો?" રેશ્માના અવાજમાં ઘૃણા ચોખ્ખી વર્તાતી હતી.
"ક્યાંક આ અર્ધજીવીઓ આવા એકાદ પ્રયોગનું પરિણામ તો નહીં હોય ને?" વિક્રમે શંકા જતાવી. રેશ્માએ એની સામે જોઇને કહ્યું, "કદાચ હોય પણ શકે છે. અને આ બધામાં મિસર એટલે ઇજિપ્તનો ઉલ્લેખ ક્યાંથી આવ્યો? લાગે છે કે સંબલગઢનો ઇજિપ્ત સાથે સંબધ રહ્યો હશે." પછી એણે કમરામાં નજર ફેરવતા કહ્યું, "અહીંયા હવે વધુ કંઇ જાણવા મળે એમ નથી. ચાલ આગળ જઇએ." એ બંને ત્યાંથી નીકળી ગયા.
* * * * *
જેવો વિજય એ ખંડની અંદર ગયો એવો જ એક અર્ધજીવીએ એના પર આક્રમણ કરી દીધું. અચાનક થયેલા પ્રહારને લીધે વિજય જમીન પર પડી ગયો. અને એ જીવ એની ઉપર પડી ગયું. એ બંનેના મોઢા સામસામે આવી ગયા. એનો ભયાનક સડેલો ચહેરો અને સંપુર્ણ લાલ આંખો જોઇને વિજયના હ્રદયમાંથી ભયની એક કંપારી છૂટી ગઇ. એ જીવે તરત જ વિજયના ચહેરા પર દાંત ખુંપાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો. વિજય પોતાના બંને હાથથી એના ખભાં પકડીને એને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ એ જીવમાં ખુબ જ તાકાત હતી. વિજયે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ એ જીવ એના પરથી હટી નહોતું રહ્યું. અંતે એણે એક હાથથી એ જીવને રોક્યું અને બીજો હાથ આજુબાજુ ફેરવ્યો. એના હાથમાં એક ફુલદાની આવી ગઇ. એણે પુરી તાકાતથી એ ફુલદાની એ જીવના માથા પર મારી. એ જીવ એના પરથી હટી તો ગયું પણ તરત જ ઉભું થઇને વિજય પર પ્રહાર કરવા ગયું. પણ વિજયે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની ગન કાઢીને એના માથામાં એક ગોળી પરોવી દીધી. એ જીવ ત્યાં જ પડી ગયું. વિજય પલંગના ટેકે બેસી ગયો. એનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. શ્વાસની ગતિ પણ વધી ગઇ હતી. થોડીવાર બાદ સ્વસ્થ થઇને એણે કમરામાં નજર ફેરવી.
રૂમ મોટો અને ભવ્ય હતો. પ્રાચીન સંરચના વાળી ડિઝાઇનના કબાટ સોફા અને ખુરશીઓ સાથે કમરામાં મધ્યમાં એક ગોળ પલંગ હતો. મકડીના ઝાળા હટાવીને એણે આજુબાજુ માં કંઇક કામની વસ્તુ શોધવાનો પ્રયત્ન કર્યો. એના હાથમાં એક તામ્રપત્ર આવ્યું. અત્યાર સુધી એને તાડપત્ર જ મળ્યા હતા. આ પહેલું તામ્રપત્ર જોઇને એને લાગ્યું કે આ રાજ પરિવારના સદસ્ય માટે હશે. એણે વાંચવાનું શરૂ કર્યું, "યુવરાજ, આપ વિશ્વવિદ્યાલયના પ્રવાસ પરથી તુરંત પાછા આવી જાવ એની આશા સાથે આ પત્ર લખી રહી છું. નગરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તમે ગયા એ પછી વધારે ગંભીર થઇ ગઇ છે. આપના ગયા બાદ આપના ભાઇ રાજકુમાર વીરવર્ધનને લીધે મને એકલાપણું નહોતું લાગતું. પણ પરિસ્થિતિ બગડતાં એ પણ પડોશી રાજ્યો પાસે સહાયતા માંગવા ગયા છે. તમે પાછા આવી જાવ એટલે વહેલી તકે મહારાજ અને મહારાણી તમને રાજા ઘોષિત કરીને આપણા વિવાહ કરાવી દેવા માંગે છે. હું આપની પ્રતિક્ષા કરી રહી છું......"
વિજયે એક શ્વાસ છોડ્યો. એણે વિચાર્યું, તો આ પત્ર યુવરાજ શુદ્ધોદનની ભાવિ પત્ની દ્વારા લખેલો છે. વિજયના મનમાં એના માટે લાગણી ઉભરાઇ ગઇ. બીચારી કન્યા નવી જીંદગીના સપના જોઇ રહી હતી. પલકો બીછાવીને યુવરાજની રાહ જોઇ રહી. બે હજાર વર્ષ પછી પણ એ પાછો નથી આવ્યો અને આવશે પણ નહી. એક વાત એને યાદ આવી કે પત્ર પ્રમાણે યુવરાજ કોઇ વિશ્વવિદ્યાલયના પ્રવાસે ગયા હતા. જ્યારે રેશ્માએ કહ્યું હતું કે યુવરાજ સિંધુ નદી પાસે... ઓહ્... યસ્સ...વિજય સમજી ગયો કે શુદ્ધોદન ક્યાં ગયો હતો.
* * * * *
"આ વિકૃત જીવો તો મરી ગયા હોય એવું લાગે છે." રાજીવે કહ્યું. એની નજર ફર્શ પર પડેલા જીવો પર હતું. જેમના શરીરમાંથી કાળા રંગનું લોહી નીકળી રહ્યું હતું. "લોહી તાજુ છે. મતલબ હાલમાં જ મર્યા છે."
"પણ આમને માર્યા કોણે હશે?" વનિતાએ કહ્યું. એટલામાં રાજીવની નજર જમીન પર પડી. ત્યાં જે વસ્તુ પડી હતી એ લઇને એણે ધનંજયને બતાવી. ધનંજયે જોયું તો એ એક બૂલેટ શેલ હતું. એણે નવાઇ સાથે રાજીવ સામે જોયું. રાજીવે કહ્યું, "આ જીવો પર ગોળીઓ ચલાવવામાં આવી છે. એનો મતલબ..."
"મતલબ વિક્રમ અહીંયા આવી ગયો છે.." ધનંજયે કહ્યું, "અને સંભવ છે કે રેશ્મા પણ એની સાથે જ હોય શકે છે. અને એ લોકો મહેલની અંદર જ છે." ધનંજયની પાછળ એ લોકો મહેલના દરવાજાથી અંદર મહેલમાં ચાલ્યા ગયા.
* * * * *
વિક્રમ અને રેશ્મા સાવધાની પૂર્વક આગળ વધી રહ્યા હતા. એક લાંબા કોરીડોરમાં એ લોકો ચાલી રહ્યા હતા. આગળ જતા કોરીડોર બે રસ્તામાં ફંટાઇ ગમો. એકમાં ઉપર તરફ જતી સીડીઓ હતી. જ્યારે બીજો આગળ જઇ રહ્યો હતો. રેશ્મા આગળ ગઇ જ્યારે વિક્રમ સીડીઓ ચડીને ઉપરના માળે ગયો.
રેશ્મા આગળ વધી ત્યાં જ એક અર્ધજીવીએ એનો પગ પકડીને એને પાડી દીધી. રેશ્માએ તરત જ ત્યાં થી ભાગવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એ પોતાને ઢસડીને આગળ વધવા માંડી પણ એ જીવે એને એમ કરવા ન દેતાં એનો પગ પકડી રાખ્યો હતો. પણ એ પહેલાં કે એ જીવ એના પગમાં બટકું ભરી લે રેશ્માએ એના બીજા પગની લત એના મોઢા પર મારી દીધી. રેશ્માના વજનદાર બૂટ અને રેશ્માની પાવરફૂલ કિકને લીધે એ જીવની ગરદન ભાંગી ગઈ. અને એની પકડ છુટી ગઇ. તરત જ રેશ્માએ ઉભાં થઇને એ જીવના માથામાં બે ત્રણ ગોળીઓ નાખી દીધી. પછી એણે જોયું કે એ જીવના પગ ન હતા એટલે એ આમ ઢસડાઈ રહ્યું હતું. પોતાના શ્વાસ કાબુમાં કરીને એ આગળ વધી.
* * * * *
વિક્રમે સીડીઓ ચડી લીધી ત્યાં ફરી એક લાબો કોરીડોર આવ્યો. કોરીડોરનાં અંતે એક દરવાજો હતો. અને જમણી બાજુ નાના નાના થાંભલાઓ હતાં જે નીચેના એક સમયે ભવ્ય પણ અત્યારે ડરામણા બની ગયેલા શહેરનો નજારો દેખાય રહ્યો હતો. વિક્રમ આગળ ચાલતો ગયો. અંદર જઇને એણે દરવાજો ખોલ્યો. આ રૂમ અત્યાર સુધીમાં જેટલા પણ રૂમ જોયા એમાં સૌથી વધારે ભવ્ય હતો. અંદર મોટા પલંગ અને સોનાના વાસણો, દાગીના અને પડદા પણ સોનેરી કલરના લગાવેલા હતા. વિક્રમને આ રૂમ કદાચ રાજરાણીનો અથવા તો યુવરાજનો હોય એવું લાગ્યું. આ રૂમમાં કોઇ મહત્વની જાણકારી મળી શકે છે એ જાણીને વિક્રમે તલાશી લેવાની શરૂઆત કરી. અહીં ઘણા તાડપત્રો પડ્યા હતા. વિક્રમે એક પછી એક તાડપત્રો જોવા માંડ્યા. એમાંથી થોડા તાડપત્રોમાં દવાઓ અને ચિકિત્સાની માહિતી આપી હતી. પછી તાડપત્રોના ઢગલા વચ્ચે એની નજર એક તામ્રપત્ર પર પડી. તામ્રપત્ર જોઇને એ નવાઇ પામી ગયો. એણે વાંચવાની શરૂઆત કરી.
"મારા પ્રિય પુત્રો, તમારે આ જાણવાની જરૂર છે. તમે બંને જ્યારે તમારા પ્રવાસ પરથી પરત ફરશો ત્યારે પંચાવતીનો વિનાશ થઇ ચુક્યો હશે." વિક્રમને લાગ્યું કે આ સંદેશ જરૂર મહારાજ કે મહારાણીએ લખ્યો હશે. અને એના પ્રવાસે ગયેલા પુત્રો મતલબ યુવરાજ શુદ્ધોદન અને રાજકુમાર વીરવર્ધન. એણે આગળ વાંચ્યું, "પણ તમે બંને આ વિધ્વંસ પાછળના કારણથી અજાણ છો. જ્યારે તમે પરત આવશો ત્યારે હું જીવીત હોઇશ કે નહીં એ મને ખબર નથી. પણ આ સંદેશો તમને જરૂર મળી જશે. જેમાં મે પંચાવતીના વિનાશ પાછળનું કારણ આપ્યું છે... અને એ કારણ એ છે કે...."
(ક્રમશઃ)
* * * * *