શ્રાપિત ખજાનો - ૧ Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - ૧

પ્રસ્તાવના

આ નવલકથા તમને રહસ્ય, રોમાંચ સસ્પેન્સ, અને એડવેેેન્ચર ની એક જોરદાર સફર પર લઇ જશે.

ખજાનો... આ શબ્દ સાંભળતાં જ આપણને નજરે ચડે છે સોનાના સિક્કા અને હીરા મોતી થી ભરેલી એક પેટી... ખજાનાની શોધ સાહસિકો માટેની મન પસંદ પ્રવૃત્તિ રહી છે. અને ઘણા વાચકોને આવી કથા વાચવાનો શોખ હોય છે. તો એમના માટે પેશ છે આ નવલકથા...શ્રાપિત ખજાનો..

આ રચના સંપુર્ણ પણે કાલ્પનિક છે. અને એનો એકમાત્ર હેતુ મનોરંજન છે.

એક જવાન અને નવેનવો આર્કિયોલોજીસ્ટ, એનો એક પ્રતિસ્પર્ધી અને એક વર્ષો જૂનું રહસ્ય.. અને એની જ સાથે શરૂ થાય છે એક ખજાનાને હાસિલ કરવાની દોડ..એવો કયો ખજાનો છે જે વરદાન ની સાથે સાથે શ્રાપિત પણ છે.. જાણો આ નવલકથામાં

ચેપ્ટર :1

ઇ. સ. 1999
એના હાથ ધ્રુજી રહ્યા હતા. એને ખબર હતી કે જે એ કરી રહ્યા હતા એ એમણે નહોતું કરવું જોઇતું. પણ હવે એ થઇ ગયું હતું. હવે કોઇપણ જાતની સુરક્ષા એમનો જીવ બચાવી શકે એમ નથી. એટલા માટે એણે એક આખરી ઉપાય અજમાવ્યો. એણે ટેબલ પર પડેલ વોકી-ટોકી ઉપાડ્યું અને એમાં એક બટન દબાવીને એ બોલવા લાગ્યો...

" હેલ્લો.... હેલ્લો.. કોઇ સાંભળી રહ્યું છે? ઓવર..

" જો કોઇ સાંભળી રહ્યું હોયને તો હું જણાવવા માંગુ છું કે પ્રો.નારાયણને કહી દેજો કે સાઇટ નં. 83 ઉપર એક ભયાનક ઘટના ઘટી ગઈ છે. "

એટલામાં બહારથી એક જોરદાર ચીખ સંભળાઇ.. એણે તંબુની બહાર જોયું. એક માણસના આકારનો પડછાયો. જમીન પર પડ્યો હતો. અને એની છાતી પર એક ભયાનક આકૃતિ બેઠી હોય એવું લાગતું હતું. જમીન પર સુતેલા માણસનાં મોઢામાંથી એક મરણતોલ ચીસ નીકળી. અને થોડી જ ક્ષણોમાં એનું શરીર હલતું બંધ થઇ ગયું. આ નજારો જોઇને એના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. એણે તરતજ વોકી-ટોકી પર ફરી બોલતા કહ્યું કે, "પ્રો.નારાયણને કહી દેજો કે આ સાઇટ હંમેશા માટે બંધ કરી દે.. અહીંયા મૃત્યુનું તાંડવ થઇ રહ્યું છે.. .. ઓવર એન્ડ આઉટ."

એટલામાં એ ભયાનક આકૃતિ તંબુની અંદર આવી ગઇ અને વાતાવરણમાં એક જોરદાર દાર ચીખ સંભળાઇ.

* * * * * * * * * *

ઇ. સ. 2009
અમદાવાદ શહેરની એક હોટલમાં એક યુવતીએ પ્રવેશ કર્યો. રાતના સાડા દસ વાગ્યા હતા એટલે હોટલમાં જાજી ભીડ ન હતી. પણ જેટલા હતા એ બધાની નજર એ યુવતી પર મંડાઈ. એણે કાળા કલરનું ટોપ પહેર્યું હતું. અને બ્લ્યુ ડેનિમ જીન્સ પહેર્યું હતું. એમા એણે ખુલ્લા વાળ રાખવાથી એ કયામત લાગી રહી હતી. એનો સુંદર ચહેરો, બદામ જેવી આંખો, એની આંખોમાં એક પ્રકારનો નશો હતો. હોટલમાં આવેલા પુરૂષોની નજરતો એની સુંદરતા પર મંત્રમુગ્ધ થઈને ચોંટી ગઈ હતી. અને એમની સાથે આવેલી સ્ત્રીઓની ઇર્ષ્યાને લીધે.

દરવાજેથી થોડે અંદર આવીને એણે આજુબાજુ નજર ફેરવી. પણ એ જેને શોધી રહી હતી એ ન દેખાતા એણે કાઉન્ટર પાસે જઈને એણે ત્યાં ઉભેલી છોકરીને કંઇક પુછ્યું. જવાબમાં પેલી છોકરીએ પોતાના હાથ વડે હોટલનાં ડાબા ખુણે રાખેલખ ટેબલ પર આંગળી ચીંધી. એ યુવતીએ આંગળીની દિશામાં નજર ફેરવી. એના ચહેરા પર હળવી સ્માઇલ આવી. પછી તે એ તરફ ચાલી.

એ ટેબલ પાસે જઇને એણે જોયું તો ત્યાં એક આદમી બેઠો હતો. એની નજર કિતાબમાં મંડાયેલી હતી. એના ચહેરા અને યુવતીની વચ્ચે એ કીતાબ આવતી હતી. એથી એ યુવતીએ એ કીતાબ એક ઝાટકે ખેંચી લીધી.

આવા અચાનક થયેલા ઝટકાને લીધે એ માણસને આશ્ચર્ય થયું. પછી એણે એ વ્યક્તિ તરફ જોયું. અને એના ચહેરા પરના ભાવમાં જરા પણ ફેરફાર ન થયો. એણે એ યુવતીની આંખોમા આંખ પરોવીને જોયું.

એ યુવતીએ એક છાપું એ વ્યક્તિ તરફ ફેંકીને કહ્યું, " આ જો વિક્રમ, આજના છાપામાં શું સમાચાર આવ્યા છે.."

વિક્રમે એ છાપું ઉપાડીને જોયું. છાપાની હેડલાઇન કંઇક આમ હતી..
" મશહૂર ખોજકર્તા પ્રો.આદિત્ય નારાયણનું ગઇ કાલે રાત્રે નિધન થઇ ગયુ. તબીબોના કહેવા અનુસાર એમને રાત્રે હાર્ટએટેક આવ્યો હતો. અને એ એમના માટે જીવલેણ સાબિત થયો. "
ખબર વાંચીને વિક્રમે એ યુવતી સામે જોયું અને કહ્યું, "હા.. રેશ્મા.. મને ખબર છે કે એ મરી ચુક્યા છે. આજે સવારે જ ખબય પડી. "

રેશ્મા વિક્રમની સામેની ખુરશીમાં બેસી ગઈ. અને એણે વિક્રમને કહ્યું," એમનું મૃત્યુ આપણા માટે એક ચાન્સ છે.. "

"કોઇની મૃત્યુ આપણા માટે ચાન્સ કઇ રીતે હોઈ શકે છે રેશ્મા?" વિક્રમે જરા અણગમા નાં ભાવથી કહ્યું.

"વિક્રમ.. આપણે બંને આર્કિયોલોજીસ્ટ છીએ.(આર્કિયોલોજીસ્ટ એટલે કે જે જુના પુરાણા ખંડેરોનો અભ્યાસ કરતા હોય તે..) અને અત્યાર સુધીમાં આપણી લાઇનમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિઓ માંથી એક હતા. પ્રો.નારાયણ. એમણે કેટલી એવી શોધ કરી હતી જેણે આપણા ઇતિહાસમાં સોનાના અક્ષરોથી લખવામાં આવશે. અને મારા હાથમાં એક એવી જાણકારી લાગી છે કે જે શોધ કર્યા પછી આપણું નામ પણ આખી દુનિયામાં છવાઇ જશે. "

" વાઉ... તો તું અહીયા શું કામ આવી છો.. જા એ શોધ કરી નાખ.. આમેય એ એમની સાથે કામ કરવા માટે તો તું મને છોડીને ચાલી ગઈ હતી. " વિક્રમે એક વ્યંગબાણ છોડતા કહ્યું.

રેશ્મા પર એની અસર થઈ. એને ખબર હતી કે આ વાત વિક્રમ જરૂર સામે લાવશે. એ ઘડીભર નીચું જોઇને બેસી રહી. પછી પોતાને સ્વસ્થ કરતા તે બોલી, " વિક્રમ, આપણા બંનેના અલગ થવાનું કારણ શું હતું એ ચર્ચા કરવા હું નથી આવી. હું અહીં આવી છું. કારણ કે મારે તારી મદદ જોઇએ છે."

"અને તને એવું શું કામ લાગે છે કે હું તારી મદદ કરીશ?" વિક્રમે સવાલ કર્યો.

"કારણ કે આ એક એવી વાત છે જે સાંભળ્યા પછી તું જાતે જ મારી મદદ કરવા તૈયાર થઈ જઇશ." રેશ્માએ કહ્યું.

" તને યાદ છે આપણો સૌથી પહેલો પ્રોજેક્ટ? "

વિક્રમને આંચકો લાગ્યો. એને ઘડીભર તો સમજાયું નહીં કે રેશ્માએ શું કહ્યું.. પણ જ્યારે એ સમજ્યો ત્યારે એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એણે કહ્યું," એક... મિનિટ... એક.. મિનિટ.. તુ આપણા એ પ્રોજેક્ટની વાત કરી રહી છે ને?. રેશ્મા હું તને સમજાવી ચુક્યો છું કે એ પ્રોજેક્ટ માત્ર સમયની બરબાદી હતો. આપણે જે શોધી રહ્યા હતા એ માત્ર એક દંતકથા હતી. એના સાચા હોવાના કોઇ પુરાવાઓ આપણને નહોતા મળ્યા."

"હા.. મને ખબર છે. " રેશ્માએ કહ્યું." પણ પ્રો.નારાયણને એ પુરાવા અને એ જગ્યા પણ. અને એમનો રેકોર્ડ એમણે એમના ઘરે બનાવેલી પર્સનલ લાઈબ્રેરીમા રાખેલો છે. "

" કોણે કહ્યું તને આ? " વિક્રમે સવાલ કર્યો.

" મે જાતે એ જોયા છે." રેશ્માએ કહ્યું.

" એ શક્ય નથી." વિક્રમે કહ્યું," અને જો એવું જ હોત તો તું એ પૂરાવા તારી સાથે અહીંયા કેમ ન લાવી?તારા માટે તો એ બોવ સહેલું કામ છે.. "

" હું અહીંયા નથી લાવી એનું એક કારણ છે.." રેશ્માએ કહ્યું, " આજથી લગભગ છ મહિના પહેલા જ્યારે હું તેમની ઓફિસમાં કામ કરી રહી હતી ત્યારે મારી નજર એક ફાઇલ પર પડી. મે એ ફાઇલ ખોલીને જોયું ત્યારે મને એમા એક ઓપરેશનની જાણકારી મળી જે રાજસ્થાનના કોઇ વિસ્તારમાં હતું. હું પુરુ સરનામું વાંચું એ પહેલા તો આદિત્ય સર આવી ગયા અને મારા હાથમાંથી ફાઇલ છીનવી લીધી. અને તરતજ બંધ કરીને મુકી દીધી. અને મને 'એ ફાઇલ પ્રાઇવેટ છે. એ જોવાની તારે જરૂર નથી.' કહીને વોર્નિંગ આપી દીધી. બીજા દિવસે એ જ જગ્યાએ જઇને મે જોયું તો એ ફાઇલ ત્યા ન હતી. "

" પણ એનો આપણા જુના પ્રોજેક્ટ સાથે શું સંબંધ? " વિક્રમે પુછ્યું.

" કારણ કે એક દિવસ મે એમને કોક સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા હતા. એ કહી રહ્યા હતા કે 'તું સારી રીતે જાણે છે કે હું સંબલગઢની શોધ હવે ફરી શરૂ નહીં કરૂ. એટલે તું પણ હવે એ વિશે મને પરેશાન કરવાનું બંધ કરી દે. તને ખબર છે ને કે મારે શું કિમત ચુકવવી પડી હતી.... હા એની ફાઇલ મારી પાસે સુરક્ષિત છે. તું એની ચિંતા ન કર... ના.. એ ફાઇલ હું તને નહીં આપું.. કોઇ ત્યાં ન જાય એમાં જ બધાની ભલાઇ છે.' કહીને એમણે ફોન મુકી દીધો." રેશ્માએ કહ્યું.

સંબલગઢ નું નામ સાંભળતાં વિક્રમ ખુરશીમાંથી બેઠો થઇ ગયો. એને પોતાના કાનો પર વિશ્વાસ ન આવ્યો. તો શું પ્રોફેસરે સંબલગઢ શોધી લીધું હશે? તો શું એમને એ મળી ગયું હશે. તો શું એ બધી કથાઓ સાચી હતી.?

વિક્રમે પોતાના આશ્ચર્યને કાબુમાં કર્યો અને એ વાત પુછી જેના પર એનું ધ્યાન ગયું હતું, "પ્રોફેસરે એવું શું કામ કહ્યું હતું કે ત્યાં ન જવામાં બધાની ભલાઈ છે?"

રેશ્માએ કહ્યું, "માત્ર એક વ્યક્તિ એ જાણતો હતો અને તે અત્યારે કબરમાં આરામ કરે છે."

"તને એવું શું કામ લાગે છે કે એ ફાઇલ લાયબ્રેરીમાં છે?" વિક્રમે પુછ્યું.

" કારણ કે એમના ઘરમાં સૌથી સેફ જગ્યા એ લાયબ્રેરી છે. કારણ કે એમણે ત્યાં એક મેટલ ડોર મૂકેલો છે. જેમા પાસવર્ડ સિસ્ટમ રાખેલ છે. અને એનો પાસવર્ડ માત્ર તેમને જ ખબર હતી. એમની પત્ની કે પુત્રને પણ નહીં. " રેશ્માએ કહ્યું.

" મતલબ હવે એ દરવાજો હંમેશા માટે લોક રહેશે. " વિક્રમે કહ્યું.

" હા. " રેશ્માએ કહ્યું." અને એ ફાઇલ પણ ત્યાં જ હોવી જોઈએ. "

" હવે સૌથી મહત્વો પ્રશ્ન, " વિક્રમે રેશ્મા તરફ ઝુકીને કહ્યું," આ બધું તું મને શું કામ જણાવી રહી છે? તારે મારી શું મદદ જોઇએ છે?"

" હું ઇચ્છું છું કે તું એ લાયબ્રેરીમાં ઘુસીને એ ફાઇલ ચોરી કરી લે..."

(ક્રમશઃ)

* * * * * * * * * *

આનું પ્રથમ પ્રકરણ તમને કેવું લાગ્યું એનો અભિપ્રાય જરૂર આપશો..

અજય ચાવડા..