શ્રાપિત ખજાનો - 5 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 5

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું

વિક્રમ પ્રોફેસર નારાયણની લાયબ્રેરીમાં જઇને સંબલગઢનું રહસ્ય સાચવેલી ફાઇલ ચોરી લાવે છે અને એ અને રેશ્મા બંને રાજસ્થાન જવાની તૈયારી કરે છે. દરમિયાન એક રહસ્યમય વ્યક્તિ પ્રોફેસરની લાયબ્રેરીમાં જઇને એ ફાઇલ ત્યાં ન જોતા વિક્રમ સાથે પંજા લડાવવાનો નિર્ણય લે છે. હવે આગળ...

ચેપ્ટર - 5

વિક્રમે આંખો ખોલી. સામે દિવાલ પર લટકાવેલી ઘડિયાળ પર એની નજર પડી. આઠ વાગવા આવ્યા હતા. એ પથારીમાંથી આળસ મરડીને ઉભો થયો. આંખો ચોળીને એણે એક બગાસું ખાધું. પછી એણે પલંગની ડાબી બાજુ રહેલી બારી પર નજર કરી. બારીની બહારથી બિકાનેર શહેરનો સુંદર નજારો દેખાય રહ્યો હતો. રાજસ્થાનના ઘણા જુના શહેરોમાંથી એક એવું બિકાનેર ખુબ જ સુંદર અને સમય સાથે ચાલતુ એક આધુનિક શહેર છે. પોતાના જુના કિલ્લા, મંદિરો અને બીજી ઘણી જોવાલાયક સ્થળો સાથે બિકાનેર શહેર રાજસ્થાનના નકશામાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. અને આ જ શહેરમાં અત્યારે વિક્રમ અને રેશ્મા આવ્યા હતા પોતાની આગળના સફરની તૈયારી માટે.

હજુ ગઇકાલે સાંજે જ વિક્રમ અને રેશ્મા અમદાવાદથી અહીં આવ્યા હતા. અને વિક્રમના જુના મિત્ર રાકેશના ઘરે રોકાયા હતા. રાકેશ અને વિક્રમ એક સાથે સ્કૂલમાં ભણતા અને ત્યારથી જ બંને ખાસ મિત્રો હતા. અત્યારે રાકેશના ઘરની બારીમાંથી વિક્રમ બિકાનેર શહેરનો લ્હાવો માણી રહ્યો હતો ત્યાં જ દરવાજે ટકોર પડી. ટકોર સંભળાતા વિક્રમનું ધ્યાન દરવાજા તરફ ગયું. એણે જઇને દરવાજો ખોલ્યો. સામે એક લગભગ ત્રીસ વર્ષની સ્ત્રી ઉભી હતી. એ જ્યોતિ હતી. રાકેશની પત્ની. લગભગ સરેરાશ દેખાવ વાળી જ્યોતિ સ્વભાવે પણ એકદમ શાંત અને ઓછાબોલી હતી. એણે વિક્રમને કહ્યું, " વિક્રમભાઇ, નાસ્તો તૈયાર છે. તમે નિચે આવી જાવ." જવાબમાં વિક્રમે સ્મિત સાથે માથું ધુણાવ્યું. પછી જ્યોતિ ચાલી ગઈ. અને વિક્રમ પણ હાથ મોઢું ધોવા ચાલ્યો ગયો.

થોડીવાર પછી વિક્રમ, રેશ્મા, રાકેશ અને જ્યોતિ બધા એક સાથે ડાયનિંગ ટેબલ પર બેઠા નાસ્તાની મજા લઈ રહ્યા હતા. રેશ્મા રાકેશ અને જ્યોતિને પહેલીવાર મળી રહી હતી તેથી એ ખાવામાં શરમાઇ રહી હતી. પણ જ્યોતિ અને એને ખુબ સારૂ ભળી ગયું હતું. જેથી બંને નાસ્તાની સાથે વાતોના ગપાટાં મારી રહી હતી. બીજી બાજુ વિક્રમ અને રાકેશ એકબીજાને નાનપણથી ઓળખતાં હતાં. જેથી બંને બચપણની યાદો તાજી કરી રહ્યા હતા. અને સાથે જ ટેબલ પર ગુજરાતી અને રાજસ્થાની વાનગીઓ ગોઠવાયેલી હતી.

નાસ્તો પતાવીને વિક્રમ અને રાકેશ હોલના સોફા પર પડ્યા. અને જ્યોતિ રસોડામાં પોતાનું કામ કરવા ચાલી ગઇ. અને એની ઘણી આનાકાની કરવા છતાં રેશ્મા એની મદદ માટે એની સાથે ગઇ. અને આમ કરવા પાછળ એનો હેતુ એ પણ હતો કે વિક્રમ અને રાકેશને થોડો પર્સનલ ટાઇમ આપે જેથી વિક્રમ પોતાના જુના મિત્ર સાથે શાંતિથી વાત કરી શકે અને એમનના આગળના સફરની પ્લાનિંગ જે એના મગજમાં છે એના પર અમલ મુકે.

આ બાજુ વિક્રમ અને રાકેશ બંનેના ચહેરા પણ ઘણા સમય પછી મળ્યાનો આનંદ ચોખ્ખો દેખાય રહ્યો હતો. રાકેશ મૂળ ગુજરાતી હતો પણ અહીયા એને સરકારી નોકરી મળતા તે અહી રેવા આવ્યો હતો અને પછી બિકાનેરમાં જ સેટલ થઇ ગયો. જ્યારે વિક્રમે પોતે આર્કિયોલોજીસ્ટ નું ભણતર પુરૂ કરીને અમદાવાદમાં જ રહેવાનું નક્કી કરેલું. પણ બંને એકબીજાના ટચમાં હંમેશા રહેતા. એટલે જ રાકેશ રેશ્મા વિશે જાણતો હતો પણ રેશ્મા એને ઓળખતી ન હતી.

વાતો વાતોમાં રાકેશે વિક્રમને પુછ્યું," તમે બંનેએ હજુ લગ્ન નથી કર્યા? કાલે તમે બંને અલગ અલગ રૂમમાં સુવાનું કહ્યું ત્યારે મને ઘણું વિચિત્ર લાગ્યું..
વિક્રમના ચહેરા પરનું સ્મિત ઓસરી ગયું. એણે જવાબ આપ્યો," નહીં યાર.. હવે અમે બંને સાથે નથી."

એનો જવાબ સાંભળીને રાકેશને ખૂબ આશ્ચર્ય થયું. એણે કહ્યું, " યાર મને તો એમ હતું કે તમે બંને જલ્દી જ લગ્નના તાંતણે બંધાઈ ગયા હશો. પણ આ બધું કઇ રીતે થયું?"

" એ બધી બોવ લાંબી કહાની છે. હું તને આરામથી ક્યારેય કરીશ. અત્યારે તો અમે બંને એક જરૂરી કામથી આવ્યા છે અને એમાં તારી મદદ જોઇએ છીએ." વિક્રમે વાતનો રૂખ બદલતાં કહ્યું.

રાકેશે કહ્યું," ઓ.કે. બોલ હું તારી શું સહાયતા કરી શકું? "

" વેલ કંઇ મોટું કામ નથી. અમારે ગજનેર જઇને ત્યાંથી દક્ષિણમાં રણની અંદર આવેલી એક જગ્યા પર જવું છે. એ માટેનો બધો જ જરૂરી સર સામાન અને એની વ્યવસ્થા કરવા માટે તારી સહાયતાની જરૂર છે." વિક્રમે કહ્યું.

" લે. એટલી નાની વાત. " રાકેશે કહ્યું, "એ બધું તો તું જાતે જ કરી શકે છે. એમાં મારી શું જરૂર? "

વિક્રમે કહ્યું," હાં એ તો છે જ. પણ સૌથી વધારે જે વસ્તુની જરૂર છે એ તું જ મેળવી શકે છે. "

" અને એ શું છે? " રાકેશે શંકાસ્પદ અવાજમાં પુછ્યું.

" અમારે બે બંદુકની જરૂર છે. " વિક્રમે ઘટસ્ફોટ કરતા કહ્યું.

રાકેશને ઝટકો લાગ્યો. એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એણે અવાજ નીચે કરીને પુછ્યું," તમારે બંદુકની શું જરૂર છે? એવું કેવું કામ છે જેમાં બંદુકની જરૂર છે."

વિક્રમે જવાબમાં પોતાનું સંબલગઢ અને એના અંહી આવવા પાછળનું કારણ જણાવ્યું.

ફરી એકવાર રાકેશને ઝટકો લાગ્યો. એ સોફા માંથી ઉભો થઇ ગયો. એ વિક્રમ તરફ ફાટી આંખે જોઇ રહ્યો. એને વિક્રમના શબ્દો પર વિશ્વાસ ન આવ્યો. એણે પુછ્યું," તું સાચું બોલી રહ્યો છે?" જવાબમાં વિક્રમે હકારમાં માથું હલાવતા કહ્યું, " મને ખબર છે કે તારા કેટલાક કોન્ટેક્ટ છે જે અમને બંદૂક આપી શકે એમ છે. તો તું એમનો જુગાડ કરીને અમને બે બંદુક અને પુરતી ગોળીઓ ની વ્યવસ્થા કરી આપજે."

રાકેશે ફરી સોફા પર બેસતા કહ્યું," હા એ તો હું તને મેળવી દઇશ પણ તું મને એ જણાવ કે તે તો આ સંબલગઢને શોધવાનો નિર્ણય માંડી વાળેલો પણ ફરી પાછી એ જ શોધ."

જવાબમાં વિક્રમે કહ્યું," વર્ષો પહેલાં સંબલગઢની શોધને એટલે પડતી મુકેલી કારણ કે મને એના વાસ્તવિક હોવાનાં સબુત મળ્યા ન હતા. પણ થોડા દિવસો પહેલા મને ખબર પડી કે એક પ્રોફેસરને સંબલગઢની વાસ્તવિક હોવાનો પુરાવો પણ મળ્યો છે. પણ એ હવે આ દુનિયામાં નથી. એટલે હવે ફરી એકવાર હું એ જ રસ્તા પર જઇ રહ્યો છું."

રાકેશ ધ્યાનપૂર્વક એની વાત સાંભળી રહ્યો હતો. એણે વિક્રમને કહ્યું," યાર.. તું આ શોધ કરીને સંબલગઢનું રહસ્ય દુનિયા સામે મુકીશ એની મને ખાતરી છે. ચાલ આપણે બજારમાં જઇને તારા કામની વસ્તુઓ ભેગી કરી લઇએ. "

" ઓ.કે." કહીને એ ઉભો થયો અને રેશ્માને બોલાવી. રેશ્મા રસોડામાંથી બહાર આવી. વિક્રમે કહ્યું, " આપણે બજારમાં જવાનું છે. ચાલ તૈયાર થઈ જા." રેશ્માએ હકારમાં માથું હલાવ્યું અને એ પોતાના રૂમમાં ચાલી ગઇ. પાંચ મિનિટ પછી એ જીન્સ અને ટીશર્ટમાં તૈયાર થઇને આવી. એ અને વિક્રમ રાકેશ સાથે રાકેશની કારમાં બેસીને બજારમાં તરફ નીકળી ગયા.

* * * * * *

બજારમાં જઇને વિક્રમ અને રેશ્માએ સફર માટેની જરૂરી વસ્તુઓ જેવી કે એક મજબૂત બેગ, બે નાની કોદાળી જે ખોદકામમાં કામ આવે અને સાચવવામાં પણ સહેલી પડે., બે નાનકડી ટોર્ચ, મેડિસિન, કેમેરો. વગેરે...

શહેરમાંથી બધી જરૂરી વસ્તુ ખરીદીને એ લોકો શહેર બહાર જ્યાં રાકેશે કહ્યું હતું ત્યાં ગયા. શહેરની બહાર વસ્તીથી થોડે દૂર એક દુકાન હતી.. ત્યાં એક માણસ બેઠો હતો. એ માણસ પાસે જઈને રાકેશે કહ્યું, " દો ઘોડે ઔર ઉનકે લિયે ઘાસ ચાહિયે." જવાબમાં પેલા માણસે કહ્યું, " પાની લાયે હોં?"
રાકેશે કહ્યું, " હાં પુરા પાની લાયા હું." એ સાંભળીને પેલો વ્યક્તિ અંદર ગયો. વિક્રમ અને રેશ્મા આ બંનેની વાતચીત સાંભળી રહ્યા હતા પણ એમને કંઇ ટપો પડતો ન હતો. એટલે એ બંને જેમ રાકેશે એમને કરવાનું કહ્યું હતું એમ ચૂપચાપ ઉભા હતા. થોડીવાર પછી એ માણસ બીયરનું એક બોક્સ લઇ આવ્ઓ અને એ બોક્સ વિક્રમ અને બીજા બેયની સામે ખોલ્યું. એ બોક્સમાં બે નાની બંદૂક અને એના માટેની ગોળીઓના બોક્સ હતા. વિક્રમે એ ગન હાથમાં લઈને ચકાસી. ગન ચકાસ્યા બાદ વિક્રમે રેશ્માને ઈશારો કર્યો. રેશ્મા થોડે દૂર પાર્ક કરેલી કારમાંથી એક પેકેટ લઇ આવી જેમાં પૈસા હતા તે પૈસા એણે દુકાન વાળા માણસને આપી દીધા. વિક્રમે બીયરનું બોક્સ ઉપાડી લીધું અને ગાડીમાં રાખી દીધું.

ત્યાંથી એ ત્રણેય રાકેશના ઘરે આવ્યા. રાકેશે જ્યોતિને આ બધાથી દૂર રાખી હતી એટલે એને કંઇ જ ખબર ન હતી. અને એ જ એના માટે સારૂ હતું. કારણ કે રાકેશ જાણતો હતો કે વિક્રમની લાઇનમાં ક્યારેક ક્યારેક જીવનો જોખમ પણ હોય છે.

બિકાનેરથી ગજનેર રોડના રસ્તે એક કલાકમાં પહોંચી શકાય એમ હતું. અત્યારે સવારના સાડા નવ વાગ્યા હતા. એક કલાકમાં વિક્રમ અને રેશ્મા બંને નિકળવાના હતા. રેશ્મા જ્યોતિને મળીને વિદાય લઇ રહી હતી. જ્યોતિને પણ એની સાથે મૈત્રી બંધાઈ ગઈ હતી જેથી રેશ્માના જવાનુ એને દુઃખ હતું. રેશ્માને પણ એની મૈત્રી પસંદ પડી ગઈ હતી. પણ અત્યારે જવું જરૂરી હતું.

એક કલાક પછી રાકેશે બોલાવેલી ભાડાની ગાડી આવી ગઇ કને વિક્રમ અને રેશ્મા એમાં બેસીને ગજનેર તરફ નીકળી પડ્યા. સંબલગઢની શોધમાં.

પણ જે વાતની એમને ખબર ન હતી એ એ હતી કે રાકેશના ઘરની સામેની ઇમારતનાં છત પરથી એક વ્યક્તિ એમનાં પર નજર રાખી રહ્યો હતો.

(ક્રમશઃ)

* * * * * *