ચેપ્ટર - 30
"આ જીવો તારી તરફ આવશે ત્યારે તું મંદિરની બહાર નીકળીશ કઇ રીતે?"
વિક્રમના આ સવાલનો જવાબ રેશ્મા પાસે ન હતો. થોડીવાર વિચાર્યા બાદ એણે કહ્યું, "તું ચિંતા ન કર. હું કંઇક જોઇ લઇશ." કહીને એ સીડીઓથી નીચે ઉતરી ગઇ. પાછળની સાંકડી ગલી સુમસાન હતી. અહીં એકપણ વિકૃત જીવો નહોતા દેખાય રહ્યાં. એણે આગળ જઇને એક મકાનની દિવાલના સહારે ડોકિયું કર્યું.
એની ડાબી તરફ થોડે દૂર એ જીવોનું ટોળું ઉભું હતું અને મકાનની છત પર વિક્રમ અને વિજય ઉભા હતા. વિક્રમની નજર રેશ્મા પર હતી. રેશ્માએ વિક્રમને ઇશારો કર્યો. વિક્રમ અને વિજયે બંનેએ પોતાના હાથ પર એક નાનો ઘાવ કર્યો. લોહીના બે ચાર ટીંપા એમણે નીચે ઉભેલા એક જીવ પર પડવા દીધા.
જેવા એ ટીંપા એ જીવ પર પડ્યા કે એમના સ્વભાવમાં આક્રમકતા આવી ગઇ. બીજા જીવો જેના પર લોહી પડ્યું હતું એના પર તૂટી પડ્યા અને એને બચકા ભરવા લાગ્યા. જાણે એ એને ખાઇ જ જશે.
આ જ મોકો હતો. રેશ્માએ તરત જ દોટ મુકી. એ જીવો જ્યાં સુધી લોહીની ગંધ માંથી બહાર આવે ત્યાં સુધીમાં રેશ્મા ત્યાંથી નીકળી ગઇ. મંદિર દુર ન હતું. પણ એ તરત જ ઉભી રહી ગઈ. મદિરના પગથિયાં અને એની વચ્ચે એક જીવ ઉભું હતું. આ જીવ પણ બીજા જીવો જેવું જ હતું. માણસનું શરીર પણ વિકૃત ચામડી. પણ અહીંયા એક ફેર હતો. આ જીવે બીજા જીવોની જેમ ધોતી નહોતી પહેરી. પણ એનું શરીર એક મહિલાનું હતું જેના પર એણે સાડી પહેરી હતી.
એણે રેશ્મા પર હુમલો કર્યો. પણ રેશ્માએ નીચે નમીને પોતાને બચાવી લીધી અને ક્ષણનો પર વિલંબ કર્યા વગર એ સ્ત્રી જીવ ના પગ પર એક લાત મારી દીધી. એ જીવ ત્યાં જ પડી ગયું. અને રેશ્મા તરત જ સીડીઓ ચડી ગઇ.
મંદિરમાં સુંદર કોતરણી વાળા થાંભલાઓ અને છતમાં પણ સુંદર નારીઓની મૂર્તિઓ ઘડેલી હતી. ગર્ભગૃહમાં રાખેલી મૂર્તિ વરાહ દેવની હોય એવું લાગ્યું. રેશ્માએ મંદિરની સુંદરતામાં ખોવાયા વગર જ મંદિરમાં લગાવેલી ચારેય ઘંટીઓ પકડીને પુરા ફોર્સ સાથે એકબીજા સાથે ટકરાવી દીધી.
વિક્રમ અને વિજયે હાથમાં પટ્ટી બાંધી દીધી ત્યાં ઘંટીઓના અવાજને લીધે એમનું ધ્યાન મંદિર તરફ ગયું. રેશ્માએ ઘંટીઓ વગાડી દીધી હતી. 'ટન્ન.... ટન્ન.....' નો અવાજ આખા વાતાવરણમાં ફેલાઇ ગયો. વિક્રમ અને વિજયે નીચે નજર કરી. એ બંને ચોંકી ઉઠયા.
જે વિકૃત જીવો થોડીવાર પહેલા એમના જીવ પાછળ પડ્યા હતા એ હવે એકદમ શાંત થઇ ગયા હતા. એમના ગળામાંથી નીકળતા વિચિત્ર ચિત્કારો પણ બંધ થઇ ગયા હતાં. અને એ લોકો શાંતિથી ધીમે ધીમે ચાલીને મંદિર તરફ જવા લાગ્યા. વિક્રમ અચંબા સાથે એ નજારો જોઇ રહ્યો. વિજય એટલો અચંબિત ન હતો કારણ કે એ આ નજારો બીજી વખત જોઇ રહ્યો હતો. જેવા એ જીવો એમનાથી યોગ્ય દુરી પર ગયા એટલામાં જ વિક્રમ અને વિજય બંને યોજના પ્રમાણે એ ઘરમાંથી નીકળીને તરત જ થોડે દૂર આવેલા એક મોટા બે માળના મકાનમાં આવી ગયા.
બીજી બાજુ રેશ્માને ખબર ન પડતી હતી કે એ ત્યાંથી નીકળશે કઇ રીતે. એટલામાં જ એણે બહાર નીકળીને જીવોની વિરુદ્ધ દિશામાં ભાગવાનો પ્રયાસ કર્યો. પણ એ કોઇ સાથે ટકરાઇ ગઇ અને જમીન પર પડી ગઇ. એના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે એણે જોયું કે એ એક જીવ સાથે ટકરાઇ હતી. પણ એ જીવે કંઇ પ્રતિભાવ ન આપ્યો. રેશ્મા ઉભી થઇને સાઇડમાં ઉભી રહી ગઈ. એ જીવ એની બાજુમાંથી પસાર થઈ ગયું. રેશ્માને સમજાતું નહોતું કે શું થયું પણ સમય નથી એ યાદ આવતા જ એ યોજના પ્રમાણે થોડે દૂર આવેલા એક મોટા મકાન તરફ ભાગી.
મકાનમાં પહોંચીને રેશ્માએ તરત જ દરવાજો બંધ કરી દીધો. હવે ઘંટીઓનો અવાજ બંધ થઈ ગયો હતો. વિક્રમ એને ભેટી પડ્યો. રેશ્મા સહીસલામત પાછી આવી ગઇ એ જોઇને એને નિરાંત વળી. અલગ થઇને એણે રેશ્માને પુછ્યું, "તું બચી કેવી રીતે ગઇ?"
"ઘંટીઓના અવાજની આ જીવો પર કંઇક ખાસ જ અસર થાય છે." રેશ્માએ કહ્યું, "હું એક જીવ સાથે ભટકાઇ ગઇ હતી પણ છતાંય એની એના પર કંઇ અસર ન થઇ. એ તો બસ ઘંટી તરફ આગળ વધી રહ્યા હતા."
"વિક્રમ, રેશ્મા, જલ્દી આ જુઓ." વિજયની નજર ઘરની બારી બહાર હતી. ઘરમાં રોજની વપરાશની વસ્તુઓ પડી હતી. દિવાલોમાં બનેલા ખાનાઓ, સુવા માટે વપરાતી ચટાઇઓ, માટલા અને બીજી વસ્તુઓ. બે હજાર વર્ષની ધૂળના થરો જામેલા હતા એ અલગ.
વિક્રમ અને રેશ્મા બંને વિજય પાસે આવીને બારી બહાર નજર કરી. એ બંને નવાઇ પામી ગયા. બહાર એક જીવ ફરી રહ્યું હતું. પણ એ બીજા બધા જીવો કરતા સાવ અલગ હતું. એની ત્વચા એકદમ ગોરી હતી. અને એના કપડાં પણ ભારતીય નહી પરંતુ કોટ પેન્ટ અને જેકેટ પહેરી હોય એવું લાગતું હતું.
વિક્રમે કહ્યું, "કપડાં પરથી તો આ ભારતીય નહીં પણ ફિરંગી(પોર્ટુગીઝ) લાગે છે." વિજય અને રેશ્મા બંને એની સાથે સહમત થયા. કમરાની અંદર આવીને વિક્રમે કહ્યું, "આ જીવો ખૂબ જ વિચિત્ર છે. જોઇને એવું લાગતું નથી કે એ કોઇ અલગ પ્રકારની પ્રજાતિ કે બીજું કંઇ હોય."
"મને પણ એવું જ લાગી રહ્યું છે." રેશ્માએ કહ્યું, "મંદિર પાસે મારો સામનો એક જીવ સાથે થયો હતો એના કપડાં અને શરીરની બનાવટ પરથી એ એક સ્ત્રી હોય એવું લાગતું હતું."
"તમને બંનેને પણ એ જ લાગી રહ્યું છે ને જે મને લાગી રહ્યું છે?" વિજયે બંનેને પુછ્યું.
માથું હલાવીને વિક્રમે કહ્યું, "આ જીવો જરૂર એક સમયે માણસો રહ્યા હશે."
"અને માણસો મતલબ સંબલગઢની પ્રજા.." રેશ્માએ કહ્યું. એ લોકોને ખબર હતી કે આ ખૂબ જ ગંભીર વસ્તુ છે. એક આખા શહેરની પ્રજાની આવી હાલત કેમ થઇ ગઇ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે.
"એક વાત તો છે," વિજયે કહ્યું, "આ લોકો મર્યા નથી. પણ સાથે સાથે આ લોકો જીવિત પણ નથી. જીવન અને મૃત્યુની વચ્ચે અટકી ગયા હોય એવું લાગે છે. અર્ધજીવીઓ હોય એવું કહી શકાય."
વિક્રમે કહ્યું, "અને જો આ પ્રજા છે તો એનો મતલબ અહીંયા આખા શહેરમાં હજારોની સંખ્યામાં આ અર્ધજીવીઓ હશે." વિજય અને રેશ્મા ચોંકી ઉઠયા. મતલબ એ ત્રણ જીવિત વ્યક્તિઓ સામે હજારોની અર્ધજીવીઓની ફૌજ. ખબર નહી કેવી રીતે એ લોકો સંબલગઢનું રહસ્ય જાણીને એનો ખજાનો શોધી શકશે?
એટલામાં વિક્રમની નજર એક પેટી પર પડી. સેમ આવી જ પેટી એણે ઇન્દ્રપુરમાં પણ જોઇ હતી. જેમાં એને ઇન્દ્રપુરના સભા પ્રમુખનો લખેલો સંદેશો મળ્યો હતો. કદાચ આમાં પણ એવું કંઇક હશે એ જોઇને એણે એ પેટી ખોલી. એના આશ્ચર્ય વચ્ચે એમાં સાચે જ એક તાડપત્ર હતું. જેમાં કંઇક લખેલું હતું.
"આ તો એક તાડપત્ર છે." વિક્રમે કહ્યું. રેશ્માએ કહ્યું, "શું લખ્યું છે વાંચ તો." એણે રેશ્મા અને વિજય તરફ જોયું. એ બંનેના ચહેરા પર પણ એના જેવા જ હાવભાવ છવાયેલા હતા. વિક્રમે એમાં લખેલી વાંતો વાંચવાની શરૂઆત કરી.
"અમને તો ખબર નથી પડતી કે વિદ્રોહીઓ રાજ પરિવાર પર આવડો મોટો આરોપ કઇ રીતે લગાવી શકે છે. રાજ પરિવારે ક્યારેય પ્રજા સાથે અધર્મ કર્યો નથી. એ તો એમના પર દેવાતાઓનો આશીર્વાદ છે એટલે અમૃતરસની મદદથી રાજ પરિવારના સભ્યો ત્રણ શતાબ્દી સુધી જીવિત રહી શકે છે. જ્યારે સામાન્ય પ્રજા એક શતાબ્દીથી ઓછા વર્ષો સુધી જીવિત રહી શકે છે. પણ વિદ્રોહીઓ ઇર્ષ્યાને લીધે રાજ પરિવાર અને મહારાજ જયવર્ધન પર આરોપ લગાવી રહ્યા છે. અમારો પરિવાર આ વિદ્રોહીઓ સાથે સહમત નથી."
આખું વાંચ્યા બાદ વિક્રમના હોશ ઉડી ગયા. એ જ હાલ રેશ્મા અને વિજયના થયા. એ ત્રણેય એમાં લખેલી વાતો સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ લખાણ પરથી ઘણી વાતો સિદ્ધ થઇ રહી હતી. એક તો એ કે ફક્ત રાજ પરિવારના સદસ્યો જ ત્રણસો વર્ષ સુધી જીવી શકતા હતા. જ્યારે જ્યારે સામાન્ય પ્રજા સો થી ઓછા વર્ષ સુધી જીવતી રહી શકતી હતી. જ્યારે મહારાજનું નામ જયવર્ધન છે.
"વિક્રમ," રેશ્માએ ઉત્સુક અવાજે કહ્યું, "આમાં લખ્યા પ્રમાણે આ અમૃતરસની મદદથી જ આ લોકો આટલા વર્ષો સુધી જીવી શકતા હતા. રાઇટ...?"
"હાં.." વિક્રમના અવાજમાં ઉત્તેજના ભળી, "સંબલગઢનો ખજાનો આ અમૃતરસ છે."
વિક્રમની વાતે રેશ્મા અને વિજયના રોમરોમ માં રોમાંચ ભરી દીધો. આટલી મુસીબતો સહન કર્યા બાદ આખરે એ લોકોએ સંબલગઢનું રહસ્ય ખોજી નાખ્યું. હવે જ્યારે એ આ શહેરનું રહસ્ય દુનિયા સમક્ષ મૂકશે ત્યારે આખી દુનિયામાં એમની જ ચર્ચા થશે.
જ્યારે રેશ્મા દુનિયાની પરવા નહોતી કરતી. એના માટે તો આ અમૃતરસ એના જીવનમાં અમૃત બનીને જ કામ કરવાનું છે. આ જ એની બીમારીનો ઇલાજ છે.
"એક વસ્તુ વિચારવા જેવી છે." વિક્રમે કહ્યું, "તમને શું લાગે છે આ રાજ પરિવાર પર દેવતાઓના આશીર્વાદ વાળી વાતમાં કંઇ તથ્ય હોય શકે છે?"
રેશ્મા અને વિજયે એકબીજા સામે જોયું. વિક્રમનો પ્રશ્ન ઉચિત હતો. સામાન્ય માણસોનો એક પરિવાર જેના પર દેવતાઓનો હાથ હોય એ વાત જરા અતિશયોક્તિ ભરી લાગતી હતી.
વિજયે કહ્યું, "મને નથી લાગતું કે આમાં કંઇ સાચું હોય. કારણ કે વાત ખૂબ જ વિચિત્ર છે."
એની વાત પર રેશ્માએ કહ્યું, "હા પણ એક સત્ય એ પણ છે કે આ અમૃતરસનો રાજ પરિવાર પર એક ખાસ પ્રભાવ પડતો હતો. એ લોકો ત્રણ સદી સુધી જીવતા હતા. જ્યારે સામાન્ય પ્રજા ફક્ત એક સદી. આ ફક્ત એક સંજોગ ન ગણી શકાય. કંઇક તો હતું રાજ પરિવાર વિશે જે એમને સામાન્ય મનુષ્યોથી અલગ પાડતું હતું."
"હાં એ તો છે." વિક્રમે કહ્યું, "અને મને લાગે છે કે રાજ્યમાં જે વિદ્રોહ થયો હતો એની પાછળ પણ એ જ કારણ જવાબદાર હશે."
રેશ્માએ કહ્યું, "મને લાગે છે કે આપણે આ વિદ્રોહની ચર્ચા કરવાની કોઇ જરૂર નથી. આપણો મતલબ ફક્ત સંબલગઢનો ખજાનો એટલે કે અમૃતરસની જાણકારી મેળવવા સાથે રાખવો જોઈએ. પછી આપણે જીવતા બહાર પણ નીકળવું છે."
"અને એ પણ મારા પપ્પાની નજરમાં આવ્યાં વગર." વિજયે યાદ અપાવતા કહ્યું. વિક્રમ અને રેશ્મા બંને ધનંજયની વાત નીકળતા સતર્ક થઇ ગયા. ફરી વિજયે કહ્યું, "બે હજાર વર્ષ પછી આપણને અમૃતરસનો કોઇ સેમ્પલ મળે એવું મને નથી લાગતું. પણ કદાચ શહેરમાં કોઇ એક જગ્યાએથી અમૃતરસ બનાવવાની વિધી મળી જશે. જેમાં અમૃતરસમાં વપરાતા ઘટકો અને એને બનાવવાની રીત લખી હોય."
"એક કામ થઇ શકે છે. જેનાથી આપણને આપણા દરેક સવાલનો જવાબ મળી શકે છે." વિક્રમે કહ્યું.
"ક્યું કામ?"
"આપણને આપણા બધા સવાલોના જવાબ એક જ જગ્યાએ મળી શકે છે. અને એ છે રાજમહેલ." વિક્રમે બોલ્યો એ સાથે જ રેશ્મા અને વિજય નવાઇ પામી ગયા. વિક્રમે વાત આગળ વધારી, "રાજમહેલમાં આપણને આપણાં બધા સવાલોના જવાબો મળી શકે છે. જેમ કે યુવરાજ શુદ્ધોદન અને રાજકુમાર વીરવર્ધન ક્યાં ગયા હતા એ, અને આ વિદ્રોહનું કારણ અને એનું પરિણામ, અને ખાસ કરીને અમૃતરસ બનાવવાની પુરી પ્રક્રિયા પણ ત્યાં મળી જશે."
વિક્રમની વાત સાંભળીને ત્રણેયની અંદર એક નવી ઉર્જાનો સંચાર થયો. હવે એમની પાસે આગળ વધવાની દિશા મળી ગઇ હતી. બસ હવે ત્યાં સુધી પહોંચવાની જરૂર છે.
"પણ મહેલ કઇ બાજુ છે? મતલબ અહીંથી મહેલ દેખાતો ન હતો." વિજયે કહ્યું.
"મોટે ભાગે મહેલ શહેરના કેન્દ્રમાં હશે. અને આ મકાન બે માળનું છે તો ચાલો છત પર જઇને આજુબાજુનું અવલોકન કરી લઇએ." રેશ્માએ કહ્યું. પછી એ ત્રણેય છત તરફ આગળ વધ્યા.
છત પર ચડીને એમણે ચારે તરફ નજર કરી. ચારે તરફ ખંડેર અવસ્થામાં પણ ભવ્ય લાગે એવા મકાનો દેખાય રહ્યાં હતાં. ખાસ કરીને લીલોતરી વધુ દેખાય રહી હતી. એટલામાં વિક્રમની નજર મહેલ પર પડી. એ મહેલ અહીંથી ચોખ્ખો દેખાતો હતો. મહેલ ચારેક માળનો હોય એવું લાગતું હતું. અહીંથી જ ખુબ જ વિશાળ અને સુંદર લાગતો એ મહેલ પાસે જઇને કેટલો સુંદર લાગશે એ વિક્રમ વિચારવા લાગ્યો.
"મહેલ તો સામે દેખાય છે." વિજયે કહ્યું, "પણ કયો રસ્તો ત્યાં સુધી જાય છે એ જોઇને જ આગળ વધવું પડશે."
"એમાં જોવાનુ શું છે?" રેશ્માએ કહ્યું, "આ નીચેના રસ્તામાં ઉતરી જઇને મહેલની દિશામાં આગળ વધતા રહીએ એટલે પહોંચી જઇશું મહેલ સુધી."
"વિજયની વાત સાચી છે રેશ્મા.." વિક્રમે કહ્યું, "તું સરખી રીતે નીચે જોઇશ તો તને ખબર પડશે કે અહીંયાં ગલીઓની ભુલભુલામણી ફેલાએલી છે. કેટલી કેટલી ગલીઓ એકબીજા સાથે જોડાય છે. આપણે કોઇપણ જાણકારી વગર એમાં ન ઉતરાય. એ ન ભુલ કે જેવા આપણે રસ્તા પર નીકળીશું એવાં જ આ અર્ધજીવીઓ આપણી પાછળ આવશે. અને જો આપણે કોઇ એવા રસ્તા પર ચડી ગયા જેના અંતે કોઇ મકાન કે દિવાલ આવી જતી હોય, તો એવાં સમયે આપણે પણ અર્ધજીવીઓ બનીને અહીંયા ભટકતા રહીશું."
"ઓહ્.." રેશ્માને વિક્રમની વાત સમજાય ગઇ. એટલે હવે પહેલા એમણે શહેરનો વિસ્તાર અને ગલીઓ વિશે જાણી લેવું જોઇએ. અને રેશ્માને લાગ્યું કે એ જાણકારી મેળવવા માટે કોઇ ઉંચી જગ્યાએ ચડીને જોઇ શકાય એમ છે. એમ કરવાથી દૂર સુધી જોઇ શકાશે.
રેશ્માએ પાછળ તરફ જોયું. એ નવાઇ પામી ગઈ. એમનાથી થોડે દૂર એક મિનાર ઉભી હતી. એ મીનારની દિવાલો પર સુંદર કોતરણી અને નાની નાની મૂર્તિઓ બનાવેલી હતી. આ તરફથી મીનારની ત્રણ બાજુઓ દેખાતી હતી. મતલબ કદાચ મીનારનો પાયો ષટ્કોણ હશે. ટાવરની ઊંચાઈ મહેલની ઉંચાઇ જેટલી જ લાગતી હતી. ટાવરની ઉપર બે વ્યક્તિ ઉભા રહી શકે એટલી જગ્યા સાથે ઝરૂખો બનાવેલો હતો. ત્યાંથી કદાચ આખું નગર દેખાતું હશે એમ રેશ્માને લાગ્યું.
"વિક્રમ," એણે કહ્યું, "એક આઇડિયા આવ્યો છે."
"કેવો આઇડિયા?"
મીનારની દિશામાં આંગળી ચીંધીને રેશ્માએ કહ્યું, "પેલો ટાવર દેખાય છે? એના પર ચડીને આજુબાજુની બધી વસ્તુઓ જોઇ શકાશે." વિક્રમે ટાવર તરફ નજર કરી. એને રેશ્માનો પ્લાન પસંદ પડ્યો. એણે કહ્યું, "પ્લાન સારો છે. ચાલો જલ્દી એ તરફ જઇએ." કહીને એ લોકો મકાનમાંથી ઉતરી ગયા. બહાર કોઇ અર્ધજીવીઓ નથી એ ખાતરી કર્યા બાદ એ લોકો દબાતે પગલે આગળ વધ્યા. થોડે આગળ જ એક અર્ધજીવીને ઉભેલા જોઇને ઝડપથી એક મકાન પાછળ સંતાઇ ગયા. એ અર્ધજીવીનું માથું રોબોટની જેમ એમની તરફ ફર્યું. થોડીવાર પછી એનું માથું હતું એમ થઇ ગયું અને એ પોતાની ધીમી ગતી સાથે ચાલવા લાગ્યો.
રસ્તો સાફ લાગતા વિક્રમ ટાવર તરફ ચાલ્યો. વિજય અને રેશ્મા બાજુના મકાનમાં જ રહ્યા. બધા એક સાથે જાય તો સમસ્યા વધી જાય એટલે ફક્ત વિક્રમ ટાવર પર ચડીને મહેલ સુધી જવાનો રસ્તો જાણીને આવે ત્યાં સુધી વિજય અને રેશ્મા નજીકના મકાનમાં છુપાઇને બેસે એવી યોજના હતી.
સદનસીબે ટાવર સુધી વિક્રમનો એક પણ અર્ધજીવી સાથે સામનો ન થયો. ટાવરની અંદર જવાનો દરવાજો ખોલીને એ અંદર ગયો. પણ એ નવાઇ પામી ગયો. કારણ કે એમના ધાર્યું હતું એ મુજબ ટાવરમાં ઉપર જવાની સીડીઓ હોવી જોઇતી હતી પણ એ જ ન હતી. ષટ્કોણ આકારના પાયા વાળા એ ટાવરની બધી જ દીવાલો પર એક લાંબી રૅક લગાવી હોય એવું લાગતું હતું.
ફર્શ પર વચ્ચે વિક્રમને કમર સુધી પહોંચે એવડો પીલ્લર હતો. એના પર એક ગોળ બટન જેવું કંઇક બનેલું છે એ જોઇને વિક્રમે એ બટન દબાવી દીધું. એક ઝાટકા સાથે એ જે ફર્શ પર ઉભો હતો એ ઉપર તરફ જવા લાગી. એ આશ્ચર્યચકિત થઇ ગયો. આ તો એક લીફ્ટ જેવું કામ હતું. એ મનોમન બોલ્યો, "બે હજાર વર્ષ પહેલાં પણ સંબલગઢનમાં લીફ્ટની ટેક્નોલોજી હતી... વાહ..."
એ લીફ્ટ ચોથા માળે આવીને ઉભી રહી ગઇ. વિક્રમે બહાર નજર કરી. એની આંખો નવાઇથી પહોળી થઇ ગઇ.
અહીંથી એને આખું સંબલગઢ શહેર દેખાતું હતું. શહેર એક વર્તુળાકાર રીતે બનાવવામાં આવ્યું હતું. અને એની પરીઘ પર એ મોટી વિશાળ દિવાલ પણ હતી. આંખો જીણી કરીને જોતા એને ખબર પડી કે આખી દિવાલ પર એક હરોળમાં મોટા મોટા પથ્થરો મૂકેલા હતા. 'જરૂર હુમલા સમયે એ પથ્થરો દુશ્મનો પર ફેંકવા માટે રાખ્યા હશે.' વિક્રમે વિચાર્યું. પછી એણે મહેલ તરફ નજર કરી. મહેલ વર્તુળાકાર શહેરના કેન્દ્રમાં હતું. એક પહોળો રસ્તો મહેલથી નીકળીને સીધો દિવાલ સુધી જઇ રહ્યો હતો. એ રસ્તાની જમણી બાજુ જ આ મીનાર ઉભી હતી. વિક્રમને મનોમન આ રસ્તાની નોંધ લીધી. એ ઉતરવા જ જતો હતો ત્યાં જ એને એક ધમાકો સંભળાયો. એણે ચોંકીને દિવાલ તરફ જોયું. જ્યાં દરવાજો હતો તે જગ્યાએ એને એક નાનું બાકોરું દેખાયું. એને લાગ્યું કે એ બાકોરાં માંથી માણસો જેવી આકૃતિ અંદર આવી રહી છે. એક ઝાટકા સાથે વિક્રમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, "ધનંજય મહેરા......"
(ક્રમશઃ)
* * * * *