શ્રાપિત ખજાનો - 29 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 29

ચેપ્ટર - 29

દિવાલ પાસે જઇને રેશ્માએ દિવાલ પર હાથ મુક્યો. દિવાલના સ્પર્શથી એના શરીરમાં એક ઝણઝણાટી ઉપડી ગઇ. આ દિવાલની બીજી તરફ એની બિમારીનો ઇલાજ છે. દિવાલ પર બે હજાર વર્ષ સુધી બધા જ મૌસમની થપાટો લાગી હતી. પણ છતાંય એ અડીખમ ઉભી હતી. પીળા રંગના વિશાળ લંબચોરસ પથ્થરો પર શેવાળ અને વેલાઓ ઉગી નીકળ્યા હતા. એમને હટાવીને એ લોકોએ જોયું કે ત્યાં કેટલાક નિશાનો હતા. જાણે દિવાલ પર કંઇક મારવામાં આવ્યું હોય.

"જરૂર આ પોર્ટુગીઝોએ દિવાલ તોડવાના પ્રયાસો કર્યા હશે. આ એના જ નિશાન છે." વિક્રમે કહ્યું.

"વિક્રમ," વિજયે સાદ કર્યો. એ વિક્રમ અને રેશ્માની ડાબી બાજુ ઉભો હતો. એ બંને એની પાસે ગયા. એની નજર નીચે તરફ હતી. વિક્રમે પણ એ તરફ નજર ફેરવી. જમીન પર એક સપાટ પથ્થર પડ્યો હતો. પથ્થર મોટો અને ચોરસ હતો. આજુબાજુ ઘાસ ઉગી નીકળ્યું હતું. વિજયે વિક્રમ તરફ જોયું, "લાગે છે કે આ જ સુરંગનો રસ્તો હશે."

"ચાલ ઉઠાવીએ." કહીને વિક્રમે એક તરફથી અને વિજયે બીજી તરફથી પથ્થરને ઉપાડ્યો. થોડું બળ લગાડવાથી પથ્થર ઉપડી ગયો. રેશ્માએ નીચે જોયું. સાચે જ એક સુરંગ હતી. પણ એ દિવાલની બીજી તરફ જવાને બદલે દિવાલની સમાંતર જમણી તરફ હતી.

રેશ્માએ વિક્રમ અને વિજય સામે જોયું. એ બંનેને પણ કંઇ સમજાયું નહીં. પણ પછી એ લોકોએ પોતાની ટોર્ચ ચાલુ કરીને અંદર ઉતર્યા. વિક્રમ સૌથી છેલ્લે ઉતર્યો. કારણ કે એણે પથ્થરને પકડી રાખ્યો હતો. અંદર જઇને એ પથ્થર એણે ફરી હતો એમ રાખી દીધો.

સુરંગમાં અંધારુ હતું અને એ ખૂબ જ લાંબી હોય એવું જણાઇ રહ્યું હતું. સુરંગમાં ઢાળ આવી રહ્યો હતો. મતલબ એ લોકો જમીનમાં અંદર સુધી જઇ રહ્યા હતા. દિવાલો માંથી ઝાડના મૂળિયાં નિકળી રહ્યા હતા. ક્યાંક ક્યાંક એકાદ કાનખજૂરો કે બીજા જીવડાં બહાર આવી જતાં રેશ્મા ડરી જતી. વિક્રમ અને વિજય બંને હસી પડતાં. સુરંગમાં જમણી બાજુ મોડ આવ્યો.

વિજયે સવાલ કર્યો, "આવડી મોટી દિવાલની નીચેથી કોઇ સુરંગ કઇ રીતે બની હશે?" એનો હાથ

"તું કહેવા શું માંગે છે?" રેશ્માએ પુછ્યું.

"આપણી ઉપર જે વિશાળ દિવાલ છે એનો વજન હજારો ટન હશે. મોટા મોટા પથ્થરોની બનેલી એ દિવાલ આ જમીન પર ટકી છે. જો હવે સુરંગ બનાવવા માટે એ પથથરોની નીચેથી જમીન ખોદી નાખવામાં આવે તો શું થાય?"

"દિવાલ જમીનમાં ધસી જાય." રેશ્માએ કહ્યું.

"એક્ઝેકલી, પણ અહીંયા તો એવું કંઇ નથી થ..." વિજય બોલવા જ જતો હતો પણ એની નજર સામે પડી. સામે લાકડાની બીમ ની મદદથી છતને સપોર્ટ આપવામાં આવ્યો હતો.

"કદાચ એટલે જ આ દિવાલ જમીનમાં નહી ધસી ગઇ હોય." વિક્રમે કહ્યું, "આ લોકોએ પહેલા જ દિવાલ માટે યોગ્ય સપોર્ટ સિસ્ટમ ગોઠવી હશે. અને એટલે જ એમણે લાંબી અને ઊંડી સુરંગ ખોદી છે. અહીંયા દિવાલના વજનનો વધારે પ્રભાવ પડતો નથી લાગતો."

"તારી વાત સાચી છે." વિજયે કહ્યું. પછી આગળ જતાં ફરી સુરંગ જમણી તરફ વળી. હવે અહીંયા થી આગળ ચઢાણ આવી રહી હતી. કદાચ હવે સુરંગ પુરી થતી હશે. ત્રણેયના કદમોમાં તેજી આવી. પણ આગળ જ ડેડ એન્ડ આવી ગયો. સુરંગની બહાર નીકળવાનો રસ્તો એક પથ્થરથી બંધ કરેલ હતો. ફરી એકવાર વિક્રમે અને વિજયે બળ લગાવીને પથ્થર હટાવી દીધો.

સૌથી પહેલાં વિક્રમ બહાર આવ્યો. એની પાછળ વિજય અને રેશ્મા બહાર આવ્યા. ત્રણેયે એ આજુબાજુનું અવલોકન કર્યું.

એ લોકો એક મકાનની અંદર હતા. મકાનમાં કેટલાક હથિયારો પડ્યા હતા. અને કેટલીક ઢાલ પણ પડી હતી. વિક્રમે ઢાલ પરથી ધૂળ હટાવી. બધી જ ઢાલ પર સુર્યનો ચિહ્ન અંકિત હતો. વિક્રમને ખાતરી થઇ ગઇ કે એ લોકો સંબલગઢમાં જ આવી ગયા છે. કારણ કે આ સુર્યનો ચિહ્ન એ સંબલગઢનું શાહી ચિહ્ન છે. એણે રેશ્મા તરફ જોયું. રેશ્માની આંખોમાં ખુશીના આંસુ ચમકી રહ્યા હતાં. એ બંનેએ એકબીજા સામે જોઇને સહર્ષ સ્મિત કર્યું. પછી સ્વસ્થ થઇને એ લોકો મકાનના દરવાજા પાસે આવ્યા. દરવાજો ખુલ્લો જ હતો. એમણે ઉતાવળે બહાર નીકળીને આખું શહેર જોઇ લેવાની કોશિશ કરી.

મકાનની પાછળ તરફ એક વિશાળ દિવાલ હતી. અને એ મકાનની થોડે જમણે જ એક વિશાળ લાકકનો દરવાજો હતો. એ દરવાજો એટલો વિશાળ અને ભવ્ય હતો કે વિક્રમને એની પાસે ફતેહપુર સીક્રીનો દરવાજો યાદ આવી ગયો. એ પણ આટલો જ ઉંચો હતો. પણ વિક્રમને આશ્ચર્ય થયું કે એ દરવાજો એમને બહારની તરફ કેમ ન દેખાયો? ત્યાં તો ફક્ત ઊંચી દિવાલ જ હતી.

વિક્રમને લાગ્યું કે જે મકાનમાં એ સુરંગ નીકળી હતી એ જરૂરી હથિયારો રાખવાનું ગોદામ હશે. એને પાછળ મુકીને એ લોકો આગળ ચાલવા લાગ્યા. સંબલગઢની શેરીઓ પર કચરો અને ઘાસ ઉગી નીકળ્યું હતું. એ જ હાલ મકાનની દિવાલનો હતો. બે હજાર વર્ષોથી કોઇ માવજત ન હોવાથી મકાનો ખંડેરોમાં પરિવર્તિત થવા પામ્યા હતા. પણ એ મકાનો પથ્થરના બનેલા હતાં. અને મજબૂત અવસ્થામાં હતા. રંગ ઉડી ગયો હતો. શેરીની બંને તરફ એક માળના અને બે માળના પણ મકાનો હતા. જોઇને જ લાગતું હતું કે એક સમયે આ મકાનો ભવ્ય રહ્યા હશે.

એટલામાં આગળ એક ચોક આવ્યો. ચોક પર એ ઉભો રહી ગયો. એની પાછળ વિજય અને રેશ્મા પણ ઉભા રહી ગયા. વિક્રમના પેટમાં ફાળ પડી. એ સામેનો નજારો જોઇને ચોંકી ગયો અને એ જ હાલ વિજય અને રેશ્માના થયા. ત્રણેયની આંખો ફાટી ગઇ. એમને જે વાતનો ડર લાગી રહ્યો હતો એ વાત હવે સત્ય સાબિત થવા જઇ રહી હતી.

ચોકની બીજી તરફ એમણે ત્રણ ભયાનક વિકૃત જીવો ને જોયાં. એવાં જ જીવ જે એમણે રાજસ્થાનના રણમાં કબરની અંદર જોયાં હતાં. પણ અહીંયા પરિસ્થિતિ અલગ હતી. એ લોકો એકદમ ધીમે ધીમે ચાલી રહ્યા હતાં. એમના હાથ લબડી રહ્યા હતા. અને સર એમ લટકી રહ્યું હતું કે જાણે ગરદન હોય જ નહીં.

પણ અહીંયા ખતરો રાજસ્થાનમાં હતો એનાથી વધારે મોટો હતો. કારણ કે અહીંયાં માત્ર એ ત્રણ જીવો જ ન હતા. રસ્તાની ત્રણમાંથી બે બાજુ એ જીવો જ ઉભા હતા. અને એ પણ મોટી સંખ્યામાં. એવા માં વિક્રમનું ધ્યાન પડ્યું કે એક જીવ ની નજર એ લોકો પર પડી ગઇ છે. અને એ જીવ એક ભયાનક અવાજ સાથે એ ત્રણેય તરફ દોડ્યું. એ સાથે જ બાકીના જીવોનું ધ્યાન પણ એમની તરફ ગયું. અને એમણે પણ આક્રમણ કરી દીધું. વિક્રમ જાણતો હતો કે પાછળ જવાનો કોઇ ફાયદો નથી. કારણ કે એ તરફ તો દિવાલ આવી જશે. એટલે એ લોકો ડાબી તરફ ભાગ્યા. એ તરફ જીવો ન હતા.

એ લોકો ઝડપથી એ તરફ ભાગ્યા. પણ આગળ જઇને પણ એમને એ જ જીવોનો સામનો થયો. અહીંયાં એક આખું ટોળું ઉભું હતું. એ બધા એ વિક્રમ, રેશ્મા અને વિજય તરફ દોટ મુકી. બીજી એકેય તરફ જવાનો રસ્તો ન હતો. અને પાછળથી પણ એ જીવોનું ભૂખ્યું ટોળું એમની તરફ આવી રહ્યું હતું. સમય ખૂબ જ ઓછો હતો. વિજયને તો લાગવા માંડ્યું કે અંત આવી ગયો છે. એટલામાં રેશ્માની નજર એક બાજુના મકાન પર પડી. એ મકાનનો દરવાજો મજબૂત હોય એવું લાગતું હતું. એણે તરત જ વિક્રમ અને વિજયને કહ્યું, "જલ્દી અહીંયા." કહીને એણે દરવાજાને ધક્કો માર્યો. દરવાજો ખુલી ગયો. એની પાછળ વિક્રમ અને વિજય બંનેએ અંદર આવીને દરવાજો બંધ કરી દીધો. એ જીવોએ ભયાનક અવાજ કરીને દરવાજા પર હાથ પછાડવાનું શરૂ કરી દીધું. દરવાજો ધ્રુજવા લાગ્યો.

"આ દરવાજો વધારે સમય નહીં ટકે." રેશ્માએ ચિંતિત અવાજમાં કહ્યું. વિક્રમે દરવાજાની આગળ એક લાકડાનો ખાટલો અને બીજી જે પણ વસ્તુ એને એ ખંડેર જેવા ઘરમાં મળી એ રાખી દીધી. જેથી એમને સમય મળી રહે.

"અહીંયા તો આ જીવોની સંખ્યા ખૂબ જ વધારે છે." રેશ્માએ કહ્યું.

"હાં." વિક્રમે કહ્યું, "અહીંયા સો થી પણ વધારે જીવો છે."

એટલામાં એ જીવો એ મકાનની બારી, કે જે દરવાજાની બાજુમાં જ હતી એમાંથી હાથ અંદર નાખીને એમને પકડવાનો પ્રયાસ કરવા માંડ્યો. એમના ગળામાંથી વિચિત્ર ચિત્કારો નીકળી રહ્યા હતા. એ લોકો જાણે એમને જ ખાવા માંગતા હતા. વિજયે ત્યાં જઇને બારી બંધ કરવાનો પ્રયાસ કર્યો. પણ એ જીવોનીં આંખોમાં એને એક ભૂખ દેખાય આવી કે જાણે આ લોકો સદીઓથી ભૂખ્યા છે. વિજયને રાજસ્થાનના રણમાં બનેલો કિસ્સો યાદ આવી ગયો. આ જીવો એ કબરમાં હતા એના જેવા જ ભયાનક અને વિકૃત હતા. સડેલી ચામડી અને શરીરમાંથી લટકતા માંસના લોચા, સફેદ આંખો, આ બધુ જોઇને વિજયને અરેરાટી ઉપડી ગઇ. એટલામાં વિજયની નજર એક વસ્તુ પર પડી. સામે એક લાકડાના કટકા પર એક સડી ગયેલું અને ફાટેલું લાલ રંગનું કપડું લટકી રહ્યું હતું. વિજયે ઉંચા થઇને જોવાની નજર કરી. એ નવાઇ પામી ગયો. એ લાકડાનો કટકો એક શિખર પર હતો. મતલબ એ એક ધજા માટે વપરાતો લાડકાનો ટુકડો હતો. મતલબ ત્યાં એક મંદિર છે. અને મંદિરમાં તો.... એના મગજમાં એક આઇડિયા આવી ગયો.

એણે તરત જ વિક્રમને કહ્યું, "વિક્રમ, અહીંથી નીકળવાનો એક આઇડિયા છે."

"હાં તો જલ્દી બોલ." વિક્રમે કહ્યું. એના હાથ હજુ દરવાજા પર ટક્યા હતા.

"પણ એના માટે આપણે ટેરેસ પર જવું પડશે." વિજયે કહ્યું.

"પણ ત્યાં શું કામ?" રેશ્માએ પુછ્યું.

"એ કવ છું પહેલા ચાલો તો ખરા." કહીને એ મકાનમાં અંદર તરફ ગયો. મકાનની પાછળ એક વાડો હતો. જેમાં ઉપર જવા માટે સીડીઓ હતી. વિજય ત્યાંથી ઉપર ચડી ગયો. ઉપર ચડીને એણે સૌથી પહેલાં સામે નજર કરી. ત્યાં સાચે જ એક મંદિર હતું.

દરમિયાન વિક્રમ અને રેશ્મા બંને ઉપર ચડી ગયા. ઉપર આવીને વિક્રમે સૌથી પહેલાં વિજયને પુછ્યું, "જલ્દી બોલ એ પહેલાં કે એ જીવો દરવાજો તોડી નાખે."

"ત્યાં સામે જો." વિજયે સામે આંગળી ચીંધી.

વિક્રમ અને રેશ્માએ એ તરફ નજર કરી. થોડે દૂર એક મંદિર હતું. મંદિર બહુ મોટું ન હતું. દ્રવિડ શૈલીમાં બનાવેલ એ મંદિર એક સમયે સુંદર અને દર્શનાર્થીઓથી ઘેરાયેલું રહ્યું હશે. મદિરના શિખર પર આખા શહેરની જેમ જ વેલાઓ અને ઘાસનો કબજો થઇ ગયો હતો. અહીંથી મંદિર કયા ભગવાનને સમર્પિત હતું એ નહોતું દેખાય રહ્યું હતું. કારણ કે લોકો મંદીરના પ્રવેશદ્વારની જમણી તરફ હતાં.

"ત્યાં તો એક મંદિર છે." રેશ્માએ કહ્યું.

"હાં ત્યાં એક મંદિર છે." વિજયે એક સ્માઇલ સાથે કહ્યું.

"વિજય સાફ સાફ બોલ તું કહેવા શું માંગે છે." વિક્રમે અકળાઇને કહ્યું.

"તમને બંનેને યાદ તો હશે જ કે હું યુવરાજની કબર માંથી બહાર કઇ રીતે આવ્યો. ત્યાં એક અવાજ આવ્યો હતો એ સાંભળીને આ બધા જ જીવો સંમોહિત થઇ ગયા હતાં. એ અવાજ એકદમ મંદિરની ઘંટી જેવો જ હતો. અને આપણી સામે પણ એક મંદિર છે. જેમાં ચોક્કસ ઘંટીઓ હશે જ. જો આપણે એ ઘંટીઓ વગાડી દીધી તો આ જીવો સંમોહિત થઇને એ તરફ ચાલ્યા જશે. અને આપણે બીજી તરફથી સુરક્ષિત રીતે નીકળી જઇશું."

વિક્રમ અને રેશ્માએ એકબીજા સામે જોયું. વિજયનો પ્લાન પરફેક્ટ હતો. વિક્રમે વિજયને કહ્યું, "તારો પ્લાન તો સુપર છે. પણ એક સમસ્યા છે."

"શું?" વિજયે પુછ્યું. વિક્રમે નીચે આંગળી કરી. નીચે સડક પર એક ભયાનક જીવોનું ટોળું ઉપર તરફ હાથ લંબાવીને જોઇ રહ્યું હતું. એમણે દરવાજા પર હાથ મારવાનું બંધ કરી દીધું હતું. મંદિર એમનાથી દૂર હતું. "આને પાર કરીને મંદિર સુધી કેમ પહોંચવું? અને મંદિર અને આપણી વચ્ચે એક આ રસ્તો છે. એના પછી ફરી એક મકાનની હરોળ છે. અને પછી મંદિર. શું લાગે છે કે ત્યાં કઇ રીતે જશું?" વિક્રમે સમસ્યા સમજાવી.

વિજયને વિક્રમની વાતમાં તર્ક લાગ્યો. પ્લાન તો સરળ હતો. પણ એનો અમલ અઘરો હતો. હવે એ કેમ કરવો એ સવાલ એમને સતાવી રહ્યો હતો.

વિજયને કંઇક યાદ આવતાં એણે કહ્યું, "મે સાંભળ્યું હતું કે તારો નિશાનો ખૂબ જ સારો છે વિક્રમ. તો તું બંદુકની મદદથી બેલ પર નિશાનો લગાવ તો ન ચાલે?"

વિક્રમની જગ્યાએ રેશ્માએ જવાબ આપ્યો, "એ કરવું યોગ્ય નથી."

"કેમ??"

"એ મંદિરમાં ઘંટીઓ કોઇ ચેન અથવા રસ્સી દ્વારા બાંધવામાં આવી હશે. જે બે હજાર વર્ષથી કોઇપણ મેન્ટેનન્સ વગર ત્યાં લટકી રહી છે. અને ગોળીમાં ખૂબ જ વધારે ફોર્સ હોય છે. ગોળીને લીધે ઘંટીની ચેન કે રસ્સી તૂટી જશે. અને એ ન થવું જોઈએ." રેશ્માએ ચોખવટ કરી.

વિજયને વાત સમજી ગયો. એ ત્રણેય વિચારમાં પડી ગયા. એમને ખબર નહોતી પડતી કે શું કરવું. જો કંઇ ન કર્યું તો એ લોકો આગળ નહીં જઇ શકે.

રેશ્માએ આજુબાજુ નજર કરી. અહીંથી જેટલું શહેર દેખાય રહ્યું હતું એ જોઇને એને લાગ્યું કે આ એક સમૃદ્ધ શહેર રહ્યું હશે. પાકા મકાનો, પાકા રસ્તા વગેરે અહીંયા હતું. પણ અહીંયાથી એમને રાજમહેલ નહોતો દેખાય રહ્યો. લગભગ ચારે તરફ બે માળ વાળા મકાનો હતા.

એટલામાં રેશ્માને એક આઇડિયા આવ્યો. એણે વિક્રમને કહ્યું, "મારી પાસે એક પ્લાન છે."

"શું પ્લાન છે?" વિક્રમે પુછ્યું.

"હું જાતે આ જીવોને પાર કરીને એ મંદિર સુધી જઇશ."

"તારી ડાગળી ચસકી ગઇ છે કે શું?" વિક્રમે ગુસ્સે થી કહ્યું. એને આ પ્લાન જરાય ન ગમ્યો.

"તું મારી પુરી વાત તો સાંભળ." રેશ્માએ કહ્યું, "તમારે બંનેએ આ જીવોનું ધ્યાન પોતાની તરફ જ રાખવાનું છે. અને હું ચોરી છૂપે થોડે દૂરથી નીકળી જઇશ."

"અને આ જીવો અમારા પર ધ્યાન કેન્દ્રિત કઇ રીતે રાખશે? તું રોડ ઉપર ઉતરીશ એટલે એ તરત જ તારી ઉપર એટેક કરી દેશે." વિક્રમે કહ્યું.

રેશ્માએ શાંતિથી કહ્યું, "એમને જે જોઇએ છે એ આપી દો."

વિક્રમ અને વિજય બંનેને કંઇ ન સમજાણું. વિજયે કહ્યું, "એ અમારા જીવના ભૂખ્યા છે."

"તારા બેગમાં બેન્ડેજ કે પટ્ટી છે?" રેશ્માએ વિજયને પુછ્યું.

"હાં બંને છે. સાથે કોટન પણ છે. પણ એનું શું કરવું છે?"

"તમે બંને પોતાના હાથમાં એક એક ચેકો મારીને તમારા લોહીના ટીપાં આ જીવો પર પાડજો. તમારા લોહીનો સ્વાદ અને ગંધ એમને આજુબાજુ જોવા નહીં દે. જેથી કરીને એમનું ધ્યાન તમારા તરફ રહેશે. અને હું નીકળી જઇશ. સમજી ગયા?"

વિક્રમ અને વિજયે એકબીજા સામે જોયું. એ બંને આ પ્લાનને લઇને શ્યોર ન હતા. પણ બીજો કોઇ રસ્તો નથી એ જોઇને એમણે પોતાની સહમતિ આપી.

"સરસ... હવે ત્યાં જુઓ." રેશ્માએ જમણી તરફના ચોક તરફ આંગળી ચીંધીને કહ્યું, "હું પેલા ઘર પાસે પાછળના રસ્તેથી જાવ છું. ત્યાં જઇને તમને ઇશારો કરીશ. ત્યારે તમારા લોહીના ટીંપા આ જીવો પર નાખજો."

રેશ્મા નીચે જ ઉતરવા જતી હતી ત્યાં જ વિક્રમે એને રોકીને પુછ્યું, "જો તે ત્યાં જઇને ઘંટીઓ વગાડી તો આ બધા જીવો તારી તરફ આવશે. પછી તું ત્યાંથી નીકળીશ કઇ રીતે?"

(ક્રમશઃ)

* * * * *