Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની......13

બીજાં દિવસે સવારે ઉઠીને પ્રિયાને ઘણી વખત થયું કે એ પોતાનાં મનની વાત મોટાભાઈને કરે પણ એમની સામે કંઈ બોલી શકી નહિ. માયાભાભી જોડે પણ એણે પોતાનાં મનની વાત કહેવાનો પ્રયત્ન કરી જોયો પણ નિષ્ફળ રહી. એને થયું કે લલિત મારો એકદમ સારો દોસ્ત છે. કદાચ એની સામે એ પોતાનાં મનની વાત કહી શકશે.એણે લલિતને લાયબ્રેરીમાં મળવાનું વિચાર્યું. પ્રિયાએ લલિતને ફોન કર્યો પણ એનો સંપર્ક થઈ શક્યો નહિ. એને થયું કે એ લાયબ્રેરી પહોંચી જાય ત્યાં કદાચ મળી જશે...એ એક્ટિવા લઈને ફટાફટ લાયબ્રેરી જવા નીકળી ગઈ.

લાયબ્રેરીમાં લલિત નહોતો. લાયબ્રેરીમાં લગભગ એકાદ કલાક જેટલું બેઠી રહી પણ લલિત આવ્યો નહિ. 'હવે લલિત નહિ આવે..' આવો વિચાર કરી એ ત્યાંથી ઉભી થઈ બહાર આવી ગઈ. એનાં મનની વાત મનમાં જ રહી ગઈ...નિરાશ થઈ એ ઘરે પાછી ફરી.

"આવી ગયાં પ્રિયાબેન...કીધાં વગર ક્યાં જતાં રહ્યાં હતા?" પ્રિયાને જોઈને માયા બોલી.

"લાયબ્રેરી ગઈ હતી..."

"અચ્છા...અચ્છા..."

પ્રિયા અંદર પોતાનાં રૂમમાં જતી રહી. એને પોતાને જ ખબર નહોતી પડી રહી કે એની સાથે આ શું થઈ રહ્યું હતું. કંઈક વિચાર કરતી એ કલાકો સુધી પોતાની રૂમમાં બેસી રહી. સુશીલે આપેલી ગિફ્ટ્સને બે -ત્રણ વાર તાકી -તાકીને જોઈ રહી. દિલમાં બેચેનીનાં વાદળ ઉમટી રહ્યાં હતાં, જે મોઢાં દ્વારા વરસી રહ્યાં નહોતાં ને મનમાં ઘેરાતાં જતાં હતાં. અચાનક જ પોતાનાં નામની બૂમ સાંભળાતાં એનું ધ્યાન તૂટ્યું ને ઉભી થઈ. માયાભાભી એને બોલાવી રહ્યાં હતાં. એ રૂમની બહાર આવી.

"ચાલો...જમવું નથી..!?"

"ના....ઈચ્છા...તો...નથી..."

"થોડુંક કંઈ ખાઈ લ્યો. સાવ ખાલી પેટ ન સૂવાય..."

"આવું...ભાભી...."

"તમે બેસો. હું લઈ આવું છું બધું બહાર."

"મોટા ભાઈ આવી ગયાં?"

"હા...., ફ્રેશ થવાં ગયાં છે."

કમલેશ બહાર આવ્યો એટલે ત્રણેય સાથે જમવા બેસી ગયાં. થોડીવાર સુધી તો ત્રણેય ચૂપચાપ ખાતાં રહ્યાં ને પછી ધીમે રહીને કમલેશ બોલ્યો,

"કાલે સુશીલનાં માતા -પિતા ને બીજાં એમનાં એક - બે સંબંધી ઘરે આવવાનાં છે. સુશીલ અને પ્રિયાનાં લગ્નની તારીખ નક્કી કરવા માટે. એ લોકોનો અગિયારસનો ઉપવાસ હોવાથી આપણા ઘરે કાલે જમશે નહિ."

"તો ...આપણે ..ફરાળી જમવાનું બનાવશું..ને..."

"મેં કીધું પણ એ લોકોએ ના પાડી. "

"સારું..."

"પ્રિયા, તું કેમ આજે ચૂપચાપ બેઠી છે? કેમ કંઈ બોલતી નથી?"

"માથું દુ:ખે છે.."

"ક્રોસીન લીધી?"

"હા..."

થોડુંક જ ખાઈ પ્રિયા ઉભી થઈ ગઈ. એનું મન લાગતું ન હતું. "હું સૂવા માટે જાઉં છું..." એમ કહી પ્રિયા પાછી અંદર પોતાનાં રૂમમાં જતી રહી.

બીજાં દિવસે સુશીલનાં ઘરવાળાં આવ્યાં. ત્રણ મહિના પછી લગ્નની તારીખ નક્કી થઈ. માયાએ કશુંક લેવા માટે બહુ જ આગ્રહ કર્યો તો એ લોકોએ થોડું દૂધ લીધું ને જતાં રહ્યાં.

"હવે ઘરમાં પ્રિયાબેનનાં લગ્નની તૈયારીઓ શરૂ...., નવાં કપડાં ખરીદવાનાં, દાગીના ઘડાવવાનાં, બીજી પરચૂરણ વસ્તુની ખરીદી, બ્યૂટી -પાર્લરવાળી નક્કી કરવાની, મહેંદીવાળી નક્કી કરવાની, .વગેરે, વગેરે......." એ લોકોનાં ગયાં પછી માયા ખુશીમાં આવીને તૈયારીઓ ગણાવવા લાગી.

"બસ...., બસ....હરખપદુડી. થોભ થોડું. એક પછી એક ધીરે -ધીરે તું અને પ્રિયા બધી તૈયારીઓ ઉકેલવા માંડજો." કમલેશ હસીને બોલ્યો.

"હા-હા...હવે...."

"મેરી પ્યારી બહેનિયા... બનેગી દુલ્હનિયા...સજ કે આયેંગે ...દુલ્હે રાજા....ભૈયા રાજા બજાયેગા...બાજા...ઓ..." કમલેશે હરખથી અચાનક ગીત ઉપાડ્યું.

કમલેશને ગાતાં સાંભળી માયાને પણ તાન ચડ્યું. એણે પણ ગીત ગાવાનું શરૂ કર્યું,

"લે જાયેંગે...લે જાયેંગે...દિલવાલે દુલ્હનિયા ..લે જાયેંગે..." પ્રિયાને ઉભી કરતાં -કરતાં માયા ગાવા લાગી.

બંને જણે મળીને પછી કમલેશને ઉભો કર્યો ને પછી ત્રણેય જણાં હાથ ઉંચા કરી થોડું -થોડું નાચવા લાગ્યાં. ને પછી જોર - જોરથી હસવા લાગ્યાં. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ને આ આનંદનાં માહોલમાં પ્રિયાનાં મનની મૂંઝવણ ક્યાંક લુપ્ત થઈ ગઈ જણાતી હતી. ને એની આંખોં લગ્નનાં સુખી જીવનનાં સપનાં જોવા લાગી હતી. બીજાં દિવસથી પ્રિયા અને માયાએ લગ્ન માટે થોડી થોડી ખરીદી કરવાનું શરૂ કરી દીધું હતું. કમલેશ પણ એ લોકોને પૂરતો સહયોગ કરી રહ્યો હતો.

(ક્રમશ:)