એક ભૂલ - 18 Heena Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

એક ભૂલ - 18

પોતાની બહેન અને આરવનું નામ સાંભળતાં જ રાધિકાને ઝટકો લાગ્યો. તેણે વિહાનને વચ્ચેથી જ બોલતો અટકાવીને પોતે બોલી,

" શું બોલ્યો? આરવ અને મીરા? તું ઓળખે છે તેને? "

" હા, મને તેણે એટલું કહ્યું હતું કે તે બંને જ પોતાની બહેનનાં મોતનાં ગુનેગાર છે. જ્યાં સુધી તેની સાથે બદલો નહીં લઉં ત્યાં સુધી મારી બહેનને ન્યાય નહીં મળે. હું તો આનાથી વધુ તેને નથી ઓળખતો પણ કેમ તે અચાનક તેનાં વિશે પૂછ્યું? તું ઓળખે છે તેમને? " વિહાને પૂછ્યું.

" વિહાન, મીરા બીજું કોઈ નહીં પણ મારી જ બહેન છે. " રાધિકા બોલી.

" હેં..!! શું? મીરા... તારી બહેન છે? " વિહાન ચોંકી ગયો.

" હા, જેની પાછળ બદલો લેવાં તારો ભાઈ પડ્યો છે તે મારી બહેન છે. આરવ અને મારી મીરા દી કોલેજમાં સાથે જ સ્ટડી કરતાં. એ કોઈ દિવસ અમિતની બહેનનાં મોત માટે જવાબદાર હોય શકે નહીં. નક્કી કોઈ મોટી ભૂલ થતી હશે અમિતથી, કેમ કે તેમાં મીરા દી નો કે આરવનો વાંક ન જ હોઈ શકે. " રાધિકાએ પૂરાં વિશ્વાસથી કહ્યું.

" પણ મને એક વાત નથી સમજાઈ રહી કે જો અમિતનો બદલો આરવ અને મીરા સાથે હોઈ તો તેણે તને કેમ અહીં રાખી છે? તે સાબિત શું કરવાં માંગે છે? " વિહાનને કશું નહોતું સમજાય રહ્યું.

" ખબર નહીં પણ મને એક વખત તેણે કહ્યું હતું કે પોતાનું ખોઈને કેવું લાગે તે મીરાને કહેવા માગે છે. મને લાગે છે મને મારી બહેનથી અલગ કરીને પોતાની બહેનને ખોવાને જેટલું દર્દ તેને થયું છે તે હવે મારી બહેનને આપવા માગે છે. " રાધિકાને હવે થોડી થોડી વાત સમજાઈ રહી હતી.

" અને હવે તો તારી બહેન પણ તને શોધતાં શોધતાં અહીં આવી ગઈ છે. અમિત ગુસ્સામાં તને નુકશાન પણ પહોંચાડી શકે છે. તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જો તારી બહેનથી કોઈ નાની એવી પણ ભૂલ થશે તો તારો જીવ જોખમમાં મુકાઈ જશે. રાધિકા, હવે મને તારી અને તારી બહેન.. બંનેની ચિંતા થઈ રહી છે. "

વિહાન તેનાં ભાઈને સારી રીતે ઓળખતો હતો અને એટલે જ તેને હવે રાધિકાની ચિંતા થઈ રહી હતી કેમ કે વર્ષો થી મનમાં ભડકી રહેલી આગને ઠારવા અમિત રાધિકાનો જીવ પણ લઈ શકે છે.

" મને હવે મીરા દી ની ચિંતા થાય છે. તેને કદાચ આઇડિયા પણ નહીં હોઈ અમિત કેટલો ખતરનાક છે તે. તે અત્યારે ક્યાં હશે? ક્યાંક અમિત તેનાં સુધી પણ નહીં પહોંચી ગયો હોઈ ને? " રાધિકા ખૂબ ચિંતામાં મુકાઈ ગઈ.

" તું ટેન્શન નહીં લે. હું ગમે તેમ કરીને મીરાને શોધીશ અને તેને અમિતથી સુરક્ષિત રાખીશ. હવે વધુ કોઈને કોઈનાથી પણ અલગ નહીં થવા દઉં. " વિહાને રાધિકાને હિંમત આપી.

" પણ રાધિકા, તું અમિતને કેવી રીતે ઓળખે છો? મતલબ કે એ તને અહીં સુધી કઈ રીતે લાવ્યો? અજાણતાં તો તું તેની સાથે અહીં સુધી આવે જ નહીં. અને તું કોઈ પેનડ્રાઈવ શોધી રહી હતી ને.. તેમાં શું છે? " વિહાને પૂછ્યું.

" હા હું પેનડ્રાઈવ જ શોધી રહી હતી. તેમાં એક વિડિયો છે અને તેનાં લીધે જ હું મુસીબતમાં મુકાઈ ગઈ. એક ખોટાં વ્યક્તિ ઉપર મેં વિશ્વાસ કરીને બહુ મોટી ભૂલ કરી નાખી હતી. તે ભૂલ જ મારું અહીં આવવાનું કારણ છે. એકવાર તે પેનડ્રાઈવ હાથમાં આવી જાય પછી અમિત સાથેની આ લડાઈ જીતવી સહેલી બની જશે. " રાધિકાએ કહ્યું.

" કેમ? એવું શું છે તેમાં? " વિહાને પૂછ્યું.

રાધિકા આગળ કશું બોલે ત્યાં ડોરબેલ વાગી. વિહાન અને રાધિકાએ ઘડિયાળ તરફ જોયું તો ઘણું મોડું થઈ ગયું હતું.

" વિહાન, હવે વધું વાત કરવાનો અત્યારે સમય નથી. તું ગમે તેમ કરીને મારી બહેનને શોધ અને તે કોઈ મુશ્કેલીમાં ન મુકાઈ જાય તેનું ધ્યાન રાખજે. " રાધિકાએ ઉતાવળે વિહાનને કહ્યું.

" હા, હું અત્યારે અહીંથી જઉં છું. અમિતને સહેજ પણ શંકા ન થવી જોઈએ કે હું તારી સાથે છું. તારી મદદ કરું છું. કાલે સવારે અમિત જશે પછી હું આવીશ અને આગળ શું કરવું તે વિચારી લઈશું. ઓકે બાય, ટેક કેર. " કહીને વિહાન ઝડપથી રાધિકાનાં રૂમમાંથી બહાર જતો રહ્યો અને રાધિકા પણ ચૂપચાપ સૂઈ ગઈ.

અમિત અંદર આવ્યો પછી રાધિકાનાં રૂમનો દરવાજો ખોલીને જોયું તો રાધિકા સૂઈ ગઈ હતી. તેને જોઈને અમિત મનમાં જ બોલ્યો,

" હા આરામથી સૂઈ લે. ટુંક સમયમાં તને હંમેશાં માટે આરામની ઉંઘ હું અપાવી દઈશ. "

આટલું બોલીને તે લુચ્ચું હસ્યો અને દરવાજો બંધ કરીને પોતાનાં રૂમમાં જતો રહ્યો.

***

બીજાં દિવસે સવારે..

" કામ થયું કે નહીં? તેનાં વિશે કોઈ માહિતી મળી કે નહીં? "

મીત ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો હતો. આરવ તેની સામે જ બેઠો હતો અને તેની વાત સાંભળી રહ્યો હતો.

" હા સર, તેનો એક માણસ અત્યારે મારાં કબજામાં છે. પણ તે હજુ સુધી કંઈપણ કહ્યું નથી. " સામે છેડેથી અવાજ આવ્યો.

" ગમે તેમ કરીને તેનું મોઢું ખોલાવ. જરૂર પડે તો હાથ પણ ઉપાડ. પપ્પાની ચિંતા નહીં કર. તેને આ વાતની કંઈ પણ જાણ નહીં થાય અને તું કોઈ પણ મુસીબતમાં નહીં આવ તેની જવાબદારી હું લઉં છું. પણ ગમે તેમ કરીને તેની પાસેથી માહિતી કઢાવ. અને તે નિશાન કેવી રીતે બનાવે છે તેની જાણકારી મેળવ. " મીતે કહ્યું.

" ઓકે સર. અડધી જ કલાકમાં તમારું કામ થઈ જશે. " કહીને સામે વાળી વ્યક્તિએ ફોન મૂક્યો.

" મીત, તને લાગે છે સાંજ સુધીમાં આપણું કામ થઈ જશે? કેમ કે 8 વાગે તો આપણે પુરી તૈયારી કરીને નીકળી જવાનું છે. એ પહેલાં તે નિશાન મેળવવું જરૂરી છે. " આરવે કહ્યું.

" અરે તું ટેન્શન ન લે. તે મારાં પપ્પાનો ખાસ વિશ્વાસુ માણસ છે. ગમે તેવું કામ હોય, તે પૂરું કરીને જ રહે. અને તેણે કહ્યું છે કે અડધી કલાકમાં કામ થઈ જશે મતલબ તે ગમે તેમ કરીને તેની પાસેથી બધું જાણીને જ આવશે. " મીતે પૂરા વિશ્વાસથી કહ્યું.

" ઓકે તો વાંધો નહીં. " આરવે કહ્યું.

" હા, ત્યાં સુધીમાં આપણે બાકીની તૈયારી કરી લઈએ. " કહીને મીત તેનાં કબાટમાંથી કાંઈક લઈ આવ્યો અને આરવને કહ્યું, " જો આ વાયરલેસ બ્લ્યુટુથ છે. હું અને આશી આનાં થ્રુ તમારી સાથે કોન્ટેક્ટમાં રહેશું. અને આ સ્મોલ કેમેરો, આને હું આશીની ઈયરીંગમાં ફીટ કરી દઈશ અને તેની તે લોકોને પણ ખબર નહીં પડે. અંદર જતાં જ ત્યાનું બધું આ કેમેરામાં શૂટ થઈ જશે. "

" ઓકે, અને તમારાં પ્રોટેક્શન માટે? કદાચ કોઈ મુશ્કેલી આવી જાય અને બચવાં માટે...? " આરવે કહ્યું.

" હવે વધુ વસ્તુ લઈ જવી એ આપણાં માટે જ મુસીબત બનશે. કેમ કે જો તે લોકોને થોડો પણ આઇડિયા આવી જશે કે શક જશે તો આપણું કામ તમામ થઈ જશે. બને ત્યાં સુધી ધ્યાન રાખશું કે કોઈ મુશ્કેલી ન આવે અને જો આવશે તો ત્યાંથી ભાગી જશું. " મીત ટેન્શન લીધાં વીના બોલ્યો.

" હા એ વાત સાચી છે તારી. હવે ખોટું જોખમ લેવું ન જોઈએ. " આરવે પણ હામી ભરી.

બંને હજુ વાત કરી રહ્યાં હતાં ત્યાં મીતના રૂમની બાલ્કની પાસે આવેલી બારી કોઈએ બહારથી ખખડાવી.

" એ મીત, ત્યાં જો તો.. બારી પાસે કોણ છે વળી? એ પણ રોડ સાઇડની.." આરવે સાવધાની રાખીને જવાનું કહ્યું.

" અરે યાર, આ આશી ફરીથી ત્યાંથી આવી. કેટલી વાર કીધું કે ત્યાંથી નહીં આવ. ખબર નહીં દરવાજામાંથી આવવામાં શું બળ પડતું હશે એને. "

મીત બોલતો બોલતો બારી ખોલવાં ગયો. આરવ તો ઘડીકવાર સાંભળતો રહ્યો. મીતે બારી ખોલી તો સાચે ત્યાં આશી હતી. મીતે તેને પકડીને અંદર લાવી અને આરવને કહ્યું,

" આ છે જીવતું જાગતું વાંદરુ. આને ખબર નહીં પાઈપ પર ચડીને અહીં આવવામાં શેની મજા આવતી હશે. કેટલીવાર ના પાડી કે ત્યાંથી આવ મા. કોક દિવસની પડીશ તો પછી ચાલવાનો ય વેંત નહીં રે. આવડો મોટો દરવાજો છે પણ તોય ત્યાંથી આવવામાં શેના કાંટા વાગતાં હશે એ જ નથી સમજાતું. " મીત સહેજ ગુસ્સામાં બોલ્યો.

" અરે પણ ત્યાંથી કેમ આવે, કોઈ ઘરમાં જોઈ જાય તો? " આરવે પૂછ્યું.

" અરે ઘરમાં ય ખબર જ છે. કોઈએ ના નથી પાડી. પણ છતાંય કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. " મીત બોલ્યો.

" આ શું ઘડીક વાંદરો ને ઘડીક કૂતરો કહે છો. હું કાંઈ ઝૂ નથી કે બધાં પ્રાણી અહીં જ મળી જાય. એમ પણ સીધી રીતે કામ કરવામાં એવો આનંદ ન મળે જેવો આનંદ અવળી રીતે કામ કરવામાં મળે, સમજ્યો. " આશી બોલી.

મીત માથા પર હાથ ધરીને એક સાઇડમાં જઈને બેસી ગયો. આરવ તે બંનેને જોઈને હસવાં લાગ્યો અને મીતને કહ્યું,

" હવે મને કોઈ ચિંતા નથી. કદાચ કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાવ તોય આશી સાથે છે એટલે તમને કોઈ ન પકડી શકે. "

" હા હો, સાચી વાત. ને આ શું પ્લાનીંગ ચાલે છે આરવ? કામ કેટલે સુધી પહોંચ્યું? " ત્યાં પડેલાં બ્લ્યુટુથ અને કેમેરા તરફ જોઈને આશી બોલી.

" બસ હવે એન્ટ્રી ટિકિટની રાહ છે. બાકી બધું સેટ છે. " આરવે કહ્યું.

ત્યાં મીતનાં મોબાઇલ પર કૉલ આવ્યો. મીતે રિસીવ કર્યો.

" સર, તમારું કામ થઈ ગયું છે. ફોટો તમને હમણાં સેન્ડ કરું છું. " સામે છેડેથી અવાજ આવ્યો.

" અને તે માણસનું શું? " મીતે પૂછ્યું.

" તેની ચિંતા નહીં કરો. તે અઠવાડિયા સુધી બોલી શકે તેવી હાલતમાં પણ નથી. " તેણે કહ્યું.

" ઓકે, શાબાશ. તો જલ્દી ફોટો સેન્ડ કર. "

મીતે કહ્યું અને કૉલ કટ કર્યો. ત્યાં જ મોબાઇલમાં એક ફોટો આવ્યો. તેને જોઈને મીત બોલ્યો,

" ચાલો, એન્ટ્રી ટિકિટ મળી ગઈ. "

આરવ અને આશીએ તે ફોટો જોયો. તેમાં એક વાઘનો ચહેરો અને સાઇડમાં ઇંગ્લિશમાં 'SN' લખેલ ટેટૂ દોરેલું હતું.

" આ 'SN' શું હશે? " આશી બોલી.

" સિલ્વર નાઇટ. " આરવ બોલ્યો.

" એ શું? " મીતે પૂછ્યું.

" એ જે પબ છે તેનું નામ સિલ્વર નાઇટ છે એટલે કદાચ આ 'SN' એ જ હશે. " આરવે તેને સમજાવ્યું.

" ઓહ, આ કામ તો થઈ જશે. મારી એક ફ્રેન્ડ બહુ સારી ટેટૂ આર્ટિસ્ટ છે. તે એકદમ આવું જ ટેટૂ બનાવી દેશે. " આશીએ કહ્યું.

" વાહ, તો ચાલો મિહિર અને મીરાને પણ ગુડ ન્યૂઝ આપી દઈએ. " મીત બોલ્યો અને મિહિરને કૉલ કરીને બધી વાત ડીટેઈલમાં જણાવી દીધી.

***

" મીરા, હમણાં મીતનો કૉલ હતો. તે નિશાન પણ મળી ગયું છે. હવે બસ આજ રાતે આઠ વાગ્યાની રાહ છે. " મિહિર ઉત્સાહમાં આવીને બોલ્યો.

" વાહ, હવે તે અમિત ગયો. " મીરા પણ પૂરી તૈયારીમાં હતી.

***

" રાધિકા, એ રાધિકા. દરવાજો ખોલ. શું કરે છે તું. જલ્દી દરવાજો ખોલ. અમિત પણ જતો રહ્યો છે. આપણે હવે મીરાને શોધવાની છે. "

વિહાન ઘણા સમયથી બહાર ઊભો ઊભો દરવાજો ખખડાવી રહ્યો હતો પણ રાધિકાનો કોઈ જવાબ નહોતો આવી રહ્યો. ના તો તેણે દરવાજો ખોલ્યો. વિહાનને હવે ચિંતા થવા લાગી. તેણે ફરીથી ખખડાવ્યો. પણ ન ખૂલ્યો. હવે તેણે વધુ સમય રાહ ન જોતા દરવાજો તોડીને જ અંદર જવાનું વિચાર્યું.

***

વધું આવતાં ભાગમાં..

અંત સુધી બન્યા રહો..

જય શ્રી ક્રિષ્ના..