એક દિવસ અરમાનનો ફોન અદિતિની મમ્મીના ઘરે આવ્યો અદિતિના ખબર-અંતર પૂછ્યા અદિતિના લગ્ન થઈ ગયા છે તે વાત જાણીને તેને ખૂબ આનંદ થયો અને પોતે અદિતિને મળવા માટે ઈન્ડિયા આવવાનો છે તે વાત પણ તેણે જણાવી.
આ વાત કહેવા માટે અદિતિની મમ્મી સંધ્યાબેને અદિતિને ફોન કર્યો તો આરુષે ફોન ઉપાડ્યો. અદિતિ આરુષનું જમવાનું પીરસવામાં બીઝી હતી. તેથી સંધ્યાબેને આ વાત આરુષને કરી અને અદિતિને સમાચાર આપવા કહ્યું પણ આરુષને અદિતિ અરમાનને મળે તે વાત બિલકુલ પસંદ ન હતી તેથી તેણે અદિતિને આ વાત જણાવી જ નહીં.
અરમાને અદિતિની મમ્મી પાસેથી અદિતિનો નંબર લીધો અને અદિતિના ઘરે અદિતિને ફોન પણ કર્યો પણ કમનસીબે ફોન કટ થઈ ગયો અને અદિતિની અરમાન સાથે વાત ન થઈ શકી....
અરમાન અદિતિને મળવા માટે અને પોતાનો અંતિમ સમય અહીં ઈન્ડિયામાં વિતાવવા માટે ઈન્ડિયા પરત આવી ગયો હતો.
અરમાનને કેન્સર થઈ ગયું હતું અને તેની પાસે હવે થોડોક જ સમય બાકી રહ્યો હતો. તેને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તેને કેન્સરનું લાસ્ટ સ્ટેજ હતું.
તેથી તેણે નક્કી કર્યું કે પાછળના થોડા દિવસો ઈન્ડિયામાં પોતાના જૂના ઘરમાં જૂની યાદો સાથે વિતાવવા છે.
અરમાન ઈન્ડિયા આવીને ખૂબજ ખુશ હતો.બસ, તેને તો અદિતિને મળવું હતું. અને અદિતિ સાથે ઘણીબધી વાતો કરવી હતી. તે અદિતિને ચીડવવા માંગતો હતો કે," તું લગ્ન કરવાની "ના" પાડતી હતી અને લગ્ન કેમ કરી લીધા..?? સાસરે તો તારે જવું જ પડ્યું ને..?? અને તે મને તારા લગ્નમાં કેમ ન બોલાવ્યો. તું નાની હતી ત્યારથી મને બધું જ પૂછીને કરતી હતી અને હવે મોટી થઈ ગઈ એટલે લગ્ન મને પૂછ્યા વગર કરી લીધા..?? "
અને અરમાન અદિતિની મમ્મી સાથે આખો દિવસ અદિતિની બધી જ વાતો અદિતિને ખૂબજ યાદ કરીને ખૂબજ પ્રેમપૂર્વક શેર કર્યા કરતો હતો.
અદિતિની મમ્મીના ખોળામાં માથું મૂકીને અરમાન સૂઈ જતો અને રડી પડતો. બસ, તેને તો એક વખત અદિતિને મળવું હતું પુખ્ત પરિપક્વ અદિતિને જોવી હતી તેની આંખમાં આંખ પરોવીને તેની સાથે જૂની વાતો, જૂની યાદો બધું જ શેર કરવું હતું અને કેનેડામાં તેણે શું કર્યું..? અદિતિ વગર અદિતિની યાદમાં સૂનકાર સમય તેણે કઈરીતે પસાર કર્યો..?? આ બધીજ વાતોને તેણે જાણે બાથમાં ભીડીને રાખી હતી કે અદિતિ આવે એટલે તેને મારી બાજુમાં બેસાડીને આ બધીજ વાતો મારે તેને કહેવી છે અને તેના ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે અને જિંદગીનાં અંતિમ શ્વાસ મારે તેના ખોળામાં માથું મૂકીને પસાર કરવા છે.
અદિતિ મારા માથામાં પ્રેમથી હાથ ફેરવે એટલે તેનો પ્રેમ મુજ અભાગીને મળી ગયો અને હું ન્યાલ થઈ ગયો તેમ હું મારી જાતને સમજીશ અને એક ઊંડો નિસાસો નાંખી લેતો અરમાન...!!
બાકી રહેલા પાછળના આ ગોઝારા દિવસો અદિતિ સાથે મનભરીને બસ જીવી લેવા છે...!!
અરમાન અહીં ઈન્ડિયા આવ્યો છે તે વાતની જાણ આરુષને થઈ એટલે આરુષે અદિતિને લઈને બહારગામ ફરવા જવાનો પ્લાન બનાવી દીધો.
અદિતિ ઘરે એકલી હતી બસ, એઝયુઝ્વલ તેના ગાર્ડનમાં તે અને બિલાડીના બે બચ્ચા આગળ પાછળ દોડી રહ્યા હતા અને આરુષની ફેક્ટરીનો એક માણસ આવીને તેના હાથમાં ફ્લાઈટની બે ટિકિટ આપીને નીકળી ગયો. અદિતિ વિચારમાં પડી ગઈ, આરુષે ક્યાં બહારગામ જવાનો પ્લાન કરી દીધો અને એ પણ આમ અચાનક કેમ..? તે કંઈજ અદિતિની સમજમાં આવતું ન હતું અને તે આરુષને ફોન કરીને પૂછવાનું વિચારે તે પહેલા આરુષનો ફોન આવી ગયો.....
આરુષ અદિતિને અરમાનથી ખૂબજ દૂર ખેંચીને લઇ જવા માંગતો હતો. બસ, તેના મનમાં એકજ વિચાર ઘૂમરાયા કરતો હતો કે, " અરમાન, અદિતિને મળવો ન જોઈએ " અને તેને માટે આરુષ કંઈપણ કરવા તૈયાર હતો.
આરુષ અદિતિને ક્યાં લઈ જઈ રહ્યો છે...?? તે અદિતિને અરમાનથી દૂર લઈ જવામાં સફળ થશે કે નહીં...??
વાંચો આગળના પ્રકરણમાં....