લોકશાહીના રાજા - મતદાતા
ચૂંટણી લોકશાહી નું પર્વ કહેવાય છે અને ભારતમાં દરેક નાગરિકને ૧૮ વર્ષે પુખ્ત વય મતાધિકાર મળે છે.જેનો ઉપયોગ દરેક મતદાતાએ કરવો જ જોઈએ. ઘણા લોકોને એમ થાય કે મારા એક મતથી શું ફરક થશે? પણ ખરેખર એક મત પણ વ્યક્તિને જીતાડવા અથવા હરાવવા માટે ખૂબ જ મહત્વનો રહે છે. જેમ કે સરદાર પટેલ કોર્પોરેશનમાં એક મતને કારણે ચૂંટણી હારી ગયા હતા તો એક મત વધુ મળવાથી હિટલર નાઝી પાર્ટીનું પ્રમુખ બન્યો હતો અને હિટલર યુગનો જન્મ થયો હતો. એક મત ઓછો મળવા ને કારણે અટલજીને સત્તા પક્ષમાં બેસવાને બદલે વિપક્ષમાં જવું પડ્યું હતું.આમ, એક મતથી આપણી આપણી ઇચ્છા મુજબ ની સરકાર રચી શકીએ છીએ. અને આપણે એક કેવા નેતા ને પસંદ કરીએ આપણા એક વોટ થી નક્કી થાય છે...
વર્ષ ૨૦૧૧ થી ૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.25 જાન્યુઆરી ભારતના ચૂંટણી પંચ નો સ્થાપના દિન છે. આજના દિવસે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો, શેરી નાટકો, રેલીઓ, સોશિયલ મીડિયા ઉપર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ વગેરે દ્વારા મતદાતાને જાગૃત કરવા અને મતદાન માટે પ્રેરવામાં આવે છે.આ દિવસે રાજ્યકક્ષાના મતદાતા દિવસ ની ઉજવણી કાર્યક્રમમાં ચૂંટણી પ્રક્રિયામાં સાતત્યપૂર્ણ નિષ્ઠા પૂર્વક અને અને સમર્પિત પણે કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારી,બુથ લેવલ ઓફિસર , જિલ્લા ચૂંટણી તંત્ર ના અધિકારીઓ ,કર્મચારીઓને સન્માનિત કરવામાં આવે છે.આ ઉપરાંત ઉપસ્થિત સૌ મતદાતાઓને નિર્ભયતાપૂર્વક અને પ્રલોભન થી પ્રભાવિત થયા વિના મતદાન કરવા અંગેના શપથ લેવડાવવામાં આવે છે. જે આ મુજબ છે:
" ભારતનો નાગરિક લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઉં છું કે, હું મારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાય તેમજ શાંતિપૂર્ણ ચૂંટણી ની ગરિમા જાળવીશ. તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ,જ્ઞાતિ- જાતિ,ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર મતદાન કરીશ."
આ દિવસે વિવિધ ભાષાના સુત્રોના પોસ્ટર દરેક ગામમાં,કોલેજમાં, વિવિધ જાહેર જગ્યા ઉપર લગાવવામાં આવે છે જેવા કે,
"મતદાતા લોકશાહીનો રાજા"
કલ કરે સો આજ કર
આજ કરે સો અબ
અબ વોટિંગ નહીં કરેંગે
તો જિમ્મેદારી દિખાયેંગે કબ?",
"ભૂલો ભલે બીજું બધું મતદાનની ભૂલશો નહિ.",
"આયા ચુનાવ કા તહેવાર કરદે વોટો કી બોચ્છાર"
તો ક્યારેક રમુજી સૂત્રો જેવા કે,
"જો બકા સસ્પેન્સ ફિલ્મનું એન્ડિંગ
અને
ઇલેક્શન નું વોટીંગ કદી ચૂકવાનું નહીં,સમજયો કે?!!"
"વરસાદમાં દાળવડા કદી નથી ચૂકતા, તો પછી પાંચ વર્ષે આવતો મતદાન નો મોકો કઈ રીતે ચૂકાય?"
વગેરે વડે પણ મતદાતાઓને જાગૃત કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિશે જાગૃત કરવા તેમજ પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી આ દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ( નેશનલ વોટર્સ ડે) ની ઉજવણી કરવામાં આવે છે.
એક મતદાતા માટે મુશ્કેલી નું કામ એ છે કે તે કોઇ વ્યક્તિ કે કોઈ પાર્ટી ને મત કઈ રીતે આપવો?? ક્યાં સારા નેતા ને મત આપવો એ ખુદ નક્કી કરવાનું હોય છે. એક વિચાર્યા વગર અથવા પ્રલોભનમાં આવીને આપેલ ખોટા મતથી પાંચ વર્ષ ખરાબ થઈ શકે છે અને એક સાચા મતથી પાંચ વર્ષને સુવર્ણયુગ બનાવી શકાય છે. આ બધું જ એક યોગ્ય નિર્ણય કરીને લીધેલા મતદાન પર રહે છે. આથી પ્રત્યેક મતદાતા એવા નેતાઓને મત આપે કે જે દેશની ગરીબી દૂર કરી શકે, મધ્યમ વર્ગની જરૂરિયાત સમજી શકે ,યુવાનોને રોજગારી પૂરી પાડી શકે,આતંકવાદને અટકાવી શકે અને આજના સમયના મહત્વના મુદ્દા ભારતમાંથી ગરીબી દૂર કરી યુવાનોને રોજગારી પૂરી પાડવી અને શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવવો કે જેના પરિણામે દેશનો વિકાસ થાય એવી પાર્ટી અને એવી વ્યક્તિને મત આપવો જોઈએ. મતદાતા એ એવી વ્યક્તિ છે કે જે અમૂલ્ય લોકશાહી નું ઘડતર કરી શકે છે!
જોકે આજની પેઢીની સારી વાત એ છે કે તેઓ સમજદારીથી મતદાન કરી યોગ્ય સરકાર બનાવવા જાગૃત થઈ ગઈ છે. અત્યારના યુવાનોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ અને જાગૃતતા જોવા મળે છે. તેઓ પોતાના હકની લઈને ખૂબ સારી રીતે અને ગંભીરતાથી વિચારી અને સારા નેતા ચૂંટવા પ્રયત્નશીલ રહે છે એ વર્તમાન સમયમાં લોકશાહી માટે ખૂબ સારું પાસુ કહી શકાય..
દરેક મતદાતા પોતાના મતદાનનો અધિકાર સમજીને એ હક ભોગવવા, જાગૃતતા પૂર્વક તત્પર રહે એ જ આજના દિન વિશ્વ મતદાતા દિવસ ની સાર્થકતા...