મમ્મી પપ્પાનું ફ્રી નેચર જોઈ સાહીલ અને પિહુ બન્ને ખુશ હતા. તેમને એમ લાગ્યું કે તેમની પાસે કોઈ એવુ વ્યક્તિ છે જે તેમને સમજે છે અને સાચો રસ્તો બતાવી રહ્યું છે. વાતો કરતા જમીને બહાર આવ્યા. હજુ કાર પાસે પહોંચ્યા નહોતા ત્યાં સાહીલનો ફોન રણકયો. સાહીલે જોયુ, ફોન તેના ઘેરથી હતો. તે ફોન પર વાત કરવા ઉભો રહ્યો અને સાથે પિહુ પણ ત્યાં જ ઉભી રહી, તેના મમ્મી પપ્પા કારમાં જઈ વેઇટ કરશે એવુ કહી આગળ નીકળી ગયા.
" હલો મમ્મી..... કેમ અત્યારે અચાનક ફોન કર્યો ? કઈ થયું છે ? "
" હા સાહીલ ...... તું જલ્દી ઘેર આવી જા..."
" પણ થયું છે શું ?"
" તારા પપ્પાને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડતી હતી અને છાતીમાં બહુ દુખાવો થતો હતો તો અત્યારે જ તારા કાકા તેમને ગાંધીનગર હોસ્પિટલ લઇ ગયા. શું થયું હશે ? તું જલ્દી આવી જા." મમ્મી બહુ જ ડરાયેલા અવાજે બોલતા રડી પાડ્યા.
" વોટ ? મમ્મી હું હાલ જ ઘેર આવવા નીકળું છું તું ચિંતા ના કર કઈ નથી થયું..... ઘણીવાર ઉંમરના કારણે આવું બનતું હોય છે. હું સીધો જ ગાંધીનગર જઈશ. "
" સારુ ... પણ સાચવીને આવજે... અને બાઈક ધીમે ચલાવજે. "
" હું પહોંચી ફોન કરુ..." સાહીલે ઉતાવળે ફોન કાપી નાખ્યો.
" શું થયું સાહીલ ? " પિહુ તેનો ગભરાઈ ગયેલો ચહેરો જોઈ બોલી.
" મમ્મીએ કહ્યું તે પરથી લાગે છે પપ્પાને હાર્ટ એટક આવ્યું છે. મારે હાલ જ ગાંધીનગર જવુ પડશે. "
" હું આવું ? "
" ના .... હું એકલો જ જઈશ. "
અમિતભાઈએ પણ આ વાત સાંભળી તેની સાથે જવા આગ્રહ કર્યો પણ સાહીલે કહ્યું " અંકલ જરૂર પડશે તો તમને જરૂર કહીશ અત્યારે મને હોસ્ટેલ મૂકી જાઓ. ત્યાંથી મારું બાઈક લઇ નીકળી જઈશ. "
" બાઈક લઇ આટલો લાંબો રસ્તો જલ્દી નહીં નીકળે... એક કામ કર, અમારી કાર લઇ જા ઝડપી પહોંચી જઈશ. " મનીષાબેન બોલ્યા.
" થેન્ક્સ આંટી, પણ મને કાર ચલાવવાનો બહુ એક્સપિરિઅન્સ નથી તો બાઈક જ સારુ. "
પિહુ અને તેના મમ્મી પપ્પા સાહીલને હોસ્ટેલ ઉતારી તેમના ઘેર આવી ગયા અને સાહીલ ત્યાંથી જ સીધો તેનું બાઈક લઇ ગાંધીનગર જવા નીકળી ગયો. સાહીલ સમજી ગયો હતો કે તેના પપ્પાને એટક જ આવ્યું છે એટલે થોડો ડરી પણ ગયો હતો. ગમે તેવા ડોક્ટર હોય પણ પેસન્ટને જ ધીરજ રાખવાની સલાહ આપી શકે..... પોતાના કુટુંબ પર કોઈ મુશ્કેલી આવે ત્યારે તે ડોક્ટર નહીં પણ સામાન્ય માણસ જ બની જતા હોય છે. સાહીલ રોજ કેટલાય કેસ જોતો પણ આજે તેના પપ્પાનું સાંભળી ડરી ગયો. સાહીલ તેના મમ્મી પપ્પાનું એક માત્ર સંતાન હતો. તેઓ તેને થોડો સમય પણ તેમનાથી અલગ થવા દેતા નહોતા. તેમના ઘેર પૈસાની કોઈ કમી નહોતી. પણ સાહીલની જીદ પર ડોક્ટરનું ભણવા માટે બરોડા હોસ્ટેલમાં મજબૂરીથી મુકેલો, બાકી ઘેર તો સૌને સાહીલને ભણાવવાની ઈચ્છા જ નહોતી. ક્યાંક ભણીગણીને બીજે સેટ થઈ જાય તો ....?
સાહીલની ચિંતા કરતા પિહુનું પણ મૂડ ઓફ હતું. તે સાહીલને ફોન કરવાનું વિચાર કરતા, ઘડી ઘડી ફોન નંબર ડાયલ કરવા જતા અટકી રહી હતી. મનીષાબહેન આ બધું જોઈ રહ્યા હતા.
પિહુ પાસે જઈને બોલ્યા " તને શું થયું એ જાણવાની ઈચ્છા થતી હશે ? પણ અત્યારે તું સાહીલને ફોન કરી પરેશાન ના કર એ ફ્રી પડી તને ફોન કરશે. અને જો ના આવે તો રાત્રે તું કરી લેજે અત્યારે એને બહુ કામ હશે. "
પિહુ માત્ર મોં હલાવી જ તેની માંને ફોન નહીં કરે તેવું બોલી પણ મનમાં તો સાહીલ જ હતો.... તેનો ડરેલો ચહેરો સામેથી ખસતો જ નહોતો. અત્યારે સાહીલને મારી જરૂર હશે અને હું અહીં...... પિહુ ઊંડા વિચારો કરતા એમ જ બેસી પણ સાહીલ નો કોઈ જ ફોન આવ્યો નહીં. હવે તેની ધીરજનો અંત આવી ગયો. તેને ફોન લગાવ્યો પણ ફોન સ્વિચ ઓફ .... ? તેની ફેમિલીના કોઈનો નંબર પણ નથી. તેના હોસ્ટેલના રૂમ પાર્ટનરની સાથે વાત કરી તેના ઘરનો નંબર લેવા કોશિશ કરી પણ કોઈ પાસે બીજો કોઈ નંબર પણ નહોતો. હવે પિહુની ચિંતાનો પાર ન રહ્યો, શું થયું હશે ? સાહીલ સાથે વાત કર્યા વગર હવે નહીં ચાલે.... પણ કઈ રીતે ? શું કરું ?
ક્રમશ :