સાવકો પ્રેમ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સાવકો પ્રેમ

સંગીતાને આજ રીપોર્ટમાં કેન્સર આવ્યો છે એવું જયારથી સુરેશને ખબર પડી કે એ માનસિક રીતે ભાંગી પણ પડયો. સંગીતા છેલ્લા સ્ટેજમાં કેન્સરને લડત આપતી હતી. પણ એ રાક્ષસી માયા સામે એ ન જીતી શકી. એ એની પાછળ એની નાની દીકરી સોનલને પણ રડતી મેલી ગઈ.


ગામડેથી સુરેશના બા ઘર સાચવવા આવ્યા. પણ શહેરની હવા એને ગોઠતી નહીં. સોનલ પણ નવ વર્ષની એટલે બધું સમજતી પણ એ બાળકી હેબતાઈ જ ગઈ હતી અચાનક બનેલી ઘટનાથી. સુરેશ પણ સાવ મુંગો રહેતો.


શહેરમાં રહેતા સુરેશના બીજા લગ્નની વાત કરી પણ સોનલ માનતી ન હતી. 'સાવકી મા'ની વાર્તા એણે બાળપણમાં ખુબ સાંભળેલી. એ વાર્તા ક્યાંક હકીકત ન બને એવા ખોટા ડરથી એ સુરેશનો પ્રેમ પોતાનો પુરતો જ સાચવવા માંગતી હતી. આખરે, બધાની સમજાવટથી સોનલે હા પાડી પણ ખરા; દિલથી પોતે એસંબંધને નહીં સ્વીકારે એવું પણ કહ્યું.


આ બાજુ એક દીકરો સાથે લાવેલી મનિષા સાથે સુરેશનું બીજું લગ્ન ગોઠવાયું. મનિષા ભલીભોળી પણ નિયમની એકદમ ચુસ્ત. એણે આવતા વેંત જ બધાને પોતાની આવડતથી ખુશ કરી દીધા. વહેલા ઊઠવાનું, સમયે કામ પતાવી દેવાનું અને રસોઈમાં પણ સ્વાદ જાળવવાની સાથે પરિવારને પણ સાચવવાની એની કુનેહ ખરેખર વખાણવા લાયક હતી. એ પણ પોતાની એક દીકરી ગુમાવી ચુકી હતી. જન્મ થયો કે એક વર્ષ પછી નાની બીમારીની ઝપેટમાં આવી ગયેલી પોતાની દીકરીને એ નહોતી બચાવી શકી.


એ સોનલ સાથે દોસ્ત જેવું વર્તન કરતી પણ સોનલ જરા પણ મચક ન આપતી તો પણ મનિષા કયારેય ઓરમાયું વર્તન ન થઈ જાય એવું ખાસ ધ્યાન પણ રાખતી. આમ ને આમ સોનલ પંદર વર્ષની થઈ. બધી રીતે સુંદર સોનલ મનિષાની કાયમી વિરૂદ્ધ જ રહેતી. હવે તો એનો ભાઈ જે મનિષાની આંગળીએ આવ્યો તો એ પણ સોનલ સાથે જ જમતો ને રમતો થઈ ગયો હતો.


એકવાર રાતે મનિષા પોતાની આ વાત સુરેશને કહે છે કે "મેં ક્યારેય સોનલને પારકી નથી ગણી. એને મારાથી હજાર ફરિયાદ હશે પણ હું એની કોઈ ફરિયાદ તમને નથી કરતી. હવે એ જો નહિ સમજે તો કોઈની વાતોમાં આવી ખરાબ વર્તન ન કરે અને ન શીખે એ જવાબદારી 'મા' ની જ હોય. આ ઉંમરમાં 'મા' એ જ એની સાચી મિત્ર હોય.એના શરીરમાં થતા ફેરફાર, એના વિચાર અને એનો વિકાસ આ દરમિયાન જ એને મુંઝવશે. હું શું કરૂં કે એને સમજાવી શકું ? એ મારી સામે જોતી પણ નથી. કયારેક કોઈના કહેવાથી એ અણછાજતું વર્તન કરશે તો પણ હું જ દોષિત ઠરીશ." આટલું કહી એ ખુબ રડે છે.


બીજે દિવસે સુરેશ આ બેય મા-દીકરાને કામથી બહાર મોકલી સોનલને બાજુમાં બેસાડી વાત કરે છે અને એના નફરતના કારણની વાત કરે છે. સોનલ છેક સુધી બધું સાંભળી ને ચુપ જ રહે છે. 'નથી રડતી કે નથી હસતી, નથી બોલતી કે નથી કંઈ વ્યક્ત કરતી !' આ જોઈ સુરેશ પહેલી વાર ગુસ્સે થઈ ને ખિજાય છે. ત્યારે સોનલના મનમાં ભરાયેલો જ્વાળામુખી શબ્દો બની ફાટે છે.


"હું આ નવી માને અપનાવીશ તો મારી 'મા' ને અન્યાય થશે. બધા કહે છે કે 'આ 'સાવકી મા' મને સાસરે વળાવી તમને અને મને દુર કરી દેશે. એ રોજ મને સારૂં સારૂં ખવડાવી મને વશમાં કરવા પ્રયત્ન કરે છે. એ મને ક્યારેય ઘરકામ નથી કરવા દેતી એટલે હું ડોબી ગણાવ. એ મને બધા પ્રસંગમાં આગળ કરે છે સારા કપડાં પહેરાવી અને સજાવી ધજાવીને એટલે એ દુનિયાની સામે સારી જ દેખાય. હું સુતી હોવ તો મને ઊઠાડતી પણ નથી એટલે બીજાની નજરે હું આળસુ જ ગણાવ. મારે આ 'સાવકી મા' નથી જોતી." આમ કહી એ ધ્રુસકે-ધ્રુસકે રડે છે.


આ સાંભળી સુરેશ એને કહે છે, "દીકરી આ તે કહ્યું એ પોતાની 'મા' જ કરી શકે. કોઈ 'સાવકી મા' આવું ન કરે. તેં જે વિચાર્યું એ પરિસ્થિતિને હકારાત્મક રીતે વિચારી જો. ન ઊઠાડી તને તો સુવા પણ દીધી ને ! કામ ન કરાવી તને સારી રીતે ભણાવે છે. સારૂં ખવડાવી તને મોટી પણ કરી. બધે પ્રસંગમાં તને આગળ કરીને તારી ઘરમાં બધાને કિંમત જણાવી.


સોનલના મનમાં રહેલો નફરતનો પરપોટો હવે ફુટી ગયો ને મનનું બારણું ખોલી વિચારે છે. પોતાનાથી થયેલા અજાણ્યા અપરાધને એ હવે હ્રદયથી અનુભવતી હતી.


એ બારણે ઊભી ઊભી 'સાવકી મા' ની વાટ જોતી હતી. જેવી 'સાવકી મા' આવી કે એને વળગી અને જોઈને બોલી કે.....


" મા તમારો સાવકો પ્રેમ હું કેમ ના સમજી શકી ?" મને માફ કરી દયો. એ બેયનો પ્રેમ જોઈ સુરેશ આજ સંગીતાને યાદ કરતો કરતો બહાર નીકળી ગયો.


આજ એક ઘરમાં પોતિકાપ્રેમના તોરણ બંધાયા. સાવકા શબ્દને મનમાંથી જ વિદાય આપી.

શિતલ માલાણી"સહજ"
જામનગર