" " કેનેડા... "
અરમાન તેના મમ્મી-પપ્પા સાથે કેનેડા પહોંચી ગયો અને તેમને પીકઅપ કરવા માટે ભાઈ અને ભાભી એરપોર્ટ ઉપર આવીને જ ઉભા હતા. કરણ અને સીમા બંને પોતાના પરિવારને અહીં કેનેડામાં પોતાની સાથે જોઈને ખૂબજ ખુશ થઈ ગયા હતા.
કેનેડાની ધરતી ઉપર પગ મૂકતાં જ જાણે અરમાનને અને તેના મમ્મી-પપ્પાને કંઇક અલગ જ પ્રકારની ખુશ્બુ આવી રહી હતી. એક અદમ્ય ઠંડકનો અહેસાસ થઈ રહ્યો હતો.
મમ્મી-પપ્પાના ચહેરા ઉપર એકદમ ખુશી છવાએલી દેખાતી હતી મમ્મીની આંખમાં તો હર્ષનાં આંસુ પણ આવી ગયાં પણ અરમાન જરા ઉદાસ ઉદાસ લાગતો હતો જાણે પોતાની કોઈ કિંમતી વસ્તુ તેની પાસેથી છીનવાઈ ગઈ હોય અને તેને જે શૉક લાગ્યો હોય તેવો વિષાદયુક્ત ચહેરો તેનો લાગતો હતો. ભાભીએ તો તેનો ચહેરો જોઈને મજાક પણ કરી કે, " અરમાનભાઈ ઈન્ડિયામાં કંઇક ભૂલીને આવ્યા હોય તેવું લાગે છે. તમારા ફેઇસ ઉપર ખુશી નથી લાગતી. "
અરમાન: ના ના ભાભી એવું કંઇ નથી...!!
પણ એ તો અરમાનનું મન જ જાણતું હતું કે, તે ખાલી શરીર લઈને જ કેનેડા આવ્યો છે. તેનો આત્મા અદિતિ, જેને તે સાથે નથી લાવી શક્યો અને તેનું તેને સખત દુઃખ છે. એક ક્ષણ માટે પણ નહીં છોડનાર અદિતિને કાયમ માટે છોડીને આવવું કેટલું અઘરું છે તે વાત અરમાન સિવાય કોઈની સમજમાં આવે તેમ ન હતી....!!
ધીમે ધીમે અરમાન કેનેડામાં પોતાની જાતને સેટ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ અદિતિની સાથે રહેવા ટેવાયેલો અરમાન પોતાની જાતને બિલકુલ એકાકી મહેસૂસ કરવા લાગ્યો, ભાઈ અને ભાભી તો હતા પણ હર પળ, હર ક્ષણ સાથે રહેવા વાળી અદિતિ તેની સાથે ન હતી.
ભાઈ અને ભાભી અરમાનને અને તેના મમ્મી-પપ્પાને કેનેડામાં રોજ જુદી જુદી જગ્યાએ ફરવા લઈ જતા હતા. ઈન્ડિયા કરતાં અહીં ઠંડી પણ ખૂબ હતી. અદિતિએ અરમાનને એક સ્વેટર અને મફલર પોતાની જાતે ગૂંથીને આપ્યા હતા. અરમાન આ બંનેને પોતાનાથી જરાપણ અળગા કરતો ન હતો. જાણે તે અદિતિને હર પળ પોતાની સાથે લઈને ફરવા માંગતો હતો.
કેનેડામાં કરણ અને સીમા તેમને CN Tower જોવા લઈ ગયા.
ત્યારબાદ Capilano suspension Bridge Park જોવા લઈ ગયા
આમ, કરણ અને સીમા અરમાનના અને તેના મમ્મી-પપ્પાના પંદર દિવસ તો ફરવામાં જ પસાર થઈ ગયા હતા.
ફરવામાં ને ફરવામાં અરમાન પંદર દિવસ સુધી અદિતિ સાથે બરાબર વાત પણ ન કરી શક્યો અને પછી તેને જોબ મળી ગઇ એટલે જોબ કરવામાં બીઝી થઈ ગયો.
આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો. અદિતિની આંખમાંથી આંસુ સૂકાતા ન હતા. તે અરમાનને બિલકુલ ભૂલી શક્તી ન હતી. પળે પળ તે અરમાનને ખૂબજ મીસ કરતી હતી. તેના માટે હવે આ જીવન જાણે અઘરું થઈ ગયું હતું.અરમાન પણ અદિતિને યાદ કરતો હતો પણ સમય અને સંજોગ આગળ તે મજબૂર હતો.
અદિતિએ પોતાનો થોડો સમય પસાર થાય તે માટે આગળ માસ્ટર્સનું ભણવાનું ચાલુ કર્યું અને બાકીના સમયમાં તે ડાન્સ કલાસ ચલાવતી હતી જેમાં તે નાની નાની દીકરીઓને ખૂબજ પ્રેમ અને લગનથી ડાન્સ શીખવતી હતી. કામમાં બીઝી રહેવાનું હવે અદિતિને ઘણું સારું લાગતું હતું. મમ્મી-પપ્પા લગ્ન માટે પૂછ્યા કરતાં હતાં પણ અદિતિ પોતાનું માસ્ટર્સ પૂરું થઇ જાય પછી જ લગ્ન કરશે કહી, વાતને ટાળી દેતી હતી.
ચાર-પાંચ મહિના સુધી નિયમિત અરમાન અદિતિને ફોન કર્યા કરતો હતો પણ અચાનક શું થયું તેની કંઈજ ખબર ન પડી અને અરમાનના ફોન આવવાના બિલકુલ બંધ થઈ ગયા. અદિતિને તો શું કરવું કંઇજ સમજાતું ન હતું.
એટલામાં તેની ફ્રેન્ડ કુંજનના મેરેજ હતા તેને પોતાના ફેમીલી સાથે તેમાં જવાનું ઈન્વીટેશન મળ્યું.
અદિતિ પોતાના મમ્મી-પપ્પાની સાથે કુંજનના મેરેજ માં ગઈ ત્યાં આરુષે તેને જોઈ, આરુષને અદિતિ ખૂબ ગમી ગઈ. આ વાત આરુષે કુંજનને કરી. આરુષ અદિતિને ઘરે અદિતિને જોવા તેમજ મળવા માટે આવ્યો....વધુ આગળના પ્રકરણમાં...