સુંદરી - પ્રકરણ ૫૮ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૫૮

અઠાવન

“અરે જયરાજ? આવ આવ.” પ્રમોદરાયે દરવાજો ખોલ્યો તો સામે જયરાજ ઉભો હતો.

“વોઝ જસ્ટ પાસિંગ બાય, તો થયું તમને મળતો જાઉં એન્ડ હેવ સમ ટી!” જયરાજ જ્યાં ઉભો હતો ત્યાં જ ઉભા ઉભા બોલ્યો.

“વ્હાય નોટ, પ્લીઝ કમ ઇન!” આટલું કહીને પ્રમોદરાયે જયરાજને અંદર આવવાનો ઈશારો કર્યો.

જયરાજનું અંદર આવવું અને સુંદરીનું રસોડાંમાંથી રસોઈ બનાવીને બહાર આવવું બંને ઘટનાઓ સાથેજ બની. જયરાજને આમ અચાનક જ પોતાને ઘેર આવેલો જોતાં સુંદરીને નવાઈ લાગી અને થોડું ગમ્યું પણ નહીં. સુંદરીને જયરાજની કુટિલ યોજનાની બિલકુલ ખબર ન હતી એટલે તેણે જયરાજ સામે સ્મિત કર્યું.

“સર, તમે? આ સમયે?” સુંદરીએ નવાઈ સાથે જયરાજને પૂછ્યું.

“વેલ, આઈ વોઝ જસ્ટ પાસિંગ બાય, એટલે મને થયું કે તારા હાથની ચ્હા પીતો જાઉં.” જયરાજે કુટિલ સ્મિત કરતાં કહ્યું.

જયરાજની નજર આછાં ગુલાબી રંગના સલવાર કમીઝ પહેરીને રસોડામાંથી બહાર આવેલી અને રસોડાની ગરમીને લીધે સહેજે પરસેવે રેબઝેબ થયેલી સુંદરીના સુંદર શરીરનું પોતાની ઝેરીલી નજરથી સ્કેન કરવા લાગી અને તેના વિષે કલ્પના કરવા લાગ્યો.

“ઓહ! પણ અમારો તો જમવાનો સમય થયો છે.” સુંદરીના મોઢાંમાંથી આપોઆપ નીકળી ગયું.

“જમવાનું તો મોડું પણ થઇ શકે, જયરાજ એમ વારેવારે આપણે ઘેર નહીં આવે. ચ્હા બનાવ, હું પણ પીશ.” પ્રમોદરાયે હુકમના સ્વરમાં કહ્યું.

“પણ પપ્પા રાત્રે તમે ચ્હા પીવો છો તો એસિડીટી થઇ જાય છે તમને.” સુંદરીએ પ્રમોદરાયને યાદ દેવડાવ્યું.

“એ હું જોઈ લઈશ. તું ચ્હા બનાવ.” પ્રમોદરાયે ફરીથી હુકમ કર્યો.

સુંદરીને જરાય મન ન હતું પરંતુ તેમ છતાં તે મોઢું બગાડીને રસોડામાં પછી જતી રહી.

“સો સર, હાઉ ઈઝ રીટાયર્ડ લાઈફ?” સુંદરીના રસોડામાં જવાની સાથેજ જયરાજે વાત શરુ કરી.

“બસ, વાંચન, વાંચન અને વાંચન. મારા બનેવીની તબિયત સારી નથી રહેતી એટલે એક બે મહિનામાં એકાદ વખત મુંબઈનો આંટો હોય છે મારે, એટલે અઠવાડિયું દસ-દિવસ જઈ આવું છું. હજી બે દિવસ પહેલાં જ આવ્યો.” પ્રમોદરાયે જવાબ આપ્યો.

“ઓહો, તો તમે મુંબઈ જાવ ત્યારે સુંદરી? વ્હોટ અબાઉટ હર? એ ક્યાં રહે છે?” જયરાજના મગજે કામ કરવાનું શરુ કરી દીધું.

“એ ક્યાં જવાની? એ તો અહીં જ ઘરમાં રહેને? કોલેજ પણ નજીક છે એટલે હું જાઉં એટલે બીજે કોઈ સગાંને ત્યાં રહેવા જાય તો કોલેજ દૂર પડી જાય છે. કરી લે છે એ પોતાનું.” પ્રમોદરાય આ બાબતે નિષ્ફિકર લાગ્યાં.

“ધેટ્સ રાઈટ. બટ વ્હોટ અબાઉટ હર મેરિજ? કાયમ તો એ તમારી સાથે તમારી સેવા નહીં કરી શકે ને?” જયરાજે પાસો ફેંક્યો.

“આઈ નો જયરાજ, બટ એમનેમ તો દીકરીને કોઈને આપી ન દેવાયને? દીકરો તો ગયો છે હાથમાંથી, હવે દીકરીને મારે બહુ વિચારીને કોઈને સોંપવી છે. યુ નો, આજના જમાનાની હવા તો એને ઓલરેડી લાગી જ ગઈ છે. બટ સ્ટીલ શી ઈઝ માય ડોટર!” પ્રમોદરાયે પોતાની રીતે પોતાની વ્યથા સંભળાવી.

“મારી ચિંતા કરવાની જરૂર નથી સર. આપણે પ્રોફેશનલી એટેચ છીએ, સોશિયલી નહીં. મારી ચિંતા કરવાવાળા ઘણાં છે, એટલે પ્લીઝ ખોટું ન લગાડતાં, પણ મને આ બધું ગમતું નથી.” હાથમાં ચ્હાના બે કપ ને એક ટ્રે માં રાખીને બહાર આવેલી સુંદરીએ જયરાજને ઉદ્દેશીને કહ્યું.

“બિઈંગ યોર બોસ, આઈ એમ ઓલ્સો યોર મેન્ટર, સો ઈટ ઈઝ ઓબ્વીયસ ધેટ...” જયરાજ હજી બોલી જ રહ્યો હતો કે...

“... નો સર ઈટ ઈઝ નોટ ઓબ્વીયસ. કારણકે તમે મારા બોસ છો, મેન્ટર નહીં. મને મારી પર્સનલ લાઈફમાં કોઈ ખણખોદ કરે એ ગમતું નથી. સો આઈ રીક્વેસ્ટ યુ વિથ ફોલ્ડેડ હેન્ડ્સ, પ્લીઝ કીપ આઉટ ઓફ માય પર્સનલ લાઈફ.” ટ્રે ને ટેબલ પર મુકીને સુંદરીએ પોતાના બંને હાથ જયરાજ સામે જોડીને કહ્યું.

“જયરાજ મેં હમણાંજ કહ્યુંને કે આ જમાનાની હવા એને લાગી ગઈ છે. સોરી! એના આ વ્યવહાર માટે હું સોરી કહું છું. પ્લીઝ એક્સેપ્ટ!” પ્રમોદરાયની આંખો ઝુકેલી હતી.

“ઓહ! નો નો નો નો! પ્લીઝ સર! ઇટ્સ ઓકે. એન્ડ સુંદરી, આઈ પ્રોમિસ યુ કે હું તારી પર્સનલ લાઈફમાં હવેથી કોઈજ માથું નહીં મારું. આ તો લાસ્ટ સેશનમાં તારા અને પેલા છોકરા વચ્ચે અફેરની રૂમર્સ ફેલાઈ હતી એટલે આઈ વોઝ બીટ વરીડ! બાય સર!” આટલું કહીને જયરાજ સોફા પરથી ઉભો થઇ ગયો અને સુંદરીની દુઃખતી રગ પર હાથ પણ મૂક્યો.

“અરે, જયરાજ પણ ચ્હા તો પીતા જાવ?” પ્રમોદરાય પણ તરતજ ઉભા થઇ ગયા.

“સમ અધર ટાઈમ. જ્યારે તમારા ઘરનું વાતાવરણ સારું હશે. ગૂડ નાઈટ.” જયરાજ ઘરના દરવાજાની બહાર નીકળતાં બોલ્યો.

“જમવાનું બગાડ્યું તે મારું. બોલવાની કોઈ ભાન જ નથી તને? અરે તારો હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ છે. તારી નોકરી ખાઈ જશે અને તને ખબર પણ નહીં પડે.” પ્રમોદરાયને સુંદરી પર ગુસ્સે થવાનું બીજું કારણ મળી ગયું.

“હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ એ કોલેજમાં છે પપ્પા અહીં નહીં. અને કોલેજમાં એ શું છે અને બધાં જોડે કેવો વ્યવહાર કરે છે એની તમને ખબર નથી. એમને શી પડી છે મારા લગ્ન ક્યાં થાય, ક્યારે થાય? અને કોની સાથે થાય?” સુંદરીના અવાજમાં પણ રોષ હતો.

“એને તારી ચિંતા છે. કોલેજમાં ઓલરેડી તું તારું નામ કાળું કરી ચૂકી છે સમજી? એ તારા વડીલ તરીકે તારા વિષે વિચારી રહ્યા છે. કદાચ કોઈ છોકરો એના ધ્યાનમાં હશે.” પ્રમોદરાય પણ જોરથી બોલ્યા.

“વડીલ?” સુંદરીના ચહેરા પર સ્મિત આવ્યું.

આ સાથે જ સુંદરીએ ટેબલ પર પડેલી ચ્હાના કપની ટ્રે ઉપાડી અને ઝડપથી રસોડામાં જતી રહી. પ્રમોદરાયને ખબર ન પડી જે સુંદરી છેલ્લે તેમની સમક્ષ વડીલ શબ્દ કહીને સ્મિત કેમ કરી ગઈ?

==::==

“એટલે એણે તને કોઈ તકલીફ ન પડે એ કારણસર કોલેજ છોડી દીધી?” અરુણાબેનના ચહેરા પર ભારોભાર આશ્ચર્ય હતું.

“જો સોનલનું કહેવું માનીએ તો આ જ કારણ છે.” સુંદરીએ જવાબ આપ્યો.

સોનલ અને સુંદરીની મુલાકાત બાદ આવેલા પહેલા રવિવારે સુંદરી અને અરુણાબેન, અરુણાબેનના ઘરે વાતો કરી રહ્યા હતા. આ વાતચીત દરમ્યાન સુંદરીએ વરુણ વિષે તેની સાથે બનેલી તમામ ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું.

“જો, હું આમતો બહુજ રૂઢિચુસ્ત છું. પણ જમાનો આગળ વધી ગયો છે એની મને પણ ખબર છે. મારી પણ બે દીકરીઓ છે અને એ બંનેને મેં તેમના જીવનસાથી પસંદ કરવાની પૂરેપૂરી છૂટ આપી છે. તું પણ મારી દીકરી જ છો. મારો પોઈન્ટ છે છે સુંદરી કે દીકરીઓની મા હોવાને કારણે મને કાયમ એવી ચિંતા રહેતી હોય છે કે તેમને કોઈ એવો છોકરો ન ભટકાઈ જાય જે તેમનું જીવન બરબાદ કરી દે અથવાતો એમને ભલે એક ચોક્કસ સમય માટે પણ એમને દુઃખી કરી દે.

મને ખબર છે કે આપણા સમાજમાં એવા છોકરાઓ ઘણાં છે જે ખૂબ સારા છે, પણ અમુક ખોટા દાખલા જોવા મળે એટલે શંકા તો ઉપજે જ. તેં જે રીતે વરૂણનું વર્ણન કર્યું છે એ જોતાં મને લાગે છે કે એ પેલા ખૂબ સારા છોકરાઓમાંથી એક છે. તે દિવસે બગીચામાં જે થયું એ મારા મતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ હતી. આમ એ છોકરો મેચ્યોર લાગે છે પણ છેવટે તો હજી ટીનેજર જ છે ને? કદાચ એને તેનો પોઈન્ટ તારી સમક્ષ મુકતાં ન આવડ્યું અને તું ગુસ્સે થઇ ગઈ.

ચલો, જે થયું તે થઇ ગયું, પણ તે જ્યારથી આ વાત મને કરી છે એક વાત મારા મનમાં સતત રમે રાખે છે.” અરુણાબેન થોડો સમય અટક્યાં

“કઈ?” સુંદરીના સ્વરમાં ઉત્કંઠા હતી.

“સુંદરી, તને એવું લાગશે કે અરુમા તને આવું કહી રહ્યાં છે? પણ બેટા, જો જિંદગી તને બીજી તક આપેને? તો વરુણ ગુમાવવા જેવો છોકરો મને તો નથી લાગતો!” અરુણાબેન સુંદરી સામે જોઇને બોલ્યાં.

“એટલે?” સુંદરી ગૂંચવાડામાં હતી.

“બેટા, જો ફરીવાર વરુણ તારી જિંદગીમાં આવે અને તારી સમક્ષ તેના પ્રેમનો પ્રસ્તાવ મુકે તો એને ના ન પાડતી.” અરુણાબેને સુંદરીના હાથ પર પોતાનો હાથ મૂક્યો અનેતેને દબાવ્યો.

“અરુમા? આ તમે કહી રહ્યાં છો? તમે?” સુંદરીની આંખો પહોળી થઇ ગઈ.

“હા બેટા હું કહું છું. હું વરુણને જાણતી તો શું એને એક જ વાર મળી છું એ પણ તારે ઘરે તે દિવસે જે કિસ્સો બન્યો ત્યારે. પણ મારું મન કહે છે કે એ સારો અને ઠરેલ છોકરો છે. તારે શું કરવું, કોની સાથે પોતાનો સંસાર માંડવો એ તારી સ્વતંત્રતામાં આવે છે, પણ ઘણીવાર સ્વતંત્રતામાં આપણે કોઈ ખરાબ નિર્ણય પણ લઈ બેસતાં હોઈએ છીએ. આ તો મેં તને એક સલાહ આપી, બાકી તારે જે કરવું હોય તે. હા મારી આજની સલાહ મનમાં જરૂર રાખજે કદાચ તને તારા જીવનસાથીનો નિર્ણય લેવામાં એ મદદરૂપ બની જાય એવું પણ બને ને?” અરુણાબેને હજી પણ સુંદરીનો હાથ પકડી રાખ્યો હતો.

“પણ અરુમા, એની અને મારી ઉંમર તો જુઓ? અને અમે કોણ છીએ? શિક્ષક અને વિદ્યાર્થી.” સુંદરીએ પોતાનો વિરોધ નોંધાવ્યો.

“એવું નક્કી છે કે પતિની ઉંમર જ મોટી હોવી જોઈએ? આવું ક્યાંય લખ્યું છે? અને તમે શિક્ષક અને વિદ્યાર્થી છો નહીં હતાં, કારણકે વરુણ હવે કોલેજ છોડીને જતો રહ્યો છે. અને હા, એ ન ભૂલતી કે જયરાજ તારા ઘરે આવી ચૂક્યો છે અને એ હજી પણ આવશે વારંવાર આવશે. એની નજર તારા પર છે સુંદરી, તેં જ મને એના વિષે ફરિયાદ કરી હતીને? જો એ તારો બોસ હોવા છતાં તારા વિષે ખરાબ વિચારે છે તો વરુણ તો...” અરુણાબેને પોતાનું વાક્ય અધૂરું છોડ્યું.

સુંદરી અરુણાબેનની વાત સાંભળીને વિચારમાં પડી ગઈ અને આદત અનુસાર જ્યારે પણ એ ગહન વિચારમાં હોય ત્યારે કરતી હોય છે એમ પોતાના જમણા હાથની પહેલી આંગળી એણે પોતાના બંને આગલા દાંત વચ્ચે દબાવી દીધી.

==:: પ્રકરણ ૫૮ સમાપ્ત ::==