લાલની રાણીનું આધારકાર્ડ - 17 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલની રાણીનું આધારકાર્ડ - 17

પ્રકરણ-સત્તરમું/૧૭

અને જયારે સવારે......

રાઘવ, રણજીત, ભાનુપ્રતાપ, વિઠ્ઠલ, ભૂપત અને વનરાજ સૌ એ ન્યુઝ પેપર હાથમાં લઈને જોયું તો....
એકબીજાને ભેટતાં, મીઠાઈ ખવડાવતા, ગળે મળતાં, હાર પહેરાંવતા અને લાલસિંગ અને તરુણાના ફોટોગ્રાફ્સ જોઇને સૌના પગ તળેથી જમીન સરકી ગઈ.

ત્રણ ત્રણ પેઢીઓથી જે લોકો પોતાની જાતને રાજકારણના ખેરખાં સમજતાં હતા એ સૌની ધારણા ઘડીના છટ્ઠા ભાગમાં ધાણીની જેમ ફૂટી જશે એવું સચોટ અનુમાન તરુણાને છેલ્લાં એક વીક પહેલાં થી હતું જ. અને એ પછીની સૌના આઘાત, પ્રત્યાઘાત, પ્રતિસાદ, કે પ્રતિકારનો કઈ રીતે સંતોષકારક પ્રત્યુતર આપવો તેની પૂર્વ માનસિક તૈયારીનો અભ્યાસ પણ તરુણાએ કરી જ લીધો હતો. તરુણાને હતું કે આવતીકાલનો સૂર્યોદય કંઈકના સપનાં અને સમીકરણને ઊંધા વળી દેશે.

ભૂકંપને પણ કંપારી છુટી જાય એવા સમચાર વાંચીને લીટરલી ન્યુઝ પેપરનો ઘા કરતાં રાઘવે સૌ પહેલાં કોલ કર્યો તરુણાને.

‘હેલ્લો...’ તરુણા બોલી.
‘બેન.. ઈચ્છા તો થાય છે કે, તમને એકવીસ તોપની સલામી આપું તો પણ ઓછી પડશે. પણ... આ સુરંગ ખોદી કયારે.. ? આ અને સુરંગની સાથે સાથે તો તમે આ શહેરના આકા, કાકા, બાપા અને મારા મામા સૌની એક ઝાટકે ઘોર ખોદી નાખી હો બાકી.’

‘શું કરું રાઘવભાઈ, આ વર્ષોથી બબ્બે હાથે મૂછોને વળ આપીને થાકતા નથી એવાં બંધ બારણાંના બાહુબલીઓનો એવો વ્હેમ ઉતારીને થકી ગઈ કે, તમે મહાપુરુષ તો શું સામાન્ય પુરુષની ક્ષ્રેણીમાં આવો એમ નથી.’
આટલું બોલતાં તરુણા ખડખડાટ હસવાં માંડી.

‘પણ. તમે તો એવડો મોટો પેચીદો પ્રશ્ન ઊભો કર્યો છે કે, હવે તો આ ધુરંધરોને તેનું પોતાનું જ થોબડું દર્પણમાં જોતા શરમ આવશે.’ રાઘવ બોલ્યો.

‘પણ સાચું કહું, રાઘવભાઈ આ શહેરમાં જો મને તમારો ભેટો ન થયો હોત તો હું હજુ આજે પણ ખબર નહીં હું ક્યાં ને ક્યાં રખડતી હોત. આ બધો જ શ્રેય તમને જાય છે.’
તરુણા બોલી
‘આજે તમે જ્યાં છો તેનું સૌથી સશકત પરિબળ છે તમારી વિનમ્રતા. મેં કશું જ નથી કર્યું. આઈ થીંક કે તમને ખ્યાલ જ હતો કે, આ આજની પરિસ્થિતિનું નિર્માણ તમે પહેલાં પણ કરી જ શક્યા જ હોત, છતાં પણ તમે જે રીતે તમારી હાથવગી સફળતાની સાથે સાથે રહસ્યને પચાવીને ધેર્યથી એક એવા ટોપ સિક્રેટ મિશનને અંજામ આપ્યો છે કે, જેના વિચાર માત્રથી ભલભલાના હાજા ગગડી જાય. પણ હવે આ મહાભારતને આંટી દે એવી સ્ક્રિપ્ટ લખવાનો આઈડિયા આવ્યો કયાંથી એ તો કહો ?
રાઘવે પૂછ્યું.

‘આ લાલસિંગે અધ્ધવચ્ચે છોડેલી સ્ક્રિપ્ટ હતી. જે મેં પૂરી કરી છે.’ તરુણા બોલી.
‘ઓહ્હ... પણ હવે તો મહાખંડ જેવા મહાનાટક પરથી પડદો પાડો.. એટલે પાત્રોનો પરિચય થાય કે હજુ પણ કોઈ કેરેકટર પાસે મુજરો કરાવવાનો બાકી છે ?
ખડખડાટ હસતાં રાઘવે પૂછ્યું.
‘અરે.. જેના માટે આ બધા મારી ગળચી પકડશે એ લાલસિંગે બંધ બારણે વેઠ દઈને ઉતારેલી વેબસીરીઝ માટે હવે નવેસરથી તે જાતે જ તેના કપડાં ઉતારશે. એ લોઢા જેવો લાલસિંગ નરમ થઈ, હાથ જોડીને એમ કહેશે કે મારી માં હવે તું હથોડો મારી જ દે. અત્યાર સુધી ચાલ્યું એ તો માત્ર આ કહાનીની પ્રસ્તાવના જ હતી રાઘવભાઈ, મૂળ કથાનો તો હવે પ્રારભ થશે.’

‘અરે.. પણ તો આ પપેરમાં આવેલાં તમારાં અને લાલસિંગના આવાં ગાઢ મૈત્રી જેવા ખુશખુશાલ લાગતાં ફોટોગ્રાફ્સ ? નવાઈ સાથે રાઘવે પૂછ્યું.
‘એ તો એક એવી લોલીપોપનું સેમ્પલ છે કે સૌ ચૂસવા માટે હજુયે લાળ પાડતા લાઈનમાં ઊભા રહેશે. સોરી .. રાઘવ ભાઈ, વનરાજભાઈનો કોલ આવે છે.. હું તમને પછી નિરાંતે કોલ કરું છું.’ એમ કહીને રાઘવનો કોલ કટ કરીને તરુણાએ વનરાજનો કોલ રીસીવ કરતાં બોલી,

‘એ બોલો બોલો,, વનરાજભાઈ.. સોરી રાઘવભાઈનો કોલ ચાલુ હતો.. એટલે..’

‘એ.. સૌથી પહેલાં મને એ કહો કે... તમને દંડવત પ્રણામ કરવા છે.. તમારાં ચરણ ફ્રી થઇ જાય તો કહેજો, તમે કહો ત્યાં આવી જઈશ.’ વનરાજ બોલ્યો

‘ઓહ્હ.. આ.. આ બહુ વધુ પડતું થઇ ગયું મારા ભાઈ. પ્રણામ તો તમને કે તમે મને આજે પગભર કરી.’ તરુણા વનરાજનો આભાર માનતા બોલી
‘અરે.. આ સવારના પહોરમાં છાપા ઉઘાડીને આ જોયું તો.. એમ થયું કે..કદાચને બંગાળની વાઘણ રાજનીતિના ચાણક્યને મીઠાઈ ખવડાવે તો માની પણ લઈએ, પણ આ તો....તમે આ શહેરના બાપ સમજતા સૌને અડધી રાત્રે પહેરેલ કપડે જ એવી ચંપી કરી નાખી કે વર્ષો સુધી ખંજવાળશે તોય ટાઢક નહી વળે. પણ..સાચું કહું.. માની ગયો બેન તમને. હવે કોનો વારો કાઢવાના છો ?
માથું ખંજવાળતા વનરાજે પૂછ્યું.
‘લાલસિંગ નો.’ તરુણાએ કહ્યું
‘મર્યો લાલ.. પણ, ઓલા અધમૂવા વિઠ્ઠલનું શું કરીશું હવે ? મને તો એમ છે કે, કયાંય આ કાણ કેવી મોકાણ સાંભળીને તેનો ફટાકીયો ન ફૂટી જાય.’
હસતાં હસતાં વનરાજ બોલ્યો.

‘ના.. ના વનરાજ ભાઈ એવું નહીં થવા દઉં. તમે ચિંતા ન કરો.’
‘અને તમારા ફાઈનાન્સ મીનીસ્ટર ભાનુપ્રતાપ... તેની હાલત તો પુછજો બિચારાની. નહીં તો કહેશે કે આ છોડી ચૂનો ચોડી ગઈ.’
બોલતા ફરી વનરાજ હસ્યો.

‘કોઈનો કશો વાળ વાંકો નહીં થાય વનરાજભાઈ.. કેમ કે હવે લાલસિંગની નહીં.. તરુણાની હુકુમત છે. હું જરા એક બે અગત્યના કામ પતાવી પછી તમને રૂબરૂ જ મળું. મારે હજુ તમારું ઘણું કામ છે ભાઈ.’ ઉતાવળમાં તરુણા બોલી.

‘જી, ઠીક છે. અને તમારી સરકારમાં મને પણ ક્યાંય ખૂણામાં ઊભો રાખજો ખરા.’
ખડખડાટ હસતાં વનરાજ બોલ્યો.

‘વનરાજ ભાઈ, આજે તરુણાની જે કંઈ પણ ઓળખ છે તે તમને આભારી છે. તમારાં આશિર્વાદ વગર તો મારી કારકિર્દી અધુરી છે ભાઈ. પ્લીઝ આવું ન બોલો.’ એમ કહીને તરુણાએ કો કટ કર્યો.


ફટાફટ તરુણાએ ભૂપતને કોલ કરી, લાલસિંગની કાર લઈને ભૂપતને તેના ઘરેથી પીક-અપ કરીને નીકળ્યાં વિઠ્ઠલને મળવા..

રસ્તામાં કાર એક તરફ રોકતા ડ્રાઈવરને સૂચના આપી એટલે ડ્રાઈવર કાર માંથી ઉતરીને બહાર જતો રહ્યો.

આંખોમાં ઝળઝળિયાં સાથે ભૂપત બોલ્યો,

‘બેન...આ તમે શું કર્યું ? કેમ કર્યું ? તમે અને લાલસિંગ એક સાથે ? રાતોરાત કઈ રીતે શક્ય બન્યું ? અને હવે આ વિઠ્ઠલ અને ભાનુપ્રતાપ બન્નેને તમે કેમ સમજાવશો કે સંભાળશો ? તમારા પર હવે ચારે બાજુથી અનેકગણું જીવનું જોખમ વધી ગયું છે. પણ તમે આ શા માટે અને કેમ કર્યું ? મેં તો સવારે જયારે આ વાત જાણી ત્યારનો મારો જીવ ફફડે છે. બેન...’
તરુણાએ એક સાથે કંઇક ને ખંભે અંધારમાં રાખીને ફોડેલી બંદૂકથી થવા જઈ રહેલા ધડાકાના ધ્રુજારીની કલ્પના માત્રથી કાંપી ઉઠતાં ભૂપત બોલ્યો.

ભૂપતની હાલત અને વાત સાંભળીને હસતાં હસતાં તરુણા બોલી,

‘તને મારી સાથે એટલા માટે જ લીધો છે કે, મારા આ પગલાનું શું પરિણામ આવશે એ તું તારી નજરે જોઈ શકે. વિઠ્ઠલની હાલત કેમ, કયારે, કઈ રીતે અને કોણે કરી એ તો ને ખબર જ છે. હવે તું બસ.. કાન ને આંખ ઉઘાડા રાખીને ચુપચાપ બેસી રહે.’

‘વનરાજભાઈના સાગરીતોને વિઠ્ઠલના જમણા પગના ગોઠણ અને ડાબા હાથના ખંભા પર ફાયરીંગ કરીને ઈજાગ્રસ્ત કરવાની સૂચના આપી હતી. છેલ્લી માહિતી મુજબ વિઠ્ઠલને જીવલેણ હુમલા પછીની અપાયેલી ધમકીથી ડરીને તે કોઇપણ જાતની ફરિયાદ કર્યા વગર ચુપચાપ એક ખાનગી હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યો છે. આપણે તેને મળવા જઈ જ રહ્યા છીએ.’ તરુણા બોલી

આટલું સંભળાતા તો ભુપતના મોતિયા મરી ગયા...ગભરાતાં ગભરાતાં બોલ્યો..
‘ઓ બેન.. જીવતાં પાછા નહીં આવીએ હો ત્યાંથી.. તમે હજુ એ મગજ વગરના વિઠ્ઠલને ઓળખતા નથી. એ નહીં મુકે તમને સાચું કહું છું. હજુ પાછા વળી જઈએ એમાં જ આપણી ભલાઈ છે.’
‘ભૂપત.. કદાચને કંઈ થશે તો, તને હું કંઈ જ નહી થવા દઉં બસ. આટલો તો ભરોસો છે ને ?’
ભુપતે મનોમન હનુમાન ચાલીશા.. મહામૃત્યુંન્જય મંત્ર જે કંઈ ભાંગ્યું તૂટ્યું આવડતું હતું તેનું રટણ ચાલુ કરી દીધું.

પછી નીકળ્યા... વિઠ્ઠલને મળવા..
હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડે તેની ફરજ પૂરી કર્યા પછી બન્ને આવ્યા વિઠ્ઠલને રાખેલા સ્પેશિયલ વીઆઈપી રૂમમાં. રૂમમાં તરુણા અને ભૂપતને દાખલ થતાં જોઇને વિઠ્ઠલના બે અંગત સાગરીતોને એકદમ જોતાં આશ્ચર્ય થયું.

વિઠ્ઠલ આંખો મીંચીને પડ્યો હતો. મલ્ટી ઇન્જરીઝને કારણે અડધું શરીર પાટાપીંડીથી વીંટાયેલું હતું.

સ્હેજ અવાજ થતાં વિઠ્ઠલે આંખ ઉઘાડીને જોયું તો.. તરુણા અને ભૂપતને જોતા જ..
વિઠ્ઠલને રડતાં જોઇને ભૂપત ડઘાઈ ગયો.

વિઠ્ઠલ સહજ રીતે વાતચીત કરી શકે તેવી પરિસ્થિતિમાં નહતો. તેના માણસે કહ્યું કે,
‘ડોકટરે વાતચીત કરવાની ના પાડી છે.’

‘ક્યાં ક્યાં ઈજા થઇ છે ? શું કહેવું છે ડોકટરનું ? તરુણાએ વિઠ્ઠલના માણસને પૂછ્યું

‘જમણો પગ અને ડાબો હાથ બંને ખલ્લાસ થઇ ગયા છે. છ થી આઠ મહિના તો આ પરિસ્થિતિમાં જ રહેવું પડશે.’ વિઠ્ઠલનો સાગરિત બોલ્યો.

‘હમ્મ્મ્મ.. વનરાજના માણસો એ કામ તો પરફેક્ટ ઓર્ડર મુજબ જ કર્યું છે. એવું મનોમન બોલ્યા પછી તરુણા ભૂપતની સામે જોઇને બોલ....

‘કેવા માણસો થાય છે નહીં ? સાવ આવી જંગલિયત પર ઉતરી આવશે એવી તો મને કલ્પના પણ નહતી.’

તરુણાએ મનોમન વિચાર્યું કે, તેના વતી વિઠ્ઠલને જેટલો ડોઝ પીવડાવવાનો છે તે પીવડાવી દઉં એટલે વિઠ્ઠલનું પ્રકરણ અહીં પૂરું થાય.

‘મેં... તમને સારી ભાષામાં ચેતવણી આપી હતી વિઠ્ઠલ ભાઈ કે સાવચેત રહેજો, પણ તમે તમારી સાઉથની દબંગગીરી કરવામાંથી બહાર આવો તો મારું માનો ને. આ તો સારું થયું કે, ભુપતે તાત્કાલિક મને કોલ કર્યો અને...મેં અને વનરાજ ભાઈએ આ કારસ્તાનની કડી શોધીને આટલેથી કેમ પતાવ્યું છે એ તો હું જ જાણું ને મારો રામાપીર જાણે છે. આ.. આ પેપરમાં જોયુંને... અડધી રાત્રે મેં લાલસિંગના પગ પકડ્યા છે ત્યારે આ કોકડું ભીનું સકેલાયું છે એમ સમજો. તમને જીવતાં છોડવા માટે લાલસિંગની એક જ ડીમાંડ હતી કે.. જે વ્યક્તિએ ભાનુપ્રતાપ અને વિઠ્ઠલ વચ્ચે સાઠગાંઠ કરને આ ગઠબંધનની ગાંઠ બાંધી છે એ વ્યક્તિ મારી સામે જીવતી જોઈએ તો જ હું વિઠ્ઠલને જીવતો જવા દઈશ. અને અંતે અડધી રાત્રે વનરાજભાઈની દરમિયાન ગીરીથી હું લાલસિંગની સામે હાજર થઇ છું. અત્યારે તો લાલસિંગ મારી જોડે ડાહી ડાહી વાતો કરે છે પણ.. કયારે મારો ટોટો પીસી નાખે તેની ખબર નથી.’

તરુણા એ મસ્ત મસાલો ભભરાવી, તડકો મારીને એવી ચટાકેદાર વાનગી વિઠ્ઠલ આગળ પીરસી કે, વિઠ્ઠલને થયું કે હાથ સાથે પગના પણ આંગળા ચાટ્યા જ કરું.

તરુણા આગળ બોલી...
‘પણ.. તમે સ્હેજે ચિંતા ન કરો વિઠ્ઠલભાઈ... આ ચુંટણી તો તમારે લડીને.. સાંસદ..’ હજુ તરુણા આગળ બોલે ત્યાં વિઠ્ઠલે ઈશારો કરીને તેની નજીક બોલાવતાં સાવ ધીમા સ્વરે બોલ્યો...
‘જુ...જુઓ બેન.. હવે હું..હું.. તમને હાથ જોડું.. આઆ.. આ રાજકારણના ગાજરનો
ગાળિયો મારા ગાળા મામા..માંથી કાઢો.. મારે.. આ શ..શહેર જ માં જ નથી.. નથી રહેવું હવે.. એ લાલ..લાલસિંગ.. જા..જાણે અને એના.. કરમ જાણે.. મને બચાવી લો બસ..’
બન્ને હાથ જોડીને વિઠ્ઠલ આટલું માંડ માંડ બોલતા સુધીમાં તો હાંફી ગયો.

વિઠ્ઠલના શબ્દો અને સ્થિતિ જોઇને ભૂપતની આંખમાં આંસું આવી ગયા.. હર્ષના.
થોડીવાર તો ભૂપતને એમ થયું કે ગળું ફાડીને તરુણાનો જયઘોષ કરી નાખું.

‘અરે.. વિઠ્ઠલભાઈ આમ કંઈ આટલી જલ્દી હિંમત હારી જવાની ? હમણાં થોડા સમયમાં તમે દોડતાં થઇ જશો જોજો.’ ઊભા થતાં તરુણા બોલી..

‘એટલે ઓલો લાલા...લાલસિંગ પાછી મારી ઘોડી ઠોકી નાખે એમ ને ?’ કણસતા અવાજે વિઠ્ઠલ બોલ્યો

તરુણાને થયું કે હવે વિઠ્ઠલને લાઈફ ટાઈમ સર્વિસની જરૂર નહીં પડે.

‘હું નીકળું વિઠ્ઠલ ભાઈ, લાલસિંગે બોલવી છે હમણાં. ખબર નહીં હવે તમારાં બદલે મારી શું દશા કરજે એ ઈશ્વર જાણે, પણ હું ફોડી લઈશ તમે ચિંતા ન કરશો અને કંઈપણ કામ હોય તો મને અથવા ભૂપતને કહી દેજો. ભૂપતની માથે પણ હજુ તલવાર લટકે જ છે, એટલે તેને હમણાં મારી સાથે જ રાખવો પડે તેમ છે.’


એમ કહીને ભૂપત અને તરુણા રૂમની બહાર આવતાં ધીમા સ્વરે તરુણા બોલી
‘હમણાં થોડો સમય થોબડું આવું જ રાખજે.’

જેવાં કારમાં બેસ્યાં ત્યાં જ ભુપતે દબાવી રાખેલી કંઇક મિશ્રિત લાગણીના ધોધ સાથેનો હાશકારો બોલાવતાં બોલ્યો...

‘મારાં બાપલા.....કાન પકડી ગયો બેન, તમારાં વિષે ધારણા કરવામાં બાવન હાથની ધજાના ધણી દ્વારકાધીશને પણ બે વાર વિચાર કરવો પડે હો.’

બે હાથ જોડીને તરુણા સામે માથું નમાવતા ભૂપત બોલ્યો.
‘અરે..ના ભાઈ એવું કંઈ નથી. બસ, જિંદગીમાં એક વાત યાદ રાખવાની, કંઈપણ કરતાં પહેલાં ખુદ પર ભરોસો હોવો જોઈએ. આત્મવિશ્વાસથી મોટું હાથવગું કોઈ હથિયાર જ નથી.’

‘પણ હવે તો આ અડધી રાત્રે રામના રાજ્યાભિષેક જેવી બદલાઈ ગયેલી સ્ક્રિપ્ટનું સિક્રેટ તો કહો ?’

‘એ તો હજુ લાલસિંગને પણ ખબર નથી. એ સાંભળશે ત્યારે એના પગના તળિયા તળેથી જમીન નહીં, પગના તળિયા જ નીકળી જશે.’ તરુણા બોલી.

‘પણ..પેપરમાં એમ લખ્યું છે કે...
‘તરુણા જાદવ લાલસિંગના રાજકીય પક્ષના અધ્યક્ષ અને ચુંટણીના મુખ્ય કર્તા-ધર્તા રહેશે.’ આવા નિવેદનનું કારણ ?

‘લાલસિંગને જે ત્રીજી વ્યક્તિની તલાશ હતી એ પૂરી થઇ ગઈ.. અને વળી વનરાજભાઈએ એમ કહ્યું કે, આ તો મારા પણ ગુરુ છે... એટલે લાલસિંગને એમ થયું કે, હવે બધા પાસાં મારી મુઠ્ઠમાં છે. પણ.. આ તો હજુ એક નાનું એવું છમકલું છે. એક ચણોઠી જેવડી ચિંગારીનો પલીતો ચાંપીને એવો ધડાકો કરીશને કે, થોડા સમય માટે તો સૌ.. આંધળા, બહેરા અને મૂંગા થઇ જશે.’

‘પણ કયારે.. ?’ ભુપતે પૂછ્યું.
‘બસ સમજી લ્યો કે આવતાં ચોવીસ કલાકમાં જ. પણ એ પહેલાં મારે રણજીતને મળવું જરૂરી છે.’ તરુણા બોલી

‘રણજીત ને ? કેમ ? નવાઈ સાથે ભુપતે પૂછ્યું.
ભૂપત સામે જોઇને તરુણા બોલી,

‘એ રણજીત તો....તરુણા જાદવના અસ્તિત્વનનું આરંભ અને અંતિમ બિંદુ છે. આટલા વર્ષોથી નીલકંઠની માફક રણજીતે હસતાં હસતાં જે રીતે ઝેરના ઘૂંટડાની સાથે મારી જિંદગી ટેકવી રાખી છે તેના માટે હું તેનો માનું એટલો આભાર ઓછો પડે. પણ એ પહેલાં આપણે તાત્કાલિક ભાનુપ્રતાપને મળવું જરૂરી છે. નહીં તો સાઈંઠે પહોંચેલી તેની બુદ્ધિને બાળહઠ સાથે કંઈ લેવા દેવા નથી.’


ત્યાંથી તરુણા એકલી જ આવી ભાનુપ્રતાપને ત્યાં..

તરુણાને જોતાં જ સવારથી તપેલી ટાલ અને છટકેલી કમાન સાથે ધુંઆફુંઆ થઈને આંટા મારતાં ધપ્પ દઈને સોફા પર બેસતાં બોલ્યા.

‘આવો...આવો.. પધારો.. પહેલેથી જાણ કરી હોત તો.. ઢોલ અને શરણાઈની પણ જોગવાઈ કરી રાખત.’

ભાનુપ્રતાપની પ્રકૃતિથી સપૂર્ણ રીતે અવગત તરુણાને ભાનુપ્રતાપના અકળાયેલા વર્તનથી મનોમન હસવું પણ આવતું હતું પણ, ભાનુપ્રતાપની નબળી નસ દબાવતાં બે હાથ જોડીને તરુણા બોલી,

‘જુઓ અંકલ.. તમે મને તમારી દીકરી માની છે તો એ સંબંધની રુએ વાત કરો. વઢો, ગુસ્સો કરો, કાન આમળો, ઠપકો આપો પણ આમ દાઢ માંથી વાત ન કરો પ્લીઝ. અને તમને જે ગેર સમજ થઇ છે તેના નિવારણ માટે જ આવી છું. બોલો.. જે કાંઇપણ ફરિયાદ, ગુસ્સો હોય એ ખુલ્લાં મનથી કાઢી નાખો,’

‘આ.. આ..શું છે ? હવે આમાં કંઈ કહેવા કે સાંભળવાનું બાકી રહે છે ? ન્યુઝ પેપર તરુણાની સામે ધરીને ભીતરનો ભારોભાર ઉકળાટ ઠાલવતાં ભાનુપ્રતાપ બોલ્યા.

‘આ.. અર્ધસત્ય પણ નથી અંકલ. તમને હમણાં જ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને બતાવું પણ... એ પહેલાં ચા પીવડાવો તો.’ સ્હેજ હસતાં તરુણા બોલી.

‘એલા.. તું કઈ માટીની બની છે...? આખું શહેર આ સમચારથી સળગે છે, જિંદગી ઝેર જેવી થઇ ગઈ છે એને તને ચા પીવાની પડી છે ? એલા... રામલા ઝટ ચા લાવ...’ એમ કહીને ભાનુપ્રતાપે પરાણે કોઈએ એરંડિયું પીવડાવ્યુ હોય જેવા મોઢાં સાથે કિચન તરફ જોઈને બુમ પાડી.

‘કંઈ માટીની બની છું એમ ? આટલું બોલી ત્યાં સ્હેજ તરુણાના આંખોનો કોર ભીની નથી ગઈ. આગળ બોલતા કહ્યું,

‘તમને એમ છે ને કે, મેં તમને છેતર્યા ? તમારા નામ અને દામનો દુરુપયોગ કર્યો ? કેટલા રૂપિયા તને મને આપ્યાં ? પાંચ, પચ્ચીસ કે પચાસ લાખ ? એમ કહીને તરુણા એ તેના જીન્સના પોકેટ માંથી તેનો મોબાઈલ કાઢીને તેમાંથી લાલસિંગનો નંબર સર્ચ કરીને ભાનુપ્રતાપને બતાવતાં પૂછ્યું,
‘અંકલ જરા જોઇને કહો તો... આ નંબર લાલસિંગનો અંગત નંબર જ છે ને ?
નંબરની ખાતરી કર્યા પછી ભાનુપ્રતાપ બોલ્યા, ‘હા.’
સ્પીકર ફોન પર કોલ રાખીને તરુણા એ નંબર ડાયલ કર્યો..

‘હેલ્લો... તરુણા બોલું છું.’
‘હા .. હા.. બોલ બોલ..’ લાલસિંગ બોલ્યા.
‘બોલું કે હુકમ કરું ? વટથી તરુણાએ પૂછ્યું
‘અરે... હુકમ.. હુકમ કરો...’ લાલસિંગ બોલ્યા.
‘અત્યારે હું ભાનુપ્રતાપ અંકલની સાથે તેમના બંગલે બેઠી છું. અને સ્પીકર ફોન ઓન છે. તમારે એક કરોડ રૂપિયા ભાનુપ્રતાપ અંકલને આપવાના છે.’

‘જી, એ કહે ત્યારે અને કહે ત્યાં રકમ પોહંચી જશે. એ સિવાય ? બીજી જ પળે લાલીસિંગે જવાબ આપ્યો.

‘અને તમે ચુંટણી જીતી ગયા પછી...ભાનુપ્રતાપની જે કંઈ રાજકીય ડીમાંડ છે તે પૂરી કરવાની ખાતરી તમારે આપવાની છે.’

‘હું ભાનુપ્રતાપને કોરા પેપર પર સહી કરી આપવા તૈયાર છું બોલો, આથી વધારે શું ખાતરી જોઈએ ?’ લાલસિંગે ટકોરા બંધ જવાબ આપ્યો

‘જી, હું આપને પછી કોલ કરું છું.’ એમ કહીને તરુણા કોલ કટ કરીને ઊભા થતાં બોલી.

ભાનુપ્રતાપની ટાલના રહ્યા સહ્યા બે- ચાર વાળ હતા એ પણ ઉભાં થઇ ગયા. મનમાં થયું કે, ખોટી જગ્યાએ ખેલ નખાઈ ગયો. એટલે થોથવાઈને વાત વાળતાં ભાનુપ્રતાપ બોલ્યા,.

‘અરે....પણ ક્યાં જાય છે ? હજુ ચા પીવાની બાકી છે.’
સ્હેજ ગળગળા અવાજે તરુણા બોલી,

‘તમે હમણાં જે બોલ્યા ને કે...’ કંઈ માટીની બની છે ? એ તો કહીશને તો મોઢામાં ગંગાજળ મુકવાનો પણ વેંત નહી રહે સમજ્યા. અને હવે ચા તો તમને તરુણા જાદવ પીવડાવશે એ પણ ગરમ, મસાલેદાર અને નિસ્વાર્થભાવે. પછી કહેજો કંઈ માટીની બની છું એમ.’

આટલું બોલીને એક પળ પણ ઉભાં રહ્યા વગર તરુણા ઝડપથી બંગલાની બહાર નીકળી ગઈ.
અને આજના તરુણાના તેવર જોયા પછી ભાનુપ્રતાપને એમ થયું કે, હવે આ છોડીના પ્રકોપથી બચવા કોઈ પુણ્ય આડા આવે તો સારું.

રાત્રીના દસ વાગ્યાનો સમય હતો..ડીનર પૂરું કર્યા પછી,
લાલસિંગના બંગલે.. લાલસિંગ, કુસુમ. તરુણા, ડ્રોઈંગરૂમમાં બેઠાં હતાં.. ત્યાં લાલસિંગના પાછળના ભાગેથી એક આધેડ ઉંમરની સ્હેજ કમરેથી વાંકી વળી ગયેલી એક સ્ત્રી આવીને લાલસિંગ સામે ઊભા રહી જતાં... કુસુમે પૂછ્યું,

‘આ સ્ત્રીને ઓળખો છો.’
પાંચ થી દસ સેકંડ જોયા પછી લાલસિંગ બોલ્યા
‘ના.. નથી ઓળખતો.’
‘ક્યાંય જોઈ હોય એવું યાદ આવે છે ? કુસુમે ફરી પૂછ્યું
તેની યાદદાસ્તને સ્હેજ ઢંઢોળયા પછી.... અચાનક જ વીજળીનો કરંટ લાગ્યો હોય એમ સડક દઈને સોફા પરથી ઉભાં થતાં લાલસિંગ ઊંચાં અવાજે બોલ્યા...

‘ઓહ્હહ અલ્યા...આ... આ તો... રાણી છે. હા.. હા .. આનું નામ રાણી છે.

-વધુ આવતાં અંકે..

© વિજય રાવલ


'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484