lalni raninu aadharvcard - 2 books and stories free download online pdf in Gujarati

લાલની રાણીનું આધારકાર્ડ - 2

પ્રકરણ- બીજું/૨

તરુણા અને રણજીત, બંનેએ પોતપોતાની વિચારશક્તિ મુજબની રચેલી વ્યૂહરચનાનાં આકાશમાં, ઈમેજીનેશનનાં ઇન્જીનમાં ઈચ્છાનું ઇંધણ ભરીને ઉડવા લાગ્યા. એકતરફ તરુણાને તેનાં ચરિત્રને સ્હેજ પણ દાગ લગાવ્યા વિના કોઈપણ ભોગે પુરુષપ્રધાન સમાજમાં તેની એક મોભાદાર અલગ છાપ ઊભી કરવા માટે તેનાં સપનાંનો પીછો કરવાની તાલાવેલી હતી.

તો આ તરફ રણજીતને તેની જાણ બહાર વર્ષોથી દટાયેલા અને અચાનક હાથ લાગેલા કુબેરના ખજાનાને કોઈપણ ભોગે રોકડી કરવાની તલબ હતી.

જેમ ખુલ્લી આંખે જોયેલાં સોનાનાં હરણ જેવાં સપનાંઓનો, જ્યાં સુધી તમે પીછો ન કરો ત્યાં સુધી એ તમને જંપવા ન દે. તેમ છતાં વિહીસ્કીના ઘુંટડાના ટેકે ટેકે આખી રાત અવડે ને સવળે પડઘા ઘસીને રણજીતે રાત કાઢી. પોહ ફાટતાં માંડ માંડ લીબુંની ફાડ જેવી રાતીચોળ આંખો ઉઘાડીને સમય જોયો તો ૮:૧૫. ખાટલામાં ઊભા થઈને ચપ્પલ શોધતા બોલ્યો,
‘એલા ચુનિયા, હાલ તું ઝટ તયાર થઈ જા. એટલે નીકળીએ.’
‘પણ, હવાર હવારમાં કઈ બાજુ?’ દાતણ ઘસતાં ઘસતાં ચુનીલાલએ પૂછ્યું.
‘એક જુનો રાણી સિક્કો જયડો છે, એને વટાવવાનો છે.’ કોગળા કરતાં રણજીત બોલ્યો.
‘એલા, તો તો મને હવે એકાદ જોડી હારા લૂગડાં અપાય્વજે હોં.'
હરખાતો ચુનીલાલ બોલ્યો.
‘એક જોડી લૂગડાં નઈં, કાપડની આખી મીલ તારા નામે કરી દઈશ ચુનિયા, બસ તું હવે ચુપચાપ જોયા કર આ રણજીતની રમતની ચાલ.’ મોઢું ધોતાં રણજીત બોલ્યા પછી, નિત્યક્રમ આટોપીને એકદમ સુવ્યવસ્થિત રીતે સાફ સુઘડ કપડાં પહેરીને તૈયાર થઇ ગયો. એટલે ચુનીલાલ થોડીવાર રણજીતને જોઇને બોલ્યો,
‘આજે કો'કની ઘોડી ઠોકાવાની લાગે છે.’
એટલે હસતાં હસતાં રણજીતે જવાબ આપતાં કહ્યું,
‘લાગે છે કે તું મારા હરામીપણાંનો વારસો જાળવી રાખીશ. હાય્લ હાય્લ હવે ઝટ કર.’

એ પછી બન્ને ઉપડ્યા ભાનુપ્રતાપના બંગલે. ત્યાં પોહંચીને અંદર સંદેશો મોકલ્યો કે રણજીત મળવા માંગે છે. એટલે તેમને અડધો કલાક રાહ જોવાનું કહ્યું. ત્યાં ચુનિયાને કમ્પાઉન્ડના એક કોર્નરમાં લઈ જઈને કહ્યું,
‘એક એક તોપ ફૂંકી મારીયે, નઈં તો પછી તલપ લાગશે તો ન્યા નઈં પીવાય.’
એટલે બીડીની ઝૂડી કાઢીને બન્ને બીડીનો કસ ખેંચતા ખેંચતા ખોવાઈ ગયા શેખચલ્લીના વિચારોમાં.

અડધો કલાક પછી ડ્રોઈંગરૂમમાં રણજીત ડા'યો ડમરો થઈને ભાનુપ્રતાપની સામેના સોફા પર ગોઠવાઈ ગયો, ત્યાં ભાનુપ્રતાપએ પૂછ્યું,
‘એલા! એવું તે શું અગત્યનું કામ છે કે આટલી વહેલી સવારમાં આવવું પડ્યું? અને ઓફિસે તો આપણે મળવાના જ હતા.’
‘વાત જ એવી છે સાહેબ કે રે'વાયું નહીં એટલે ઝટ હળી કાઢીને આયવો છું.’ હરખઘેલો થઈને રણજીતે જવાબ આપ્યો.
‘હમ્મ્મ્મ.. તો તો જરૂર કોઈ સારા સમાચાર લાગે છે.’
‘હવે આ વખતની ચૂંટણીમાં તમે સાંસદ બની ગયા એમ સમજો.’
ઉત્સાહમાં આવીને રણજીત બોલ્યો.
કોઈપણ જાતના પ્રતિભાવ આપ્યા વગર થોડીવાર ચુપચાપ રણજીતની સામે જોયા પછી ભાનુપ્રસાદ બોલ્યા,
‘ગઈકાલની રાતના દારૂનો નશો હજુ ઉતર્યો નથી કે શું? તને સવારના પહોરમાં હું જ મળ્યો? આવડી મોટી મજાક કરવાં માટે કે પછી ખીસ્સું ખાલી થઇ ગયું છે?’
ભાનુપ્રતાપનો જવાબ સાંભળીને રણજીતને થોડી હતાશા થઈ અને ગુસ્સો પણ આવ્યો, પણ ખુશ થઈને ગલુડિયું જેમ માલિકને ચાટવા માંડે જેવી ચાપલુસી ભાષામાં બોલ્યો,
‘તો હવે હું બોલું એ જરી કાન ધરીને હાંભળો............'
એ પછી પંદર મિનીટ સુધી સતત રણજીતે તેની ચાણક્યનીતિથી, ભાનુપ્રતાપની પાથીએ પાથીએ તેલ રેડીને, હવે આગળની રાજનીતિની શતરંજના વજીરને કઈ રીતે ઘેરીને મા'ત આપવાની છે, તેની સમગ્ર વ્યૂહરચના ગળ્યા શીરાની માફક ભાનુપ્રતાપનાં ગળે ઉતારી દીધી.
એ પછી તરત જ ભાનુપ્રતાપ ઉભાં થઈને રણજીતના ગળે વળગી પડતાં બોલ્યા,
‘મને લાગે છે કે આધુનિક શકુનીના પરિચય અને પરિભાષાની ઓળખ માટે મારે ફરીથી મહાભારત સીરીયલ બનાવવી જ પડશે.’
‘અરે મારા સાહેબ, મારે તો આખી જિંદગી તમારા દાસ બનીને તમારી સેવા કરવી છે. બસ.’
બે હાથ જોડીને રણજીત બોલ્યો.
‘પણ, કહે તો ખરા કે એ હુકમનું પાનું છે ક્યાં? શું નામ છે એનું? કોણ છે?'
ખુશ થઈને ભાનુપ્રતાપે પૂછ્યું.
‘તરુણા. એને મેં દસ વાગે બોલવી છે. આપણી ઓફિસે આવે તંઈ જોઈ લેજો ને.’
‘ચાલ, તું ઓફિસે પહોંચ. હું ૧૦:૩૦ ની આસપાસ પોહચું છું. પછી નિરાંતે મીટીંગ કરીએ.’

સવારે જયારે તરુણા ઘરની બહાર નીકળવાની તૈયારીમાં હતી, ત્યારે તેનાં ઉમળકા ભર્યા ઉત્સાહ સાથે એક અલગ પ્રકારની ઉર્જાનો સંચાર થતાં જોવા મળ્યો. તનની સાથે મન પણ સ્વસ્થ અને પ્રફુલ્લિત હતું. તરુણાને લાગતું હતું કે જાણે વર્ષોથી સામજિક અને આર્થિક પાસાઓ વચ્ચેનાં ઘર્ષણથી ઉદ્દભવેલા તણખાં માત્રથી, મનોમન ચાલતાં શ્રમયજ્ઞમાં ડગલેને પગલે,
ઈચ્છાઓની આહુતિ આપી આપીને આત્મવિશ્વાસની સાથે સાથે મક્કમ અને મજબુત મનોબળ દ્વારા સ્વયંસિદ્ધ સંચિત કરેલાં કુટનીતિશાસ્ત્રનાં ધારદાર શસ્ત્રો ઉગામવાનો હવે ઉચિત સમય આવી ગયો છે.

‘મા, હું નીકળું છું. વહેલાસર પાછી આવી જઈશ. તું ચિંતા ન કરીશ અને બપોરે જમી લેજે.’
ગ્રે કલરના જીન્સ પર સાધારણ દેખાતા ચેક્સવાળા ફુલ સ્લીવ શર્ટની બાંયને ફોલ્ડ કર્યા પછી, વ્હાઈટ સપોર્ટસ શુઝ પહેરતાં તરુણા બોલી.
‘પણ દીકરા,તું આખો દા'ડો ભૂખી રઈશ?'
રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને તરુણાને આપતાં દેવિકા બોલી.
‘ઈ તું કઈ ચિંતા ન કર. હું મારું ફોડી લઈશ.’ એમ બોલી બહાર નીકળતા તરુણાએ વિચાર્યું કે રણજીતે આપેલાં પેમ્ફ્લેટ પરનાં એડ્રેસ વિશે પહેલાં ધારાને એકવાર પૂછી લઉં.

ધારા.
તરુણાને ધારા રાઠોડનો પરિચય ડો. અવંતિકાએ, એક વીક પહેલાં જ અમેરિકા હંમેશ માટે સ્થાયી થવા જતા પહેલાં જ કરાવ્યો હતો. સોસાયટીના એન્ટ્રન્સ ગેઇટ પાસેનું સૌથી પહેલું મકાન ધારાનું હતું અને સૌથી છેવાડાનું મકાન જે ડો.અવંતિકાનું ખાનદાની, જુનું પુરાણું અને સ્હેજ જર્જરિત પણ હતું, જે તરુણાને એક અઠવાડિયા પહેલાં ડો.અવંતિકાએ માત્ર તેની માતા સાથેના સંબંધની રુએ નિ:શુલ્ક રહેવા આપ્યું હતું. ધારા, ડો.અવંતિકાના દુરના માસીની દીકરી થાય. તરુણા રહેવા આવી ત્યારે જ ડો.અવંતિકાએ ધારા સાથે તરુણાનો પરિચય કરાવીને, જરૂર પડે ત્યારે શક્ય એટલી મદદ કરવાની ભલામણ ધારાને કરતાં ગયા હતા. એ પછી એક જ વખત તે ધરાને મળી હતી. જોબ માટે ડો.અવંતિકાએ તરુણાને પૂછ્યું ત્યારે તરુણાએ કહ્યું કે હું મારી રીતે મને માફક આવે એવું કંઇક નાનું મોટું શોધી લઈશ અને પછી કદાચને એવું લાગશે તો હું તમને જાણ કરીશ.

ધીમે ધીમે ચલતાં ચાલતાં સમય જોયો તો ૯:૧૫. ધારાનાં ઘર પાસે આવીને ગેઇટ પર પોલીસની જીપ પડેલી જોઈને તરુણાને સ્હેજ નવાઈ લાગી. એ પછી તેણે ત્યાં ગેઇટ પર જ ઉભાં રહીને હળવેકથી બુમ પાડી.
‘ધારા.’
‘કોણ છે?’ અંદરથી ધારા જ સવાલના રૂપમાં જવાબ આપતાં બહાર આવીને તરુણાને જોતાં બોલી,
‘ઓહ..! આવ આવ તરુણા, અંદર આવી જા. કેમ ત્યાં ઊભી રહી ગઈ?’ ગેઇટ નજીક આવતાં ધારા બોલી.
એટલે તરુણાએ ખિસ્સામાંથી પેલું રણજીતે આપેલું પેમ્ફ્લેટ કાઢીને તેના પરના એડ્રેસ વિશે પૂછતાં બોલી.
‘આ અહીંથી કેટલું દુર થાય છે? ક્યાંથી અને કંઈ રીતે જવાય?'
‘અરે, એ તો કહું. પણ પહેલાં અંદર તો આવ.’
એમ કહીને ધારા તરુણાને તેની સાથે ઘરમાં લઈ ગઈ.
અંદર દાખલ થતાં બેઠકરૂમના કોર્નર સોફા પર તરુણાને બેસાડ્યા પછી ધારા કિચનમાંથી પાણીનો ગ્લાસ તરુણાને આપીને હજુ કંઈ એ બોલવા જાય, ત્યાં જ ફર્સ્ટ ફ્લોરની સીડીથી નીચે ઉતરીને પોલીસ યુનિફોર્મમાં એક ત્રીસેક વર્ષની વયની આસપાસનો નવજુવાન સોફા પર ગોઠવાઈ જતા, ધારા તેનો પરિચય તરુણા સાથે કરાવતાં બોલી,
‘આમને મળો, આ છે આપણા શહેરનાં આંબેડકર નગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પી.આઈ. શ્રી રાઘવ રાઠોડ. અને એ આજે અહીં મારી ઉલટ તપાસ માટે આવ્યા છે.’
એટલે સ્હેજ ચિંતિત ચહેરે ધીમેકથી તરુણાએ પૂછ્યું,
‘કેમ શું થયું?’
એમણે મને ઘણાં ફોન કર્યા,પણ મેં તેમને એમના એક પણ પ્રશ્નનો સરખો જવાબ ન આપ્યો, એટલે જો ને આજે સવાર સવારમાં આવી પહોચ્યા છે. તેની વર્દીનો રોફ બતાવીને મને હેરાન કરવા.’ રાઘવની સામે જોઇને ધારા બોલી.
‘પણ શા માટે? ક્યાં મુદ્દાને લઈને?' તરુણાએ કુતુહલવશ થઈને પૂછ્યું.
‘હવે આ ભાઈસાહેબને કોઈપણ રીતે મારી પાસે તેનું ધાર્યું કરાવવું છે, બોલ!’ ધારા રાઘવની બાજુમાં જઈને બેસતાં બોલી.
‘ધારા, પણ તારી વાતમાં મને કંઈ સમજાતું નથી. તું ખરેખર શું કહેવા માંગે છે. અને આ રીતે કોઈપણ પોલીસ અધિકારી ખુલ્લેઆમ કઈ રીતે કાયદાની ઉપરવટ જઈને કોઈની ઉપર દાદાગીરી કરી શકે? તું તેમના કોઈ ઉપરી અધિકારીને ફરિયાદ કરને.’

ધારા હજુ કંઈ બોલવા જાય એ પહેલાં જ રાઘવ બોલ્યો,
‘હું ફર્સ્ટ ફ્લોર પર ઉપલા અધિકારીને ફરિયાદ જ કરવા ગયો હતો.’
હવે તરુણા એકસ્ટ્રીમ કન્ફ્યુઝ્નમાં હતી, કે 'આ થઇ શું રહ્યું છે?’ એટલે અતિઆશ્ચર્ય સાથે પૂછ્યું,
‘હું કંઈ સમજી નહી.’
એટલે ધારા ખડખડાટ હસતાં હસતાં બોલી,
‘તરુણા, આ મારાં મોટાભાઈ છે.'
એકદમ જ શરમાઈને તરુણા હસવાં લાગી, એ જોઇને ધારા બોલી.
‘તરુણા, હું તને ત્રીજી વાર મળી. પણ મેં કયારેય તારાં ચહેરા પર સ્હેજે સ્માઈલ નથી જોયું. તો એમ થયું કે આજે ગમે તેમ કરીને તને હસાવવી છે. એટલે મને આ શરારત સુજી. અને આવતાં અઠવાડિયે રક્ષાબંધન છે, તો મેં ભાઈને કહ્યું કે આખો દિવસ તેમણે ઓફિસમાંથી રજા લઈને મારી સાથે ગાળવાનો છે. બસ તે બાબતને લઈને હું તેમની જોડે ઝઘડું છું. તો બોલ મારી ફરિયાદ ખોટી છે? અને તે પપ્પાને સમજાવવાં ઉપર ગયેલાં પણ ત્યાંથી પણ નિરાશ થઈને પાછા આવ્યા છે.’

રાઘવ તેની પત્ની અને ૩ વર્ષનાં બાળક સાથે સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને ધારા તેમનાં મમ્મી પપ્પા સાથે.
રાઘવ સાથે તરુણાનો પરિચય કરાવતા ધારા બોલી,
‘આ છે તરુણા જાદવ. હમણાં એક વીક પહેલાં જ તેની મમ્મી સાથે અહીં શિફ્ટ થયા છે. આપણી સોસાયટીમાં અવંતિકા મેડમનાં મકાનમાં જ રહે છે.’
એટલે રાઘવ તરફ હાથ લંબાવીને તરુણા બોલી.
‘હાઈ’
સામે રાઘવે સસ્મિત પ્રત્યુતરમાં આપ્યો ‘હેલ્લો’
‘ક્યાં જવું છે તારે?’ ધારાએ પૂછ્યું
એટલે તરુણાએ એડ્રેસ બતાવ્યું એ જોઈને રાઘવ બોલ્યો,
‘આ તો મારી ઓફીસ જતા રાસ્તામાં જ પડે છે. જવું હોય તો હું તમને ડ્રોપ કરી દઈશ.’
‘અરે હા, એ ઠીક રહેશે. તમે બેસો હું ચા લઈને આવું.’
એમ બોલીને ધારા કિચન તરફ ગઈ.

‘શું કરો છો તમે? મતલબ કોઈ જોબ કે...?' રાઘવે પૂછ્યું.
‘જી, હાલ તો કામની શોધમાં જ છું.’ તરુણા બોલી.
‘કેટલું ભણ્યા છો?’ ફરી રાઘવે પૂછ્યું.
‘બસ, સારી રીતે લખતાં વાંચતા શીખી છું, પણ અન્યાય સામે ચુપ રહેતા નથી શીખી. બાકી જિંદગી તો રોજ નવા પાઠ શીખવાડે જ છે.’
એમ બોલીને ધીમેકથી હસવાં લાગી.
‘હા, તમારી એ વાત સાથે હું સંમત છું. અને જિંદગી શીખવાડે એવું કોઈ ન શીખવાડે.’
એ પછી ચા પીને તરુણા રાઘવની સાથે તેની જીપમાં જ નીકળી ગઈ.
સ્હેજ જીપ આગળ જતાં રાઘવે પૂછ્યું,
‘તમને તકલીફ ન હોય તો હું સિગરેટ સળગાવી લઉં?'
‘અરે..તમારી ગાડીમાં તમારે મારી પરવાનગી લેવાની હોય?’ તરુણાએ કહ્યું.
‘એ એટલાં માટે કે, તમને કદાચ સિગરેટની એલર્જી હોય અથવા ઘુટન થતી હોય તો.’
‘ઘુટન તો.....મને આ મૂડીવાદની છે. છાસવારે ગરીબોના છીનવાતા મૂળભૂત જન્મસિદ્ધ અધિકારોની છે. શ્રીમંતોના કાળાનાણાંની સ્યાહીની સહાયથી ચાલતી કલમ દ્વારા લખાતાં, કાયદાની કલમના કમાલની છે. રાજનીતિના માધાંતાઓની, સ્ક્રીપ્ટેડ કોમી રમખાણો પછી સહાયતા અને સહાનુભૂતિના નામે લાવારીસ લાશોના આંકડા પર, કૂતરા સામે રોટલીના ટુકડાની માફક ફેંકાતી તેની સહાયના રકમ માટે વાહવાહી લુંટતા જોઈને ઘૂટન થાય છે.’
તરુણા તેનું વાક્ય પૂરું કરે ત્યાં સુધીમાં રાઘવએ જીપને ડાબી તરફ લઈને અચાનક બ્રેક મારીને સ્ટોપ કરી ધીધી.
બે ઘડી તરુણા સામે જોઇને રાઘવ બોલ્યો.
‘આટલી બધી આગ. કેટલા સમયથી ભરીને ફરો છો?'
‘આગ...?’ માર્મિક હાસ્ય સાથે તરુણા આટલું જ બોલી.
એટલે રાઘવે પૂછ્યું,
‘કેમ હસો છો?’
‘આ આગ નથી સાહેબ, આ તો માત્ર એક ચિનગારી છે.’
તરુણાએ આરામથી જવાબ આપ્યો.
તરુણાનો જવાબ સાંભળીને રાઘવ ચકિત થઈ ગયો.
‘હું એ વિચારું છું, તમારામાં રાજકીય અવ્યવસ્થાને લઈને આટલી આગ ભભૂકે છે. જો તમે મારી માફક વર્દી પહેરી હોત, તો તમે શું નું શું કરી નાખ્યું હોત.’
તરુણાની સામે જોઇને રાઘવ બોલ્યો.
‘ના, એ તમારી ભૂલ છે, સાહેબ.’ તરુણાએ કહ્યું
‘કેમ, કઈ રીતે?' નવાઈ સાથે રાઘવે પૂછ્યું.
‘તમે જે કમર પર રિવોલ્વર લટકાવી છે, એવા ગેરકાયદેસર હથિયાર આપણા દેશના ગુનાહિત પ્રવૃતિમાં અગ્રસેર રાજ્યોની બજારમાં રાજકારણીઓની છત્રછાયા નીચે ચણા-મમરાની માફક વેચાય છે. પણ મને કહેશો કે એ હથિયાર નિર્ભય થઈને ચલાવવાની માટેની હિંમત કઈ બજારમાં મળે છે?'
થોડીવાર સુધી રાઘવ, તરુણાને જોઈ રહ્યા પછી બોલ્યો,
‘કોણ માનશે કે તમે અક્ષરજ્ઞાનના અભ્યાસથી આગળ નથી ભણ્યા? સંજોગોવશાત તમે આગળ ન ભણી શક્યા, તેનો તમને અફસોસ નથી?'
તરુણાની વિચાર, વાણીથી પ્રભાવિત થઈને રાઘવએ પૂછ્યું.

‘માત્ર પાંચ આંકડાની નોકરડી માટે દેશના કરોડો શિક્ષિત યુવાધનને રોજ જે રીતે સવારથી સાંજ સુધી ફૂટબોલના બોલની જેમ આમથી તેમ ફંગોળાતા અથવા અંગુઠાછાપ રાજકારણીને તમારાં જેવાં બાહોશ, જવાંમર્દ પોલીસ અધિકારીને પ્રમાણિકતાથી ફરજ બજાવવા માટે ફરજ પરથી બેદખલ અથવા બદલીની ધમકીનો ડોઝ આપીને નપુંસક બનાવી દેવામાં આવે છે, એ જોઈને તો મને જરા પણ અફસોસ નથી થતો.’

થોડીવાર ચુપ રહીને જીપ સ્ટાર્ટ કરતાં રાઘવ બોલ્યો.
‘ખરેખર તમે સેલ્યુટનાં હકદાર છો. પણ.. અભ્યાસ વગર તમારી ભાષા પર આટલી સારી પકડ કઈ રીતે?’
‘લે તંઈ ઈમાં ક્યાં કંઈ ફાટી પડવા ઝેવું છે? એઈ ને હું તો રઈ ગામડા ગામની, હાવ દેસી છોડી. ઈ અમને કાંઈ તમારા ઝેવા મોટા માણહની ઝેમ હાયરું હાયરું બોલતા નો આવડે હોં. આઈ તો કાંય ભરોહો નઈં હોં. મગજની ડગરી સટકી ઝાય તો એઈ ને હટાહટી ગાયરું’ય સોપડાવી દઈં! હવે બોલો સાહેબ, આ ભાષા વિશે શું મંતવ્ય તમારું?’
‘તમે કલાકાર છો કે જાદુગર છો?’ સ્વીચ ઓન અને સ્વીચ ઓફ જેટલી ત્વરિતતાથી તરુણાની ભાષા પ્રત્યેની પકડનાં આશ્ચર્યથી અભિભૂત થઈને રાઘવે પૂછ્યું.
‘એ તો હવે સાહેબ મારો રામાપીર જાણે. પણ, દૈનિક સમાચારપત્રનું નિયમિત વાંચન અને ટેલીવિઝનમાં સતત ન્યુઝ તરફના મારા લગાવના કારણે આકરી મહેનત પછી મારી ભાષા પર આટલો કાબુ મેળવવામાં હું સફળ રહી છું. કલાકો સુધી આઈના સામે બેસીને જાત સાથે સંવાદો બોલતી રહેતી. અને હતું એ બાકી પેટની આગ ઠારવાના અનુભવે શીખવી દીધું. રાઘવ સાહેબ મને તમારો મોબાઈલ નંબર આપશો?’
અંતે તરુણાએ ધીમેકથી પૂછ્યું
‘હા, આપું પણ એક શરતે?’ રાઘવએ કહ્યું.
‘જી, બોલો.’
‘રાઘવ સાહેબ નહીં, રાઘવભાઈ કહો તો,’ હસીને રાઘવે તેનું કાર્ડ તરુણાને આપ્યું.
‘જી, રાઘવભાઈ બસ.’ સ્મિત સાથે તરુણાએ રીલ્પાઈ આપ્યો.
‘પૂછી શકું કે એ એડ્રેસ પર એકઝેટ કઈ જગ્યા એ જવાનું છે?'
‘એ જે પાર્ટીનું ચૂંટણી કાર્યાલય છે, તેમાં જ.’ તરુણાએ જવાબ આપ્યો.
‘ઓહ... રાજકારણમાં જોડવાનો વિચાર છે કે શું? મને લાગે છે કે, તો તો તમે ગામ સળગાવશો,’ રાઘવે પૂછ્યું.
‘અત્યારે તો ઘરનો ચૂલો સળગે તો પણ ઘણું છે ભાઈ.’ તરુણા બોલી.
‘થઈ રહેશે બધું, ચિંતા ન કરો. કયાંય પણ ગાડી અટકે તો આ ભાઈને યાદ કરજો બસ. અને સામે જે બિલ્ડીંગ દેખાય તે પાર્ટીનું ચૂંટણી કાર્યાલય.’ રાઘવ બોલ્યો.
‘બસ બસ, તો અહીંજ ઉતારી દો મને.’
તરુણાએ કહ્યું. એટલે રાઘવે ત્યાં જ જીપ સ્ટોપ કરીને તરુણાને ઉતારતાં કહ્યું.
‘સાચવજો, આ ગંદા રાજકારણી અને તેની ગંદકીથી જરા બચીને ચાલજો.’
રાઘવે સલાહ આપતાં કહ્યું.
‘હા પણ, એમને મારાથી કોણ બચાવશે?' હસતાં હસતાં તરુણા બોલી.
‘કદાચ ઈશ્વર.’ આટલું બોલીને રાઘવે જીપ હંકારી મૂકી.

રાઘવ મનોમન વિચારતો રહ્યો કે તરુણાની સૈદ્ધાંતિક વિચારધારાને યોગ્ય ધારા મળી જાય તો ઠીક છે. નહીં તો તેનાં ભીતરમાં અન્યાયી, ભ્રષ્ટ સીસ્ટમ પ્રત્યે ઉકળતો લાવારસ કૈંકને ભરખી જશે અથવા તે ખુદ આ આક્રોશની અગનજ્વાળામાં બળીને ખાખ થઇ જશે. પણ રાઘવ તરુણાના અવાજમાં એક બુલંદ આત્મવિશ્વાસનો પડઘો સાંભળી રહ્યો હતો. છતાં રાઘવને ડર હતો કે આ ઝનૂની છોકરીની લાચારીનો લાભ ઉઠાવીને, જંગલરાજનાં રાક્ષસી વરુઓ ગેરમાર્ગે દોરીને પીંખી ન નાંખે! તે ડર દુર કરવા માટેનો રસ્તો તેણે તરત જ શોધી કાઢ્યો.
તરુણા, થોડીવાર ત્યાં જ ઊભાં રહીને આજુબાજુનાં સ્થળ અને લોકોનું નિરીક્ષણ કરતી રહી.
એ પછી ધીમે ધીમે આજુબાજુ નજર ફેરવતી, રાઘવે ચીંધેલા બિલ્ડીંગ તરફ આગળ વધતી રહી. ત્યાં બિલ્ડીંગના મેઈન ગેટ પર બીડીનો કસ મારતાં ઊભેલાં રણજીતની નજર તરુણા પર પડતાં જ દોડીને રોડ ક્રોસ કરી, તરુણા પાસે આવે ત્યાં જ તેમની નજીકથી પોલીસ પ્રોટેક્શન સાહિત ચારથી પાંચ લાલ બત્તી જડેલી વ્હાઈટ એમ્બેસેડરનો કાફલો સાયરનની ચીચીયારી સાથે થોડી જ ક્ષણોમાં વાવાઝોડાની માફક પસાર થઈ ગયો. એ પછી રણજીત તરુણાની નજીક આવતાં તરુણાએ પૂછ્યું.
‘આ કોનો વરઘોડો હતો?’
‘લાલસિંગ.. લાલસિંગ ચતુર્વેદી. અહીંના સાંસદ છે અને મંત્રી. પણ તું અહી ક્યારે આવી?
‘બસ, હમણાં જ આવી. પણ કાકા મારે તમારી જોડે થોડી વાતું કરવી છે.’
તરુણાએ કહ્યું.
રણજીત મનમાં બબડ્યો તારા કરતાં મને વધુ ચળ ઉપડી છે વાત કરવાની.

‘હા.. હા.. એ તો હાલો ક્યાંય બેસીએ.’
એમ બોલીને માથું ખંજવાળતા આમ તેમ જોઈને રણજીતે વિચાર્યું કે કોઈ વાતચીત દરમિયાન દખલગીરી ન કરે એવી જગ્યાએ બેસવું. એટલે તેણે તરુણાને કહ્યું કે,
‘એય ને આપણે એવું કરીએ કે પાછળની બાજુએ એ કાર પાર્ક કરી છે ત્યાં આપણે નિરાંતે જઈને બેસીએ.’
એ પછી બંને ચાલતાં ચાલતાં પાછળ પાર્કિંગ તરફ જતાં ત્યાં રણજીત બોલ્યો,
‘દીકરા, કોણ કોણ છે તારા કુટુમમાં?”
‘હું ને મારી મા.’ આજુબાજુ તરફ નજર ફેરવતી તરુણા બોલી.
‘ કેટલા વરસોથી અંઈ રો છો? ‘
‘બસ. હમણાં જ આવ્યાં ગામડેથી, દસેક દા'ડા પહેલાં.’ તરુણાએ જવાબ આપ્યો.
‘તમારી.. 'આગળ બોલવા જતા અચાનક રણજીત રોકાઈ ગયો એટલે તરુણને નવાઈ લાગતાં પૂછ્યું કેમ બોલતાં રોકાઈ ગયા? ‘
રણજીતએ બાજી સંભાળીને તેના સવાલને ઉલટાવી નાખતાં બોલ્યો.
‘એ ઈ હું એમ પુછતો’તો કે તમારી આંઈ આ સેરમાં કોઈની હારે ઓળખાણ ખરી?’
‘હા.’
‘કોની હારે?’ અધીરાઈથી રણજીતે પૂછ્યું
‘રણજીત કાકા હારે.’ બોલીને તરુણા હસવાં લાગી.
થોડો ઝંખવાઈને રણજીત બોલ્યો.
‘ઈ વાત તે સો ટકા હાચી કીધી.’
એમ બોલીને એમ્બેસેડર કારનું પાછળનું બારણું ઓપન કરીને તરુણા બેસવાં કહ્યું અને પોતે ફ્રન્ટ સીટ પર આવીને બેસતાં બોલ્યો,
‘હા, દીકરા હવે બોલ. શું વાત કરવાની છે તારે?’
‘કાકા, તમારી કાંક ઓળખાણ તો આપો! તમે શું કામ કરો છો? કોનાં માટે કરો છો? અને કેટલાં ટાઈમથી કરો છો?’
થોડીવાર તરુણાની સામે જોયા પછી બોલ્યો,
‘લાગે છે દીકરા કે ઘરેથી જાજું ગોખીને આવી છો.’
‘કેમ એવું લાગ્યું તમને? મેં કઈ ખોટું પૂછ્યું? મેં તો એટલા હાટુ પૂયછું કે હવે મારે તમારી હારે જ કામ કરવાનું છે, તો એકબીજાને ઓળખી લયે ને.'
રણજીત મનોમન બોલ્યો કે આ ઓળખાણની મોકાણ હાટું તો અયાં ગુંડાણો છું.
એ પછી તેના ફેઈસના હાવભાવ પરથી તરુણાને કોઈ શંકા ન જાય એમ વાતને ઉડાડી દેતાં હસતાં હસતાં બોલ્યો,
‘તારી આ વાત મને ગય્મી, લે. હવે પેલ્લેથી લઈને છેલે લગી હાંભળ.
હું આમ તો મૂળે સેવાભાવી જીવડો. કોઈનું દખ મારેથી જોવાય નઈં. અને પેલું કે' છે ને કે આંગળી ચીંધવાનું પૂન મલે. ઘણાં વરસોથી આ ભાનુપરતાપની ન્યાં એની સેવા ચાકરી કરું. અને એય તે મારી હાયરે થોડું ઘરના માણહ જેવું વરતન રાખે એટલે માયા બંધાઈ ગઈ એની હાયરે. ભાનુપરતાપ માણહ સો ટચના સોના જેવો પણ એણે લેન ખોટી પકડી લીધી.’
‘કેમ ખોટી લેન?’ તરુણાએ પૂછ્યું
‘છેલ્લાં ૩૦ વરસથી રાજકારણમાં છે અને ૧૫ વરસમાં ૩ ચૂંટણી હારી ગ્યા છે.
પૂછ કેમ?’ રણજીતે કહ્યું.
‘ કેમ ?’ તરુણાએ પૂછ્યું
‘અડધી જિંદગી રાજકારણમાં કાઢી પણ રીઢા રાજકારણીના એક પણ અપલખણ એનામાં આયવા નઈ. પરમાનીકતાનું પૂછડુ ઝાલીને ધોયડા કરે. તે આમ એનો આ રાજકારણમાં કે દી' પાર આવે? ઘર બાળીને તીરથ કયરે જાય છે.’
‘તો, પણ કાકા તમારે તો એને સમજાવીને હાચો મારગ દેખાડવો જોઈએને. આટલાં વરસોથી એની હાયરે છો તો?’
રણજીત મનમાં બોલ્યો આ હોશિયારની દીકરી તો કયાંક મારી દુકાન પણ બંધ કરાવશે એવું લાગે છે.
એટલે સિફતથી ગળે ઉતરે એવો ઉત્તર આપતાં બોલ્યો,
‘પણ, દીકરા આટલા વરસો પછી હવે એવું છે કે આ રાજકારણનું ઈમને વ્યસન થઇ ગયું છે. અને પ્રાણ જાય પણ વ્યસન ન જાય, અમે તો કઈ કઈને થાય્કા.’
‘પણ, એ ચૂંટણી લડે છે કોની સામે?’ તરુણાએ પૂછ્યું
‘લાલસિંગ ચતુર્વેદી સામે.’
‘ઈ કોણ છે?’ તરુણાએ પૂછ્યું
‘ઈ આ સેરનો બાપ છે. રૂપિયાવાળા એની મુઠ્ઠીમાં છે અને ગરીબ અને પછાત તેની મજબૂરી અને લાચારીના કારણે તેના તળિયા ચાટે છે. ઉપરથી સાધુ અને માયલામાંથી શેતાન. એની નફટાઈ અને નાગાઈને કોઈ ન પોચે બાપ.’

વાતચીત દરમિયાન તરુણા, રણજીતની બોડી લેન્ગવેજ અને સંવાદના એક એક શબ્દ અને સવાલ, જવાબ વચ્ચેની વિસંવાદિતાનું બારીકાઇથી નિરીક્ષણ કરીને રાજકારણની રમતના પાયાના સિદ્ધાંતથી વાકેફ થઈને, તેનાં દિમાગમાં આગળની વ્યૂહરચનાની જાળ ગૂંથવા લાગી.
‘હા, પણ આમાં મારે શું કામ કરવાનું છે, એ તો કો?’ તરુણાએ પૂછ્યું
હજુ રણજીત જવાબ આપવા જાય ત્યાં જ ભાનુપ્રતાપનો કોલ આવતાં બોલ્યા
‘ક્યાં છો તું?’
ભાનુપ્રતાપના ટોન પરથી લાગ્યું કે તે કઈક ગુસ્સામાં છે. એટલે સ્હેજ ઘબરાતાં રણજીત બોલ્યો,
‘આ.. આ.. રીયો અહીં જ બેઠો છું. એ મારી સાથે જ છે. પેલી વાત કરી હતીને..’ રણજીતનું વાક્ય કાપતાં ભાનુપ્રતાપ અકળાઈને બોલ્યા
‘તું એને લઈને જલ્દી આવ અહીં મારી ઓફિસમાં ફટાફટ.’
‘હા.. હા.. બસ આઘડીએ આયવો. કેમ કંઈ થયું સાહેબ?'
ચિંતા કરતાં રણજીતે પૂછ્યું.
‘હા, ફોન આવ્યો હમણાં એ તરુણા માટે.’ ભાનુપ્રતાપએ જવાબ આપ્યો
‘કોનો?’
‘એના બાપનો.’

વધુ આવતાં રવિવારે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED