લાલની રાણીનું આધારકાર્ડ - 16 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

લાલની રાણીનું આધારકાર્ડ - 16

પ્રકરણ-સોળમું/૧૬

‘તમે.. વિઠ્ઠલની શોકસભાના ભાષણની તૈયારી કરો, ત્યાં સુધીમાં હું... મારી રિવોલ્વર સર્વિસ કરી લઉં...’ ઊભા થતાં ભૂપત બોલ્યો.

લાલસિંગની માનસિક મનોસ્થિતિને મહદ્દઅંશે ભયમુક્ત સપાટી પર લાવીને ભૂપત લાલસિંગના બંગલેથી નીકળતાં બોલ્યો,

‘વિઠ્ઠલની વિદાયનો સૌથી વધુ વિષાદ તમને છે એવી અફલાતુન અદાકારીનું રીહર્સલ કરવાં માંડો. જેટલાં વધુ અને અસ્સલ લાગતાં મગરના આંસું પાડશો એટલાં એ.વી.એમ.માં વોટ વધુ પડશે. આવતીકાલ મધ્યરાત્રીએ તમારો સૂર્યોદય થશે.’

તરુણાની સૂચના મુજબ જે હદ સુધી લાલસિંગની ફાડવાની હતી એ હદ સુધી ભૂપતે લાલસિંગે માત્ર માખણ ચોપડ્યું નહતું પણ રીતસર માખણમાં મઢી દીધો હતો.


હવે ગણતરીના કલાકોમાં આ સમગ્ર ઘટના એક અણધાર્યા ધડાકા સાથેના અંત તરફ જઈ રહી હતી. એ પહેલાં તરુણા અને ભૂપત વચ્ચે સેકંડ લાસ્ટ સ્ટેપ માટે ખુબ ઝીણવટભરી અને ગહન ચર્ચા વિચારણા પછી....


બીજા દિવસે રાત્રિના સાડા નવની આસપાસ ભૂપત, વિઠ્ઠલ સાથે તેના બંગલે વિઠ્ઠલને મસ્તીના મૂડમાં લાવતાં પૂછ્યું,

‘ભાઈ, ઓલો લાલસિંગ તમારાં ડરથી તો ઊભી પૂંછડીયે ભાગતાં ઉંદરડાની માફક હવે દર શોધી રહ્યો છે.’

‘શું વાત કરે છે, ભૂપત ? વ્હીસ્કીનો ગ્લાસ ઉઠવાતા આશ્ચર્ય સાથે વિઠ્ઠલ બોલ્યો.
‘રણદીપની જે ભૂંડથી પણ ભૂંડી હાલત થઇ છે, તે જોઇને લાલસિંગે હવે લગભગ હથિયાર હેઠાં મૂકી જ દીધા છે એમ સમજો ને.’ વગર પંપે ભૂપતે હળવે હળવે હવા ભરવાનું શરુ કર્યું.

‘અને ઓલી ભાનુપ્રતાપની લાડકી, ફાંકાબાઝ ફેંકા ફેંક કરતાં મને કહેવાં બેઠી કે, લાલસિંગ મને ઠોકી દેશે, લે. મને ડરાવવાની ખુબ ખોટી ખટપટ કરી. છેવટે મેં તો વગાડીને કહી દીધું કે હું લાલસિંગ સાથે ફોડી લઈશ.’
આટલું બોલતાં વિઠ્ઠલ અટ્ટહાસ્ય કરતાં હસવાં લાગ્યો.
‘સાવ તર્ક અને તળિયા વગરની વાત છે આ. કારણ કે આજે મારી અને લાલસિંગ વચ્ચેની છેલ્લી ગંભીર ચર્ચાના અંતે તો મને એવું લાગ્યું કે કદાચ લાલસિંગ ચૂંટણી જંગમાંથી પાણીચું પણ આપી દે તો નવાઈ નહીં. અને મેં તો ત્યાં સુધીની વાત સાંભળી છે કે લાલસિંગ માત્ર આ શહેર જ નહીં પણ દેશ છોડીને કાયમ માટે વિદેશ રફ્ફૂચકકર થવાની પેરવીમાં છે.’


‘અલ્યા શું વાત કરે છે ભૂપત ? આ વાતથી તો મારી વ્હીસ્કીનો કરંટ બમણો થઇ ગયો. જો એ લંપટ લાલસિંગ તેની પછેડી અને પૂંછડી દબાવીને ભાગતો હોય તો, તો પછી હવે આપણે આ શહેરના બાપ બનીને બિન્દાસ રાજ જ કરવાંનું ને.’ ભૂપતની ગુગલીથી વિઠ્ઠલ ગેલમાં આવી ગયો.

હવે ભૂપત, વિઠ્ઠલ સાથેની વાર્તાલાપને મહત્વના વણાંક તરફ વાળતાં બોલ્યો,

‘તો તમને નથી લાગતું કે આ આવનારા અનેરા અવસરના ઉમંગને ઉજવવો જોઈએ ? આ હું એટલાં માટે કહું છું છે, આજે સમય, સંજોગ અને સિરસ્તોના ત્રિવેણી સંગમ જેવી તક છે.’

‘ઓહ્હ.. એવું તે શું છે ભૂપત ?’
‘જોગાનુજોગ આજે આ નાચીઝનો જન્મદિવસ છે, સરકાર.’
સ્હેજ શરમ તો તડકો મારતાં ભૂપત બોલ્યો.
‘એ... આલે લે.. તો તો આજે મદિરાની નદીયું વહેવડાવી દઈએ લે. બોલ.. બોલ ભૂપત આજે તારી જે ઈચ્છા હોય એ પૂરી કરી દઈએ.’ હવે વિઠ્ઠલ ફૂલ ફોર્મમાં આવી ગયો.
‘અરે.. મારા જેવા અદના આદમીના કોઈ મોટા અભરખાં નથી. એક નાનકડી અરજ છે. કયાંય બહાર જઈને મનપસંદ જગ્યા એ બેસીને ડીનર કરીએ બસ.’
ભૂપતે તેના મનસુબાને અંજામ આપવા વિઠ્ઠલને મેઈન ટ્રેક પર લાવવાં દાણો દબાવ્યો.
‘અરે... બસ. તું બોલ, તું કહે ત્યાં. તું કે ત્યારે.’
ભૂપતે હથેળીમાં બતાવેલી ભવિષ્યની ભવ્ય આભાસી દુનિયામાં રાચતા વિઠ્ઠલે પૂછ્યું.

‘બસ, હું તો તૈયાર જ બેઠો છું આપ હુકમ કરો એટલે નીકળીએ.’ ભૂપત બોલ્યો

વ્હીસ્કીનો છેલ્લો ઘૂંટ ગટગટાવતાં બોલ્યો,
‘બસ તું બેસ પાંચ મિનીટ હું આવ્યો હમણાં.’
એમ બોલીને વિઠ્ઠલ ગયો તેના બેડરૂમ તરફ.
વિઠ્ઠલ આવે ત્યાં સુધીમાં ભુપતે એક-બે કોલ કરીને કોર્ડવર્ડની ભાષામાં ધીમા સ્વરે વાતચીત કરી લીધી.

ચેન્જ કરીને આવતાં વિઠ્ઠલ બોલ્યો,
‘ચાલ, તને ઠીક લાગે એ કાર લઇ લે.’
‘એ આપણી ઓલી જૂની ને જાણીતી એમ્બેસેડર લઈને જઈએ તો.? ભૂપતે પૂછ્યું
‘હા.. હા એ લઈંને હાલ.’ વિઠ્ઠલ બોલ્યો.

કારમાં ડ્રાઈવીંગ સીટ પર ગોઠવાતાં ભૂપત બોલ્યો
‘હાઇવે તરફ એક નવી રેસ્ટોરન્ટ ખુલી છે એ બાજુ લઇ લઉં છું.’
‘અરે.. મારા વ્હાલાં આજે તારો બર્થ ડે છે, આજે બધું તારી મરજી મુજબનું.’
વિઠ્ઠલે જવાબ આપ્યો.
ભૂપતની ઘડીયાલ સમય બતાવી રહી હતી રાત્રિના સાવ દસનો. આશરે પંદરેક મીનીટના ડ્રાઈવ પછી શહેરથી દુર હાઈવે પર રોડ થી થોડે દૂર આવેલુ એક પાનની કેબીન જોતાં ભૂપત કાર રોકાતા બોલ્યો,

‘ભાઈ, હું સિગરેટ અને પાન મસાલા લઇ અને જરા હલકો થઈને આવું, બસ બે જ મીનીટમાં.તમે બેસો.’
‘હા, હા.. લઈને આજે કંઈ ઘટવું ન જોઈએ.’ વિઠ્ઠલ બોલ્યો.

રોડ થી આશરે વીસ થી પચ્ચીસેક ડગલાં દુર આલેલા પાન પાર્લર પર આવતાં ભૂપતે તેની જોઈતી વસ્તુઓનો ઓર્ડર આપવાં લાગ્યો. ત્યાં.... બે જ મીનીટમાં...

એક નંબર પ્લેટ વગરની બ્લેક હોન્ડા સીટી કારના ચાલકે પુરપાટ સ્પીડે વિઠ્ઠલની કાર પાસે આવીને એવી કચકચાવીને બ્રેક મારી કે કાર લીટરલી ખીલ્લાની માફક ખોડાઈ ગઈ. હજુ કોઈ કંઈ સમજે કે વિચારે એ પહેલાં તો તે કાર માંથી ચાર હટ્ટા કટ્ટા બુકાની ધારી યુવાનો બીજી જ પળે વિઠ્ઠલની કારમાં ઘુસતાં વેત જ તેમના એક યુવાને વિઠ્ઠલના લમણાં પર રિવોલ્વરની મુઠ દ્વારા આક્રમકતાથી પ્રહાર કરતાં જ વિઠ્ઠલને તમ્મર ચડી ગયાં.. આ અકલ્પનીય અસાધારણ ઘટના જોઈને ભૂપત રીતસર ત્રાડ નાખતાં કાર તરફ દોડી આવે તે પહેલાં કાર માંથી એક બુકાની ધારક યુવાને ભૂપત તરફ ફાયરીંગ કર્યું.. ભૂપતે સાવધાનીથી કામ લેતાં જીવલેણ ઘાતક પ્રહારથી આબાદ બચી ગયો.

‘હેય...એ.... એ....’ ભૂપત હાકોટા અને પડકારા કરતો રહ્યો. પણ ત્યાં સુધીમાં તો..
ડ્રાઈવીંગ સીટ પર બેઠેલાં એક યુવાને અને તેનો એક સાગરિત જે હોન્ડા સીટીમાં બેઠો હતો તેમણે બન્ને એ કારને એ રીતે દોડાવી કે જાણે કાર બીજી જ પળે અંધારામાં ઓગળી ગઈ હોય.

મોબાઈલ હાથમાં લેતાં ભૂપત મનોમન હસતાં બોલ્યો,
‘વિઠ્ઠલા.....હવે તારો એક જ તારાહરણ છે,તરુણા.’

ચાર બુકાનીધારી યુવાનો કાર સાથે આવ્યાં હાઇવેથી દુર એક અવાવરું જંગલી ઝાડીઓ થી ઘેરાયેલી ગુફા તરફ. ઘોર અંધકાર વચ્ચે માત્ર ટોર્ચ લાઈટના આછા અજવાળામાં અપહરણ કર્તાઓ એ કામ પાર પાડવાનું હતું. વિઠ્ઠલ હજુ અર્ધજાગ્રૃત અવસ્થામાં હતો. એક યુવાને વિઠ્ઠલને રીતસર કોઈ જાનવરને ઢસડે એમ પગ પકડીને કારમાંથી ખેંચીને ઘા કરતાં વિઠ્ઠલની રાડ ફાટી ગઈ. બીજા એક યુવાને વિઠ્ઠલનું બાવડું પકડી ઢસડાતાં એક વૃક્ષ સાથે બાંધી દીધો. ઘડીના છઠા ભાગમાં આ અઘટિત ઘટનાથી એટલો ડરી ગયો હતો કે.. શું બોલવું તેનું પણ ભાન નહતુ રહ્યું.


‘એ..ચુંટણીમાં ઊભા રહેવું છે કે....પછી બે પગ પર ચુપચાપ ઊભા રહેવું છે ?
વિઠ્ઠલની પાછળ પાછળ ઉભો રહેલો એક વ્યક્તિ બોલ્યો.

આટલું સાંભળતા જ બીજી જ ક્ષ્રણે પીડાથી કણસતા વિઠ્ઠલના દિમાગમાં તરુણાના વાક્યોનો વીજળીના કરંટ જેવો ઝબકારો થયો. માનોમન બોલ્યો, છેવટે લાલસિંગ છેલ્લી કક્ષાની હલકટાઈ પર ઉતરી આવ્યો ખરો. આ સમયે પોતે સાવ નિહાત્થો, માથે મોતનું તેડું લઈને ઊભેલા યમરાજના કસાઈ જેવા ચાર જમાઈ, અને અત્યારે તેઓની ગાય બન્યા સિવાય વિઠ્ઠલ પાસે બીજો કોઈ આરો નહતો. એટલે અજાણ્યા બનતા પૂછ્યું,

‘પણ..શું વાત છે ? અને તમારે જે કંઈ કહેવું હોય એ શાંતિથી અને સરખી રીતે પણ કહી શકો છો ને ? આ કોઈ રીતે છે ?

‘એલા એય.. તને અહીં જાનમાં નથી લાવ્યા તારી જાન લેવા છીએ સમજ્યો. અને અમારે જે કારસ્તાન કરવાનું છે એ તો અમે કરીને જ રહીશું એ માટે તારી સલાહની જરૂર નથી.’
કાળી ડીબાંગ અંધારી રાત. જંગલ જેવી જગ્યા. માત્ર અવાજ પરથી અંદાજો લાગવવાનો હતો કે કોણ કઈ દિશામાં ઉભું છે.

‘પણ...તમને શું જોઈએ છે ? ભીતરના ભયથી થરથરતાં વિઠ્ઠલે પૂછ્યું.

‘તારા જીવથી ઓછું તો કંઈ જોઈ તું જ નથી પણ...અમને એવો આદેશ છે કે.. જો તું એવી ખાતરી આપે કે હવે ભવિષ્યમાં તું તો શું તારી આવનારી પેઢી ભૂલેચુકે જો માત્ર રાજકારણ શબ્દ લખશે તો પણ તેના કાંડા કાપી લઈશું, બોલ.’ એક જ્ણ બોલ્યો.

વિઠ્ઠલને થયું કે, આ અક્કલ મઠા અકબરના આકાઓ સામે બીરબલ જેવી બુદ્ધિ બતાવીને હમણાં ઘાંચીના બળદની જેમ મુંડી ધુણાવ્યા સિવાય કોઈ છુટકો નથી.

‘અરે.. હું પણ એ જ કહું છું કે.. તમે કહો એમ શાંતિથી કોઈ રસ્તો કાઢીએ ને. બોલો તમારી ખાતરી માટે મારે શું કરવાનું છે. ? અને..મને તો આ રાજકારણની ગંદકીમાં સ્જેહે રુચિ નથી પણ ઓલા ભાનુપ્રતાપે પરાણે મને ગાજર લટકાવી ઘોડે ચડાવીને વરઘોડો કાઢ્યો છે.’


‘ખાતરી માટે તને એક બોધપાઠ આપવાનો છે. એક એવો બોધપાઠ કે તને જોઇને આ શહેરમાં કોઈ સાંસદ બનવાનું સપનું જોતાં જ થથરી જાય. અને અહીંથી જીવતો મેલ્યા પછી તને જો ભૂલેચૂકે પોલીસના ખોળે બેસવાની ચળ ઉપડે તો તારી જાણકારી ખાતર કહી દઉં કે,.. આ વિચિત્ર વેબસીરીઝ જેવા લેઇટ નાઈટ હિંસક અને હોરર પ્રોગ્રામના સહ-પ્રયોજક ચુનીંદા પોલીસ અધિકારીઓ જ છે. અને પહેલી ગોળી તને એ જ ધરબી દેશે એ ધ્યાન રાખજે.’
અપહરણકર્તાની તેજાબી ધમકીના ટોનમાં વિઠ્ઠલને તેની સામે મૃત્યુ તાંડવ નાચ કરવાની તૈયારીમાં હોય એવું લાગ્યું. આ રાવણ જેવા નરાધમોના મનમાં રામ વસે એવી વિઠ્ઠલને કોઈ આશા નહતી. ઈલેકશનની જંગ જીતવાની ઘેલછામાં આંધળી દોટ મૂક્યા પછી હવે અચનાક જીવનનો અંત દેખાતાં અત્યારે વિઠ્ઠલ મનોમન સતત ઇષ્ટ દેવનું રટણ કરતાં બોલ્યો.

હવે તે ચાર માંથી એક યુવાન અકળાઈને રાડ પાડતા બોલ્યો,
‘અલ્યા.. ટોર્ચ લાઈટ જરા આ વિઠ્ઠલ પર નાખતો જરા.... અને તમે બધા તમે અહીયાં ભવાઈ કરવાં આવ્યા છો, ? બે ઘા કરો એટલે કામ તમામ.’

એક જણે જેવી ટોર્ચ લાઈટ વિઠ્ઠલ પર નાખી, અને વિઠ્ઠલ કંઈ પૂછે એ પહેલાં તો..... ધાડ... ધાડ... ધાડ.... કરતી અપહરણ કારની રિવોલ્વરમાંથી બુલેટ્સ છુટી, અને ગળું ફાટી જાય એવાં ચિત્કાર સાથે લોહીલૂહાણ થઈને વિઠ્ઠલ ઢળી પડ્યો. એ પછી વિઠ્ઠલને એ જ હાલતમાં બે જણે ઉપાડીને નાખ્યો તેની કારમાં અને પછી કાર હાઇવે પર રોડની સાઈડ પર રેઢી મૂક્યાં બાદ ચારેય અપહરણકારો આદેશ મુજબ આપેલાં અંજામની ખાતરી કરીને તેના ભૂગર્ભમાં ઉતરી જવાની દિશા તરફ ભાગી છૂટ્યાં.

આ તરફ લાલસિંગએ રાતભર બેચેનીમાં આંટા ફેરા મારીને કંઇક ચિત્ર-વિચિત્ર વિચારો સાથે માંડ માંડ અજંપાભરી રાત પસાર કરી. અંતે સવાર પડી પણ... ભૂપતનો ના તો કોઈ કોલ આવ્યો કે ના કોઈ મેસેજ. એટલે લાલસિંગ માનસિક ઉતપાત અને ઉકળાટથી અકળાવવા લાગ્યો. પૂછવું પણ કોને ? ભૂપતને સતત કોલ્સ કર્યા પણ ભૂપતનો સેલ ઓફ જ આવતો હતો. ગુસ્સા કરતાં ગાળો વધુ આવતી હતી.
બીજા બે-ચાર સંપર્ક દ્વારા તપાસ કરવડાવી પણ ક્યાંયથી ભૂપતનું કોઈ પત્તો કે પત્તું કંઈ જ ન મળ્યું. દરેક જગ્યાએથી એવો જબાવ મળ્યો કે ગઈકાલ રાત થી ભૂપતના કોઈ જ સગડ નથી. થોડીવાર લાલસિંગને મનોમન ધ્રાસકાના ધક્કા સાથે આવેલાં ડરથી એવો વિચાર આવ્યો કે, ક્યાંક ઓલા નાગરાજ જેવો વિઠ્ઠલ આ નોળિયા જેવા ભૂપતનો કોળીયો તો નહીં કરી ગયો હોય ને ?


આમ કરતાં કરતાં સમય થયો અગિયાર વાગ્યાનો.
આંખો બંધ કરીને તેની ઓફિસમાં પુશબેક ચેર પર લંબાવીને પડેલાં
લાલસિંગને હવે ધીમે ધીમે તેના ભીતરથી આવતાં ડરના દસ્તક પરથી એક એવાં અમંગળના એંધાણની ટકોરાબંધ ખાતરી થઇ ગઈ કે...હવે કોઈ દૈવી ચમત્કાર જ તેની કારકિર્દીની કશ્તીને ડૂબતા બચાવી શકે તેમ છે.

અને અચાનક રણકતાં મોબાઈલ હાથમાં લઈને જોયું તો વનરાજનો કોલ હતો..
લાલસિંગને બીક હતી કે નક્કી કોઈ નવી મોકાણના મેસેજ હશે. એવું વિચારતાં કોલ રીસીવ કરતાં બોલ્યા,

‘હા, બોલ વનરાજ ?
‘અલ્યા.. તમે આટલા વર્ષો ઠાલા ભાષણ જ ઠોક્યા હો.’
હસતાં હસતાં વનરાજ બોલ્યો,

‘કેમ શું થયું ? સ્જેહ ઘબરાતા લાલસિંગે પૂછ્યું,
‘આ બગલાનું કામ કાગડો કરવા જાય તે પછી આવું જ થાય ને.’ લાલસિંગને ગોટે ચડાવતાં વનરાજ બોલ્યો.
એક તો રાત ભરનો ઉજાગરો અને ભૂપતના કોઈ ઠેકાણા નહતા અને ઉપરથી આ વનરાજે માંડેલી કથાથી લાલસિંગનો ગુસ્સો કન્ટ્રોલ બહારનો હતો પણ, વાત જાણ્યા વગર પિત્તો ગુમાવ્યા વગર કોઈ પ્રતિક્રિયા અપાઈ તેમ નહતી એટલે સ્હેજ અકળાઈને પૂછ્યું,
‘અલ્યા ભાઈ.. જે વાત હોય એ કહી દે ને, યાર તે પણ ઓલા જાદુગરના થેલા માંથી એક પછી એક ડબલા ને ડૂબલી કાઢે એમ શું ખેલ માંડ્યા છે ?’

હમ્મ્મ્મ.. અકળાયો તો ખરો.. મનોમન બોલતા વનરાજ આગળ બોલ્યો,

‘તારો ભાડુતી હત્યારો તો વગર ઝાડું એ સાફ થઇ ગયો.’

લાલસિંગને થયું કે માર્યા, રોકેટ ઉંધી દિશામાં ફંટાયું લાગે છે. એટલે અજાણ્યાં થઈને પૂછ્યું,
‘કોણ?’
‘ડાબો કહું કે જમણો કહું ? તારો કહું કે વિઠ્ઠલનો કહું ? ઓલો ભૂપત.રાજકારણના ઇતિહાસમાં પહેલી વાર એવો ખેલ પડ્યો છે કે, એકેય કાંકરા વગર ત્રણેય પક્ષી ઘાયલ થઇ ગયા. વિઠ્ઠલ, ભૂપત અને તું. હવે તમે ત્રણેય ગયા કામથી કાયમ માટે.’

વનરાજ કોબીનાં પાનની જેમ એક પછી એક પહેલી જેવી પળોજણના પડ ઉતારી ઉતારીને લાલસિંગના ગળામાં ગાળિયાની જેમ ભરાવતો ગયો.

આટલી વાતથી લાલસિંગને તેની ડામડોળ ધારણાને ઠોસ આધાર સાથે ધૂંધળા ઘટનાચિત્રના તસ્વીરની રેખાઓ સાફ સાફ ઉપસવા લાગી. નક્કી પાસાં નહીં પણ શકુની જ ઉંધો પડી ગયો લાગે છે. અને આ વાયડો વનરાજ અત્યારે સીધા મોઢે વાત કરશે નહીં. એવું વિચારતાં લાલસિંગ બોલ્યા,

‘એ વિઠ્ઠલ કે ભૂપતની તો મને ખબર નથી પણ હું આ બેઠો છું બિન્દાસ. મને તો તલભાર’યે તકલીફ નથી. અને તું બેઠો છે ત્યાં સુધી મને શું ચિંતા?’

‘એ તો હવે એક કામ કર ભાઈ, શક્ય એટલો જલ્દી બિસ્તરા-પોટલા લઈને અન્ડર ગ્રાઉન્ડ થઇ જા. કારણ કે, પોલીસ ગમે ત્યારે તને કાંઠલો ઝાલીને ઢસરડતી લઇ જાય તેની કોઈ ખાતરી નથી.’

આટલું જ સાંભળતા લાલસિંગ સડાક કરતો ચેર પરથી ઊભો થઇ ગયો. ઓફિસમાંથી બહાર આવીને બાલ્કની તરફ જતાં ગભરાહટમાં બોલ્યો.

‘હેં.. હેં.. હેં.. પોલીસ મને ઢસરડી લઇ જશે એમ ? લાલસિંગને ? પણ ક્યા ગુનામાં ?

‘એ તમે જે તમારાં રોલા ભૂપતને રોકેટ છોડવાં મોકલ્યો હતો ને ઈ ભૂપત રોકેટ સાથે ઉંધો પડ્યો છે. વિઠ્ઠલ તો આંધળે બહેરું કુંટાતા કુંટાઈ ગયો પણ ભૂપત ભૂંડી રીતે અંટાઈને હલવાઈ ગયો છે, અને હવે ઈ રેલો તારા બંગલે આવવાની તૈયારીમાં છે.’

વનરાજની વાત રજુ કરવાની ઢબ પતંગના પેચ લડાવવા જેવી હતી, ઘડીકમાં ખેંચાઈ કરતો અને બીજી જ પળે વાતની દોરને સાવ ઢીલ આપી દેતો. હવે વનરાજની આડમાં ફીરકી પકડીને ઊભા રહેવા સિવાય કોઈ રસ્તો નહતો એટલે લાલસિંગ બોલ્યા,

‘હવે માંડી છે તો કથા પૂરી જ કરને ભાઈ એટલે ખબર પડે કે હાથ જોડવાના છે કે હથિયાર ઉપાડવાના છે ?’

‘પણ લાલસિંગ, હાથ જોડવા કે હથિયાર ઉપાડવા માટે પણ સૌ પહેલાં હાથ તો સલામત રાખવાં પડશે ને ? સાંભળ હું તને એક ભૂપતના ભવાડાની ભવાઈનો એક નમુનો મોકલું છું. પહેલાં એ જોઇલે પછી મને કોલ કર.’

એ પછી વનરાજે લાલસિંગને એક વિડીઓ કલીપ મોકલી. દોઢ જ મીનીટની એ કલીપ જોઈને લાલસિંગને આવનારી અકલ્પનીય આફતના અંદાજાના કારણે કંપારી સાથે પરસેવો છૂટી ગયો. અને કોલ કર્યો.
‘એ.. એ..એલા આ શું છે ? કોણ છે આ ? અને ક્યારનું અને ક્યાંનું છે ?’
લાલસિંગના ગુસ્સાનું સ્થાન હવે ગભરામણ અને ગભરાહટ લઇ લીધું હતું.

‘હવે તું શાંતિથી સાંભળ, તે ઓલા ભૂપતને જે ભડાકા કરવા મોકલ્યો હતો એમાં છેલ્લી ઘડીએ બંદૂકના નાળચા ફરી ગયા. આ વિડીઓમાં જે માણસને પોલીસ ઉંધો લટકાવી, સર્વિસ કરતાં કરતાં વિઠ્ઠલના પર થયેલા જીવલેણ હુમલાની પૂછપરછ કરી રહી છે એ ભૂપતનો સાગરિત છે. એ ગમે ત્યારે ભૂપતનું અને ભૂપત તારું નામ પોલીસ પાસે ઓકી નાખશે. ગઈકાલ રાતથી વિઠ્ઠલ અને ભૂપત બંને ભૂગર્ભમાં છે. બંને માંથી કોઈ જીવે છે કેમ તેની પણ ભાળ નથી. શું, ક્યાં, કેમ, કેવી રીતે, આ પ્રકરણ આડું ફાટ્યું એ રામ જાણે પણ મને તો અત્યારે ગણતરીના કલાકોમાં ખાખી વર્દીના જાનૈયા તારા ઘરે સાયરન વગાડતાં વરઘોડો લઈને ગમે ત્યારે આવી ચડે એવી પુરેપુરી શક્યતા દેખાઈ રહી છે.’

લાલસિંગ મનોમન બોલ્યો, આ ભૂપત નામની ભેંશ તો એવી રીતે પાણીમાં બેસી કે મારા કારકિર્દી પર પાણી ફેરવી દીધું. હવે વનરાજ પાસે છેક તળ સુધીની માહિતી છે તો આનો ઉપાય પણ તેની પાસે હોવો જ જોઈએ. એવું વિચારીને લાલસિંગ બોલ્યા,

‘હવે તું બોલ મારે શું કરવાનું છે ? તારા પેલા ગુરુજી પાસે કોઈ સલાહ લે. એ શું કહે છે ?’

ગુરુજીની વાત સાંભળીને વનરાજ ખડખડાટ હસવાં લાગ્યો. એટલે લાલસિંગ અકળામણથી બોલ્યો,

‘અલ્યા અહીં મારો જીવ જાય છે અને તને આ રીતે કઈ વાત પર હસવું આવે છે ?

‘તે મારા ગુરુની વાત કરી એટલે. અને એટલા માટે કે, તેના માટે આ કાંડને આટોપવું એટલે ચપટી વગાડવા જેટલું આસાન કામ છે, સમજી લે જે. અને તેને એ પણ ગળા સુધી ખાતરી હતી કે વિઠ્ઠલને આંટી દેવાની શરતની આડમાં અંતે તારા જ ટાંટિયા તારા ગળામાં આવી જશે. અને આખરે એ જ થયું જોઇલે.’

હવે લાલસિંગે મનોમન જીદ અને હથિયાર હેઠા મુકીને પરાજયનો સ્વીકાર કરી જ લીધો. કોઇપણ વ્યક્તિ પાસે, કોઈપણ સંજોગોમાં, કોઈપણ શરતે સ્વાભિમાન ગીરવે મુકીને બંધ બારણે માફી માગી કે તળિયા ચાટીને જાહેરમાં આબરૂ અકબંધ રાખવાનો નિર્ણય લઇ લીધો.

‘ભાઈ વનરાજ.. એવી કઈ કિંમત થી તારા ગુરુજી મને આ મોતની માયાઝાળમાં થી આબાદ બચાવી શકે તેમ છે ?’

હસતાં હસતાં વનરાજ બોલ્યો,

‘લાલસિંગ જીવ સટોસટની અણી સુધી આવી ગયા પછી પણ તને હજુ રૂપિયા સિવાય બીજી કોઈ ભાષા સમજમાં જ ના આવી. મને એ વાત પર હસવું આવે છે. રૂપિયા તો એ તને સામેથી આપે તેમ છે, બોલ.’

‘અરે.. મારા ભાઈ તારા એ ગુરુજી જે કહે એ કરવા તૈયાર છું, બોલ.’ ગળગળા થતાં લાલસિંગ બોલ્યા.

‘ઠીક છે મને વિચારવા દે. જોઈ લઉં શું રસ્તો નીકળી તેમ છે. થોડીવાર રહીને કોલ કરું છું.’ એમ કહીને વનરાજે કોલ કટ કર્યો.

એ પછી લાલસિંગ એક થાકેલાં અને હારેલા યોદ્ધાની માફક રણભૂમિમાં હથિયાર હડસેલીને ફસડાઈ પડે તેમ ફસડાઈ પડ્યા સોફા પર. જાણે કે તેની પડછંદ કાયા શક્તિવિહોણી અને ક્ષીર્ણ થઇ ગઈ હોય. લાલસિંગનું મનોબળ અને આત્મવિશ્વાસ બંન્ને સાવ જ ભાંગી પડ્યા હતા.

આંખો બંધ કરીને હાથ કપાળ પર મુકીને ચરુ માફક ઉકળીને ભડકે બળતી ચિંતાની ચિતાને શાંત પાડવાની વ્યર્થ કોશિશ કરવાં લાગ્યા.

આ સમયે આ રીતે લાલસિંગને સોફા પર સૂતા જોઇને કુસુમને નવાઈ લાગી. લાલસિંગની બાજુમાં સોફામાં ગોઠવાતાં લાલસિંગનો હાથ કપાળ પરથી હટાવાતાં બોલી,
‘લાલ.’
જેવી લાલસિંગ એ આંખ ખોલી ને કુસુમે જોયું તો... રીતસર કુસુમમાં મોઢામાંથી સ્હેજ ઊંચાં અવાજે એક તીણી ચીસ નીકળી... ‘લાલલલલલલ.....લ’

લાલસિંગની બંને આંખોએ થી અશ્રુધારા વહી રહી હતી. આ જોઈને સજળ નેત્રે કુસુમ બોલી,

‘લાલ.... આ હું શું જોઈ રહી છું ? આજે ત્રણ દાયકામાં હું પહેલી વાર તમારી આંખોમાં આંસું જોઈ રહી છું. લાલસિંગ રડે ? બોલો લાલ, તમારી એવી કંઈ તકલીફ છે ? હું મારો જીવ આપી દઈશ પણ તમને ન રડવા દઉં લાલ. મારા રક્તબિંદુ કરતાં મારા લાલના આંસું અનમોલ છે. પ્લીઝ.. લાલ શું થયું ? શું વાત છે ? મને વાત કહો. હું ખાતરી આપું છું, હું તમારો વાળ વાંકો નહીં થવા દઉં.’ એમ કહીને કુસુમ કિચનમાંથી પાણી લાવીને આપતાં પાણી પી ને થોડા સવ્સ્થ થઇને લાલસિંગ સાવ ધીમા સ્વરમાં બોલ્યા.

‘કઈ ખ્યાલ નથી આવતો કુસુમ. કોણ મારી પાછળ, ક્યા ભવની અદાવતનો બદલો લેવા આ રીતે મને સાવ પાંગળો કરીને રોજ થોડો થોડો મરવા પર મજબુર કરી રહ્યું છે. ? તેની કોઈ માંગણી પણ નથી. નામ નથી. હું તેના પગે પાડીને માફી માંગવા પણ તૈયાર છું.. પણ મારું નામ.. મારી ઈજ્જત.. મારું સ્વાભિમાન..ને ખતમ થતાં હું નહીં જોઈ શકું. એ પહેલાં તો હું મારી જાતને ખત્મ કરી નાખતા નહીં અચકાઉં.’

‘લાલલલલલલલલ..’ લાલસિંગના હોઠ પર તને હથેળી મુકતા કુસુમે ચીસ પાડતા આગળ બોલી.
‘ખબરદાર.... જો આ વાત ફરી વાર ઉચ્ચારી છે તો. આ એ લાલસિંગ બોલે છે ? જેનું નામ સાંભળતા લોકો રસ્તો નહીં પણ વિચાર જ બદલી નાખતા. આવી નબળી વાત તમારા મોઢે શોભા નથી દેતી લાલ. આપણે કોઈને રડાવવા નથી પણ, જો કોઈ તમને રડાવી જાય એ વાત હું કોઈ કાળે નહીં જ સાંખી લઉં. હવે હમણાં જ, જે હોય એ અતિ થી ઇતિ સુધીની વાત મને કહો.’

ભાનુપ્રતાપ અને વિઠલની યુતિ, દિલ્હીના સંજય ગુપ્તા કાંડથી લઈને રણદીપની હરામલીલા અને ગઈકાલ સુધીની તમામ વાતો લાલસિંગે માયૂસ ચહેરે કુસુમને કહી સંભળાવી.

થોડીવાર ચુપ રહ્યા પછી લાલસિંગની સામું જોઇને કુસુમ બોલી,
‘લાલ.. આ બધી જ વાતોમાં તમને કોઈ એક વાત સર્વસામાન્ય લાગે છે ?
‘મારું દિમાગ તો હવે સાવ જ બહેર મારી ગયું છે. તું કહે કઈ વાત ? લાલસિંગે પૂછ્યું

‘વનરાજ. આ દરેક પ્રકરણનો આરંભ અને અંત વનરાજ જ છે. જે કોઈ પણ છે એ વનરાજને મોહરું બનાવીને પડદા પાછળ રહીને સિફતથી તેની આગવી આંગળીના ઇલ્મથી દોરી સંચાર કરીને કઠપૂતળીના ખેલ ખેલી રહ્યું છે. તમે મને વનરાજનો નંબર આપો.’ આત્મવિશ્વાસથી કુસુમ બોલી,

‘અરે.. પણ કુસુમ તું આ સુનામી જેવા સમસ્યાના સામના સામે શું કરી શકવાની હતી ? લાલસિંગે પૂછ્યું

‘બસ, તમારો આ ઓવર કોન્ફિડેન્સ જ તમારા સોચની મર્યાદા છતી કરી દે છે. એક વાત યાદ રાખજો લાલ, કંઈપણ કરીશ પણ તમારું અહિત તો નહી જ થવા દઉં એટલું યાદ રાખજો. જ્યાં દિમાગના સોચની સરહદ પૂરી થાય ત્યાંથી જ દિલના સલ્તનતની સરહદ શરુ થાય છે.’ વટથી કુસુમેં જવાબ આપ્યો.


લાલસિંગે વનરાજનો નંબર આપ્યો.

‘હું હમણાં આવી.’ એમ કહીને કુસુમ તેના બેડરૂમ તરફ ગઈ.

પંદર મિનીટ પછી કુસુમ આવી ત્યારે તેની ભીની અને લાલચોળ આંખો જોઇને લાલસિંગ સ્હેજ ગુસ્સામાં બોલ્યો,

‘કુસુમ....શું એ હરામી વનરાજે તારી જોડે કોઈ આડા અવળા શબ્દોમાં વાત કરી ?

સ્હેજ હસતાં કુસુમ બોલી,
‘લાલ.. જે કામ એક દસ રૂપિયાનું ગુલાબ આપવાથી પતી જતું હોય ત્યાં તમે તલવાર તાણીને બેઠાં ?

‘એટલે ? હું કઈ સમજ્યો નહીં ? નવાઈ સાથે લાલસિંગે પૂછ્યું
‘જે વાત તમે ત્રીસ વર્ષમાં ન સમજ્યા એ વાત તમને ત્રણ મીનીટમાં કેમ સમજાય ? કુસુમ બોલી.

‘અરે.. પણ કુસુમ કંઈ ખુલાશો કરીને વાત કર તો સમજાય ને ? લાલસિંગે પૂછ્યું.

‘જે વાત તમને સમજાય જશે એ વાત આ શહેરને નહી સમજાય.’
ફરી એક પ્રશ્નાર્થ જેવો પ્રત્યુતર આપતાં કુસુમ બોલી.
‘શું વાત થઇ વનરાજ સાથે ? શું જવાબ આપ્યો ? એ કહીશ હવે ?
અત્યંત અધીરાઈથી ઊભા થતાં લાલસિંગ બોલ્યા.

‘વાત.. વાત જ એવી છે લાલસિંગ કે, આવતીકાલના સૂર્યોદયની લાલી, લાલસિંગના તેજોમય લાલી સામે ઝાંખી પડશે. આવતીકાલ માત્ર આ શહેરના શહેરીજનો જ નહીં પણ સૂર્ય પણ તમને નમસ્કાર કરશે. લખી રાખજો.’
આટલું બોલીને કુસુમ એક કોલ લગાવતાં માત્ર એટલું જ બોલી,

‘તમારી તમામ શરતો મંજૂર છે, બસ ઝટ આપ બંને આવી જાઓ.’



અને જયારે સવારે......

રાઘવ, રણજીત, ભાનુપ્રતાપ, વિઠ્ઠલ, ભૂપત અને વનરાજ સૌ એ ન્યુઝ પેપર હાથમાં લઈને જોયું તો....
એકબીજાને ભેટતાં, મીઠાઈ ખવડાવતા, ગળે મળતાં, હાર પહેરાંવતા....
લાલસિંગ અને તરુણાના ફોટોગ્રાફ્સ જોઇને સૌના પગ તળેથી જમીન સરકી ગઈ.

-વધુ આવતાં અંકે....


© વિજય રાવલ

'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484