લાલની રાણીનું આધારકાર્ડ - 6 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલની રાણીનું આધારકાર્ડ - 6

પ્રકરણ- છઠું/૬


'હવે ધ્યાનથી મારી વાત સાંભળો. આગામી ચૂંટણી માટે પાર્ટીએ સાંસદપદની ઉમેદવારી માટે તમારું નામ ફાઈનલ કર્યું છે.’

આટલું સાંભળતાં વેંત જ રણજીતના હાથમાંનું વિહીસ્કીનું ચપટું પડીને ઢોળાઈ ગયું અને રણજીત પણ કારની સીટ પર ઢળી પડ્યો.

અને સામે વિઠ્ઠલના હાથમાંથી ફોન પડી ગયો.


‘હેલ્લો.. હેલ્લો...’ તરુણા બોલતી રહી, પણ.. સામે છેડેથી કોઈ પ્રતિસાદ નહતો મળતો.
તરુણાનાં નિવેદનથી રણજીતના ચહેરા પરના ભાવ જોઈને એવું લાગતું હતું જાણે કે કોઈ રણજીતની કાનપટ્ટી પર ગન તાકીને, તેની અબજોની જાગીર તેના નામે લખાવી રહ્યું હોય. અને મૂંગા મોઢે રણજીત જે ચિત્ર-વિચિત્ર ઈશારા કરતો હતો, એ જોઈને તરુણાને હસવું પણ આવતું હતું. પણ કોલ પરની વાતચીત ન પૂરી થાય ત્યાં સુધી કન્ટ્રોલ કરવું પડે તેમ હતું.

‘હેલ્લો..’ સામા છેડેથી વિઠ્ઠલનો અવાજ આવ્યો.
‘હા.. જી બોલો સાહેબ.. તમારો અવાજ નહતો સંભળાઈ રહ્યો એટલે...’ તરુણા આગળ બોલે ત્યાં સામેથી વિઠ્ઠલ બોલ્યો.
‘અરે મારો ફોન હાથમાંથી પડી ગયો હતો તો...’ આટલું સાંભળીને હવે તરુણાથી ન રહેવાયું એટલે મહા મુશ્કેલીથી દબાવેલા હાસ્યનો ધોધ છુટી પડતાં, તરુણા ખડખડાટ હસતાં હસતાં બોલી,
‘પ્લીઝ એક મિનીટ.’

તરુણા, વિઠ્ઠલ માટે મનનોમન બોલી કે.. ડોબા.., એટલે જ મેં પહેલાં કહ્યું હતું કે તું બેસી જા. નહીં તો હું અહીં બેઠા બેઠા તને પાડી દઈશ. સારું થયો કે ફોન જ પડ્યો.
આટલું બોલીને ફોનનાં સ્પીકર પર તેની હથેળી દબાવ્યાની સાથે સાથે હાસ્યના ધોધને પણ માંડ માંડ દબાવવાની કોશિષ કરીને, થોડીવાર પછી વિઠ્ઠલને ખોટું ન લાગે એટલે રણજીતને ઈશારો કરીને વાત બદલતાં બોલી..
‘અરે... એ તો રણજીત કાકા ઉતાવળે કારમાંથી ઉતરવા જતા ગોથું ખાઈને ઊંધાં માથે ઢોળાઈ ગયા, એટલે જરાં હસવું આવ્યું, સોરી.’
આવું સાંભળીને રણજીત બન્ને હાથ માથે મુકતા કારની સીટ પર સાચેજ ઢળી પડ્યો.

‘તમે હમણાં સાંસદપદની જે વાત મને કહી એ વાત કોઈને પણ કહેશો તો હવામાં ઉડાડી દેશે, સમજ્યા?’
વિઠ્ઠલ બોલ્યો.

‘કેમ એમ?’ વિઠ્ઠલના ઠોસ સવાલથી તરુણાને મજા પડી.

‘એ એમ કે, જ્યાં સુધી તમે તમારી વાત અને વચન પર વજન ન મુકો ત્યાં હું નહીં કોઈપણ હસીને હવામાં ઉડાડી દે બેન. સવાર સવારમાં આવા ફાલતું ચવાયેલા જોક જેવી મજાક કરવા માટે તમને આ વિઠ્ઠલ જ મળ્યો? ’
મનોમન હસતો બેડરૂમમાંથી બાલ્કની આવતાં વિઠ્ઠલ બોલ્યો.
‘સોરી સાહેબ, પણ મને ખબર છે કે આ શહેરમાં રહીને વિઠ્ઠલ રાણીંગા સાથે મજાક કરવી એટલે સુતેલાં સિંહને સળી કરવા બરાબર છે. અને આ વાતની ગંભીરતાથી હું વાકેફ છું. એટલે જ મેં તમને કોલ કરવાની હિંમત કરી છે.’
હવે તરુણા સીરીયસ મૂડ અને મોડ પર આવીને કોઈપણ હિસાબે વિઠ્ઠલનાં ગળામાં ગાળિયો નાખવાની પેરવીમાં હતી.
‘માફ કરજો બેન, પણ તમારી વાત તદ્દન પાયાવિહોણી અને શેખચ્લ્લીના વિચાર જેવી છે. તમારી વાતની વેલ્યુ કેટલી? તમે કોણ? તમને આ વાત કરવાનો અધિકાર આપ્યો કોણે? ’ વિઠ્ઠલ વાતને ગંભીર સ્વરૂપ આપતાં પૂછ્યું.

‘એક મિનીટ સાહેબ. સૌથી પહેલાં આપ શાંત ચિત્તે એ વિચારો કે અમે તો તમને કશું આપવા માટે રાજી છીએ, કશું લેવા કે માંગવા માટે નહીં. બીજી વાત. મેં પહેલાં જ કહ્યું કે હું ભાનુપ્રતાપને ત્યાંથી બોલું છું. અને એટલે જ મેં રણજીત કાકાના ફોનમાંથી આપને કોલ એટલા માટે લગાવ્યો કે અજાણ્યા નંબર પરથી અજાણી વ્યક્તિ સાથે આપ વાત ન પણ કરો. અને આપની વાત સાચી કે હું કોણ? મારી કે મારી વાતની શું વેલ્યુ? હવે એક મિનીટ રણજીત કાકા મારી ઓળખાણ આપે પછી આપણે આગળ વાત કરીએ.’

એમ કહીને સ્પીકર ઓન કરીને રણજીતને ફોન આપતાં તરુણા બોલી.
‘કાકા, વિઠ્ઠલભાઈ પૂછે છે હું કોણ? એટલે જરા તેમને મારો પરિચય આપો ને.’
મનમાં વિઠ્ઠલને ખખડાવી, દાંત કચકચાવી અને દિમાગને સાવ શાંત રાખીને તરુણા હળવા મૂડમાં સીટ પર પગ લંબાવીને રણજીત તરફ જોઈ રહી.

‘એલા મારા બાપ! હવે હું તને માતર એક વાત કવ ઈમાં તું હમજી જા કે, મુતરવા જવા સિવાયનું બધુય કામ ભાનુપ્રતાપ આ છોડીને પૂછીને કરે છે, બોલ હવે. ટૂંકમાં તને કવ તો એક વાર આ છોડીને મલ તો ખરો. હંધાયનો બેડો પાર નો થય જાય, તો તું મને કેજે. લે હવે કર વાત આ છોડી હાયરે.’

તરુણાએ વિઠ્ઠલ આગળ લટકાવેલા ગાજરને રણજીતે તેની રાજકારણી ભાષામાં સારી રીતે સમજાવ્યા પછી મનોમન વિચારતી તરુણાને ૯૯% તો ખાત્રી જ હતી કે રણજીતના એક્સ્ટ્રા ડોઝની ગોળીથી વિઠ્ઠલના પેટનો દુઃખાવો મટી જ ગયો હશે અને હવે તે બાકીની કસર પૂરી કરીને તેના રાજકારણી કબજિયાતનો કાયમી ઉપાય કરીને હળવો ફૂલ કરી દેવાના ઈરાદાથી બોલી.

‘જી, વિઠ્ઠલભાઈ બોલો.’
‘એક કામ કરો આપ અત્યારે રણજીત સાથે મારે બંગલે આવી જાઓ. એટલે આગળની વાત રૂબરૂ કરીએ તો જ ઠીક રહશે.’
‘જી.. વિઠ્ઠલ ભાઈ થોડીવાર રહીને આવું તો ચાલશે? કેમ કે મારી મા ને હમણાં હોસ્પિટલ લઈને જવાનું છે એટલા માટે..’ ગુગલી નાખતા તરુણા બોલી.

‘ઠીક છે હું તમારી રાહ જોઉં છું.’ એમ કહીને વિઠ્ઠલએ કોલ કટ કર્યો.
એટલે તરુણા મનોમન બોલી હવે તું તો શું તારો બાપ પણ રાહ જોશે. મારો આ કોણીએ ચોંટાડેલો ગોળ જો હવે તું અને તારી આવનારી સાત પેઢી ચાટ્યા ન કરે તો મને કે'જે દીકરા.

‘તારે દવાખાને જાવાનું છે?’ તો મનેય હાયરે લેતી જાજે. કેમ કે તે જે ધડાકો કયરો છે ને, એની જો ભાનુપ્રતાપને જાણ થાહે એટલી ઘડીની વાર છે. તને તો પછી, પણ પેલા મને ભડાકે દેતાં કેહે, કે આ છોડી ને તું મારી જીવતે જીવ કાણ કાઢવા હાટુ લાયવો તો? અલ્યા છોડી તેં તો આજે ભાયરે કરી. આ વાત તેં મને હવારમાં ફોનમાં કયરી હોત તો બે કલાક ને બદલે બે ઘડીમાં હાવ હલકો થઇ જાત.’

રણજીતની વાત સાંભળીને હસતાં હસતાં બોલી.
‘તો તો એક કામ કરીયે કાકા તમારા સાહેબને જ પેલા હોસ્પિટલ લઈ જઈએ તો?’
‘એલી છોડી, પણ તું આ વિઠ્ઠલા ઓળખે છે? તારી આ મશકરીમાં કંઇક નવાણીયા કુટાઈ જાહે ઈનું તને કઈ ભાન છે? હું તો ભાનુપ્રતાપના પગે પડીને માફી માગી લેય. તમ તારે, તારે જે જવાબ દેવો હોય એ દેજે.’

રણજીતનું વાક્ય પૂરું થયું અને તરુણાએ કોલ લગાવ્યો ભાનુપ્રતાપને.
‘અંકલ, લાલસિંગની પૂંઠે આગ ચાંપવી હોય તો હવે બે મહિના ઊંઘવાનું ઓછુ કરો તો સારું. પછી પાંચ વર્ષ સુધી લાલસિંગ જાગશે તમે સુઈ જાજો બસ.'
સારી ભાષામાં તરુણાએ ભાનુપ્રતાપને પાણી ચડાવતાં કહ્યું.
‘પણ હવે દીકરા મેં તો ચિંતા કરવાનું સાવ માંડી જ વળ્યું છે ને. તું જે કરે એ બધું ફાઈનલ. મને તો બસ ભૂંડે હાલ લાલસિંગનો વરઘોડો કાઢવામાં રસ છે.’

તરુણાને લાગ્યું કે જો સામે ચાલીને ભાનુપ્રતાપે કંટ્રોલરૂમની કમાન તેના હાથમાં સોંપી જ દીધી છે, તો હવે પાછું વળીને જોવું જ નથી. એટલે તાનમાં આવતાં તરુણા બોલી,
‘અંકલ, હાથ જોડી, ઘૂંટણીયે પાડીને લાલસિંગને તમારા તળિયા ચાટવા માટે મજબૂર ન કરી દઉં તો એક બાપની ઔલાદ નઈ! પણ મારી એક શર્ત છે અંકલ.’
‘અરે.. તારી બધી શરતો પર આંખ મીચીને સહી કરી આપું. બોલ હવે કઈ?’ ભાનુપ્રતાપે ચાની ચૂસકી ભરતાં કહ્યું.
‘હું આવું છું દસ મીનીટમાં તમારાં બંગલે.’ તરુણા બોલી.
‘આવ આવ દીકરા.’
તરુણાએ કયારના સામું જોઈ રહેલા રણજીતને પૂછ્યું.
‘ગાડી જવા દો. તમારાં સાહેબના બંગલે અને આમ શું કયારનાં જોઈ રહ્યા છો મારી હામું?'
‘મારી મા કો'કને જીવવા દે જે આ સેરમાં !'
આટલું બોલતા ચુનીલાલને શોધીને કાર મારી મૂકી ભાનુપ્રતાપના બંગલે.


ઘડિયાળમાં દસ વાગ્યનો સમય જોઈને ભાનુપ્રતાપે કોલ લગાવ્યો રાઘવને,
‘ હેલ્લો’
‘હા, બોલો મામા. કેમ છો?’
‘એ ય ને મારે તો જલસા છે હો ભાઈ, આ તરુણા આવ્યા પછી મારે ક્યાં કશી કોઈ ચિંતા જ છે. એને માથે દઈ દીધું છે, તે હવે ઈ કરશે. આ પાર કે પેલે પાર. અને સાંભળ, મેં તને કોલ એટલા માટે કર્યો કે તરુણાને આજે તને મળવા માંગે છે. તો તને કયો સમય અનુકુળ આવશે? એ હમણાં આવે છે અહીં.’ સોફામાં આડા પડતાં ભાનુપ્રતાપ બોલ્યા.
‘એ આવે ત્યારે વાત કરાવડાવજો મારી જોડે. બોલો બીજું? રાઘવે પૂછ્યું.
‘આ વખતે તો લાલસિંગના બાવડાનું પાણી ઉતારીને ધૂળ ચાટતો કરી જ દેવો છે તું જો.’ તરુણાની વાતોના આત્મવિશ્વાસથી તાનમાં આવતાં ભાનુપ્રતાપ બોલ્યા.
‘એ તો મને પણ એવું જ લાગી રહ્યું છે મામા. કેમ કે મહાભારતના યુદ્ધની જેમ લાલસિંગની સેના સામે આ વખતે તમારો આ એકે હજારા જેવો તરુણા રૂપી અર્જુન જ તમારી જીત માટે કાફી છે.’ મામાના ઉત્સાહને ટેકો આપતાં રાઘવ બોલ્યો.
‘પણ ભાઈ તારે પણ શક્ય એટલી તરુણાને મદદ કરવાની છે. કારણ કે તને કંઈક કહેતાં તરુણાને સંકોચ થાય છે.’ ભાનુપ્રતાપએ કહ્યું
‘અરે.. મામા એ તમારે મને કહેવાની જરૂર ખરી? અને એને કહેજો કે અડધી રાત્રે મને કોલ કરે બસ,’
‘ઠીક છે એ આવે એટલે વાત કરાવું છું તારી જોડે.’

વિઠ્ઠલને, લાલસિંગ અને રણદીપ દેસાઈ બંનેએ સયુંક્ત રીતે તેની ભૂંડી અને ભેદી રાજરમતનો ભોગ બનાવ્યા પછી વિઠ્ઠલને એવી રીતે તેના હક્ક અને હિસ્સામાંથી તગેડી મુક્યો હતો, જાણે કે ‘કામ’ પત્યાં પછી બે બદામની રાંડને પછવાડામાં જે રીતે લાત મારીને હાંકી કાઢવામાં આવે.

પણ જ્યારથી વિઠ્ઠલ, લાલસિંગ અને રણદીપ કરતાં રાજનીતિના કાવાદાવા અને ષડ્યંત્રના સાપ-સીડીની રમત રમવામાં માહેર થવા લાગ્યો. જયારે એ વાતની બન્નેને ગંધ આવતાં વિઠ્ઠલ ભવિષ્યમાં તેનો બાપ બને એ પહેલાં વિઠ્ઠલનો કાંટો કાઢી નાખ્યો.

રાતોરાત વિઠ્ઠલનાં માથા પરથી લાલસિંગની રાજનીતિની છત્રછાયા અને લાલસિંગનો કટ્ટર દુશ્મન બની ગયાની શહેરમાં અફવા ઉડતાં જે તે સમયે વિઠ્ઠલની હાલત પાંખ કાપીને પીંખેલા પંખી જેવી હતી. પણ તે દિવસથી જ ફીનીક્સ પંખીની માફક વિઠ્ઠલે તેનું ઘવાયેલું મનોબળ મજબુત કરીને, એ બન્નેનાં પતનનું નિમિત્ત બનવાનું જાતને વચન આપ્યા પછી આજ દિવસ સુધી પાછું વાળીને જોયું નહતું. આજે વિઠ્ઠલની બળ, બુદ્ધિથી શહેરની નગરપાલિકાના એક પ્રતિષ્ઠિત કાઉન્સિલર તરીકે ખાસ્સા એવા વિશાળ ચાહકવર્ગમાં તેના નામના સિક્કા પડતાં હતા,
આ તરફ વિઠ્ઠલ રાણીંગાના કાનમાં તરુણાએ કોલમાં મારેલી હળવી ફૂંકથી તેના મગજમાં ઉઠેલા વિચારોના વંટોળીયામાં તે વીંટાતો ગયો. અને તે પછી શરુ થયો તેના દિમાગમાં ઊંડા આત્મમંથનનો દોર. રાજનીતિની શતરંજ બિછાવીને ચાલવા લાગ્યો ચાલ. સામ સામે વારાફરતે એક પછી એક શંકા- કુશંકાના પ્યાદા ઉઠાવીને. ભાનુપ્રતાપ તેના કટ્ટર વિરોધી લાલસિંગના ભૂતપૂર્વ ભાગીદારને મિત્રતાનું આહવાન આપે ત્યાં સુધી તો સમજાયું, પણ ભાનુપ્રતાપના પક્ષનું મંત્રી મંડળ સાંસદ પદની ઉમેદવારી માટે મારા નામની પસંદગી શા માટે કરે?
અને આમ જોવા જાઓ તો આ શહેરમાં રાજકારણનો એકડો ઘુંટનાર સૌથી પાયાનો રાજકારણી જો તેના સલ્તનતની સવારીની બાગડોર આ તરુણાના હાથમાં સોંપતો હોય, તો આ બંદીમાં કંઈક તો દમ હશે જ. અને વાત વાતમાં ગમે તેની ચોટલી કાપી લેનારો કાટ રણજીત એની વાતમાં આવી ગયો એટલે આ છોકરી સાથે એક દાવ રમવા જેવો ખરો.
અને જો રખેને બધા પાસા સીધા પડીને એમ.પી. બની ગયો, તો રાતોરાત લાલસિંગ અને રણદીપની ગળચી દબાવતાં કોઈ માઈ માલનો તેને નહીં રોકી શકે. પણ તરુણાની આ વાત શહેરનાં રાજકારણમાં ભૂકંપ લાવી દેવા માટે કાફી હતી.
પણ રાજકારણનો નશો ચડેલાં આ ગાંડા હાથી જેવા ભાનુપ્રતાપે, પસંદગીનો કળશ મારી પર જ કેમ ઢોળ્યો હશે? મને એમ.પી. બનાવીને તેને શું ફાયદો? આવા તળિયાં વિનાના સવાલોનો તાળો મેળવવા વિઠ્ઠલએ ઘણી માથાપચ્ચી કરીને ખુબ હાથ ઘસ્યા, પણ અંતે હાથમાં મેલ સિવાય કઈ આવ્યું નહીં. છેવટે કંટાળીને નક્કી કર્યું કે તરુણાની પ્રતીક્ષા કર્યા સિવાય કોઈ છૂટકો નહતો. તેલની ધાર જોયા વગર મેળ નહીં પડે.

રણજીત અને તરુણા ભાનુપ્રતાપના બંગલે પહોંચ્યા. રણજીતની હાલત જાણે કે કોઈ નિર્દોષ માણસને પોલીસનું સમન્સ નીકળ્યા પછી ડરતા ડરતા, પોલીસ સ્ટેશને હાજર થવાનું હોય એવી હતી. એટલે તરુણાને કહ્યું કે,
‘તું અંદર હાલતી થા. હું અને ચુનીલાલ આ ઘડીએ પાન ને તમાકુ લઈને આવીએ.’

ભાનુપ્રતાપની ઉપરવટ જઈ, તેની જાણ બહાર તરુણાએ વિઠ્ઠલને કરેલી ઓફરથી, હવે પછીના ભાનુપ્રતાપના અંદાજીત પ્રકોપના ડરથી રણજીતે તેની સામે જવાની છટકબારી ગોતી લીધી.

તરુણાને તેની મનોસ્થિતિનો ખ્યાલ હતો. અને આમ પણ તરુણા તેની ગેરહાજરી જ ઇચ્છતી હતી, એટલે બોલી.
‘હા.. હા.. એય ને તમ તમારે કરો લાલમલાલ.’

એમ બોલીને તરુણા દાખલ થતાં જ વિશાળ બેઠકરૂમના સિંહાસન જેવા સિંગલ સોફા પર બાદશાહ અકબરની માફક તેની વિશાળકાયા પાથરીને મોબાઈલ મચડતા ભાનુપ્રતાપ નજરે પડ્યા.

તરુણા પર નજર પડતાં જ બોલ્યા,
‘સો વરસની થવાની છો તું. હજુ હમણાં થોડીવાર પહેલાં જ રાઘવ સાથે તારી જ વાત કરતો હતો.’ ઢોળાયેલી કાયાને સંકોરીને વ્યવસ્થિત રીતે આસન જમાવતા ભાનુપ્રતાપ બોલ્યા.

‘સો વરસની તો ખબર નથી. પણ જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી સેવા કરવાનો અવસર મળે એટલે સમજો આપણે ભયો ભયો.’ તરુણા બોલી.

‘હા બોલ શું ખબર, શું નવા જૂની?' ભાનુપ્રતાપએ પૂછ્યું
‘ચા પીવડાવો તો કહું.’ હસતાં હસતાં તરુણાએ કહ્યું.
‘અલ્યા... આ મારું આવડુ મોટું રાજપાટ તારા ઈશારે હાલે છે અને માંગી માંગીને બસ એક ચા માંગી?’
‘મારા પ્રભુ.. સુદામા તો એની પછેડીની સોડ હોય એટલું જ માંગે ને?’ તરુણા ન્યુઝ પેપર હાથમાં લેતા બોલી.
‘હે ભગવાન ! આ છોડીને બોલવામાં કોઈ વાતે નહીં પહોંચાય.’ ચાની સૂચના આપતાં ભાનુપ્રતાપ બોલ્યા.
‘અરે.. ખબર છે તો શું કામ ખોટી મહેનત કરો છો.. પહોંચવાની.’ હસતાં હસતાં તરુણા બોલી.

‘ઓલી બેય ખોટી પિસ્તોલ ક્યાં ગુમ થઇ ગઈ?’ ભાનુપ્રતાપે પૂછ્યું.
‘એ લાલ કરવા ગયા છે મોઢું, તમે કાળું કરો એ પહેલાં.’ તરુણા બોલી.
‘એટલે, કંઈ સમજાતું નહીં?’ નવાઈ સાથે ભાનુ પ્રતાપે પૂછ્યું.
‘કહું... પણ એ પહેલાં મને એ કહો કે આટલા વર્ષો પછી છેક તમારા રક્તકણમાં ભળી ગયેલા રાજકારણ પાસે જીવનમાં તમને હવે શું ઈચ્છા કે અપેક્ષા છે?’
હસતાં હસતાં વાતમાં અચનાક સ્પીડ બ્રેકર આવતાં વાતનો ટ્રેક ગંભીર વણાંક લેતા ભાનુપ્રતાપે અચરજ સાથે જવાબ આપતાં કહ્યું,
‘લાલસિંગનો કારમો પરાજય. એક વાર તેના ઉતરેલા અભિમાનનાં પાણીની પીડા તેની વાણીમાં સાંભળવી છે. તેના મિથ્યાભિમાનના મહેલને ધૂળધાણી થતાં મારે મારી નજરે જોવો છે. જળ વિનાની માછલીની માફક તેને તડપતો જોવો છે. અને આ શહેરનાં રાજકારણની ક્ષિતિજ પર હંમેશ માટે તેનો સુર્યાસ્ત જોવો છે બસ,’

‘અંકલ. આજે ત્રીસ વર્ષ પછી આ શહેરનાં રાજકારણના ઈતિહાસમાં તમને તમારું સ્થાન ક્યાં દેખાય છે? અને તેનું કઈ રીતે મૂલ્યાંકન કરો છો?’

આવાં ગોળ ગોળ સવાલો પૂછીને, ભાનુપ્રતાપનાં ગળે જે વાત તરુણાએ શીરાની જેમ ઉતારવાની હતી, ધીમે ધીમે તરુણા તે શીરાની રેસીપી તૈયાર કરી રહી હતી.

‘ છેલ્લાં ત્રીસ વર્ષમાં મેં ઘણું ગુમાવ્યું છે. પરિવારનો પ્રેમ, પૈસો, રાજકીય પ્રતિષ્ઠા, પણ હા એક વાતનો સંતોષ છે. મારા કોઈપણ સ્વાર્થ માટે હું ક્યારેય ભૂલેચૂકે પણ કોઈ મજબુર, લાચાર કે નિ:સહાયની હાય કે બદદુઆ અથવા નિસાસાનો હું નિમિત્ત નથી બન્યો, એ વાતનો ગર્વ છે. રાજકારણી તરીકે નિષ્ફળ છું. પણ માનવતાની દ્રષ્ટિએ નહી. અને લાલસિંગ, મારા સિદ્ધાંતથી તદ્દન વિપરીત રાજનીતિ રમ્યો છતાં, એ પ્રજાને ઉલટા ચશ્માં પહેરાવવામાં માહેર છે.’ ભાનુપ્રતાપનાં આવાં જાત ઉઘાડીને આપેલાં નિવેદનમાં તેના રાજકારણીનો સ્હેજે અંશ નહતો.

ચાનો કપ ઉઠાવ્યા પછી પગની આંટી મારતાં તરુણા બોલી.

‘હવે અંકલ, તમને મારાં બચપણનો એક કિસ્સો સંભળાવું, તેના પરથી તમને સમજાશે કે, મેં આ સવાલો તમને શા માટે પૂછ્યા અને હવે આગળની રણનીતિમાં તમારી પાસે હું કઈ ભૂમિકાની અપેક્ષા રાખું છું. એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સાંભળો..

નાની હતી ત્યારે મારા ઘરે ટી.વી. નહતું. એટલે હું અમારા પાડોશીના ત્યાં જોવાં જતી. શરુ શરૂમાં મને ટી.વી. જોવામાં ખુબ રસ પડતો. બસ બાઘાની જેમ જોયાં કરતી. પછી ધીમે ધીમે જેમ ચેનલો વધતી અને ફરતી ગઈ, તેમ તેમ મારું દિમાગ પણ ફરવા માંડ્યું. પછી ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી તો હું ડોબીની જેમ એ જ સમજતી હતી, કે ટી.વી. જોવામાં જ મજા છે. પણ પછી ટ્યુબલાઈટ થઈ, કે ટી.વી. જોવાની સાચી મજા તો ત્યારે આવે જયારે આપણા હાથમાં રીમોટ હોય. મજા એ નથી કે તમે જુવો છો પણ મજા એમાં છે કે તમે જે દેખાડો એ લોકો જુએ. બસ તે દિવસથી મને ટી.વી. કરતાં રીમોટ વધુ ગમવા લાગ્યું. હું જોઉ એ કરતાં હું જે નક્કી કરું અને એ લોકો જુએ ઈ વાતમાં મને વધુ મજા આવે. હવે બોલો મારી વાતમાં મજા પડી?’

થોડીવાર તો ભાનુપ્રતાપને એમ લાગ્યું કે આટલા વરસ મેં રાજકારણમાં ખરેખર મંત્રાવી. એમ થયું કે હમણાં અને હમણાં જ રાજકારણમાંથી દીક્ષા લઈ લઉં કે શું કરું?
આંગળીઓ કરતાં પણ ઓછા વાળ વાળી ટાલ ખંજવાળતા ભાનુપ્રતાપ બોલ્યા,
‘હવે તું કહે તો અત્યારે જ રાજકારણમાંથી સન્યાસ લઈ ભગવા ધારણ કરીને ગિરનારની તળેટીમાં જતો રહું. બોલ.’ બોલીને હસવાં લાગ્યા.

‘અરે ના અંકલ, ન્યાં તો તમારા દુશ્મનને મોકલવાના છે. આમ પણ એ લોકોને નાગાઈ કરતાં ખુબ સારી રીતે આવડે છે એટલે નાગાબાવા ઊભા ઊભા તેને તેના સંઘમાં લઈ લેશે.’ આટલું બોલીને એટલે બન્ને ખુબ હસ્યાં.

‘પણ અંકલ, હવે થોડી નહીં પણ ખુબ ગંભીર અને સચોટ વાત કહું, તે ધ્યાનથી સાંભળજો.’
આટલું બોલીને તે સવારે ઘરેથી નીકળ્યાથી લઈને અહીં આવ્યાં સુધીની બધી વાત ભાનુપ્રતાપને ધ્યાનથી કહી સંભળાવી. વાત સાંભળતા સાંભળતા વચ્ચે વચ્ચે ભાનુપ્રતાપને પેટમાં ક્યાં અને કઈ વાતમાં ચૂંક આવતી હતી તેની પણ તરુણાએ નોંધ લીધી.
તરુણાની વાત સાંભળીને ભાનુપ્રતાપના ઉતરેલા ચહેરા પરના ભાવ જોઈને એવું લાગતું હતું જાણે કે કોઈએ બળજબરીથી ગૌમૂત્ર તેના મોઢામાં ઠાંસી દીધું હોય.
એટલે તરુણાને ખ્યાલ આવી ગયો કે કોઈ ગળચટ્ટી ગોળી ભાનુપ્રતાપના ગળે ઉતારવી પડશે.
‘કેમ અંકલ, શું થયું?’ સાવ અજાણ થઈને તરુણાએ પૂછ્યું.
‘પણ દીકરા આટલો મોટો નિર્ણય લેતા પહેલાં મારી સાથે એક વાર ચર્ચા કરવું તને યોગ્ય ન લાગ્યું?'
‘અંકલ, માર્કેટનાં કોઈપણ ક્ષેત્રમાં ધોળા દિવસે ગ્રાહકોની આંખમાં ધૂળ નાખતી પેલી જાહેરાત તમે સાંભળી છે. મફત.. મફત. મફત..?’
ભાનુપ્રતાપને તેની ભાષામાં સમજાવવાની કોશિષ કરતાં તરુણાએ પૂછ્યું,
‘હા.. તો તેનું આ વાત સાથે શું કનેક્શન છે?’ નારાજ થયેલા ભાનુપ્રતાપે પૂછ્યું.
‘પણ તેમાં અંતે નીકળે શું? પેલી શરતો લાગુ વાળી ફુદરડી. હવે સમજ્યા?’
સ્હેજ મલકાઈને ભાનુપ્રતાપ બોલ્યા,
‘હવે તારી ફુદરડીનું રહસ્ય મને સમજાવીશ?’
‘મેં વિઠ્ઠલને સાંસદ પદની ચૂંટણી લડવાની ઓફર આપી છે, સાંસદ બનાવવાની નહીં,’ એક હળવો ઝટકો મારીને તેના વાળ સરખા કરતાં તરુણા બોલી.
‘એટલે કંઈ સમજ્યો નહીં?’
‘હે ભોળા નાથ, અંકલ હવે રીમોટ તમારાં હાથમાં છે તમે જે ચેનલ સેટ કરશો, એ જ
વિઠ્ઠલ જોશે સમજ્યા? પેલી વાર્તા.. રાક્ષસનો જીવ... પોપટમાં.. યાદ આવ્યું?’
અને કાલ સવારે ઈ પણ ઓલા નાગાઓની જેમ આપણી સામે નાગો થયો તો?’ ભાનુપ્રતાપે પૂછ્યું.
‘પણ અંકલ, ત્યાં સુંધીમાં તો આપણે તેને ગમે ત્યારે ધોળા દિવસે પબ્લિકમાં નાગો કરી શકીએ, એટલી ફિલ્મ તો તેને અંધારામાં રાખીને ઉતારી લઈએ ને?’
તરુણાનો કૈક અંશે જવાબ ગળે ઉતરતા ભાનુપ્રતાપે પૂછ્યું,
‘પણ વિઠ્ઠલથી આપણને શું ફાયદો અને આપણે બતાવીએ ઈ ચેનલ એ શા માટે જુએ? ચલ એ મને સમજાવ..'

તરુણાને લાગ્યું કે હવે કચકચાવીને આની પૂંઠે એક ચીંટીયો ભરીશ, તો જ આના આવા ધડમાથાના વગરના સવાલો બંધ થશે એમ વિચારીને બોલી,
‘શત્રુના શત્રુને મિત્ર બનાવો, એટલે તમે અડધી જંગ જીતી ગયા એ વાત તો તમે સાંભળી જ હશે. વિઠ્ઠલ અને તમારા બન્નેના ગનનું ટાર્ગેટ એક જ છે લાલસિંગ. તમે બંને અલગ અલગ પોતપોતાની ત્રેવડના મોરચે લડવાં જાઓ, તેમાં તમારાં બન્નેનો પનો ટૂંકો પડે છે. અને આપણે હજુ વિઠ્ઠલને ઓફર આપી છે. તેની શરતો ગળે નહી ઉતરે તો લગન પેલા છુટ્ટાછેડા. અને જો આ વાત શહેરમાં વહેતી થઈ ને તો સૌથી પહેલાં લાલસિંગના છુપા દુશ્મનને પણ છડેચોક લાલસિંગને ગાળો દેવાની હિમત આવી જશે. એકવાર લાલસિંગના ભવ્ય સામ્રાજ્યનાં જહાજમાં ભયની નાની અમથી તિરાડ પડી, એટલે સમજી લ્યો કે, તેની જળસમાધિ નક્કી.’
હવે તરુણાને લાગ્યું કે ક્યારનો મોઢામાં ભરી રાખેલો શીરાનો કોળીયો હવે ગળા નીચે ઉતરે, એટલી જ વાર છે.
‘પણ માની લો, કે બધું જ સમું નમું પાર ઉતરી ગયું અને છેવટે સાંસદના શપથવિધિની ઘડી આવીને ઊભી રહી તો?’
તરુણાને થયું હવે આની પૂંઠે સળગતું રોકેટ છોડ્યે જ છુટકો છે.

‘અંકલ, તમને જાણ જ હશે કે માત્ર ઉત્તર પ્રદેશમાં જ સાલ ૨૦૦૦ થી ૨૦૧૭, છેલ્લાં ૧૭ વર્ષમાં ૧૭૦૦ થી વધુ ફેક..હા જી ફેક નકલી એન્કાઉનટર થયા છે. જે સાનમાં સમજીને ચૂપ ન રહે પછી તેને કાયમ માટે ચૂપ કરાવવાનું આ ખુબ આસાન અને હાથવગુ હથિયાર છે. અને રાજકારણમાં કામ થાય એ મહત્વનું છે, કેમ થયું એ નહી. એને અંગ્રેજીમાં કંઇક સારું કહેવાય છે.. કે લોકોને રિજલ્ટમાં રસ છે, રીઝનમાં નહી એવું કંઈક.’

રાજનીતિ કઈ હદ સુધી તરુણાનાં દિમાગની નસે નસમાં ભરી પડી છે, તેનો અંદાજો આવી જતા ભાનુપ્રતાપને સ્હેજ પરસેવો વળી ગયો. ભરપેટ ભોજન પછી છેલ્લે મુખવાસની પરંપરા મુજબ હળવેકથી એક એલચી રૂપી વાત ટાંકતા તરુણા બોલી,
‘સમય, સંજોગનું ચક્ર ફરે, અને કદાચને એવું પણ બને કે ભવિષ્યમાં હું તમારી સાથે હોઉં કે ન હોઉં તો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો અંકલ. કિંગમેકર બનવામાં જે લિજ્જત છે, એ કિંગ બનવામાં નથી. એટલે જિંદગીમાં હમેશાં કિંગ નહી કિંગમેકર બનવાનાં સપનાં જોવાં. અને એમાં ફાયદો વધુ અને નુકશાન નહીંવત છે.’

‘વિઠ્ઠલને તું ફોન લગાડે છે કે હું લગાડું?”
ભાનુપ્રતાપ એકધારું તરુણાની સામે જોઈને બોલ્યા.

અંદરથી તરુણાને એક ઊંડા હાશકારાનો અનુભવ થયા પછી મનોમન બોલી.. હહાહાઈઈશ... છેવટે વાંદરાએ ટોપી ઉતારી ખરી.
‘પણ શું કામ? શેની આટલી ઉતાવળ છે તમને? આપણી ફરજ હતી તેને જાણ કરવાની કે તને કરોડોની લોટરી લાગી છે. હવે ક્યાં, કેમ, ક્યારે, કેટલી? એ જાણવાં માટે એને દોડવા દયો ને. અને એ ખાતરી કરવા તમને ફોન કરશે જ. ડીલીવરી નોર્મલ કે સીજેરિયન કરવાની છે, એ હું તમને પછી શાંતિથી કહીશ. પહેલાં સરખી રીતે પેટનો દુ:ખાવો તો ઉપાડવા દયો અંકલ.’ સોફા પરથી ઊભા થતાં તરુણા બોલી.

‘તારે તો ખરેખર દિલ્હી જતા રહેવાની જરૂર છે. રાષ્ટીય રાજકારણમાં.’
હવે તાનમાં આવી ગયેલાં ભાનુપ્રતાપ બોલ્યા.

‘આવશે.. આવશે દિલ્હી વાળા અહીં આવશે થોડી શાંતિ રાખોને.’ તરુણા બોલી.
‘તારી એક વાત મને બહુ ગમી. એક છોકરીની જાત છતાં તારામાં સ્હેજ પણ કોઈ વાતનો ડર નથી. મને લાગે છે કે ડર પણ તારાથી ડરતો હશે.’ ભાનુપ્રતાપે કહ્યું.

‘બસ આ ડરનાં જોરે જ લાલસિંગ તમારા મોઢાં પર વટથી મુતરીને બાપ થઈને રાજ કરે છે. અને હું એ ડરનું સામ્રાજ્ય ખત્મ કરવાની લડાઈ માટે જ જોડાઈ છું. અને હવે લાલસિંગના પતનની ઘડીઓ એટલે નજીક આવી રહી છે. કારણ કે લોકોને ડરાવવાની લીમીટ તે વટાવી ચુક્યો છે. અંકલ, જો લોકોમાં ડર જ ખત્મ થઈ જશે તો તે જીતશે કઈ રીતે? એટલે જિંદગીમાં કોઈને એટલું પણ ન ડરાવો કે ડર જ ખત્મ થઈ જાય. નહી તો તમે ખત્મ થઈ જશો.’

તરુણાનું વાક્ય પૂરું થયું અને ભાનુપ્રતાપના ફોનમાં વિઠ્ઠલનો કોલ આવ્યો એટલે તરુણા બોલી,
‘કોલ રીસીવ ન કરતાં. ફરી જો તેનો સામેથી આવે તો ઠીક છે, નહી તો ૫ મિનીટ પછી સામેથી જોડીને તેને અહીં બોલાવો.’

બે મિનીટ પછી ફરી વિઠ્ઠલનો કોલ આવ્યો.
‘હેલ્લો, શેઠ. વિઠ્ઠલ રાણીંગા બોલું છું,’
‘હા..ભાઈ હા.. હું બગીચામાં ફૂલઝાડને પાણી સીંચતો હતો, ને ત્યાં રીંગ વાગી એટલે હાથ ધોઈને દોડીને આવ્યો ત્યાં રીંગ પૂરી થઇ ગઈ. જોયું તો તારો કોલ. હજુ લગાડવા જાઉં ત્યાં સામેથી તારી રીંગ આવી. બોલ ભાઈ બોલ કેમ છો?’

ભાનુપ્રતાપની વાત પરથી તરુણા એ માર્ક કરતી હતી કે આટલા દિવસની જફા કર્યા પછી રાજકારણના ઠોઠ નિશાળિયાનું દિમાગ ઉઘડ્યું છે કે નહી.

‘એ મોજમાં હોં.. શેઠ. આ સવારમાં રણજીતના મોબાઈલમાંથી કોઈ તરુણાનો કોલ આવ્યો હતો કે...’
વિઠ્ઠલ વાત પૂરી કરે એ પહેલાં ભાનુપ્રતાપ બોલ્યા,
‘એ વાત સો ટકા સાચી છે. હું તને કોલ કરવાનો જ હતો. પણ આ આજકાલના છોકરા એટલા હરખપદુડીના કે એના જીવને જપ નથી જરા પણ. હવે ભાઈ એક કામ કર. તું ઝટ હમણાં મારે બંગલે આવી જા.એટલે લાલસિંગને ઊંધા ગધેડે બેસાડીને એની જાન કાઢવાનું મુર્હત કાઢી નાખીએ.’

‘એ હાલો આવ્યો અડધી કલાકમાં.’

-વધુ આવતાં અંકમાં


© વિજય રાવલ

'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.