પ્રકરણ – ચોથું/૪
‘કુસુમમમમમ........એલી આટલી વારમાં ક્યાં મરી ગઈ પાછી?’
લાલસિંગે ડ્રોઈંગરૂમમાંથી બુમ પાડી.
‘એ..... આવું બે મીનીટમાં. કિચનમાં છું. ચા,નાસ્તો લઈને આવી.’
કુસુમ એટલે શહેરનાં રાજકારણના ઈતિહાસમાં જેણે લગાતાર બે દાયકાથી તેનો એકસરખો દબદબો અને કીર્તિમાન જાળવી રાખ્યાં હતા, એ લાલસિંગ ચતુર્વેદીની ધર્મપત્ની. કુસુમનો લાલસિંગથી તદ્દન વિપરીત પ્રકૃતિનો સ્વભાવ. શાંત, હસમુખી અને હંમેશા વિનોદવૃત્તિમાં મસ્ત રહેતી કુસુમ. અને લાલસિંગ બિલકુલ અનરોમાન્ટિક. રાજકારણ, વ્યવસાય અને ઘર બહારની દરેક ગતિવિધિના લાલસિંગના સરળ અને મળતાવડાં સ્વાભાવિક લાગતાં સ્વભાવ માટે એક માત્ર કુસુમ અપવાદ હતી. તે તેના રાજકારણ અને વ્યવસાય સિવાય બીજા કોઈ જ ક્ષેત્રની પ્રવૃતિમાં કયારેય સ્હેજે રસ દાખવે નહીં. અને હવે કુસુમ પણ વર્ષોથી લાલસિંગનાં આ વાણી, વર્તન અને વિચાર સાથે વણાઈ અને ટેવાઈ ગઈ હતી.
લાલસિંગ આબરૂદાર ખાનદાનનું ફરજંદ. અને તેના પિતાનું એકમાત્ર સંતાન. દેખાવમાં લાલસિંગ સાવ સાધારણ. પણ ઈજજતદાર કુટુંબને કોઈપણ જાતની કલંક લાગે એવી કોઈ પ્રતિબંધિત ઈતર પ્રવૃત્તિની તેને હવા નહતી લાગી. કુસમ ધનાઢ્ય પરિવારની દેખાવે ખુબ જ સુંદર, અને સંસ્કારી પુત્રી.
એકવીસ વર્ષના લાલસિંગ જોડે કુસુમને માત્ર સત્તર વર્ષની કાચી કુમળી વયે એટલાં માટે પરણાવી દેવાઈ કે.. લાલસિંગ મોટાં ખાનદાનનો એકેનો એક એવો પુત્ર હતો કે જેની ઉત્તરોતર સાત પેઢીના દરેક ઉત્તરાધિકારીએ આજ સુધી ખાનદાનની આબરૂ અકબંધ રાખી હતી. અને આજે પંદર વર્ષથી સાંસદ અને મીનીસ્ટર હોવા છતાં પણ લાલસિંગે એ પરંપરા સભાનતાથી જાળવી રાખી હતી. પરણ્યા પછી પણ કુસુમની રુચિને ધ્યાનમાં રાખીને લાલસિંગે તેનો અભ્યાસ લગાતાર ચાલુ રાખ્યો. અને એ રીતે કુસુમે તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.
શરૂઆતનાં ખુશખુશાલ ભર્યા લગ્નજીવનનાં પાંચ થી સાત વર્ષ એક બીજાનાં પ્રેમાળ સાનિધ્યમાં કેટલી આસાનીથી પસાર થઈ ગયા, એ બંનેને ખ્યાલ ન રહ્યો. પણ મીઠાં મધુરાં દાંપત્ય જીવનમાં કડવાશની કૂંપળ ત્યારે ફૂટી જયારે લાલસિંગને જાણ થઇ કે .. કુસુમ લાલસિંગને વારસ આપી શકવાને સક્ષમ નથી. એ પછી લાલસિંગનાં કુસુમ પ્રત્યેનાં પ્રેમ, સ્નેહ, કાળજી, હુંફની પરિભાષા, વાણી અને વર્તનમાં પરિવર્તન આવવાં લાગ્યું. સન્માનનું સ્થાન અપમાને લીધું. તકેદારીનું સ્થાન તિરસ્કારે લીધું. અને કુસુમ, લાલસિંગના એ ધીમે ધીમે ઘૃણાસ્પદ કક્ષાની હદ સુધી પોહંચેલા, સઘળા વ્યવહારને પ્યાર સમજી હસતાં મોઢે સ્વીકારીને તેનો પતિવ્રતા ધર્મ નિભાવતી રહી. ત્યારબાદ લાલસિંગે એકલવ્યની માફક મન વાળ્યું રાજકારણ તરફ. અને ધીરે ધીરે એક પછી એક ગંદા રાજકારણની રાજરમતના દાવપેચ અને ષડ્યંત્રની સિદ્ધિઓ હાંસિલ કર્યા પછી, સામ,દામ, દંડ. ભેદ થકી તેના નામથી એક ભયનું સામ્રાજય ઉભું કરીને આજે આ શહેરનાં એકહત્થું શાસન પર પંદર વર્ષથી આસન જમાવીને, તેના નામને એક નવી ઊંચાઈ બક્ષીને તેના પર ગર્વથી બિરાજમાન છે.
‘એ... આ લ્યો મારા લાલ. એક તો તમારો દિમાગ ગરમ અને ઉપરથી આ નાસ્તો અને ચા એથી પણ વધુ ગરમ તો બે ઘડી જપોને લાલ.’
ડાઈનીંગ ટેબલ પર ચા, નાસ્તો મુકતાં કુસમ બોલી.
‘તને મેં રાત્રે જ કહ્યું હતું કે આવતીકાલે મારે અગત્યની મીટીંગમાં જવાનું છે. સવારે દરેક વસ્તુ મને સમયસર જોઈશે. તો પછી કેમ મોડું થાય?’
ડાઈનીંગ ટેબલ પાસે બેસતાં લાલસિંગ બોલ્યા.
કુસુમને ટીખળ કરવાનું મન થયું એટલે કહ્યું કે,
‘તમારી બાજુમાં પાણી ભરેલાં કાચના ગ્લાસમાં સ્હેજ આંગળી બોળીને કાઢી લ્યો તો.’
‘મારે કામનો કોઈ પાર નથી અને તને અત્યારે સવાર સવારમાં આવાં અવનવાં નખરાં સુજે છે એમ?'
ગ્લાસમાં આંગળી બોળીને કાઢતાં લાલસિંગ આગળ બોલ્યો. ‘ લ્યો હવે તું શું સાબિત કરવાં માંગે છે, બોલ જલ્દી.’
ગરમા ગરમ ચા સાથે આલુ પરાઠાનો ટેસ્ટ કરતાં લાલસિંગ બોલ્યો.
‘જુઓ તમે આંગળી મૂકી હતી ત્યાં જગ્યા પુરાઈ ગઈ મારાં લાલજી. કોઈનાં વગર આ દુનિયા કે દુનિયાનું કામ અટકતું નથી, સમજ્યા હવે? તમને વહેમ છે કે તમારાં વિના પાંદડું પણ નહી હલે! આટલું બોલતા લાલસિંગની બાજુની ચેરમાં કુસુમ બેસી ગઈ.
‘કુસુમ તું એક કામ કર, કાલથી મારું બધું કામકાજ અને કારોબાર તું જ સંભાળી લે. એટલે તને ખ્યાલ આવે કે આ કંઈ ખાઈ લેવાના ખેલ નથી.’
ઊભા થતાં લાલસિંગ બોલ્યા.
એટલે કુસુમ બોલી,
‘તમને સાચવવા કરતાં તો તમારાં કામ કરવાં આસાન જ છે હોં.’
પછી હસવાં લાગી.
‘ચલ ચલ હવે, ડ્રાઈવરને કહે કે ઝડપથી મારી બધી ફાઈલ્સ કારમાં મુકે. હું રાત્રે મોડો આવીશ. અને અગત્યનાં કોઈપણ કામ વગર, નાહકના કોલ્સ કરીને મને ડીસ્ટર્બ ન કરીશ પ્લીઝ.’ ઉતાવળે ચાલતાં લાલસિંગ બોલ્યા.
કુસુમ મનોમન બોલી. ડીસ્ટર્બ થવું અને કરવું દરેકના નસીબમાં નથી હોતું.
એ પછી કુસુમ કયાંય સુધી તેના લગ્નજીવનના પ્રારંભના દિવસોની યાદોની મમળાવતી રહી.
તરુણા ભાનુપ્રતાપને મળીને આવી એ વાતને બે દિવસ પસાર થઈ ગયા. છતાં પણ તેનો કોઈ કોલ નહતો આવ્યો. આજે રવિવારનો દિવસ હતો અને સવારના ૯:૩૦ ની આસપાસનો સમય થયો હશે. તરુણા ન્યુઝ પેપરમાં તેને ઈન્ટરેસ્ટીંગ લાગતાં આર્ટીકલ્સ ધ્યાનથી વાંચી રહી હતી, ત્યાં જ રાઘવનો કોલ કોલ આવ્યો.
‘કેમ છો?’
‘જી, હું એકદમ ઠીક છું. આપ કેમ છો? બોલો કેમ યાદ કર્યા?' તરુણાએ પૂછ્યું.
‘હું ફાઈન છું અને યાદ કરવામાં તો ભાનુપ્રતાપનું કહેવું એમ છે, કે તમે પથદર્શક બનીને કંઈ અજવાળાં કરો, તો હવે આગળની દિશા સુઝે. તેઓ બે દિવસથી શહેરની બહાર હતા. આજે જ આવ્યાં છે. અને આપણને બન્નેને તેમના બંગલે બોલાવ્યા છે. હું નીકળી જ રહ્યો છું અને તમને લેવા માટે તેનો ડ્રાઇવર ગાડી લઈને નીકળી ગયો છે. બસ થોડીવારમાં પહોંચતો જ હશે.’ રાઘવે વિસ્તારથી વાત કરી.
‘કંઈ ખાસ છે?'તરુણાએ પૂછ્યું.
‘મારી જોડે કંઈ જ ચોખવટ નથી કરી. પણ તમે શાને ચિંતા કરો છો? હું છું ને!'
‘જી, ઠીક છે. હું આવું છું.’ એમ તરુણા બોલી. ત્યાં રાઘવે કોલ કટ કર્યો.
બે દિવસ અગાઉ... તે દિવસે જયારે તરુણા સાથેની પ્રથમ મુલાકાત બાદ, રાઘવે તરુણાને ભાનુપ્રતાપના ચૂંટણી કાર્યાલય ઉતર્યા પછી, તરુણાની તડ અને ફડ કરવાની વૃતિથી, રાઘવને એવો ભાસ થયો કે તરુણાને ખરેખર કામની તલાશ છે. અને તેની વાતચીત પરથી એવું લાગ્યું કે વ્યક્તિ સાચી છે, પણ તેને સાચી દિશા નથી મળતી એટલે તે કોઈ ખોટી વ્યક્તિનાં સપર્કમાં આવશે, તો તે નાહકની રખડી પડશે.
એટલે તેણે તરત જ ભાનુપ્રતાપને કોલ કરીને માત્ર એટલું જ કહ્યું હતું કે ‘તમારાં ક્ષેત્ર અને પ્રકૃતિને બંધબેસતી એક હસ્તીને તમારી પાસે મોકલુ છું. તમે એને સાચવી લેજો. એ તમને સાચવી લેશે.’ રાઘવની આટલી જ વાત પછી ભાનુપ્રતાપે તરુણાને ઓળખવામાં કોઈ જ કચાશ નહોતી છોડી. એટલે હવે આગળની રણનીતિ માટે ભાનુપ્રતાપે બંનેને આજે તેના બંગલે બોલાવ્યાં હતાં.
ડ્રોઈંગરૂમમાં રાઘવને એન્ટર થતાં જોઇને ભાનુપ્રતાપ બોલ્યા,
‘આવ આવ, ભાઈ આવ. આજે ઘણાં દિવસે મળ્યો, હોં તું.’
ગળે વળગ્યા બાદ બન્ને સોફા પર બેઠાં. પછી રાઘવ બોલ્યો,
‘પણ મામા, અત્યારે આ ચૂંટણીના ગરમ માહોલમાં તમને મળવું, એટલે કારણ વગરનું રાજકારણ ઉભું કરીને કોઈ વિઘ્નસંતોષીની નજરે ચડવાનું ને? અને હજુ ચૂંટણીની ડેટ ડીકલેર ન થાય ત્યાં સુધી ટ્રાન્સફરની લટકતી તલવાર તો ખરી જ ને.’
‘એ તું ચિંતા ન કર તારી ટ્રાન્સફરની જવાબદારી મારી. ઓ.કે.? હવે એ કહે કે આ તરુણા સાથે તું કઈ રીતે પરિચયમાં આવ્યો?’
કિચનમાં ચા-કોફી નાસ્તા લાવવાની સૂચના આપતાં ભાનુપ્રતાપે પૂછ્યું.
એટલે જે અનાયાસે તરુણા સાથે રાઘવની મુલાકાત પછી, પરિચય અને ત્યારબાદ તે બન્ને વચ્ચે થયેલી ટૂંકા વાર્તાલાપનો અંશ, રાઘવે ભાનુપ્રતાપને કહી સંભળાવ્યા પછી બોલ્યો,
‘અને એ તમારે ત્યાં જ કામની તલાશમાં આવતી હતી, એટલે મને થયું કે આ છોકરી દેખાય છે સામાન્ય, પણ હકીકતમાં છે અસામાન્ય. અને જો તમારી પરીક્ષામાં પાસ થઇ ગઈ તો તેની કારકિર્દી અને તમારું કામ બન્ને થઈ જાય. એ વિચાર કરીને મેં તમને કોલ કરેલો.’
‘સાચું કહું રાઘવ, આ છોકરી હીરો છે. પણ આને તરાશવામાં નથી આવ્યો. કડવું બોલે છે પણ સત્ય બોલે છે. મને લાગે છે કે લાલસિંગની સોનાની લંકામાં આગ, આ છોકરી જ લગાવશે. તારું શું માનવું છે?'
કોફીનો કપ હાથમાં લેતા ભાનુપ્રતાપે પૂછ્યું.
‘તમારી વાતને સમર્થન આપતાં પહેલાં હું એક વાતથી તમને સતેજ કરી દઉં, કે જ્યાં સુધી હું તરુણાને ઓળખી શક્યો છું, તે જોતાં ભૂલે ચુકે જો તેને અંધારામાં રાખીને, તેની પીઠ પાછળ કોઈ મેલી રાજરમત રમવાની કોશિષ કરી, તો લાલસિંગની લંકા તો બળતાં બળશે એ પહેલાં તમારી સલ્તનતનો સફાયો ન થઈ જાય, એ વાતનું પુરેપરું ધ્યાન રાખજો. નાનું છે પણ નાગનું બચ્ચું છે એ ન ભૂલતાં. તેની ચાર આંખ છે.’
ચાની ચુસ્કી ભરતાં રાઘવ બોલ્યો.
‘એ વાતની તો મેં પણ ગંભીરતાથી નોંધ લીધી જ છે. પણ..’ ભાનુપ્રતાપ બોલતાં અટકી ગયા. એટલે રાઘવે પૂછ્યું.
‘કેમ શું કન્ફ્યુઝન છે?’
‘હું એમ વિચારતો હતો કે ભવિષ્યમાં આ છોકરી, આપણો જ બાપ બનીને આપણું નાક દબાવે એવી કોઈ શક્યતા ખરી?’
‘ના. એ હું એટલાં માટે કહી શકું, કે આ છોકરીની ઈમાનદારી તમે રૂપિયાથી નહીં ખરીદી શકો. એ મરી જશે પણ તમારી સાથે નમકહલાલી તો શું ઊંચા અવાજે વાત પણ નહીં કરે, તેની તમને હું ખાતરી આપું છું. તેનો એક જ દુશ્મન છે. જે સમાજે તેની સાથે અન્યાય કરો છે બસ એ જ. એક વાત યાદ રાખજો તમે જે કંઈ તરુણાને આપશો તેનું તે દસ ગણું કરીને તમને આપશે એ ધારણા નક્કર છે.’
‘બસ, હું આ એક જ દ્વિધામાં હતો.’ ભાનુપ્રતાપ આટલું બોલ્યાં ત્યાં જ તરુણા ડ્રોઈંગરૂમમાં એન્ટર થઈ. તરુણા પર નજર પડતાં જ ભાનુપ્રતાપ બોલ્યા.
‘આવ આવ દીકરા, આવ બેસ. બસ તારી જ વાત કરતાં હતા.’
એમ કહીને ફરીથી ચા-કોફી માટે સૂચના આપી.
ભાનુપ્રતાપ અને રાઘવ બન્ને સામે હાથ જોડીને ‘નમસ્કાર’ બોલ્યા પછી તરુણા સોફા પર બેઠી.
‘હું બે દિવસ બહાર હતો. અને તે દિવસે તું મારી ઓફીસે આવી, ત્યારે પણ હું ઉતાવળમાં જ હતો. પણ.. તારી ફાયર બ્રાન્ડ સ્ટાઈલમાં જે રીતે તે એ.કે. ૫૬ માંથી ધાણીની માફક ધડાધડ છૂટતી ગોળીઓની જેમ કાતિલ શબ્દોની રમઝટ બોલાવી, ત્યારે એમ થયું કે તેલ લેવા ગયું કામ. વર્ષો પછી કોઈ મરદની દીકરીને બોલતાં સાંભળી રહ્યો હતો. ખરેખર રાઘવ! જો તું ત્યાં હાજર હોત, તો બે ઘડી તને પણ શૂરાતન ચડી જાત.’
આટલું સાંભળીને તરુણા હસવાં લાગી. એટલે રાઘવ બોલ્યો,
‘મને તેની તેજાબી વાણીનો પરચો મળી ગયો હતો. એટલે જ મેં તેને તમારી પાસે મોકલી હતી મામા.’
‘લે, ચા અને નાસ્તો લે. બે દિવસથી મારો કોઈ કોલ ન આવ્યો, એટલે તને શું વિચાર આવ્યો?’ ભાનુપ્રતાપે પૂછ્યું.
‘અંકલ, મને એટલી ખબર છે કે પ્લેઇંગ કાર્ડમાં જેની પાસે ધન અને ધીરજ હોય ને, એ જ બ્લાઈંડ ગેમ રમી શકે. સાચી વાત?'
તરુણાનો જવાબ સાભળીને બંને પગ સોફા પર લઈને પલાંઠી વળતાં ભાનુપ્રતાપ બોલ્યા,
‘એલા રાઘવ, તે દિવસે જ મેં આ છોકરીને આ જ કહ્યું હતું, કે હવે મને મારી ખુરશી જોખમમાં લાગે છે.’ હસતાં હસતાં ચાનો ઘૂંટડો ભરતાં બોલ્યા.
‘તમારી પાસે ધન છે અને હું તો આમેય આટલાં વર્ષોથી ધીરજ ધરીને ભટકું છું. તો એમ સમજીને બે દિવસ વધુ કાઢી નાખ્યા.’
ચાનો કપ ટ્રેમાં મુકતા તરુણા બોલી.
હવે ભાનુપ્રતાપે રાઘવને ઈશારો કર્યો. એટલે રાઘવ તરુણાને સંબોધીને બોલ્યો,
‘હવે વાત થોડી ગંભીર છે, એટલે ધ્યાનથી સાંભળજો. નજીકના દિવસોમાં ચૂંટણીની તારીખોનું એલાન થશે. ભાનુપ્રતાપ એવું ઈચ્છે છે, કે આ વખતની ચૂંટણી લડવાની સંપૂર્ણ વ્યૂહરચના તમારાં માર્ગદર્શન અને સલાહ સૂચન મુજબ ઘડવામાં આવે. અને તેના માટે તમારી જે કંઈ પણ શરતો હોય, એ અંગે ખુલ્લાં મનથી રજૂઆત કરો. અને આજે આ મુદ્દાની ચર્ચા માટે જ આપણે અહીં એકઠાં થયા છીએ.’
‘પણ, મારાં માટે આ ખુબ જ મોટી અને અજાણી જવાબદારી છે. અને એ માટે મને સમય જોઈશે. તમારી ગણતરી મુજબ ચૂંટણીની તારીખોની જાહેરાત થવાને હજુ કેટલો સમય બાકી છે?'
તરુણાએ પૂછ્યું.
‘આશરે હજુ ત્રણેક અઠવાડિયાં તો ખરાં જ.’ ભાનુપ્રતાપ બોલ્યા.
‘જે દિવસે તારીખનું જાહેરનામું બહાર પડે, એ પછી કેટલાં દિવસમાં મતદાન હોય?'
‘લગભગ પંદરેક દિવસ,’ રાઘવે જવાબ આપ્યો.
‘મતલબ કે આપણી પાસે વધીને પાંચ સપ્તાહનો સમય છે, એમ જ ને? જુઓ, તમે કયા આધારે મને આ રાજનીતિનાં યુદ્ધની કમાન સોંપવાનો ગંભીર નિર્ણય લીધો, તેની મને ખબર નથી. પણ આ મહા મેરેથોનનું લક્ષ્ય પૂરું કરવા માટે, મારી સાથે મારી ઝડપે દોડી શકે એવી એક ઉત્સાહિત ટીમ મને જોઇશે. અને એ પણ જે ચોવીસ કલાક કાર્યરત રહી શકે એવી.’
પાણીનો ગ્લાસ ઉઠાવતાં તરુણાએ જવાબ આપ્યો.
‘અને તું કયાંય પૈસાની જરા પણ ચિંતા ન કરીશ દીકરા. રૂપિયાનો હું ધોધ વહાવી દઈશ. પણ મારું એક જ લક્ષ્ય છે. એ રાવણ લાલસિંગનું સામ્રાજ્ય ભસ્મિભૂત થઈ જવું જોઈએ.’
તાનમાં આવી ગયેલાં ભાનુપ્રતાપ બોલ્યા.
‘બસ. છેલ્લી ત્રણ ચૂંટણીમાં તમારી હારનું કારણ તમે જાતે જ છો.’ તરુણા બોલી.
‘કેમ?’ ભાનુપ્રતાપે નવાઈ સાથે પૂછ્યું.
‘રાઘવ ભાઈ, હવે આ રીઝર્વ બેન્કના ગવર્નરને તમે સમજાવશો કે હું સમજાવું? સોરી અંકલ.’ તરુણાએ રાઘવ સામે જોઈને પૂછ્યું.
‘ના, આજે રાજકરણીની ભાષામાં, તમારે જ મામાનો ક્લાસ લેવાનો છે એટલે તો તમને બોલાવ્યા છે. અમારી તો કોઈ વાત એમનાં ગળે ઉતરતી જ નથી.’
રાઘવે જવાબ આપ્યો.
‘રાઘવભાઈ તમારી રિવોલ્વરમાંથી બુલેટ્સ કાઢીને રિવોલ્વર જરા બે મિનીટ માટે અંકલને આપશો?’ તરુણાએ રાઘવને કહ્યું.
એટલે રાઘવે કમ્મરે લટકાવેલી તેની સર્વિસ રિવોલ્વરમાંથી બુલેટ્સ કાઢીને રિવોલ્વર ભાનુપ્રતાપને આપ્યા પછી તરુણા બોલી.
‘અંકલ, હવે મને શૂટ કરો.’
‘હા.. હા.. હા.. અરે પણ આમાં બુલેટ્સ જ ક્યાં છે?’ હસતાં હસતાં ભાનુપ્રતાપ બોલ્યા.
‘રાઘવભાઈ, હવે એ બુલેટ્સ અંકલને આપો. અને રિવોલ્વર તમે લઈ લો.’
તરુણા બોલી.
રાઘવે રિવોલ્વર પરત લઈને બુલેટ્સ ભાનુપ્રતાપની હથેળીમાં મૂકી.
‘લ્યો અંકલ બુલેટ્સ. હવે શૂટ કરો.’ તરુણા બોલી. અને રાઘવ મનોમન હસ્યો.
‘અલ્યા, રાઘવ આ છોકરીએ આ શું રમત માંડી છે?'
ભાનુપ્રતાપ હસતાં હસતાં બોલ્યા.
હવે રાઘવ બોલ્યો,
‘બસ મામા. એ જ કે, તમારો રૂપિયાનો ધોધ એ બુલેટ્સ વગરની રિવોલ્વર જેવો છે.’
એ પછી તરત જ તરુણા બોલી.
‘અને તમારી રીવોલ્વરમાં બુલેટ્સ નથી એ તમારાં સિવાય આખાં શહેરમાં બધાને ખબર છે. એટલે જ લાલસિંગને તેની કારકિર્દી અને સામ્રાજ્ય માટે, તમારાં તરફની રતિભાર પણ ફિકર નથી. સમજ્યા?’ બે સેના વચ્ચે લડતાં યુદ્ધમાં, બન્ને સેનામાં સેનાપતિ હોય. તમારો સેનાપતિ ક્યાં છે અંકલ?'
એટલે હસતાં હસતાં રાઘવ બોલ્યો.
‘રણજીત.’
એટલે વાતને જરા ગંભીર રીતે જણાવતાં તરુણા બોલી,
‘અંકલ માફ કરજો. પણ રણજીતની ઔકાતની કિંમત ચૂકવતાં લાલસિંગને માત્ર બે મિનીટ લાગે. પણ રણજીતને તમારાં જેવો મુર્ખ ન મળે એટલે એ તમારાં અહમને પોષી અને તમારી ગાળોના જવાબમાં, છાની રીતે ઉધઈની માફક તમારી જાહોજલાલી અને તમને, બન્નેને અંદરથી ખોખલા કરી ચુક્યો છે. અને આ રણજીત, લાલસિંગનો જ કોઈ ખબરી ન હોય તેની શું ખાતરી?’
રાઘવ અને તરુણાની કઠોર વાણીથી ભાનુપ્રતાપને વાસ્તવિકતાનો ભાસ થતાં, વર્ષોથી ભ્રમણાંના ભવ્ય મહેલમાં રાચતા ભાનુપ્રતાપની કલ્પનાનો રાજદરબાર ઘડીભરમાં ધરાશાયી થઈ ગયો.
‘મને ગળા સુધી ખાતરી છે, કે રણજીતે તમને નહીં જ કહ્યું હોય કે તમારી ગેરહાજરીમાં, સતત બે દિવસથી તે મને ઓફિસમાં બોલાવીને, તેનાં લોલીપોપ જેવાં લલચામણાં પ્રલોભન ચટાડીને મને લાંબા ગાળે ધૂળ ચાટતી કરી દેવાના મનસુબા ઘડી રહ્યો છે. પણ મેં, બે દિવસમાં તમારી અને લાલસિંગની છઠ્ઠીથી માંડીને આજ સુધીની કુંડલી, માત્ર એક વ્હીસ્કીનાં અડધીયામાં ઓકાવી લીધી છે. તમે તમારાં લક્ષ્ય સુધી પહોંચવા માટે દોડો છો પણ.. ટ્રેડમીલ પર. હવે મારી એક વાત ધ્યાનથી સાંભળો અંકલ. રાજનીતિની ચોપાટ રમતાં દરમિયાન આંખ, કાન અને દિમાગ સતેજ અને ખુલ્લાં હોવા જોઈએ અને જબાન સદંતર બંધ. તમે જે ચાલ ચાલવાનો છો તેની જાણકારી ફક્ત અને ફક્ત તમને જ હોવી જોઈએ. તમારી ખુદ્દારી કે ગદ્દારીના વિચારો તમારાં લોહીમાં જ દોડવા જોઈએ. અને કોઈપણ કામ તમામ થઈ ગયાં પછી તેનાં વિષે સભાનપણે નિવેદન આપવું. એ પણ જરૂર લાગે તો જ. આ સમયે સંપત્તિના વ્યય કરતાં શબ્દોનો વ્યય તમારાં માટે વધુ હાનીકારક સાબિત થશે, એ યાદ રાખજો. અને હવે ભવિષ્યમાં પણ તમારાં રણજીત પ્રત્યેના બદલાયેલા વ્યહવાર, અભિગમ કે અણગમાને લઈને તેને સ્હેજ સુદ્ધાં ગંધ પણ ન આવવી જોઈએ.’
એકધારું અને આટલું આકરું બોલીને તરુણા એટલે અટકી ગઈ, કે તેને ભાનુપ્રતાપના ચહેરાના હાવભાવ જોઈને ખ્યાલ આવી ગયો, કે હવે આથી વધારે માત્રાના એમ.જી. નું ઈન્જેક્શન ભોંકીશ, તો કદાચને ભાનુપ્રતાપને રીએક્શન આવી જશે.
‘મોટાં ભાગની તારી લોજીકલી વાતથી સંમત થઈને, હું કાન પકડું છું કે એ મારી ભૂલો છે.પણ હવે તું પડછાયાની જેમ મારું સુરક્ષાકવચ બની ગઈ છો તો મને કોઈ ચિંતા નથી. હવે બીજી ખાસ વાત. આ રહી તારા માટેના ફ્લેટની ચાવી અને એક અલગથી કાર અને ડ્રાઈવરની વ્યવસ્થા પણ થઇ ગઈ છે. આ સિવાય તારી કોઈપણ જરૂરિયાતનું લીસ્ટ બનાવીને મારા પી.એ. ને આપી દેજે.’
‘પણ અંકલ મને આ....’ તરુણાને બોલતી અટકાવતાં ભાનુપ્રતાપ બોલ્યા.
‘દીકરા, હું કોઈ જ ઔપચારિકતા નથી કરતો. આ સમયે હું એક રાજકારણીનાં કિરદારમાંથી બહાર આવીને, એક વડીલની ભૂમિકા અદા કરીને તને તારી કાબેલિયતની કિંમત નહી પણ તેની કદર રૂપે મારી ફરજ નિભાવી રહ્યો છું. અને આ મારો હુકમ છે બસ.’
આટલું બોલીને ભાનુપ્રતાપે તરુણાના માથા પર હાથ મુક્યો એટલે...
ભાનુપ્રતાપના શબ્દો સાંભળીને વર્ષો પછી તરુણાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. નિસ્વાર્થ પ્રેમ, વાત્સલ્ય, સહાનુભુતિ, ઉપકાર આ શબ્દો તેણે માત્ર સાંભળ્યા જ હતાં. અને આજે માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં એક રાજકારણીના મુખેથી સરાસર સ્નેહસભર શબ્દો સાથે સ્પર્શનું સાંનિધ્ય સાંપડતા, તરુણાનાં તન અને મનમાં સુકાઈ ગયેલી લાગણીની સરિતાની સરવાણીઓ ધોધની માફક ફૂટવા લાગી. એ પછી તરતજ તરુણાએ ભાનુપ્રતાપના ચરણ સ્પર્શ કર્યા. ત્યાં જ બે ડગલાં પાછળ હટતાં ભાનુપ્રતાપ બોલ્યા,
‘અરે.. અરે.. આ શું કરે છે દીકરા? હું ફક્ત તારા પહાડ જેવા પુરુષાર્થને મારી
યથાશક્તિ પારિતોષિકથી પોંખવાનો પ્રયાસ કરું છું. તારી વાણી અને વિચારોના મર્મમાં અથાગ સમંદર જેવી ગહેરાઈનો તાગ લાગવું છું, બસ.’
વર્ષોથી નીચે ધરતી અને ઉપર આભ લઈને દુનિયા સામે તેના સિદ્ધાંત, ઈજ્જત, આબરુને સ્હેજે ઉની આંચ આવવાં દીધા વગર નિહત્થા યોદ્ધાની માફક અવિરત લડત આપીને એક સ્ત્રીજાત, એ કઈ એવી છુપી તાકાતના આધારે જુલમ અને અત્યાચારને તેની સહનશક્તિના બાંધમાં બાંધી રાખ્યાં હતાં એ કળવું મુશ્કેલ હતું.
થોડીવાર પછી રાઘવે તરુણાને પૂછ્યું,
‘રણજીતે તમારી સાથે કરેલી વાત પરથી તમે તેની મેલી મુરાદની મનોસ્થિતિનો શું તાગ મેળવી શકો છો?’
‘પ્રથમ વખત તમારી ઓફીસે આવ્યાંના આગલાં દિવસે જયારે રણજીતે મને, મારી અવગણનાની કોઈપણ જાતની પરવા કર્યા વગર, સવારથી સાંજ સુધીમાં લગાતાર ૨૭ કોલ્સ કર્યા, ત્યારથી મારાં શંકાના રડારમાં સતત તે વ્યક્તિ માટે મને મારી સમજણની સીમા બહારના સંકેત આવ્યાં કરે છે. મને અહીં સુધી જાતજાતનાં પ્રલોભન આપીને ઢસડી લાવ્યા પછી, તેનો ઈરાદો છે કે હું તમારી સાથે જોડાઈ રહું. તે તેની શિયાળ જેવી લુચ્ચાઈ અને મધલાળ જેવી શબ્દોની માયાજાળ ફેલાવ્યા પછી મને ફોસલાવી અને ફસાવા માંગે છે. તેનાથી મને કંઈ ફરક ન પડે. પણ હજુ તેણે સંતાડીને પાથરેલી ષડ્યંત્રની સુરંગની ગંધ મને નથી આવી રહી. ઉઘાડી આંખે આંધળો પાટો રમવાની રમતમાં મને આગળ કરીને મારી જાણ બહાર કઈ દિશાથી છુટેલું તીર, મને ક્યારે ટાળી દેશે એ તરકટનો તાળો હું મેળવી શકતી નથી.’
‘પણ જો રણજીતને ખ્યાલ આવશે કે, તમે માત્ર જ બે દિવસમાં આવતાં વેંત, તેની જાણ બહાર તેને ઓવરટેક કરીને ભાનુપ્રતાપની સલ્તનતની બાગડોર સંભાળી લીધી છે, તો.. તો તે છંછેડાઈને કયાંક ત્રીજું નેત્ર ખોલીને તાંડવ નૃત્ય ન કરવા લાગે તો જ નવાઈ.’ આટલું બોલીને રાઘવ હસવાં લાગ્યો.
‘હા.. એ તારી વાત સાચી હો રાઘવ. એનો કંઈક તોડ કાઢવો પડશે ને. એની વિહીસ્કીનો કોટો વધારી દેશું બીજું શું. કેમ તરુણા સાચું ને?’ આટલું બોલ્યા પછી ભાનુપ્રતાપ અને રાઘવ બન્ને ખડખડાટ હસવાં લાગ્યાં એટલે તરુણા બોલી.
‘સોરી, તો તો હજુ રણજીતને ઓળખવામાં તમારાં બન્નેના છેડા ટૂંકા પડે છે.’ તરુણા બોલી.
‘ કેમ?’ ભાનુપ્રતાપ અને રાઘવ બન્ને એક સાથે જ બોલ્યા.
‘રણજીતનું રીએક્શન તમે જે વિચારો છો તેનાથી તદ્દન વિપરીત જ આવશે. બોલો હું અહીં બેઠાં બેઠાં હમણાં જ તમને એ સાબિત કરી બતાવું તો?’
તરુણાના આવા આશ્ચર્યભર્યા નિવેદનથી બન્ને એકબીજાની સામે નવાઈ સાથે જોતાં હતાં ત્યાં જ તરુણાએ ભાનુપ્રતાપને કહ્યું.
‘તમારાં મોબાઈલને સ્પીકર ફોન પર રાખી રણજીતનો નંબર ડાયલ કર્યા પછી ફક્ત એટલું જ પૂછો, કે આ તરુણાનું હવે શું કરવાનું છે? અને એ પછી તમને જે શંકા હોય તેના વિષે બે-ચાર સવાલ પૂછો, અને ત્યારબાદ સાંભળજો, એ શું કહે છે એ. અને પણ સાવ નરમાઈશથી જ.'
અધીરાઈ સાથે ભાનુપ્રતાપે તરુણાની સુચના મુજબ કર્યું.
‘હેલ્લો. રણજીત ક્યાં છે તું ભાઈ? શું કરે છે?’
‘એઈ ને સો વરહના થવાના છો તમે,જો જો. તમને જ કોલ કરવા આ ડબલું હાથમાં લીધું ને ન્યાં’તો સામેથી તમારો જ ફોન આયવો લ્યો. મને એમ થયું કે આ સૂરજ માથે ચડી ગ્યો, ને આ મારાં સાહેબ હજુ લગણ સૂતા છે કે શું? બોલો બોલો હુકમ કરો બાપલા.’
‘એ રણજીત હું એમ પૂછું છું કે પેલી છોકરી તરુણાનું કેમ કરીશું? તને શું લાગે છે?’
સાવ શાંતિથી ભાનુપ્રતાપે પૂછ્યું.
ભાનુપ્રતાપની બિલકુલ કૂલ અને પોલાઈટલી લેન્ગવેજથી રણજીત મનોમન બોલ્યો કે આજે ડોહો કંઈક સારા મૂડમાં લાગે છે, તો એવી સરખી રીતે ફેરવીને ગોફણના પાણાનો ઘા કરું, કે એક જ ઘામાં ડોહો અંટાઈ જાય. એવું વિચારીને બોલ્યો.
‘અરે મારા સાહેબ ઈ તો મેં તમને તે દાડે જ કીધું કે, તમે ઈ બધી ચિંતા કરવાનું માંડી વાળો. એ છોડીની બધી જવાબદારી મારી. હું કવ એમ તમે કરતાં જાઓ બસ. અને હું તો એમ કવ છું કે તમે સાવ બેફીકર થઈને આ ચૂંટણીની ઝંઝટ, ઈ છોડીને આલી દો. સો વાતની એક વાત. આ છોડી જ તમને ચૂંટણી જીતાડશે, એ લખી રાખજો તમે.’ બીડીના બંડલમાંથી વીણીને એક બીડી મોઢામાં ઠુંસતા રણજીત બોલ્યો.
તરુણાની ધારણા મુજબના રણજીતનાં બેધડક નિવેદનથી ભાનુપ્રતાપ થોડીવાર વિચારતાં જ રહ્યા પછી ધીમેકથી બોલ્યા,
‘પણ, રણજીત. આ સાવ અજાણી છોકરી પર કેટલો વિશ્વાસ મૂકી શકાય?’
‘આંધળો. સાવ આંધળો વિશ્વાસ મૂકી દ્દયો. હું છું ને, મારાં સાહેબ. આ વખતની ચૂંટણીમાં આ શહેરના રાજકારણનો ઈતિહાસ નહી, ભૂગોળ અને ગણિત બધું જ ન બદલાઈ જાય તો તમારું ખાસડું અને મારું થોબડું.’
બીડી ફૂંકવાની લિજ્જત લેતાં રણજીત બોલ્યો.
ભાનુપ્રતાપ અને રાઘવ તરુણાની સામે જોઈ રહ્યા અને તરુણા મંદ મંદ હસતી રહી.
‘રણજીત માની લે કે કંઈપણ આડું અવળું થયું તો?’ ભાનુપ્રતાપે પૂછ્યું.
‘મારાં સાહેબ! સાપને પકડવો હોય ને.. તો પે'લા તેની પૂંછડી પગ નીચે દબાવવી પડે. અને મને આવા સાપ પકડતાં અને તેનું ઝેર ઉતારતાં બઉ સારી રીતે આવડે છે. હવે એટલાંમાં સમજી જાવ તો સારું.’
બીડીનો આખરી કસ ખેંચતા રણજીત બોલ્યો.
આ છેલ્લાં વાક્યથી તરુણાની આંખો પણ સ્હેજ પોહળી થઇ ગઈ.
‘અચ્છા ઠીક છે હું તને પછી નિરાંતે કોલ કરું.’ એમ કહીને ભાનુપ્રતાપે કોલ કટ કર્યો.
એ પછી બોલ્યા,
‘આની માએ આને નાનપણમાં મધ અને માખણ સિવાય કંઈ ખવડાવ્યું જ નથી લાગતું.’ એટલે બધાં હસવા લાગતાં તરુણા ભાનુપ્રતાપને સંબોધીને બોલી,
‘અને બાકી હતી એ કસર તમે મદિરા પીવડાવીને પૂરી કરી દીધી.’
આ સાંભળીને સૌ થોડીવાર સુધી ખડખડાટ હસતાં રહ્યાં. એ પછી તરુણા બોલી,
‘અંકલ તમારાં પરિવાર વિષે જાણી શકું?’
‘છ એક મહિના પહેલાં એક ગંભીર કાર અકસ્માતમાં તારી આંટીનું અવસાન થયું. બે વર્ષ પહેલાં વારાફરતે બન્ને દીકરીઓને પરણાવીને સાસરે વળાવી દીધી. એક છોકરો છે, જેને મારાથી પ્રેમ છે પણ રાજકારણથી નફરત છે .એટલે છેલ્લાં પાંચ વર્ષથી ન્યુઝીલેન્ડ સ્થાયી થઈ ગયો છે. અને મને, કદાચને મર્યા પછી જ આ રાજકારણના મોહમાંથી મોક્ષ મળશે.’
‘તમે અનુમતિ આપો તો હવે હું રજા લઉં.’ તરુણા બોલી.
એટલે રાઘવ બોલ્યો.
‘મામા હવે તરુણાની બાબતને લઈને તમારો જીવ નીચે બેઠો હોય, તો હું પણ નીકળું.’
‘ખબર નઈ, આ છોકરી કોનાં આશિર્વાદ લઈને અવતરી હશે. પણ ત્રીસ વર્ષની રાજકારણીની રખ્ખડપટ્ટીમાં જે શીખવા કે જાણવા ન મળ્યું, એ આ છોકરીએ છેલ્લાં ઉડતાલીસ કલાકમાં સાબિત કરીને સમજાવી દીધું.’
અંતે ચાલતાં ચાલતાં ત્રણેય ડ્રોઈંગરૂમમાંથી બંગલાના ગેઈટ સુધી આવતાં છેલ્લે તરુણા બોલી.
‘રાઘવભાઈ, અંકલની બધી જ વાતના ટુંકસાર માટે મને નિદા ફાઝલીનો એક મને ખુબ ગમતો એક શેર યાદ આવે છે. અને જે અંકલની પરિસ્થિતિ અને વ્યક્તિત્વ પર સચોટ અને બંધ બેસતો છે એટલે કહેવાનું મન થાય છે.’ એટલું બોલીને તરુણા શેરની પ્રસ્તુતિ કરતાં બોલી.
‘બારૂદ કે ગોદમ પર માચિસ પહેરેદાર હૈ.’
વધુ આવતાં રવિવારે..