વિષકન્યા - 6 Arjunsinh Raoulji. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષકન્યા - 6

--| પ્રકરણ ;6 |--

મહારાજા અજેન્દ્ર્સિંહનું અપહરણ થયું છે એ વાત તો નક્કી થઈ ગઈ –બધાને ખાસ કરીને મહારાણી અને સમીરને એક વાતની તો શાંતિ થઈ ગઈ કે મહારાજા સલામત છે –જ્યાં છે ત્યાં તેમને કોઈ હાનિ કે નુકશાન થયું નથી , અને કીડનેપરની બધીજ ડિમાન્ડ પૂરી કરવામાં આવશે એટલે મહારાજા સહીસલામત પાછા ફરશે પણ ... ! કીડનેપરની જે ડીમાન્ડ હતી તે વિચિત્ર હતી , આથી શંકાની સોય રોમા અને બહાદુરસિંહ તરફ જ તકાતી હતી ., કારણકે આવી ડીમાન્ડથી માત્ર અને માત્ર રોમાને જ ફાયદો થાય એમ હતો ..પછી બીજા કોઈ મહારાજાનું અપહરણ શા માટે કરે ?

કવરમાં જે સંદેશો આવ્યો હતો તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે વહેલામાં વહેલી તકે રોમા અને સમીરનાં લગ્ન કરી નાખવાં , અને તે પણ ધામધૂમથી નહીં , માત્ર કોર્ટ મેરેજ –જેમાં સાક્ષી તરીકે મહારાણી , સ્ટેટના દીવાન અને સામા પક્ષે બહાદુરસિંહની સહીઓ કરાવવી –માત્ર એટલું જ નહીં , પણ મેરેજ રજીસ્ટરના સર્ટીફીકેટની એ કોપી સરકારના ગેઝેટમાં પ્રકાશિત કરાવવી , બધાંજ ન્યૂઝપેપરોમાં આ સમાચાર મોટા હેડીંગમાં સમીર અને રોમાના ફોટા સાથે પ્રકાશિત કરવા .. અને સમીર અને રોમાને હનીમૂન માટે તાત્કાલિક લોનાવાલા “ સ્વીટ હાર્ટ “ હોટલમાં રૂમ બુક કરાવી મોકલી આપવાં... પણ સાવધાન ...?! સમીર અને રોમા.. બંને સાવધાન .દુનિયાની નજરે તમે પતિ પત્ની બનશો –પણ વાસ્તવમાં તમારે પતિ-પત્ની જેવો સબંધ સ્થાપિત કરવાનો નથી –મતલબ કે શરીર સબંધ બાંધવાનો નથી –એક જ રૂમમાં –એક જ પલંગમાં સૂવાનું છે –પણ વચ્ચે તલવાર મૂકીને ..! જે એ તલવાર ઓળંગવાનો પ્રયાસ કરશે , તેનું તત્ક્ષણ મૃત્યુ થશે જ..! કોઈ એમ ના માને કે લોનાવાલા ઉધાવડા સ્ટેટથી આટલું બધું દૂર હોવાથી કોઈ જોનાર નથી ..અમારી બાજ નજર ચોતરફ દરેક જગ્યાએ ફરે છે –તમે લોકો લોનાવાલા હોટલમાં અને ઉધાવડા સ્ટેટમાં તો અમારા સીસીટીવી કેમેરાની નજરમાં જ છો ..! અરે ! તમે જે ગાડીમાં લોનાવાલા જવા નીકળશો – એ ગાડી ભલે તમારા ઉધાવડા સ્ટેટની હોય તો પણ તેમાં પણ અમારા સીસીટીવી કેમેરા હશે જ ..! તમે લોકો ગાડીમાં , ઘરમાં કે હોટલમાં કોઈપણ જગ્યાએ મર્યાદા ઓળંગવાનો પ્રયત્ન કરશો તો પણ પકડાઈ જ જશો .. તાત્કાલિક જ મોતને આમંત્રણ આપી દેશો ..! માટે બી કેરફૂલ ..તમને પણ એ તક મળશે જ..જ્યારે તમે એકબીજા સાથે શરીર સબંધ બાંધી શકશો –એકબીજામાં ઓતપ્રોત થઈ શકશો –પણ યાદ રહે એ સમયની હજુ વાર છે ,અને મહારાજા હજુ અમારા તાબામાં છે –અમે ધારીએ તો મહારાજાનો વધ કરી શકીએ છીએ .

પત્રની વાતો સાંભળીને , તેમાનું લખાણ જોઈને બધાં એકબીજાના ચહેરા સામે જોઈ જ રહ્યા . મહારાણી અને સમીરના ચહેરા તો ધોળીપૂણી જેવા ફિક્કા પડી ગયા હતા .બહાદુરસિંહને લાગ્યું કે તેમણે કાંઈક બોલવું જોઈએ , નહીંતર તેમના ઉપર જ શંકા પડશે ..!... અને તેમના ઉપર શંકા પડે એમાં કોઈ બે મત નથી .. રોમા એમની જ દીકરી હતી –આમેય રોમાનાં સમીર સાથે લગ્ન થવાનાં જ હતાં , પછી મહારાજાનું અપહરણ કરવાની શી જરૂર હતી ? બધાને એ સમજાતું નહોતું .

“ હું રોમાનું લગ્ન સમીર સાથે કરવાનો જ છું , પછી આ લોકોને ઠાકોરસાહેબનું અપહરણ કરવાની જરૂર કેમ પડી ? એ લોકોનો આવું કરવા પાછળ શો આશય હશે –એજ મને નથી સમજાતું ..” બહાદુરસિંહ મહારાણી તરફ જોતાં જોતાં બોલ્યા.

મહારાણી કે સમીર બેમાંથી એકેય જણ કશું બોલ્યું નહીં કે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. તે બંનેને તો બહાદુરસિંહ અને રોમા ઉપર જ શંકા હતી . બીજા કોઈને એમાં શી લેવાદેવા ? પણ કોઈને એ વાત સમજાતી નહોતી કે આ લગ્ન કરવા માટે આટલી બધી ઉતાવળ કરવાનું કારણ શું હોઇ શકે ? આમેય એમનાં લગ્ન થવાનાં હતાં –તે પણ ધામધૂમથી ..પછી ખોટી ઉતાવળ કરીને કોર્ટ મેરેજ કરવાનું કારણ શું ? અને સૌથી વધારે મહત્વની વાત તો એ હતી કે – સમીર અને રોમાનાં કાયદેસર રીતે લગ્ન કરવાનાં હતાં .. કાયદેસર રીતે તેમને લોનાવાલા હનીમૂન માટે પણ જવાનું હતું –છતાં શરીર સબંધ બાંધવા ઉપર પ્રતિબંધ શા માટે ? આ કીડનેપરને એમાં શું સ્વાર્થ હશે ? અને કદાચ કોઈક સ્વાર્થ હોય તો પણ મહારાજાનું એ માટે અપહરણ કરવાની જરૂર શી હતી ?

સમીરને તો આમાં કોઈક મોટું રહસ્ય હોય તેમ લાગતું હતું .. પણ એ રહસ્ય શું હશે –તેની તેને સમજ પડતી નહોતી –અને એનું કારણ પણ સમજાતું નહોતું .વધારે તો તેમના મિલન ઉપર આવો પ્રતિબંધ શા માટે ? તે વિચાર્યા જ કરતો હતો ..! જો એમના શરીર સબંધ બાંધવા ઉપર પ્રતિબંધ રાખવાનો હોય તો એમનાં લગ્ન જ શા માટે કરાવતા હશે ? સમીરને એ વાતની નવાઈ લાગતી હતી .કદાચ હમણાં એ લોકોનું સંતાન નહીં થવા દેવું હોય –એવું બની શકે છે , પણ એના માટે એમનાં શરીર સબંધ ઉપર પ્રતિબંધ મૂકવાની જરૂર ક્યાં છે ? એવું કહી શકાયને કે સાવચેતી રાખજો .હવે તો ફેમિલી પ્લાનિંગના કેટલાં બધાં સાધનો ઉપલબ્ધ છે ? પછી આવા બધાં પ્રતિબંધની શી જરૂર છે ? સમીરને આ વાત જ સમજાતી નહોતી .,અને એમના સંતાનને એમની સાથે શી નિસ્બત ?

જ્યારે બીજી બાજુ મહારાણી તો પોતાના પૌત્રનું મોં જોવા તલસી રહ્યાં હતાં.. ક્યારે સમીરનું લગ્ન થાય અને ક્યારે તેમના ઘેર પારણું બંધાય –એની ચિંતા કરતાં હતાં જ્યારે અહીં તો સમીર –રોમાના સબંધ ઉપર જ પ્રતિબંધ મૂકવાની વાત હતી ..! મહારાણીને પણ આ વાતનું રહસ્ય સમજાતું નહોતું ..અરે ! બીજાં બધાં તો ઠીક પણ રોમાના પપ્પા બહાદુરસિંહને પણ આ શરત રાખવાનું કારણ સમજાતું નહોતું.

સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે કીડનેપર આટલેથી અટકતો નહોતો . સમીર- રોમાના લગ્ન થઈ જાય , એ લોકો લોનાવાલા હેમખેમ હનીમૂન ઉજવી આવે પછી પણ તે મહારાજાને છોડવાનો નહોતો .આટલી ડિમાન્ડ પૂરી થાય પછી તે બીજી ડિમાન્ડ મૂકવાનો હતો .તેની બીજી ડિમાન્ડ શી હશે –તેનું પણ અનુમાન થઈ શકે તેમ નહોતું ..અને બીજી ડિમાન્ડ પૂરી થયા પછી પણ તે મહારાજાને છોડી મૂકશે એની કોઈ ગેરંટી તેણે આપી નહોતી .અનેક પ્રશ્નો હતાં , સમસ્યાઓ હતી કે જેનો જવાબ મળી શકે તેમ નહોતો ..!

બીજી બાજુ એ પણ પ્રશ્ન હતો કે આ રીતે મહારાજાનું અપહરણ કરનાર કોણ હશે ? તેણે આ અપહરણ શા માટે કર્યું હશે ? તેનો ઉદ્દેશ શો હશે ? કશી ખબર પડતી નહોતી .સમીરે મનોમન દાંત કચકચાવ્યા જાણે કે કીડનેપર જો તેની સામે આવી જાય તો તેને કાચોનેકાચો કરડી ખાવાનો ના હોય ..! એટલામાં રોમા આવી ગઈ અને તે તેના પપ્પાની બાજુમાં જ બેસી ગઈ ..!બહાદુરસિંહે કહ્યું પણ ખરૂ ,” સારું

થયું તે તું પણ ખરા ટાઈમે જ આવી ગઈ બેટા , અમે તારી જ રાહ જોતાં હતાં ..”

“ કેમ વળી ? મારી શી જરૂર પડી ? “ તેણે પૂછ્યું ..તેના જવાબમાં સમીરે આવેલો કાગળ એના હાથમાં પકડાવી દીધો .તેણે પત્ર વાંચ્યો .વાંચીને સાધારણ મંદ મંદ હસી –કેમ જાણે તેને આ વાતની પહેલેથી જ ખબર ના હોય ..?! પછી પોતાના પપ્પા તરફ જોઈ બોલી , “ આ ડિમાન્ડ પૂરી કરવામાં શો વાંધો છે ? “ તેણે સમીર તરફ જોયું –તે પણ કટાક્ષમાં ..તેની નજરનો ભાવાર્થ એ હતો કે –ક્યારનોય મને ભોગવવા તલપાપડ થઈ રહ્યો હતો –તો લે ભોગવ .. લગ્ન પછી પણ મારું શરીર તારા હાથમાં આવવાનું નથી –સમીરને લાગ્યું કે તે તેને ખીલ્લો બતાવી રહી છે .જ્યારે મહારાણીને લાગ્યું કે આ છોકરી આ વાતને આટલી હળવાશથી કેમ લેતી હશે ? તેને મન પતિ-પત્નીના મિલનની કોઈ જ કિંમત નહીં હોય ..?!

“ શું કરવું છે હવે ? “ બહાદુરસિંહે પૂછ્યું . જવાબમાં સમીર અને મહારાણીએ કહ્યું ,” આપણે ક્યાં નિર્ણય કરવાનો છે ? મહારાજાને પાછા લાવવા હોય તો એ કહે છે તે પ્રમાણે કર્યા સિવાય ક્યાં છૂટકો છે ?”

સમીરે કહ્યું ,” કાલે રજીસ્ટ્ર્રારની ઓફિસ ખૂલે એટલે અમારાં સીવીલ મેરેજ કરાવવાની ગોઠવણ કરી દો..સાથે સાથે અમારાં માટે લોનાવાલામાં જે હોટલ કહી છે તે હોટલમાં ત્રણ દિવસ માટે રૂમ બુક કરાવી દો ..” બહાદુરસિંહે હકારમાં ડોકું હલાવ્યું .બધાં આ વાતથી નારાજ હતાં પણ રોમા ખૂશ હતી –તેની ખુશીનું કારણ ના તો સમીરની સમજમાં આવતું હતું કે ના મહારાણીની ..! પેલી વિશાખાના ભૂતની તો વાત જ જાણે કે વિલાઈ ગઈ હતી , પણ એ લોકોને ખબર નહોતી કે તે દિવસે રાત્રે જ વિશાખા પાછી ફરીથી સમીરના મહેલની મુલાકાત લેવાની હતી ..?!અને એના કરતાં વધારે અગત્યની વાત તો એ હતી કે કાલે સવારે ઉધાવડા સ્ટેટમાં જન આંદોલન થવાનું હતું ..