વિષકન્યા - 4 Arjunsinh Raoulji. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષકન્યા - 4

। પ્રકરણ :4 ।

રાજાસાહેબ ગુમ થઈ ગયા છે , એ વાત જાણીને જ સમીરને ચક્કર આવી ગયા .તેને પોતાના પપ્પા ખૂબ વહાલા હતા .માત્ર બે કલાક પણ જો સમીર રાજાસાહેબને ના જૂએ તો પણ તે રઘવાયો થઈ જતો હતો –જ્યારે આજે તો તેણે સવારથી જ પોતાના પપ્પાને જોયા નહોતા –આવા સંજોગોમાં તે નાના બાળક જેવો થઈ જતો હતો .અત્યારસુધી તો તે વિશાખાના ભૂતની ભ્રમણામાં જ વ્યસ્ત થઈ ગયો હતો , પણ મહારાજ શિકારેથી હજુ આવ્યા નથી , તે જાણીને તેના દિલની ધડકનો વધી ગઈ ..! ક્યાં ગયા હશે મહારાજ ? તેનું મન શંકા-આશંકાથી ઘેરાઇ ગયું હતું , કંઇક અનિષ્ટ થવાનું હોય તેમ તેના દિલની ધડકનો વધવા માંડી હતી –ક્યાંક તેના પપ્પા કોઇક જોખમ કે મુશ્કેલીમાં ના ફસાઇ ગયા હોય ..! તે વહેલો વહેલો મહારાણી પાસે પહોંચી ગયો , રોમા પણ તેની પાછળ પાછળ મહારાજાના મહેલે આવી ગઈ .! સૌ ગભરાઇ ગયા હતાં , મહારાણી તો સૂનમૂન થઈ ગયાં હતાં –તેમને પોતાને તો જાણે કે હોંશ જ રહ્યા નહોતા .સમીરે બાજી પોતાના હાથમાં લઈ લીધી-તેણે તાત્કાલિક ચારે દિશામાં સેવકોને દોડાવ્યા અને મહારાજાની શોધ કરવાના આદેશ આપી દીધા .માત્ર એટલું જ નહીં પણ આખાયે ગુપ્તચર તંત્રને પણ તેણે મહારાજાની શોધમાં લગાડી દીધું

તે પોતે પણ જીપ લઈ વનમાં ઘૂસી ગયો .ઉધાવડા સ્ટેટને અડીને જ વિશાળ જંગલ આવેલું હતું .જેમાં વાઘ , સિંહ, વરૂ , દીપડા , શિયાળો અને બીજાં અનેક જંગલી જાનવરો રહેતાં હતાં. મહારાજા અજેન્દ્રસિંહ શિકારના જબરા શોખીન હતા. તેઓ જ્યારે ઇચ્છા થાય ત્યારે પોતાનો ઘોડો લઈ શિકારે નીકળી પડતા... ક્યારેક ક્યારેક તો આખો દિવસ અને રાત શિકારની પાછળ દોડતા , પણ જ્યારે શિકાર હાથમાં આવે ત્યારે તેને પાડી દેતા... અને પછી જ પોતાના મહેલ પાછા ફરતા ....પણ તે પહેલાં તેમની સાથે રહેલા સેવકોમાંથી કોઈકને તો સંદેશો લઈ મોકલી આપતા કે તેમને મોડું થાય એમ છે , પણ ચિંતા ના કરતાં ..પણ આજે એવો કોઈ સંદેશો આવ્યો નહોતો , તેમજ તેમની સાથે ગયેલા સેવકોમાંથી કોઈ પાછું આવ્યું નહોતું –એટલે બધાંને ચિંતા થાય એ સ્વાભાવિક છે ..! આજે પણ એવું જ કઈક બન્યું હોવું જોઈએ , સમીરને એવું લાગતું હતું ..તેણે જંગલમાં પ્રવેશ કર્યો .તે પોતાની વિદેશી બનાવટની રીવોલ્વર ચર્ચિલ 151 ઘેરથી જ ખીસ્સામાં લઈને નીકળ્યો હતો – આ રીવોલ્વર એવી હતી કે જેમાં સાયલનસર બીલ્ટ ઇન જ હતું .સાથે સાથે તેમાંથી ફ્લેશ લાઇટ પણ શિકાર ઉપર ફેંકાતી હતી , આથી શિકાર છટકવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ તેમાંથી સ..ન..ન..ન.. કરતી બુલેટ છૂટતી હતી –તેનો ટાર્ગેટ પણ અચૂક હતો , જ્યાં ફ્લેશલાઇટ પડે ત્યાં ઘડીના છઠ્ઠા ભાગમાં પ્રકાશ કરતાં પણ વધારે ઝડપથી બુલેટ ફેંકાતી હતી –શિકારને છટકવાનો તો શું પણ આઘાપાછા થવાનો પણ ચાન્સ કે ટાઈમ ના મળે ..!

અંધારૂ થઈ ગયું હતું , સમીરની જીપની હેડલાઇટ પણ ઘણી પાવરફૂલ હતી –લગભગ બે કી.મી. સુધી તે ફેલાઈ જતી હતી .સમીર ધીરે ધીરે ડ્રાઈવિંગ કરતો હતો .આજુબાજુ નજર ફેરવતો હતો .તેનો માત્ર એક જ ટાર્ગેટ હતો –કોઈપણ હિસાબે મહારાજાને શોધી કાઢવા , મનોમન તે મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરતો હતો અને ભગવાન ભોળાનાથને તેના પિતા સલામત હોય તેવી પ્રાર્થના પણ કરતો હતો .અંધારૂ ધીરે ધીરે વધતું જતું હતું .નજીકથી શિયાળવાની લાળી , ચીબરીની ચમચ , કૂતરાંનો અવાજ આવતો હતો ..ક્યાંક ક્યાંકથી સિંહની ગર્જનાઓ અને વાઘની ત્રાડો સંભાળાતી હતી .વચ્ચે વચ્ચે મોરના ટહુકા સંભળાતા હતા . સમીરને  આ બધાંનો કોઈ ડર લાગતો નહોતો , તેની નબળાઈ હોય તો તે એક જ હતી –તેને ભૂતપ્રેત , ચૂડેલ અને મેલી વિધ્યાનો ખૂબ જ ડર લાગતો હતો .ભૂતની તો વાતથી પણ તે ફફડતો હતો .મગજ તેનું ભમતું હતું –પોતાના વહાલસોયા પિતાની પાછળ ..! ક્યાં ગયા હશે ? શું થયું હશે ? તેની ચિંતા તેને સતાવતી હતી અને એટલે જ તે ખરેખર ડીપ્રેશનમાં આવી ગયો હતો . તેનું મગજ ફાટ ફાટ થતું હતું –રીવોલ્વર તેણે ડેશબોર્ડ ઉપર જ મૂકી રાખી હતી કે જેથી કોઈક જંગલી જાનવર દેખાય કે કોઈક હુમલાખોર દેખાય તો તરત જ ઘડીનાય વિલંબ વિના ફાયર કરી શકાય .તે જંગલમાં ઠેઠ ઊંડે સુધી પહોંચી ગયો , પણ જંગલી જાનવરો સિવાય કશું નજરે ના પડ્યું..નાનાં નાનાં રૂપાળાં સસલાં આમથી તેમ દોડાદોડ કરતાં હતાં.. ક્યારેક ક્યારેક વાંદરા પણ એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદાકૂદ કરતા હતા.

સમીર લગભગ બે અઢી કલાક વનમાં ભટકતો રહ્યો ..પણ તેને ક્યાંયથી મહારાજાનો પત્તો ના મળ્યો .જો દિવસ હોત ..તો..તો..સૂર્યના પ્રકાશમાં ઘોડાનાં પદચિન્હો જોઈ મહારાજાની ભાળ મેળવી શકાત , પણ રાતનાં અંધારામાં તે શકય નહોતું..હવે શું કરવું તેની સમીરને ખબર પડતી નહોતી –પોતાના પિતાની ભાળ કેવી રીતે મેળવવી તેનો કોઈ રસ્તો તેને સૂઝતો નહોતો .તેમાંય જો તે રસ્તો ભૂલી જાય તો આ જંગલની ભૂલભૂલૈયામાંથી ચાર પાંચ દિવસ સુધી પણ ના નીકળી શકાય –તેની પણ ચિંતા સમીરને સતાવતી હતી ..! આમને આમ તે ક્યાંય સુધી ભટકતો રહ્યો ..ન તો મહારાજાની ભાળ મળી કે ના મહારાજા ..!

અચાનક એક ઝાડ નીચેથી પસાર થતાં તેને બોનેટ ઉપર અચાનક જ કોઈક કૂદયું હોય એમ લાગ્યું , ઘડીનો પણ વિલંબ કર્યા વિના તેણે ચર્ચિલ 151 ઉઠાવી અને ટ્રીગર દબાવી દીધો ..તેજ ફ્લેશ લાઇટનો લિસોટો થયો અને તેણે જોયું કે તેની જીપના બોનેટ ઉપર કૂદેલા વાઘને ગોળી વાગી , વાઘ તરફડીને નીચે પડ્યો ...તે પણ જીપની આગળ ..! સમીરે ના છૂટકે સજ્જડ બ્રેક મારવી પડી –પણ જીપની હેડ લાઇટના પ્રકાશમાં તેણે જોયું તો તેનો ઘરનો કૂતરો ગોલ્ડી ઊઠીને ઝાડીમાં દોડી ગયો .સમીર ફફડી ઉઠ્યો .તેણે ગોળી મારી ત્યારે એ ટાઈગર હતો , તેને ગોળી વાગી પણ હતી , તે બોનેટ ઉપર તરફડયો પણ હતો –પણ નીચે પડીને તે ગોલ્ડી કેવી રીતે થઈ ગયો ?! અને તે પણ પાછો જીવતો ..! તે થરથરી ઉઠ્યો ..આ શું થઈ રહ્યું છે તેની સાથે ? ઘડીભર તો તેને જીપમાંથી ઉતરીને ગોલ્ડી જે ઝાડીમાં દોડી ગયો હતો –ત્યાં જઈને જોવાની ઈચ્છા થઈ આવી , પણ તેના પગ ધ્રૂજવા માંડ્યા –ત્યાં જવામાં જોખમ છે ..! તેની હીમત જ નહોતી ચાલતી –ઉતરીને ઝાડીમાં જવાની ..! તેને લાગ્યું કે નક્કી કોઈક ભૂત અથવા શેતાની તાકાત જરૂર તેની પાછળ પડી છે અને તેને સતાવવામાં તેને મજા પડી ગઈ છે ..! બાકી સવાર સવારમાં વિશાખાનું ભૂત ..?! હા.. ભૂત જ ને ? વિશાખા તો “ એન્જોય “ ફાર્મ હાઉસમાં કોબ્રા નાગનો શિકાર થઈ ગઈ હતી –તે ક્યાંથી પાછી આવે ? અને તેના બદલે રોમા સૂતેલી હતી તેની બાજુમાં ..! પાણીના નળમાંથી પાણીના બદલે લાલ લાલ લોહીનું નીકળવું...અને તે પણ તેને એકલાને જ લોહી દેખાવું..! અત્યારે તેણે કર્યો હતો તો વાઘનો શિકાર .. તેને ગોળી વાગી હતી , તે તરફડીને નીચે પડ્યો હતો –મતલબ મરી ગયો હતો – તો પણ વાઘના બદલે તેમનો કૂતરો ગોલ્ડી દેખાવો , તેનું દોડીને ઝાડીમાં પેસી જવું – તો પછી તેણે કરેલા ફાયરની કોઈ જ અસર ના થઈ ..?! નક્કી કોઈક પિશાચી તાકાત તેનો કોળિયો કરવા , તેને હેરાન કરવા અથવા તેને નેસ્તનાબૂદ કરવા તેની પાછળ પડી છે ..! આમાંથી બચવાનો કોઈક ઉપાય તે વિચારે , શોધી કાઢે , કોઈક તાંત્રિકને કામે લગાડે તે પહેલા તો બીજું કોઈક કારસ્તાન તેની સામે આવી જ જાય છે ..! શું કરવું તેની તેને સમજ પડતી નથી ..!

તેને લાગ્યું કે તે ચારે તરફથી ફસાઈ ગયો છે –તેમાંથી બચવાનો કોઇ ઉપાય તેને દેખાતો નથી .એક બાજુ મહારાજા ગુમ થઈ ગયા છે , તેમનો કોઈ પત્તો નથી , તે હોય તો પણ તેને બાપાની હૂંફ રહે ..?! તેની પોતાની ચિંતા ઓછી થાય ..!

સમીરે જીપ એક બાજુ ઊભી કરી દીધી .તેનું એન્જીન બંધ કરી દીધું .હેડલાઇટ પણ બંધ કરી દીધી –અને હવે આગળ શું કરવું તેનો વિચાર કરવા લાગ્યો – મહારાજાની શોધમાં આગળ વધવું કે પછી હવે અહીંથી જ પાછા ફરી જવું ? સવારે નવેસરથી પાંચ-સાત સેવકોને લઈ શોધમાં પાછા આવવું –તે વિચારતો હતો , ત્યાં તો કોઈક વાંદરો તેની જીપ ઉપર કૂદયો , તેણે ફટાફટ જીપની હેડલાઇટ ચાલુ કરી –તો તેણે હેડલાઇટના પ્રકાશમાં જોયું તો વિશાખા ખડખડાટ હસતી દોડી ગઈ ..! તે ધ્રૂજી ઉઠ્યો .

તેણે ફટાફટ નિર્ણય કરી લીધો -ના..ના.. અત્યારે જંગલમાં મહારાજાની શોધ કરવામાં તેના પોતાના જીવનું જોખમ જ છે .અત્યારે તેની સલામતી તો એમાં જ છે કે તેણે પાછા વળી જવું જોઈએ .તેણે યુ ટર્ન લઈ જીપ પાછી વાળી દીધી , અને ઝડપથી આગળ વધવા માંડ્યો ..થોડીક વાર તો એને લાગ્યું કે તે બરાબર રસ્તે આગળ વધી રહ્યો છે , પણ વાસ્તવમાં તો તે માર્ગ ભૂલી ગયો હતો ..ફરી ફરીને તે એક જ જગ્યાએ આવી જતો હતો .તેણે ઘણા ઘણા પ્રયત્નો કર્યા પણ તે ભૂલભૂલામણીમાંથી નીકળી શકતો નહોતો –હવે શું કરવું ? કયા રસ્તે જવું તેની તેને કોઈ જ ખબર પડતી નહોતી ..!

તે ડ્રાઈવીંગ કરતો રહ્યો , પણ જંગલની બહાર આવી શક્યો નહી ..! હવે તેની આખો ઘેરાવા લાગી હતી .તે બેળેબેળે આંખો ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરતો હતો –જીપ સોની સ્પીડથી દોડતી હતી ,તેનું ,માથું ભમતું હતું –કદાચ ચક્કર પણ આવતા હતા અને તેમાં જ તેની આંખો મીંચાઈ ગઈ , કદાચ તે બેભાન જ થઈ ગયો હતો –ક્યાંક જીપ કોઈ જગ્યાએ ભટકાઈ ના જાય ..! કોઈક ખીણમાં ધકેલાઇ ના જાય , કોઈક ઝાડ સાથે ભટકાઈ ના જાય..?!