વિષકન્યા - 1 Arjunsinh Raoulji. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષકન્યા - 1

પ્રકરણ :1

હજુ તો રોમા સાથેના વિવાહને માંડ એકાદ મહિનો જ થયો હશે, રોમા અને સમીર પતિ-પત્ની તરીકે જ રહેતાં થઈ ગયાં હતાં ‘ને રોમાના દુર્ગુણો સમીરની સામે આંખો કાઢવા માંડ્યા ..! ગમે તેવું અગત્યનું કામ કેમ ના હોય ...પણ રોમાને જ્યારે જવું હોય ત્યારે જતી રહે ..માત્ર એટલું જ નહીં , પણ એને જ્યાં જવું હોય ત્યાં જાય જ..! પાછું પૂછાય પણ નહીં કે તે ક્યાં જાય છે અને કોને મળવા જાય છે ? શું કામ છે ? જો કે એમાં રોમાનો પણ કાંઇ વાંક નહોતો જ ..! તેણે સમીર સાથે વિવાહ કરતાં પહેલાં જ આ બધી વાતની શરતો કરી લીધી હતી –કે તે વિવાહ પછી પોતાની આઝાદીમાં ડખલ કરવાનો સમીરને અધિકાર આપતી નથી –સમીરે ક્યારેય પૂછવાનું નહીં કે તે ક્યાં જાય છે ?શા માટે જાય છે ? અને કોને મળવા જાય છે ? એ બધી બાબતો રોમાની અંગત બાબતો હતી અને રોમા તેમાં સમીરનાં ઇન્ટરફીયર કે બંધનો કોઇ કાળે સ્વીકારશે નહીં –સમીરે એમાં ચંચુપાત કરવાની જરૂર નથી –અને જો સમીર તેમાં ચંચુપાત કરશે તો રોમા તરત જ તેને છોડીને ચાલતી થઈ જશે –પછી સમીરનું જે થવાનું હોય તે થાય ..! અરે ! માત્ર એટલું જ નહીં પણ જો રોમાને ખબર પડશે કે સમીર તે જ્યારે આ રીતે જાય છે ત્યારે પાછળ તેની જાસૂસી કરે છે ,તો પણ તેના સમીર સાથેના સબંધનો અંત આવી જશે ..!

ઘરનાં બધાંને સમીરે આ શરતો સાથે રોમાના લગ્નને કેમ મંજૂરી આપી તેની નવાઇ લાગતી હતી .સમીર બધીજ રીતે સંપૂર્ણ હતો –ન તો તેનામાં કોઇ એબ હતી કે ના વ્યસન ..દુર્ગુણો શોધવા માટે પણ કદાચ રીસર્ચ જ કરવી પડે .અધૂરામાં પૂરૂં દેખાવમાં પણ સમીરનો જોટો મળે તેમ નહોતો .હતો તો તે રાજકુમાર જ.. ! દેખાવમાં તો રાજકુમાર હતો પણ હકીકતમાં પણ તે રાજકુમાર જ હતો .એક વખત ઉધાવડા સ્ટેટનું નામ પૂરા આદરથી બોલાતું હતું ..મહારાજા અજેંદ્રસિંહનું મોટું નામ હતું .રાજા અને મહારાજાઓના મેળાવડામાં અંજેંદ્રસિંહની ખુરશી અલગથી મંચની ઉપર મૂકાતી હતી .છપ્પનકરોડના ધણી હતા –મહારાજા અજેંદ્રસિંહ ..ગામમાં તેમની સવારી નીકળે એટલે અચ્છે અચ્છા એક બાજુ ઉભા રહી જતા , નમી નમીને સલામો કરતા –પછી તે કારભારી હોય કે સ્ટેટનો મોટો વેપારી અથવા ભામાશા કેમ ના હોય ?! ગણી ગણાય નહીં એટલી સોનામહોરો તેમના શાહી ખજાનામાં હતી , અને મિલ્કતનો તો કોઇ જોટો જ નહોતો ..! તેમનો એકનો એક પુત્ર એટલે સમીર –રાજકુમાર સમીરસિંહ..! એવા આ સમીરને રોમાની શરતો સાથે લગ્ન શા માટે કરવું પડ્યું –એ એક શાહી કુટુંબ માટે પણ ચર્ચાનો જ વિષય હતો .પણ વાઘને કોણ કહે કે તારૂં મોં ગંધાય છે ?!

અલબત્ત રોમા દેખાવડી હતી –અપ્સરાને પણ શરમાવે તેવું રૂપ અને યૌવન કુદરતે તેને આપ્યું હતું .. એ વાત અલગ હતી કે રોમાના સૌંદર્યને ટક્કર મારે એવી રૂપવતી કન્યા કદાચ આખા ઉધાવડા સ્ટેટમાં બીજી મળવી મુશ્કેલ હતી ..! તો પણ પ્રિન્સ સમીર માટે કન્યાઓનો કોઇ તોટો જ નહોતો ... એક એકથી ચડિયાતી કન્યાઓ મહારાજા તેના માટે હાજર કરી શકે એમ હતા .. તો પછી તે આ રોમા પાછળ કેમ ઘેલો થયો ? અને ઘેલો થયો તો થયો પણ આવી અજુગતી શરતો તેણે કેમ માન્ય રાખી ? એ તો ખરેખર કાયરતા જ કહેવાયને ? પોતાની પત્ની , ઉધાવડા સ્ટેટની મહારાણી –પોતાના ઘરવાળાને પૂછ્યા વિના જાય –ક્યાં જાય છે એ કહેવાનો પણ ઇન્કાર કરે .. અરે ! તેની પાછળ જાસુસી કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકે ...અને ઉપરથી ધમકી આપે કે તે જતી રહેશે ..!? આ લક્ષણો સ્ટેટની મહારાણી થનારી યુવતીનાં નહોતાં .ઘરમાં બધાંજ આ ચર્ચા કરતાં હતાં –ખુદ મહારાજા અજેંદ્રસિંહને પણ રાજકુમારનું આ વર્તન નહોતું ગમતું..પણ કોઇની સમીરને કહેવાની હિંમત ચાલતી નહોતી ..કોઇ પૂછી શકતું નહોતું .મહારાજા અને મહારાણી પણ મનમાં ને મનમાં મૂંઝાયાં કરતાં હતાં – તેમને બીક એ વાતની લાગતી હતી કે રખેને પોતાના લાડકવાયાને આ બાબત પૂછીએ અને તે નારાજ થઈને ક્યાંક આડુંઅવળું પગલું ભરી બેસે તો ? એકનો એક દિકરો ગુમાવવાનું એમને પાલવે તેમ નહોતું –તો સામે ઉધાવડા સ્ટેટના લોકોમાં અને સ્ટેટના વહીવટકર્તાઓમાં પણ આ વાતની ગુસપુસ ગુસપુસ ચર્ચા થતી ,પણ રાજાજીને મોંઢામોઢ પૂછવાની પણ કોઇની હિંમત નહોતી ..બસ.. એ વાત ,અને શા માટે સમીરે રોમાની આવી બધી શરતો માન્ય રાખી હતી –તેનો જવાબ માત્ર સમીર પાસે જ હતો –પણ તે કોઇને કહેવા તૈયાર નહોતો ..મનની વાત મનમાં જ રહે –એમાં જ મજા છે ..!

સમીર આધુનિક વિચારસરણી ધરાવતો યુવાન હતો .તેનો અભ્યાસ અને ઉછેર આ રીતે જ વિદેશી વાતાવરણમાં થયો હતો .તેણે પોતાનું ગ્રેજ્યુએશન અને એમબીએ બોસ્ટન યુનિવર્સિટી , યુએસમાં કરેલું હતું .તે પૂરેપૂરો પાશ્ર્ચાત્ય સંસ્ક્રુતિથી રંગાયેલો હતો .તેની વિચારસરણી પણ પશ્ર્ચિમી હતી .તેને ભારતીય સંસ્ક્રુતિ અને ખાસ કરીને રાજપૂતી રિવાજો , માન્યતાઓ , પહેરવેશ અને રહેણીકરણી તરફ નફરત હતી .મહારાજા અજેંદ્રસિંહના જમાનામાં તો રાણીવાસમાં પૂરેપૂરો મલાજો પાળવામાં આવતો હતો .રાણીઓએ રાજપૂતી પહેરવેશ પહેરવો પડતો હતો ,સંપૂર્ણ મલાજામાં રહેવું પડતું હતું ,રાણીવાસની બહાર નીકળવાની પણ મનાઇ હતી –આમ છતાં પણ જો બહાર આવવું પડે તો લાજનો ઘુમટો તાણીને જ બહાર અવાતું ,કોઇપણ પરપુરૂષની સામે જોવાની વાત તો બાજુ ઉપર રહી –પણ પરપૂરૂષની સમક્ષ પણ જવાની મનાઇ હતી .તેજ પ્રમાણે કોઇપણ પુરૂષ માટે રાણીવાસમાં પ્રવેશ નિષેધ હતો .રાણીવાસમાં સેવા માટે અને કામ કરવા માટે માત્ર સ્ત્રી દાસીઓ જ રાખવામાં આવી હતી ...પણ સમીર તો આ બધાની વિરૂધ્ધ હતો તેના મગજ ઉપર તો વિદેશી વિચારસરણીનું ભૂત સવાર હતું .

--અને એટલે તો મહારાજા અજેંદ્રસિંહે કેટલાંય રજવાડાંઓનાં –રાજકુમારીનાં માગાં ઠુકરાવીને એક સામાન્ય મધ્યમ વર્ગની દિકરી રોમા સાથે સમીરના વિવાહ કરવા પડ્યા હતા . રોમાના બાપા સ્ટેટમાં એક સામાન્ય કર્મચારી હતા –તેમનાં પત્નીનું અવસાન થયું હતું – માત્ર બે દિકરીઓ જ હતી –વિશાખા અને રોમા .વિશાખા મોટી હતી અને રોમા નાની .પહેલાં સમીરને વિશાખા જ ગમતી હતી(કે ગમાડવી પડી હતી ?! એ એક પ્રશ્ન હતો ) ,વિશાખા સાથે જ તેનો સબંધ નક્કી કરવામાં આવ્યો હતો –પણ પછી એ બે વચ્ચે શું રંધાયું ,તેની કોઇને ખબર પણ ના પડી ,અને પછી અચાનક જ વિશાખાનું અવસાન થયું .સમીરે તેની નાની બહ્રેન રોમાને જોયેલી હતી .રોમા પણ પશ્ર્ચિમી વિચારસરણી ધરાવતી હતી –સમીર જેવા જ વિચારોની હતી એટલે સમીરે રોમા ઉપર પસંદગી ઉતારી .મહારાજા અને મહારાણી પાસે સમીરની પસંદગી સ્વીકારવા સિવાય અન્ય બીજો કોઇ જ વિકલ્પ નહોતો , સમીર એમનો લાડકવાયો હતો એટલે..! સમીરનો ઉછેર જ લાડકોડમાં થયો હતો –બાળપણથી જ તે પાણી માગે તો દૂધ હાજર કરી દેવામાં આવતું હતું .સમીરની ઇચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની તાકાત સ્ટેટમાં પણ કોઇની નહોતી –ઇવન મહારાજા અને મહારાણી પણ સમીરનો પડ્યો બોલ ઝીલી લેતાં હતાં.ઉધાવડા સ્ટેટમાં સંપૂર્ણ સત્તા સમીરની જ હતી .ભલે હજુ મહારાજા હયાત હતા અને સમીરનો રાજ્યાભિષેક થયો નહોતો છતાં પણ તે પોતે જ મહારાજા હોય તે રીતે વર્તતો હતો , મહારાજા તરીકેની સત્તા ધરાવતો હતો .

તેની ઇચ્છાને માન આપીને જ મહારાજાએ પરદેશથી કારીગરો બોલાવી , મહેલમાં બધી જ આધુનિક સુવિધાઓ ઉભી કરી હતી –કદાચ આખા સ્ટેટમાં કોઇને ત્યાં ટીવી –સ્માર્ટ ટીવી નહીં હોય , કોઇને ત્યાં મોબાઇલ નહીં હોય , અને ડોરબેલ પણ નહીં હોય , પણ સમીરના મહેલમાં આ બધીજ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી .બાથરૂમમાં પણ સાવર બાથ અને બાથટબની વ્યવસ્થા હતી ,આમ છતાં તેના મહેલની બહાર સ્વીમિંગ પુલ પણ ઉભો કરવામાં આવ્યો હતો અને રોમા અને સમીરને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે સ્વીમીંગ પુલમાં પણ તરવાનો આનંદ મેળવતાં હતાં – કોઇપણ પ્રકારની રોકટોક અને લાજ શરમ વગર જ ..! મહારાજા અને મહારાણીને તો એ ગમતું નહોતું પણ શું કરે ? એ એમની મજબૂરી હતી , અને આમેય હવે સ્ટેટમાં એમનું મહત્વ પણ નામનું જ રહ્યું હતું .કોઇ તેમની ઇચ્છા કે અનિચ્છા ક્યાં પૂછતું હતું..?!

તે દિવસે પણ શરાબ અને સુંદરીની મહેફિલ સમીરના મહેલમાં મોડી રાત સુધી ચાલી હતી .સમીરના કેટલાક વિદેશી મહેમાનો આવ્યા હતા તેમના માનમાં આ પાર્ટી રાખી હતી .સમીર પણ વિદેશી શરાબ ઢીંચીને , મટન બિરયાની અને કોફ્તા ખાઇને આગંતુક વિદેશી મહિલાઓની કમરમાં હાથ નાખીને મોડે સુધી ઝુમતો રહ્યો , તો સામે રોમા પણ ક્યાં પાછી પડે એવી હતી –તે પણ સમીરના મિત્રો , તેના મિત્રો અને ઓળખીતાઓ સાથે નગ્ન ડાંસ કરતી રહી .મહારાજા અને મહારાણી તો પોતાના મહેલમાં નિરાંતે ઉંઘતાં હતાં .

રાત્રે દોઢ વાગે રોમાએ સમીરને કહ્યું કે, “ પાર્ટી પૂરી થાય પછી તું ઉંઘી જજે ..હું મોડા આવી મારી પાસેની લેચ કીથી મુખ્ય દરવાજો ખોલી ઉંઘી જઈશ –મારી રાહ જોતો નહીં –“કહી અને તે પોતાની ગાડી લઈને નીકળી ગઈ હતી . સમીર પાસે તો તેને જતી જોઇ રહેવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ નહોતો ..!

પાર્ટી પત્યા પછી સમીર ઉંઘી જવાનો પ્રયત્ન કરતો પડખાં ઘસતો રહ્યો –તેને ક્યારે ઉંઘ આવી ગઈ તેની પણ ખબર પડી નહીં પણ વહેલી સવારે ડોરબેલના અવાજથી તેની ઉંઘ ઉડી ગઈ .તેને પહેલાં તો એમ લાગ્યું કે રોમા આવી હશે , અને તે પોતાની પાસેની લેચ કીથી દરવાજો ખોલશે –એમ વિચારી તે પડી રહ્યો , પણ ફરીથી ડોરબેલ વાગ્યો એટલે તેણે ઉઠવું પડ્યું .દરવાજો ખોલ્યો ,તો સામે રોમા જ હતી ,આથી તેણે કહ્યું કે ,” રોમા , તારી પાસે તો ચાવી છે પછી ..?”

“ હું રોમા નથી , વિશાખા છું ..” તેને અધવચ્ચે જ અટકાવતાં વિશાખા બોલી

“ વિ..શા...ખા..” સમીરના મોંઢામાંથી ચીસ નીકળી ગઈ ,” તું તો મરી ગઈ છે પછી ..?” પણ સામે વિશાખા હસતી હતી –આમેય તે રોમાની હમશક્કલ જ હતીને ? સમીર ત્યાં જ બેભાન થઈ ગયો .