વિષકન્યા - 7 Arjunsinh Raoulji. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષકન્યા - 7

| પ્રકરણ : 7 |

બીજા દિવસે સિવિલ મેરેજ માટે રજિસ્ટ્રારની ઓફિસે જવાનું નક્કી થઈ ગયું હતું , એટલે સૌ છૂટા પડ્યાં.ખાસ તો બહાદુરસિંહ પોતાના ઘેર ગયા અને મહારાણીને પણ સમીરે પોતાના ઘેર જવા સમજાવ્યાં.. પણ કોણ જાણે કેમ રોમાએ તેમને પોતાના મહેલ ના જવા દીધાં..તેણે તેમને વિનતી કરી કે મને હવે બીક લાગે છે , સમીર તો પડતાં વે’તજ ઊંઘી જશે પણ પાછળ મારી હાલત ખરાબ થઈ જશે .. ઉપરાંત તમારા મહેલમાં પણ હવે તમે એકલા જ છોને ? મહારાજા હોત તો વાત જુદી હતી –હવે તો જમી પરવારીને ઊંઘી જ જવાનું છે ને ? પછી અહી ઉંઘો કે ત્યાં ઉંઘો શો ફેર પડે છે ? છેવટે મહારાણીને રોમાની વાત માનવી પડી ..!

રાત્રે જમીપરવારીને બધાં ઉંઘવાની તૈયારી જ કરતાં હતાં અને ઉધાવડા સ્ટેટના બધાજ મહેલોના ચાર-પાંચ ચોકીદારો આવ્યા .. તેમણે સમીર અને મહારાણીને રજૂઆત કરી કે બધાજ મહેલોમાં જે પાણી આવે છે તેમાં વિચિત્ર ખરાબ વાસ આવે છે –કોઈક ઢોર કે જનાવર મારી ગયું હોય તેવી વાસ આવે છે –એ પાણી પીવાય એવું તો નથી જ પણ તેનાથી હાથ-પગ પણ ના ધોઈ શકાય કે સ્નાન પણ ના કરી શકાય ..! બધાજ રહેવાસીઓ ટોળું થઈ રજૂઆત કરવા આવતા હતા પણ અમે તેમને અટકાવ્યા છે ..તો હવે શું કરવું છે ? રાજકુમાર સમીર અને મહારાણી બંને વિચારમાં પડી ગયાં કે આવું કેમ થયું હશે ? સમીરે તો થોડો વિચાર કર્યો પછી ફલડ લાઇટો ચાલુ કરાવી તાત્કાલિક બધીજ ટાંકીઓ ખાલી કરાવવાનો આદેશ આપી દીધો –લાગતાં વળગતા કર્મચારીઓને બોલાવી એ ટાંકીઓમાં તપાસ કરાવવાનો અને તેમાં જંતુનાશક દવાઓ છંટાવી સાફ કરાવવાનું કહી દીધું ..સાથે સાથે બે કર્મચારીઓને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર મોકલી તાત્કાલિક ધોરણે જરૂરી ટેન્કરો મંગાવવાની સૂચના આપી દીધી ..! તેને નવાઈ એ વાતની લાગતી હતી કે બધીજ ટાંકીઓના પાણીમાં એકસરખી જ બદબૂ આવતી હતી ....! આવું કેવી રીતે શક્ય બને ? હજુ તો સમીર આ સમસ્યામાંથી છૂટ્યો જ નહોતો કે મહારાણીના મહેલમાં રહેતા કૂતરા ગોલ્ડીનો કેરટેકર હાંફળો ફાંફળો દોડતો આવ્યો , તેણે સમીરને કહ્યું , “ સરકાર , ચાર દિવસથી મહારાણીનો કૂતરો ગોલ્ડી નથી મળતો ..”

સમીર ગુસ્સે થઈ ગયો , “ ચાર દિવસથી ગોલ્ડીનો પત્તો નથી અને તું એની અત્યારે જાણ કરે છે ? “

“ માફ કરજો સરકાર , હું જાણ કરવા આવ્યો હતો પણ આપ કોમામાં હતા , અને મહારાણી પણ ચિંતામાં હતાં એટલે પાછો જતો રહ્યો હતો ..”

“ સારું સારું .. જાવ તપાસ કરો –એમાં બીજું તો શું હું પણ કરી શકું ? “ કહી સમીરે પોતાનું માથું કૂટ્યું ..શું થવા બેઠું હતું તેનું પોતાનું અને આ ઉધાવડા સ્ટેટનું ..? ! ઉપરાઉપરી એક પછી એક ઉંઘ હરામ થઈ જાય તેવી ઘટનાઓ બન્યા કરે છે ? કોઈક ચોક્કસ ધ્યેય સાથે પાછળ જ પડી ગયું છે ..! શું કરવું એની સમજ પણ પડતી નથી ..! મહારાજા હોત તો પણ હૂંફ રહત ..પણ એમનો પણ પત્તો નથી –એમને પણ કીડનેપ કરી લેવામાં આવ્યા છે –અને કીડનેપર પણ વિચિત્ર વિચિત્ર માગણીઓ મૂકે છે ..! એમાં એનો ધ્યેય શો છે –એ પણ ખબર પડતી નથી .સમીર વિચારવાયુમાં સપડાઈ ગયો ..તેને તો જાણે કે ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું મન થતું હતું ... આમ ને આમ લગભગ બે કલાક વિત્યા પછી જે સમાચાર આવ્યા તે પણ વિચિત્ર હતાં .. સ્ટેટની બધીજ ટાંકીઓમાંથી હાડકાં નીકળ્યાં હતાં અને તે પણ કોઈક જાનવરના હોય એમ લાગતું હતું –જાણકારો તો એમ કહેતા હતાં કે એ હાડકાં કૂતરાના –એટલેકે ગોલ્ડીનાં જ હતાં ..એનો મતલબ એ થયો કે કોઇકે ગોલ્ડીને જ મારી નાખ્યો હતો અને તેનાં જ હાડકાં સ્ટેટની બધીજ ટાંકીઓમાં નાખ્યાં હતાં –કોણ હતું એ ઉધાવડા સ્ટેટનું દુશ્મન ? અને રાજપરીવારને આ રીતે હેરાન કરવા પાછળ એનો ધ્યેય શો હતો ? તેને એનાથી શો ફાયદો થવાનો હતો ?

સમીર પલગમાં આડો પડ્યો પડ્યો વિચારતો હતો . તેને એક વાતની શાંતિ થઈ ગઈ કે બધી જ ટાંકીઓ સાફ થઈ ગઈ હતી અને તેમાં વોટર વર્કસની ટાંકીમાથી લાવેલું શુધ્ધ પાણી ભરાઈ ગયું હતું એટલે હવે ત્યાં રહેનારા લોકોને કોઈ તકલીફ નહીં પડે ..!

ગોલ્ડી જેવા પાલતુ કૂતરાને મારી નાખવાથી લોકોને શું મળતું હશે ? પછી અચાનક તેને યાદ આવ્યું કે ...હા.. તે દિવસે તો તેણે ગોલ્ડીને જોયો હતો જંગલમાં ..! બોનેટ ઉપરથી કૂદીને ઝાડીઓમાં પેસતો .તે વખતે તો તે જીવતો હતો ..પછી ..અચાનક શું થઈ ગયું ? અરે ..! પણ એ ક્યાં અસલી ગોલ્ડી હતો ? એ તો ભૂત હતું .સમીરને ..પલંગમાં સૂતાં સૂતાં પણ ધ્રૂજારી થઈ ..!

આમને આમ કેટલીયે વાર સુધી સમીર આગળ પાછળની બધી જ ઘટનાઓ વિષે વિચારતો રહ્યો –તેનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરતો રહ્યો ..! પણ કોઈ નક્કર નિષ્કર્ષ નીકળતો નહોતો .એક વાત તો નક્કી હતી જ કે રાજપરીવારનું કોઈક દુશ્મન ઉભું થઈ ગયું છે અને તે રાજપરીવારનું નખ્ખોદ કાઢી નાખવા બેઠું છે –કોણ હશે એ ? આ પ્રશ્નનો જવાબ તેને મળતો નહોતો ..?!

ખૂબ લાંબા સમય સુધી તે આ બધું જ વિચારતો રહ્યો –પણ કોઈ ચોક્કસ વાત નક્કી કરી શકતો નહોતો.. આમને આમ તે ક્યાંય સુધી જાગતો પડ્યો રહ્યો –તેની બાજુમાં સૂતેલી રોમા તો કોઈપણ પ્રકારની ચિંતા વિના જ પડતાવે’ત જ ઘસઘસાટ ઉંઘી ગઈ –જાણે કે કશું જ બન્યું ના હોય ..! સમીરને પોતાને પણ હવે તો રોમા ઉપર અને રોમાના વર્તન ઉપર શંકા થતી હતી –ચોક્કસ જ રોમાનું વર્તન શંકાસ્પદ હતું –માન ના માન પણ આ બધાજ બનાવો પાછળ રોમાનો કે તેના કોઈક સાગરિતનો હાથ હોવો જોઈએ ..પણ તેની પાછળ રોમાનો ધ્યેય શો હશે –તેની તેને સમજ પડતી નહોતી ..પણ સમીરને હવે રહી રહીને લાગતું હતું કે રોમા સાથેનું તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું જ હશે –હજુ પણ જો શક્ય હોય તો તેણે રોમા સાથેનો વિવાહ જ તોડી નાખવો જોઈએ .પણ એ કોઈપણ રીતે શક્ય નહોતું ..! હવે તો મહારાજાનો કીડનેપર પણ તેનું રોમા સાથે વહેલામાં વહેલી તકે લગ્ન કરાવવા માગતો હતો ..!

આવા વિચારોમાં ને વિચારોમાં તેની આંખ ક્યારે મીંચાઈ ગઈ તેની પણ તેને ખબર ના પડી ..પણ અચાનક તેને પોતાની છાતી ઉપર કોઈક ચઢી બેઠું હોય , અને તેની છાતી ઉપર ડાન્સ કરતું હોય એવું લાગ્યું –તેણે આંખો ખોલી તો તેની છાતી ઉપર વિશાખા બેઠી હતી –અને પિશાચી અટ્ટહાસ્ય કરતી કરતી ડાન્સ કરતી હતી –તે ચીસ પાડવા ગયો’તો વિશાખાના મોઢામાથી જાણે કે મોટા મોટા લાંબા દાંત ફૂટી નીકળ્યા અને તેના મોઢામાં ખૂંપવા લાગ્યા –તે ચીસ પણ પાડી શક્યો નહીં ... અચાનક વિશાખાના બંને હાથના નખ લાંબા થવા માંડ્યા અને તેના ચહેરા ઉપરથી ચામડી ઉતારવા લાગ્યા ..તેણે પોતાનો ડાબો હાથ ઉંચો કર્યો અને સટ્ટાક કરીને એક લાફો માર્યો વિશાખાને ..! જોરથી ધક્કો માર્યો વિશાખાને ... એ સાથે જ વિશાખા પિશાચી અટ્ટહાસ્ય કરતી તેની છાતી ઉપરથી નીચે કૂદી પડી –તે બેઠો થઈ ગયો અને વિશાખાને ચોટલેથી પકડી હતું તેટલું જોર ભેગું કરી સામેની દીવાલે પછાડી – સામેની દીવાલે પછડાઈ ત્યાં સુધી તો તે વિશાખા જ હતી , પણ દીવાલ ઉપરથી પાછી પડી ત્યારે તે ચીબરી બની ગઈ હતી ,અને ચીબરી બારીમાંથી ઊડી ગઈ ..!

સમીર કંપી ઉઠ્યો .ભયથી તે થરથર ધ્રૂજવા લાગ્યો –તેણે પલંગમાં તેની બાજુમાં સૂતેલી રોમા ઉપર નજર કરી પણ ત્યાં રોમા નહોતી- તો રોમા ક્યાં ગઈ ? બરાબર તેજ સમયે રૂમમાં ગુપ્તચરોનો હેડ પ્રવેશ્યો .તેણે તેના તરફ નજર કરી તે સાથે જ તે બોલ્યો ,” ખૂબ ખરાબ સમાચાર છે સરકાર ..! “ અને તે તેના તરફ તાકી જ રહ્યો ...?!