રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-30
સુજાતાએ જતિનના પૈસાથી ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કરીને જનાર્દન અને હિમાનીને ચોંકાવી દીધા હતા. બંનેને પહેલાં તો એમ થયું કે સુજાતાબેન મજાક કરી રહ્યા છે. એમના ચહેરા પરથી એવું લાગતું ન હતું. એ જેટલી ગંભીરતાથી બોલ્યા એટલા જ સહજ રીતે બોલ્યા હતા કે જાણે એ વાત નક્કી જ હતી. જતિન સુજાતાબેનની વિરુધ્ધમાં છે. એણે સુજાતાબેન સામે પોલીસમાં કેસ નોંધાવી દીધો છે. અને સુજાતાબેન સામે બદનક્ષીનો કેસ કરી સામેથી પૈસા માગવાનો છે ત્યારે એના પૈસાથી ચૂંટણી લડવાની વાત કોઇ રીતે જનાર્દનને હજમ થતી ન હતી. તો શું સુજાતાબેન અને જતિન મળી ગયેલા છે? જતિનને ટિકિટ મળે એવી શક્યતા ન હતી એટલે જતિને જ સુજાતાબેન સાથે યોજના બનાવીને આ બધું ઊભું કર્યું છે? આ વાત એ તર્ક પર અટકી જતી હતી કે જો એવું જ હોય તો સુજાતાબેને તેમની સાથે જૂઠું બોલ્યું ન હોત. એ એવા તો નથી. સૌથી મોટી વાત એ હતી કે જતિને જ જો આ ખેલ કર્યો હોય તો એ સુજાતાબેનને મળતો રહેતો હોત. જનાર્દને એ શકયતા ઉપર પણ વિચાર કરી લીધો કે સુજાતાબેન જતિનનું ઘર છોડતા પહેલાં તેના ઘરમાંથી થોડા પૈસા લઇ આવ્યા હોય અને એનાથી ચૂંટણી લડવાના હોય. પણ હવે ચૂંટણી લડવા લાખો નહીં કરોડો રૂપિયાની જરૂર પડે છે. જતિન ક્યારેય ઘરમાં એટલા બધા રૂપિયા રાખતો ન હતો. વિચારો કરીને જનાર્દનનું મગજ ભમી ગયું. તેણે સુજાતાબેનને સીધું જ પૂછી લેવાનું નક્કી કર્યું. હવે એમની સાથે એટલો નજીકનો સબંધ હતો કે તે રાજકીય બાબતે કોઇપણ વિષય પર ચર્ચા કરી શકે એમ હતો.
"બેન, તમે આ શું કહી રહ્યા છો? જતિન તો તમારી સામે કેસ કરીને એની પ્રતિષ્ઠા ખરડાઇ હોવાના મુદ્દે વળતર માગવાનો છે, અને તમે એના જ પૈસે ચૂંટણી લડવાની વાત કરો છો? જતિન શા માટે ચૂંટણી લડાય એટલા બધા રૂપિયા આપશે?" જનાર્દને એક જ શ્વાસે સવાલ પૂછી લીધા.
"જનાર્દન, તું તો જતિનની નજીક રહ્યો છે. એનો ખાસ મિત્ર અને સહાયક રહ્યો છે. તને તો ખબર હશે જ કે એની સંપત્તિ કેટલી છે? એની પાસે રોકડ રકમ કેટલી હશે?" સુજાતાબેને તેના પ્રશ્નોના જવાબ આપવાને બદલે જનાર્દનને એવી રીતે સવાલ પૂછયા જાણે એમાં એમનો જવાબ સમાયેલો હોય.
"જી...હં...જતિનની માલમિલકત અને...રોકડ રકમ તો હું ચોક્કસ ના કહી શકું પણ અંદાજે બધું મળીને એ દસ-બાર કરોડનો માલિક હશે. એનાથી વધારે હોય શકે." જનાર્દન ગણતરી માંડતો બોલ્યો અને પછી અચાનક ખ્યાલ આવ્યો હોય એમ કહેવા લાગ્યો:"ખરેખર તો આ રકમની તમને વધારે ખબર હશે..."
"બરાબર છે. તારો અંદાજ સાચો છે. હવે સાંભળી લે એમાંથી અડધાથી વધારે રકમ હું કેવી રીતે મેળવવાની છું. મેં છૂટાછેડાનો કેસ મૂક્યો છે અને સાથે એની અડધાથી વધારે સંપત્તિ મને મળવી જોઇએ એવો દાવો કર્યો છે. હું બહુ જલદી એ મેળવીને જ રહીશ. મારા વકીલ દિનકરભાઇએ કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને એ કેસનો નિકાલ જલદી આવે એવા ચક્રો પણ ગતિમાન કરી દીધા છે..." કહીને સુજાતાબેન મુસ્કુરાયા.
જનાર્દન અને હિમાની તો તેમની યોજના સાંભળીને ચકિત થઇ ગયા. આવું કંઇક થઇ શકે એ બંનેએ ધાર્યું ન હતું. જનાર્દનને હજુ શંકા હતી:"પણ બેન, આવા કેસ તો વર્ષો સુધી ચાલે છે. અને ચૂંટણી તો છ મહિનામાં છે..."
"મને ખબર છે. જતિન પાસે બીજો કોઇ વિકલ્પ બચવાનો નથી." સુજાતાબેન આત્મવિશ્વાસથી બોલી રહ્યા હતા.
જનાર્દનને સુજાતાબેન પર વિશ્વાસ બેસી ગયો. તેણે આ બાબતે વધારે સવાલ-જવાબ કરવાનું ટાળ્યું અને ચૂંટણીની તૈયારી માટે કાર્યક્રમો શરૂ કરવાના આયોજનની ચર્ચા કરવા માંડી.
નક્કી થયા મુજબ બીજા જ દિવસે 'બાળજીવન સુવિધા' નામની યાત્રા શરૂ કરી દીધી. સૌથી પહેલાં તાલુકાના સૌથી પછાત ગણાતા પારવેલા ગામની મુલાકાતે પહોંચી ગયા. આ વિસ્તારમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકો હતા. 'ગરીબી હટાવો' નો નારો પણ તેમણે સાંભળ્યો ન હતો. જેનાથી આજ સુધીમાં કેટલાય નેતાઓ ચૂંટાઇ આવીને અમીર બની ગયા હતા. ગામમાં શાળા જ ન હતી. સુજાતાબેનને એમ હતું કે શાળામાં સંપર્ક કરીને બાળકોનું જીવનધોરણ જાણી તેને સુધારવાનો પ્રયત્ન કરીએ. ગામમાં જતા રસ્તા કાચા હતા. કેટલાય લોકો પાસે પહેરવાનાં પૂરતાં વસ્ત્રો ન હતા. એમના નાના બાળકો તો કપડાં વગર જ ફરતા હતા. સુજાતાબેને કેટલાક પરિવારોની મુલાકાત લીધી અને એમની વ્યથા સાંભળી. એમને સરકારની રોજગારી માટેની લોનની યોજના, સસ્તા અનાજની યોજના, બાળકોના અભ્યાસ માટે મદદની યોજના- એમ બધી જ યોજનાઓ સમજાવી. એ સાંભળીને પરિવારો ખુશ થયા પણ એમની સમસ્યા એનો લાભ કેવી રીતે લેવો એ હતી. સુજાતાબેને જનાર્દનને સલાહ આપી કે આપણા શહેરની એક-બે એનજીઓને આ પરિવારોની મુલાકાત લેવા જણાવવાનું. એ જરૂરતમંદોને મદદ કરવા તત્પર હોય છે, પણ એમને સાચા લાભાર્થી મળતા નથી. આપણે એમની વચ્ચે પુલનું કામ કરવાનું છે. એ પછી સુજાતાબેન ગામના સરપંચને મળ્યા અને પોતાનો પરિચય આપી એમને કયા પ્રકારની મદદની જરૂર છે એ પૂછ્યું. સરપંચ સુજાતાબેનની વાત સાંભળીને ખુશ થઇ ગયા. સરકારી યોજનાઓના અમલ અને એનજીઓની મદદથી તે પરિવારોનું જીવન ધોરણ ઊંચું લાવવા કટિબધ્ધ હોવાનું કહ્યું. સરપંચ એમ સમજતા હતા કે ગામના અભણ લોકો યોજનાઓનો કેવી રીતે લાભ લઇ શકવાના હતા? એમને એમના જીવનથી સંતોષ છે. પણ સુજાતાબેનની સમજાવટ પછી તેમણે જાતે રસ લઇને કામગીરી કરવાનું વચન આપ્યું. સુજાતાબેનને ખબર હતી કે એક વખતની મુલાકાતથી સરપંચ કામે ચઢી જવાના નથી. તેમણે જનાર્દનને દસ દિવસ પછી ફરી આ પારવેલા ગામની મુલાકાત લેવાની ડાયરીમાં નોંધ કરવા સૂચના આપી.
સુજાતાબેન ગામની બહાર નીકળતા હતા ત્યારે કેટલાક લોકો હાથમાં લાકડા લઇને તેમની સામે ઊભા રહી ગયા. એક જણે લાકડીને જમીન પર ઠપકારીને મોટા અવાજે કહ્યું:"સાવધાન, આજ પછી આ ગામમાં પગ મૂક્યો છે તો માથા ફોડી નાખીશું...."
જનાર્દન તો એમને જોઇને ગભરાઇ ગયો. પહેલા જ દિવસે જીવનું જોખમ ઊભું થયું હતું. તેને સમજાતું ન હતું કે આ લોકો કોણ છે અને કેમ ધમકી આપી રહ્યા છે?
***
રવિનાએ જતિન વચ્ચેથી ખસી ગયો એટલે ટિકિટ મેળવવા ચક્રોને વધારે ગતિમાન કરી દીધા. પાટનગરમાં એક પછી એક જણને ફોન કરી ચક્કર ચલાવવા લાગી. કેટલાકે તેને ખાતરી આપી કે ધારાસભ્યની ટિકિટ એને જ અપાવશે. એ માટે મોટી રકમ ખર્ચવી પડશે. રવિના રકમ અને જિસ્મ બંને માટે તૈયાર હતી. તેને આજે રાહત થઇ કે બહુ જલદી તેને ટિકિટ મળી જશે. તેની વાત સાંભળતી ટીના મનોમન ખુશ થતી હતી. સુજાતાબેનને ટિકિટ મળી ગઇ હતી એટલે રવિનાને મળવાની ન હતી. તે ખોટી ખુશ થઇ રહી છે.
બીજા દિવસે રવિનાને એક ફોન આવ્યો.
"હલો...રવિનાજી?" સામેથી કોઇ પુરુષનો સ્વર હતો.
"હા બોલું છું. તમે કોણ?" રવિનાને નંબર નવો લાગ્યો.
"હું રાજેન્દ્ર બોલું છું. તમે જયચંદભાઇને ટિકિટ માટે વાત કરી હતી ને? એમણે તમારું નામ નક્કી કરાવી દીધું છે. પચીસ લાખ એડવાન્સ આપી દો એટલે બધું ફાઇનલ થઇ જાય..."
રવિના ખુશીથી ઉછળી પડી. તેણે કહ્યું:"ક્યારે આપું?"
"આવતીકાલે અમારી એક મહિલા કાર્યકર આપને ત્યાં આવશે. આ નંબર પર મારી સાથે વાત કરાવીને તમે એને આપી દેજો. એક જ અઠવાડિયામાં ધારાસભ્યની ટિકિટ તમારા નામ પર થઇ જશે..."
"ઠીક છે. હું રાહ જોઇશ..." કહી રવિનાએ ફોન મૂકી દીધો.
રવિનાએ ખાતરી કરવા જયચંદને ફોન કર્યો. એમની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું કે બે-ત્રણ જણને તમારો નંબર આપીને ભલામણ કરી હતી. તમને ટિકિટ મળી જાય તો મને પણ મહેનતના રૂપિયા આપજો. રવિનાએ ટિકિટ મળી જાય તો બક્ષીસ આપવાની ખાતરી આપી.
બીજા દિવસે બપોરે રવિનાના ઘરનો ડોરબેલ વાગ્યો. ટીનાએ દરવાજો ખોલ્યો. તેણે જોયું કે ગોગલ્સ પહેરેલી એક સુંદર યુવતી જીન્સ અને ટીશર્ટમાં સજ્જ થઇને ઊભી હતી. તે બોલી:"રવિના મેડમને મળવાનું છે..."
ટીનાએ એના પર એક નજર નાખી રવિનાને જઇ કહ્યું કે કોઇ યુવતી તમને મળવા માગે છે. રવિનાને અંદાજ આવી ગયો કે એ રાજેન્દ્રએ મોકલેલી યુવતી જ છે. તેણે ટીનાને રસોઇ કામમાં ધ્યાન આપવાની સૂચના આપી દરવાજા પર જઇને પૂછ્યું:"તમે કોણ છો? કોણે મોકલ્યા છે?"
યુવતીએ કહ્યું:"મારું નામ લવલીના છે. રાજેન્દ્રભાઇએ મને મોકલી છે. કહ્યું છે કે તમે કપડાંની બેગ આપવાના છો."
રવિનાએ તરત જ તેને અંદર બોલાવી કહ્યું:"આવો, આપણે અંદર બેડરૂમમાં જઇએ...."
લવલીના રવિનાની પાછળ-પાછળ બેડરૂમમાં ગઇ. રવિનાએ એક નાની બેગમાં રૂપિયા પચીસ લાખ મૂકી રાખ્યા હતા. આપતાં પહેલાં રાજેન્દ્રને ફોન લગાવ્યો. રાજેન્દ્રએ લવલીના સાથે વાત કરી અને તેને રૂપિયા ભરેલી બેગ આપી દેવા કહ્યું. રવિનાએ બેગ આપીને લવલીનાને વિદાય આપી.
એક દિવસ પછી રવિનાએ રાજેન્દ્રના હાથમાં રૂપિયા મળી ગયા કે નહીં એ પૂછવા ફોન કર્યો ત્યારે 'આ નંબર અસ્તિત્વમાં નથી' એવો સંદેશ આવ્યો. રવિના ગભરાઇ ગઇ. વારંવાર તેણે ફોન કર્યા પણ નંબર લાગ્યો નહીં. તેણે જયચંદભાઇને ફોન કરીને રાજેન્દ્રનો સંપર્ક કરવાનું કહ્યું. જયચંદભાઇએ કહ્યું કે તેણે જેમને રવિનાનો ફોન નંબર આપ્યો હતો એને પૂછીને કહે છે. થોડીવાર પછી જયચંદભાઇએ કહ્યું કે એમના ઓળખીતા કોઇએ તમને ફોન કર્યો નથી અને રાજેન્દ્ર નામનો કોઇ માણસ તેમની જાણમાં નથી. રવિનાના હાથમાંથી મોબાઇલ પડી જતાં રહી ગયો. એ કોણ છે જેણે મારી સાથે આવી રમત કરી? જતિન તો નહીં હોય ને?
વધુ એકત્રીસમા પ્રકરણમાં...
***
* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' અને 'ઘર માટે ઘરેલૂ ઉપાય', 'રસોઇની રાણી', 'ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા' વગેરે પણ જરૂર વાંચો.
* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં. હોરરના શોખીનોને 'આત્માનો પુનર્જન્મ', 'આત્માની અંતિમ ઇચ્છા' અને 'પતિ પત્ની અને પ્રેત' જરૂર પસંદ આવશે.
***