Losted - 35 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 35

લોસ્ટેડ - 35

રિંકલ ચૌહાણ

આધ્વીકા નીચે પહોંચી ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જીવન પાણી લઈ આવ્યો અને આરાધના બેન ના ચહેરા પર છાંટ્યું. જયશ્રીબેન એ કેટલીયે વાર એમના ગાલ થપથપાવ્યાં ત્યારે આરાધના બેન ને થોડી કળ વળી.

"ચાંદની, મીરા તમે બન્ને અંદર જાઓ." જીવન એ પરિસ્થિતિ જોતાં એ બન્ને ને આ મામલા થી દુર રાખવાનું જ મુનાસિબ સમજ્યું.
"નઈ જીવન, ચાંદની અને મીરા નાનાં છોકરાં નથી હવે, આ બધી ઘટનાઓ વિશે જાણવાનો હક છે બન્ને ને, એ બન્ને ને પણ ખબર હોવી જોઈએ કે એમના ભાઈ જેવા પુરુષો પણ હોય છે આ દુનિયામાં." આધ્વીકા મક્કમતા થી બોલી.
"પણ દીદી, મે એવું કંઈ જ…....." જીગર એ પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.
"હું તારી સાથે વાત નથી કરી રહી, જીગર." આધ્વીકા એ તેની વાત વચ્ચે થી જ કાપી નાખી.

"મોટીબેન જયશ્રી ફઇ એ જે કંઈ કીધું એ બધું સાચું છે? જીગરભાઇ ખુની અને બળાત્કારી છે? મોટીબેન તમે એક વાર કહી દો કે આ વાત સાચી નથી, પ્લીઝ." ચાંદની રડવા જેવી થઈ ગઈ.
"ચાંદની, ફઈએ જે કંઈ પણ કીધું એ સાચું છે. જીગર એ ગુનો નઈ પાપ કર્યુ છે અને એના પાપની સજા તો એને મળશે જ." આધ્વીકા એ જવાબ આપ્યો.
"મારા દિકરો ક્યાંય નઈ જાય, જો સોનું આપણા પરિવાર સિવાય કોઈ આ વાત નથી જાણતું. તો આપણે કોઈ ને આ વાત કરવાની જરૂર નથી." આરાધના બેન બોલ્યા.

એમની વાત સાંભળી ઘર ના લોકો શોક્ડ થઈ ગયા. આરાધના બેન ના મોઢે આવી વાત સાંભળવી એ બહુ નવાઈની વાત હતી. આરાધના બેન હંમેશા સત્ય અને ન્યાયનો જ પક્ષ લેતા, પરંતુ આજે પુત્ર મોહ ને વશ થઈને તે પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધ જઈ રહ્યા હતા.

"તમે જે કહી રહ્યા છો એ ખોટું છે માસી, જીગરએ કર્યું છે એ ખોટું છે અને એ પાપની સજા જરૂરથી મળશે એને." આધ્વીકા એ જવાબ આપ્યો.
"હું મારા દીકરાને કોઈ જ સજા નહીં થવા દઉં, હું પણ જોઉં છું કે કોણ મારા દીકરાને સજા અપાવે છે." આરાધના બેન એ ગુસ્સામાં કીધું.
"તો તમે પણ જોઈ લેજો માસી કે કોણ તમારા દીકરાને બચાવી શકે છે. જીગર જેલમાં જશે અને ૨૪ કલાકની અંદર જશે." આધ્વીકા ના અવાજ માં મક્કમતા હતી.

રાઠોડ પરિવાર નું વાતાવરણ ડહોળાયું હતું. પ્રેમ અને સંપથી રહેતો પરિવાર હાલ અલગ થઈ ગયો હતો. પતિને ખોયા પછી પુત્રને ખોવાની આરાધના બેનની હીમ્મત નહોતી, તેમણે નક્કી કરી લીધું કે તેઓ તેમના દીકરા ને જેલ નહીં જવા દે.

"ભાભી તમે પણ જાણો છો કે જીગરે જે કર્યું એ ખોટું છે. અને આટલા નીચે કૃત્ય બદલ તેને સજા આપવાને બદલે તમે એનો સાથ આપી રહ્યા છો? હું જાણું છું ભાભી કે તમે હાલ બહુ જ દુઃખી છો, પણ તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે જિગરની આટલી ગંભીર ભૂલ માફ કરશો તો આગળ જઈને બાળકો શું શીખશે?" જયશ્રી બેને આરાધના ભાભીને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
"ભૂલ બદલ સજા મળવી જ જોઈએ આ વાત તમારા માટે સારી નથી લાગતી જયશ્રીબેન, બાળકો સામે મારું મોઢું ના ખૂલે તો જ સારું રહેશે." આરાધના બહેને મેણું માર્યું.
"ભાભી." જયશ્રીબેન થી ઉંચા અવાજમાં બોલી જવાયું.
"મારી સાથે ઊંચા અવાજમાં વાત કરવાથી તમારી ભૂલો બદલી નથી જવાની, જ્યારે તમે ભૂલ કરી ત્યારે તમે માફીને પાત્ર હતા. અને હવે મારા દીકરાની વાત આવે તો એને સજા આપવાની વાતો કરો છો." આરાધના બેન પહેલીવાર કડવાહટ થી બોલ્યા.

"તમે કઈ ભૂલ ની વાત કરી રહ્યા છો મામી?" જીજ્ઞાસા જે હાલ જ ઘરમાં આવી હતી, તેને તેની મા અને તેની મમ્મી વચ્ચેની લડાઈ જોઈને આઘાત લાગ્યો.
પરિવારના બીજા સદસ્યોને પણ નવાઈ લાગી, કેમકે આજ પહેલા આ ઘરમાં બંને સ્ત્રીઓ વચ્ચે ક્યારેક ચડભડ પણ થઇ નહોતી અને આજે બંને એકબીજા સાથે લડી રહી હતી.

"હા માસી, તમે કઈ ભૂલ ની વાત કરી રહ્યા છો?" આધ્વીકા એ પૂછ્યું.
"ભાભી, મહેરબાની કરીને ચૂપ રહો." જયશ્રી બેને વિનંતીના સૂરમાં કીધું.
"હું શું કામ ચૂપ રહું? જ્યારે તમને મારા પરિવાર સાથે કોઇ નિસબત નથી, તો હું શું કામ તમારા ભૂતકાળની ભૂલો છૂપાવીને રાખું. આધ્વીકા બેટા તને ખબર છે, તારા માતા-પિતાની હત્યા આમના કારણે થઈ હતી, તું અને મીરા અનાથ થયાં એનું એકમાત્ર કારણ તારા જયશ્રી ફઇ હતા." આરાધના બેને ઘટસ્ફોટ કર્યો.

"માસી તમે શું બોલી રહ્યા છો? તમને ભાન છે તમે શું બોલો છો? કાકા ને ગયા ને હજુ એક દિવસ પણ પૂરો નથી થયો, પરિવાર ના બાળકો અહીં છે. થોડી તો મર્યાદા રાખો બોલવામાં, તમે જ આવું બોલશે તો ઘર ના બાળકો શું શીખશે?" આધ્વીકા ને ન છૂટકે બોલવું પડ્યું.

"તે જ કીધું હતું કે હવે આ નાનાં છોકરાં નથી, ચાંદની અને મીરા પણ મોટી થઈ ગઈ છે. તો એમને જાણવાનો હક છે, ચાંદની, જીવન - જીગર તમારા પિતા વિરાજજી આખી જીદંગી આશ્રિત બની ને જીવ્યા તમારી જયશ્રી ફઇના કારણે. મારી આરતીબેન અને વિકાસ જીજાજી ના મૃત્યુ નું કારણ તમારા જયશ્રી ફઇ હતાં. જિજ્ઞા બેટા મને સૌથી વધારે દુખ તારા માટે થાય છે. તારી સાથે તો સૌથી ખરાબ થયું, તારા....."
"બસ ભાભી, હવે એક શબ્દ પણ ન બોલતાં. નહીં તો હું મારી નણંદ તરીકે ની મર્યાદા ભૂલી જઈશ." જયશ્રી બેન વચ્ચે જ બરાડી ઉઠ્યા.

"મારા શું મામી? તમે કહેવા માંગો છો કે મારા.... મારા." જીજ્ઞાસા માંડ આટલું જ બોલી શકી. તેને ગળે ડૂમો બાઝી ગયો, અડધું છૂટી ગયેલું વાક્ય ઘણા અંશે તે સમજી ચૂકી હતી.
"હા, તું સાચું જ સમજી છે. તારા પિતા ની મોત નું કારણ પણ તારી મા જ છે." આરાધના બેન એ ગુસ્સામાં કીધું.

સટાક..... એક તમાચો આરાધના બેન ના ગાલ પર પડ્યો.
"મારા પર હાથ ઉપાડ્યો? આટલી હીમ્મત..." આરાધના બેન સમસમી ગયા.
"હીમ્મત તો તે હજુ મારી જોઈ જ નથી આરાધના, મારા સ્વર્ગસ્થ નાના ભાઈ ની પત્ની છે તું. એટલે માત્ર તમાચો મારીને છોડી રહી છું, હું તને ભાભી ભાભી કહીને માથે ચડાવતી હતી અને તું મારા અને મારી દીકરી વચ્ચે જ ફુટ પડાવવા માંગે છે." જયશ્રીબેન તાડુક્યાં.

એકપળ માટે તો જીજ્ઞાસા અને આધ્વીકા પણ ગભરાઇ ગઇ. જયશ્રીબેન નું આ રૂપ જોઈ ચાંદની, મીરા અને જીવન ના હોશ ઊડી ગયા. આરાધના બેન એક હબક ખાઈ ગ્યાં, તેમને જયશ્રીબેન ના આવા પ્રત્યુત્તર ની આશા નહોતી.

"તું શું કહેવાની હતી, હું જ બધી વાત કહીશ મારા બાળકો ને. બધી જ વાત જાણ્યા પછી મારા બાળકો મને સજા આપવા ઇચ્છે તો હું ખુશી ખુશી ફાંસી પણ ચડી જઈશ." જયશ્રીબેન મક્કમતા થી બોલ્યા.
"જીગરભાઇ ક્યાં છે?" મીરાએ રાડ પાડી.

બન્ને સ્ત્રીઓના ઝઘડા નો ફાયદો ઉઠાવી જીગર ભાગી ગયો હતો, અને આવી પરિસ્થિતિમાં કોઈનું ધ્યાન પણ ન રહ્યું.
"જીગર? જીગર ક્યાં છે?" આધ્વીકા ઘરની બાર દોડી.
બધા લોકોએ અલગ અલગ જગ્યાએ જીગર ને શોધ્યો. થાકી ને બધા ઘરે પાછા આવ્યા.

"જીજ્ઞા, મે તને જે કામ આપ્યું હતું એ કામ થઈ ગયું?" આધ્વીકા એ ધ્રુજતા અવાજે પુછ્યું.
"હા, હું બાબા ને મળીને જ ઘરે આવી છું. હવે આપણે નહી બચીએ." જિજ્ઞાસા હવે બધું સમજી ગઈ હતી.

"મોટીબેન હવે શું થશે?" ચાંદની ગભરાહટમાં બોલી.
આધ્વીકા નું મગજ બહેર મારી ગ્યું હતું, શું કરવું શું ન કરવું એ જ નહોતું સમજાતું. તેની નજર આરાધના બેન પર પડી, તે શાંતીથી સોફા પર બેઠા હતા.

"ડોન્ડ ટેલ મી માસી, કે આ બધી તમારી પ્લાનિંગ હતી." આધ્વીકા એ ગુસ્સામાં તેની મુઠીઓ વાળી.
"હતી તો? આ ઝઘડો મેં જ કર્યો, જાણીજોઇને જેથી મારો જીગર અહીંથી ભાગી શકે. હવે તારા માં હિમ્મત હોય તો એને શોધી ને સજા અપાવી દે." આરાધના બેન ગાંડા માણસ ની જેમ હસવા લાગ્યા.

"ગોડ, યૂ હેવ લોસ્ટ યોર માઈંડ માસી. તમે તમારા હાથ થી જ તમારા પગ પર કુહાડી મારી છે એ ખબર છે તમને? તમારા આ પૂત્ર મોહ ની કીમ્મત કોને ચૂકવવી પડશે એ જાણો છો તમે?" આધ્વીકા એ જીવન માં પહેલી વાર તેની માસી સાથે ઊંચા અવાજ માં વાત કરી હતી.

"જો પેલો ફેરીઓ આવ્યો,
સાથે મજાની આઇસક્રિમ લાવ્યો.
પહેલી આઇસક્રિમ કોણ ખાશે?
ચાંદની ખાશે, ચાંદની ખાશે.
હા.... હા.... હા.... હા.... "

ચાંદની ની પાછળ ધુમાડાથી બનેલી આકૃતિ અટ્ટહાસ્ય કરી રહી હતી.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED