આહવાન - 50 - છેલ્લો ભાગ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 50 - છેલ્લો ભાગ

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૫૦

( અંતિમ ભાગ )

આજે ભાગ્યેશભાઈનો આખો પરિવાર ખુશ છે. ઘણાં સમય પછી બધાં આજે સાથે છે. મિકિનને થોડો સમય આરામ બાદ હવે સારું લાગતાં એ બહાર બધાંની સાથે આવીને બેઠો.

ભાગ્યેશભાઈ : "તમને બધાંને શું લાગે છે કે નવાં કમિશનર તરીકે કોણ આવશે ?? મિકિન કોઈ આઈડિયા ?? "

મિકિન બોલ્યો :" જે આવે તે હવે કંઈ જ વિચારવું નથી. જે થશે એ બધું સારું થશે. મને સાચું કહું હવે એ જગ્યા પર જવાની બહું ઈચ્છા નથી. એકવાર આપણા નામની પ્રતિષ્ઠા ખોરવાઈ જાય પછી એ જગ્યાએ જવું યોગ્ય નથી લાગતું..."

વિકાસ : " ભાઈ તો પછી આપણાં બે જણાંનાં સહી કરેલાં કાગળો હું મિસ્ટર અરોરાને આપી દઉં ને તો તો ?? "

મિકિન : " આપણે બંને આપણી જોબ છોડી દઈએ છીએ એવો લેખિત કરાર...જે મેં ત્યાં મિસ્ટર અરોરા પાસેની ચેરમાં હતું એ યાદ કરીને સાવચેતીથી લઈ લીધું હતું. "

સ્મિત : " આપણી મહેનતથી મેળવેલી વસ્તુને ક્યારેય પણ ન છોડવી જોઈએ. એનાં આપણે હકદાર હોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં વિરોધીઓ તો મળવાનાં જ ....બસ એમનો હિંમતભેર સામનો કરવો પડે. એમ કંઈ થોડું છોડાતું હશે ?? સાચી વાતને પપ્પા તમે જ આમને શીખવ્યું છે ને નાનપણથી..."

ભાગ્યેશભાઈ : " તારી વાત તો સાચી છે...પણ સમ્માન મળે છે પણ એટલું જ જરૂરી છે. કોઈની ગરજ પર ન જવાય છતાં એ માનભેર સ્વીકારે તો જ જવાય. "

વિકાસ : " હમમમ...સાચી જ વાત છે ને... હું પણ શું મારી જોબ છોડું ?? એવું નથી અત્યારે આપણે પોતાની હોસ્પિટલ પણ ખોલી શકીએ એટલું કમાઈ પણ લીધું છે પણ ફક્ત પ્રમાણિકતાથી...પણ મારું નાનપણથી સ્વપ્ન રહ્યું કે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને સારામાં સારી સારવાર આપવી...પ્રાઈવેટ ખોલીશ તો મારી કન્સલેટેશન ફી સાંભળીને જ કદાચ ગરીબ લોકો પગ નહીં મૂકી શકે. અને કદાચ મારે પણ હોસ્પિટલ મેઈન્ટેઈન કરવાં ચાર્જ લેવો પડે. બસ આજ કારણે હું આ ગવર્નમેન્ટ જોબ નહીં છોડું...મને જે વસ્તુ આ કામ સારાં કામ માટે નડતરરૂપ બનતી હતી એને જ હટાવી દીધી. "

એટલામાં જ રિકેન ફટાફટ અંદરનાં રૂમમાં બધાં છોકરાઓ છે ત્યાંથી આવ્યો ને બોલ્યો, " મિકિન અંકલ આ તમારો ફોન ક્યારની રીંગ વાગી રહી છે ?? "

બધાં વાતોમાં મશગૂલ બન્યાં છે એટલે કદાચ રૂમમાં રહેલાં ફોનની રીંગ ન સંભળાઈ.

મિકિને ફટાફટ ફોન ઉપાડ્યો તો અમદાવાદનો કોઈ લેન્ડલાઈન નંબર છે. એણે ઉપાડ્યો થોડી વાતચીત કરીને એ ત્યાં આવ્યો ને બોલ્યો, " મારે હમણાં કલેકટર કચેરી પર જવાનું છે અરજન્ટમાં... ત્યાંથી ફોન હતો..."

વિકાસ : " પણ શેનાં માટે ?? તમારી તબિયત હજું એટલી સારી પણ નથી અને તમને હજું થોડી આરામની જરૂર છે ભાઈ...."

મિકિન : " આવાં સમયે એ લોકોને મારી જરૂર છે તો એમને અમુક નિર્ણયો માટે મદદની જરૂર છે હું કેવી રીતે ના કહી શકું ?? "

શશાંકભાઈ : " એવું એમણે તારી ટ્રાન્સફર કરતાં પહેલાં વિચારવું જોઈએ ને ?? "

મિકિન : " કંઈ નહીં અત્યારે આપણો દેશ, આપણાં લોકોની સલામતી એ પ્રાથમિકતા છે...એ બધાં રાજકારણને આપણે હમણાં દૂર જ રાખીએ. "

સ્મિત : " પણ તમારી સલામતી ?? "

મિકિન : " ચિંતા ન કરો ત્યાંથી એ લોકો ગાડી મોકલે છે હમણાં જ...."

પછી થોડી જ વારમાં મિકિન ગાડી આવતાં નીકળી ગયો...!!

*************

મિકિન ગયો એ પછી થોડીવારમાં એણે ફોન પણ કર્યો કે એ પહોંચી ગયો છે એટલે બધાંને થોડી શાંતિ થઈ.

સ્મિત ફરીથી એનાં રિસર્ચ સેન્ટર પર પહોંચી ગયો‌. એણે પોતાનાં આટલાં વર્ષોનાં અનુભવ અને ઓળખાણથી નિયોનફાર્માનો વેક્સિન પ્રોજેક્ટ ક્યાં સુધી પહોંચ્યો છે એની તપાસ માટે વાત કરી. એ જાસૂસી વ્યક્તિએ સવાર સુધી કહેવાનું કહ્યું.

સ્મિત આજે રિલેક્સ બની ગયો કારણ કે આખરે એની મહેનત આજે ફળી. જે લોકોને પરીક્ષણ માટે રાખવામાં આવ્યાં છે એ બધામાં સારાં લક્ષણો આવી ગયાં છે...મતલબ એની ધારણા કરતાં પણ વધારે સારી રીતે બીજો સ્ટેજ સફળ થઈ ગયો. આ પરથી એ સિત્તેર ટકા જેટલો સફળ બની ચૂક્યો છે એ સ્પષ્ટ છે‌ પણ હજું સૌથી અંતિમ અને મહત્વનો સ્ટેજ એ ત્રીજો સ્ટેજ છે એને સફળ કરવાં હજું એણે બહું ચોક્સાઈથી મહેનત કરવી પડશે. એણે આ સફળતાની મિસ્ટર મહેતા સાથે વાતચીત કરી.

હજું સુધી ઈન્ડીયામાંથી પાંચ કંપની છે એમાં બે કોરોના વેક્સિનનાં ફર્સ્ટ સ્ટેજ સુધી હજું પહોંચી શકી છે. જ્યારે બીજી બે બીજાં સ્ટેજમાં પ્રોસેસમાં છે. બીજાં સ્ટેજની પ્રોસેસમાં નિયોન ફાર્મા પણ છે. એ પાંચમાંની બીજાં સ્ટેજમાં સફળ બનનાર એક માત્ર સ્મિતની નવી કંપની છે સ્ટાર ફાર્મા.

મિસ્ટર મહેતાએ સ્મિતને કહ્યું, " જો બીજું સ્ટેજ સફળ બન્યું હોય તો આપણે ગવર્નમેન્ટ સાથે બધું વાતચીત કરીને નોંધાવી દઈએ તો ?? હવે ત્રીજું સ્ટેજ તો સફળ જશે જ ને ?? "

સ્મિત : " નહીં...સવારે નિયોન ફાર્મામાંથી ન્યુઝ મળે એ પછી જ...કોઈ પણ પ્રકારની ઉતાવળ આપણને મારી પડી શકે છે. પહેલી કોરોના વેક્સિન બનાવીને પોતાની બ્રાંડ બનાવવાની અત્યારે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે આથી હું કહું પછી જ આપણે વાત કરીએ. "

સ્મિત બધું નક્કી કર્યાં પછી એ સવારે વાત થાય પછી કંઈ નક્કી કરશે એવું નક્કી કરીને એ ઘરે આવવાં નીકળી ગયો.

**************

સ્મિત ઘરે આવ્યો તો બધાં ન્યુઝ જોવામાં મશગૂલ છે. બધાં ખુશ હોય એવું લાગી રહ્યું છે.

સ્મિતને જોતાં જ વિશાખા આવીને બોલી, " સ્મિત આજે તો બધાં બહું ખુશ છે. કદાચ જે મુશ્કેલી આપણને બધાંને કોઈને કોઈ રીતે ઘેરી હતી એ એક પછી એક દૂર થઈ રહી છે. "

સ્મિત : " કેમ શું થયું ?? "

વિશાખા : "મિકિનભાઈનો ફોન આવ્યો થોડીવાર પહેલાં કે ફરી એકવાર મિકિનભાઈને સન્માન સહિત અમદાવાદનાં કમિશનર તરીકે નીમવામાં આવી રહ્યાં છે. એ પણ કાયમી ધોરણે એવું નહીં કે એની જગ્યાએ મિસ્ટર અરોરાનો કેસ સોલ્વ થતાં એ પાછાં ફરે... સિવાય કે મિકીનભાઈનું કોઈ સારી જગ્યાએ પ્રમોશન થાય તો જ એમને એમની જ્ગ્યા પરથી હટાવાશે...!! ન્યુઝમાં પણ એ જ બતાવી રહ્યાં છે."

સ્મિત : " ઓહો તો તો આ સારાં સમાચાર છે. મારું પણ વેક્સિનનું સેકન્ડ સ્ટેજ સફળ થઈ ગયું છે."

એટલામાં જ મિકિનને મુકવા ગાડી આવી. બધાંએ એને અભિનંદન આપ્યાં. બધાંએ સાથે ડીનર લીધું પછી બધાં ઘરે જવાં માટે કહેવા લાગ્યાં.

સ્મિત અને વિશાખા એ બધાંને ચોખ્ખી ના કહી આજે કોઈએ ક્યાંય જવાનું નથી.

વિશાખા : " આટલું મોટું ઘર છે કોઈને તફલીક નહીં પડે...કોઈએ જવાનું નથી..."

છેવટે શશાંકભાઈને થોડું કામ હોવાથી એ અને એમનાં પત્ની થોડાં મોડાં ગાડી લઈને નજીકમાં જ રહેતાં હોવાથી નીકળી ગયાં.

મિકિનને સવારથી પોતાની ખુરશીને બધો વહીવટ કાલે સવારે માનપૂર્વક ફરી એકવાર સોંપવામાં આવવાનો છે એ સમાચારથી જ બધાં આજે ખુશ થઈ ગયાં. રાત્રે મોડાં સુધી બધાંએ નાનકડાં અર્થને આજે પહેલીવાર રમાડ્યો ને વાતોચીતો અને હસીમજાક પછી બધાં બેડરૂમમાં સૂવા ગયાં.

***************

મિકિન અને કાજલ બેડરૂમમાં આવ્યાં. કાજલ હજું જાણે મનમાં કંઈ અટવાઈ રહી હોય એવું મિકિનનાં ધ્યાનમાં આવ્યું.

મિકિને કાજલને બેસાડીને પૂછ્યું, " તું કંઈ ચિંતામાં હોય એવું કેમ લાગી રહ્યું છે ?? "

કાજલે ચિંતામાં કહ્યું, " એકવાત પૂછું ?? ભગવાનની મહેરબાનીથી મયુર કે બીજાં કોઈએ મારી ઈજ્જત પર કલંક લાગે એવું કંઈ કર્યું નથી ફક્ત એવું કહીને મને બધાંથી દૂર કરવા માટે કોશિષ કરી...પણ ન કરે નારાયણને કદાચ એવું કંઈ બન્યું હોત તો ?? તું મને સ્વીકારત ?? "

મિકિન : " તે મને બચાવવા માટે એક ક્ષણ માટે પણ વિચાર્યું હતું કે ત્યાં કોણ હશે ?? હું ત્યાં ન હોઉં તો તારો જીવ ખતરામાં મૂકાઈ જશે... તું આટલી હિંમત કરીને મારી પાસે આવી શકતી હોય આપણાં પ્રેમ, અને લાગણીઓ ખાતર તો શું હું આ વસ્તુ માટે થઈને તને છોડી દઉં ?? મારો પ્રેમ એટલો તો સ્વાર્થી નથી જ...તે જાતે એવું કંઈ કર્યું હોય તો એમ થાય...પણ તારી મરજી વિરુદ્ધ કે ખબર વિના કંઈ પણ થાય તો તું પણ શું કરી શકે ?? તું મને કોઈ પણ સ્થિતિમાં એકલો છોડી દે ?? "

કાજલ : " ના..."

મિકિન : " તો પછી...ચાલ હવે આપણાં બંનેનાં ખરાબ સ્વપ્ન સાથે ખરાબ દિવસો પણ પતી ગયાં. અર્થ પણ હવે સરસ હસતો રમતો થઈ ગયો છે ને હું પણ હવે ખતરામાંથી મુક્ત થઈ ગયો છું...." કહીને એણે કાજલને પોતાનાં મજબૂત બાહોમાં સમાવી લીધી.

કાજલ : " પણ હજું પણ તારે બહું ધ્યાન રાખવું પડશે... મિસ્ટર અરોરાને એનાં બે સાળાઓને મયુર એમનાં માણસો દ્વારા કંઈ પણ કરાવી શકે છે. "

મિકિન : " હા એ છે પણ કાલથી જ્યાં સુધી એ કેસનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી ગવર્નમેન્ટની સ્પેશિયલ ગાડી બે બોડીગાર્ડ સાથે લેવાં મુકવા આવશે એવું ત્યાંથી ઓર્ડર થયો છે. "

કાજલ : " હમમમ...તો બરાબર..ચાલો હવે ઝંઝાવાત પછી નવેસરથી આપણી ખુશહાલ જિંદગીની શરુઆત કરીએ..." કહીને કાજલ મિકિનનાં એ પ્રેમભર્યા આલિંગનમાં વીંટળાઈ ગઈ.

**************

સવાર પડતાં જ સ્મિત પર વહેલી સવારે એક ફોન આવ્યો. રાત્રે મોડાં સુધી જાગવાનાં કારણે બધાં હજું સુતાં જ છે. રીંગ વાગતાં જ સ્મિતે ફટાફટ ફોન ઉપાડી દીધો. એણે સાઈડમાં જઈને વાતચીત કરી. પછી પાછો રૂમમાં આવીને આંટા મારી રહ્યો છે એ જોઈને વિશાખાની આંખ ખુલતાં એ બોલી, " સ્મિત શું થયું ?? કંઈ પ્રોબ્લેમ થયો ?? "

સ્મિત : " સારાં સમાચાર છે કે ખરાબ એ મને નથી ખબર પડતી અત્યારે..."

વિશાખા : " મતલબ ?? મને કંઈ સમજાયું નહીં..."

" નિયોન ફાર્માનો સેકન્ડ સ્ટેજ સફળ થવાની તૈયારીમાં છે પણ હવે પ્રશાંત તો અત્યારે હાજર નથી. એણે અહીંનાં પ્લાન ચોરીછુપીથી જાણીને બધું એ સ્ટેજ સુધી પહોંચાડી દીધું. પણ હવે એને કે બીજાં કોઈને આ મેથડ પર આગળ વધવા માટે પ્રોસેસ ખબર નથી...છેક સુધી પહોંચેલું બધું અટવાઈ ગયું છે એમને પણ ન્યુઝ દ્વારા ખબર પડી ગઈ છે કે આ બધું મારાં પ્લાન અને રિસર્ચ દ્વારા થયેલુ છે...આથી એ મને ત્યાં બોલાવવા તગડા પગાર સાથે પાછાં ફરવા માટે ઑફર આપવાનો પ્લાન કરી રહ્યાં છે‌. જો હું પાછો ફરું અને થર્ડ સ્ટેજ સફળ બની જાય તો એ ચોક્કસ છે કે નિયોનફાર્મા અત્યારે ટોપટેનમાં તો છે જ પણ ટોપ થ્રી સુધી પણ પહોંચી શકે છે. "

વિશાખા : " તો તું વિચારે છે ?? તું પાછો જઈશ ત્યાં ?? "

સ્મિત :. " ના જરાં પણ નહીં.. ફક્ત પૈસા માટે આવું કરવું યોગ્ય નથી. ભલે મેં વેક્સિનનું રિસર્ચનું કામ નિયોન ફાર્મામાં શરું કર્યું પણ જ્યારે જરૂર હતી ત્યારે એમણે મને બધું જ સગવડો હોવાં છતાં મને એ બધું પ્રોવાઈડ ન કર્યું અને હવે આ કંપનીના સપોર્ટથી હું અહીં સુધી પહોંચ્યો છું અને હું એ છોડીને પૈસા ખાતર પાછો ત્યાં જાઉં તો મારાં અને મિસ્ટર અરોરામાં શું ફેર રહે ?? "

વિશાખા સ્મિતની બાજુમાં આવીને એનો હાથ પકડીને બોલી, : " હમમમ...ધેટ્સ માય લવલી હસબન્ડ...." મને ખબર જ હતી કે તું આવું જ ડિસીઝન લઈશ..."

સ્મિત: " હવે જે પણ સફળતા મળશે મને સ્ટાર ફાર્મા એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા જ મળશે... ખરાં સમયે મદદ કરનારને ક્યારેય ભૂલવું ન જોઈએ.."

વિશાખા પછી પોતાનાં કામ માટે બેડરુમમાંથી બહાર આવી ગઈ.

***********

લગભગ બપોર થતાં જ સાચે નિયોન ફાર્માનાં હેડનો સ્મિત પર ફોન આવ્યો કે જેથી શરમને કારણે સ્મિત ના ન કહી શકે. પણ પરિવારની સાથે વાત કરીને એણે પહેલાંથી નિર્ણય કરી જ દીધો હોવાથી એણે બહું શાંતિથી ના સ્પષ્ટ રીતે ના કહી દીધી. કદાચ નિયોન ફાર્માને એ મોટો ઝાટકો લાગ્યો એવું કહી શકાય.

એક નવાં મક્કમ નિર્ધાર સાથે બહું ઓછાં જરૂરી લોકોની ટીમ સાથે એણે ઘણાં લોકો પર ત્રીજાં અને ફાઈનલ સ્ટેજનું પરીક્ષણ શરું કરી દીધું.

**************

દોઢ મહિના બાદ,

હાઈકોર્ટની બહાર કેટલાંક લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કોર્ટની બહાર નીકળતાં દેખાઈ રહ્યાં છે‌. એ સાથે જ એક મોટી પોલીસની ગાડી ત્યાં આવીને ઉભી રહી ગઈ.

કોર્ટનાં ચુકાદા બાદ વિધિ ત્યાં એ ગાડી પાસે આવીને ઉભી રહી. કોર્ટનો ચુકાદો બહું કોઈ સાંભળી ચુક્યાં છે કે મિસ્ટર અરોરા સહિત ચારેયને પાંચ વર્ષની જેલની સજા અને દંડ ફટકારાઈ ચૂક્યો‌ છે. મિસ્ટર અરોરા પર મિકિન અને કાજલનો કિડનેપિગ અને મારવાનો પ્રયાસ, આલોક પર સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાયા બાદ બહું મોટો દવાદારૂનાં નામે કરોડો રૂપિયાનો ભાંડો પકડાયો. એની ડીગ્રી પણ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરાયો. પ્રશાંતને ચોરીછૂપીથી આખાં પ્રોજેક્ટ ચોરીને એક સાથે બે જગ્યાએ કંપનીઓમાં આઈડિયાઝ ટ્રાન્સફર કરવા માટે અને મિસ્ટર અરોરાને સાથ આપવા બદલ ત્રણેયને સજા થઈ. મયુરને આ બધાં ખોટાં કામમાં મદદ માટે થઈને ત્રણ વર્ષની સજા થઈ.

વિધિને જોતાં જ મિસ્ટર અરોરાએ પોતાનું મસ્તક ઝુકાવી દીધું. એ પોતાની આંખો કોઈ સાથે મિલાવી ન શક્યાં. વિધિ પોતાની મમ્મી સાથે અહીં આવી. વિધિને એમ જ છે કે હવે તો એનાં પપ્પા એને નફરત કરશે એને અહીંથી મોકલી દેશે...પણ એનાં આશ્ચર્ય વચ્ચે એમણે જતાં જતાં વિધિ અને એની મમ્મીને કહ્યું, " હું તમારાં બંનેનો ગુનેગાર છું...પૈસા અને સત્તાનાં મોહમાં એટલો અંધ બની ગયો હતો કે પરિવાર કે પોતાનાં શું હોય એની કિંમત જ ન કરી... હું માફી માંગવાને લાયક તો નથી જ છતાં મને માફ કરી દેજો..આજે વિધિએ જો મારાં વિરૂદ્ધ ગવાહી ન આપી હોત તો હું કદાચ હજું પણ ન બદલાત...પણ કદાચ મિકિનનાં પરિવારને સાથે આપતાં વિધિને જોઈ ત્યારે મને થયું કે એવું કેવું ગજબ આકર્ષણ હશે એકતા અને પ્રેમમાં કે આજે મારી પોતાની દીકરી મારી વિરુદ્ધ ગઈ છે. આપણામાં કંઈ ખૂટે ત્યારે એની ભરપાઈ માટે જ આપણાં માણસો આપણાંથી દૂર થાય એ મને સમજાયું....મને માફ કરી દેજો પ્લીઝ....!! "

આજે કદાચ વર્ષો બાદ કે પછી પહેલીવાર જીવનમાં મિસ્ટર અરોરા પરિવાર સાથે પ્રેમથી પશ્ચાતાપનાં આંસુ સાથે એકબીજાંને ભેટીને રડી પડ્યાં.

આ કરૂણ દ્રશ્ય જોઈને મિકિન , વિકાસ અને સ્મિત ત્રણેય ત્યાં આવ્યાં.

મિકિન : " આજે તને જોઈતો હતો એ પરિવાર પાછો મળી ગયો ને બેટા ?? બસ એટલે જ અમે વાત કરી દીધી છે કે સજા પૂર્ણ થતાં જ ત્રણેયને પોતાની ડીગ્રી પાછી મળશે...બસ એકવાર ફરી અનીતિનો માર્ગ નં અપનાવતાં..."

સ્મિત પ્રશાંત પાસે આવીને ઉભો રહ્યો, " પ્રશાંતને આજે ભારોભાર પસ્તાવો છે. સ્મિતે એને નાના ભાઈની જેમ જ બધું વિશ્વાસ કરીને સોંપ્યું પણ એ સાચવી ન શક્યો. "

સ્મિત : " ચિંતા ન કર ભાઈ બંધુ જ સારું થશે...તારી સજા પૂર્ણ થતાં તું એક ઈમાનદારીની સફર માટે મારી સાથે ચોક્કસ આવજે. "

થોડાં જ સમય પછી ઈન્ડિયામાં જન્માષ્ટમીનાં જ દિવસે ગવર્નમેન્ટે કોરોનાની વેક્સિન સ્ટાર ફાર્મા દ્વારા લોન્ચ થશે.‌.એવુ જાહેર કર્યું અને એ માર્કેટમાં એ પણ બહું સામાન્ય કહેવાય એવી કિંમતે મળશે....!! " પ્રશાંત જવાબમાં કંઈ બોલી ન શક્યો.

આલોકને બહું પસ્તાવો નથી દેખાતો. થોડાં જ દિવસ પહેલાં કોર્ટમાં એનું નકલી ડીગ્રી સર્ટિફિકેટ રજું કરાયું. એમ.ડી.ની ડીગ્રીનું એ ફક્ત એમ.બી.બી.એસ. ની સાચી ડીગ્રી સાથે પાંચ વર્ષ બાદ પ્રેક્ટિસ કરી શકશે...!!

થોડાં મહિનાઓ બાદ મોટાપાયે ગોઠવાયેલા એક રાજકીય ફંક્શનમાં મિકિનને શહેરી સફળ કમિશનર તરીકેનો ગોલ્ડ મેડલ મળ્યો. સ્મિતની વેક્સિન સફળ થતાં જ કોરોનાનાં કેસ ધીમે ધીમે બહું ઘટી ગયાં. લોકોને રસી પ્રાપ્ત થતાં આપવાની શરુઆત કરાઈ. સામાન્ય જનતા પણ આટલાં સમયની કટોકટી અને ચિંતામાંથી મુક્ત બની. સ્મિતને પ્રધાનમંત્રી દ્વારા વેક્સિન માટે એવોર્ડ પ્રાપ્ત થયો. આજે પ્રથમ કોરોનાની વેક્સિન શોધનાર પ્રથમ દેશ ભારત બની ગયો. એ કારણે આર્થિક રીતે પણ ભારત સમૃદ્ધ બનવાની એક શરુઆત કરી. સાથે સ્ટાર ફાર્માએ પોતાની લગન અને મહેનતથી પોતાનું નામ દેશમાં ગૂંજતું કરી દીધું....!! ઈન્ડિયાએ પણ શક્તિશાળી દેશોને બતાવી દીધું કે આધુનિક નવું રિસર્ચ હવે અહીંનાં વાતાવરણ અને સંસ્કૃતિમાં પણ શક્ય છે.

ભાગ્યેશભાઈને આજે એક નિર્ણય એમનાં સંતાનો દ્વારા આપવામાં આવ્યો કે ત્રણેય ભાઈઓનો પરિવાર પોતાની મરજીથી સાથે રહેશે...અને ભાગ્યેશભાઈ પણ બધાં સાથે જ રહેશે. એમને હવે કેનેડા જવાં દેવાની પરમિશન નહીં મળે‌. આખાં પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ.

ભાગ્યેશભાઈ : " આજે મને પોતાનાથી પણ વધારે પોતીકાપણું મળી ગયું છે....ઈશ્વરે મારી પાસે મારાં જીવનની બે મહત્વની વ્યક્તિઓ છીનવી લીધી ત્યારે હું બહું દુઃખી હતો પણ આજે મને સમજાઈ રહ્યું છે કે કદાચ કુદરત મને આટલું બધું સુખ આપવા ઈચ્છતો હતો... કુદરતનાં ઘરે ખરેખર દેર છે અંધેર નહીં....!!

આજે એક સંપ, પ્રમાણિકતાથી, અને સંસ્કારોથી સિંચિત પરિવાર અને એમની સંસ્કૃતિ લોકોમાં મિશાલ બની ગઈ...!!

" સંપૂર્ણ "

ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"

આપને આ સત્યતાની નજીકનો અહેસાસ કરાવતી આ આહવાન (સત્ય અને પ્રમાણિકતાની કહાની ) નવલકથા કેવી લાગી ?? આપનાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો...

ડૉ.રિધ્ધી મહેતા “અનોખી”