બંધ ઓરડો Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બંધ ઓરડો

અગાઢ સ્વપ્નાઓ ને જોતો એક એવો યુવાન જે પૂરી ધરતી ને પોતાની બાંહો માં સમાવી લેવા માંગતો હતો. બેફિકર થઈ ને પૂરા શહેર માં ઘૂમતો યુવાન પૂરા સમુદ્રને પોતાનામાં સમાવી દેવા માંગતો હતો. એના સ્વપ્નાઓ ને પૂરા કરવા આકાશમાં ઉડવા માંગતો હતો. તેનું સ્વપ્ન હતું કે લોકો માટે મોટી મોટી ઈમારત બનાવે. એમાંથી કમાઈ ને પોતે ડિઝાઇન કરેલું એક સુંદર મજાનું ઘર પોતાના માટે બનાવે. માટે નીરજે સિવિલ એન્જીનીરીંગ ના પ્રથમ વર્ષ માં અમદાવાદ શહેરમાં એડમીશન લીધું. અમદાવાદની એક પોળ માં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. એ મકાન ના નીચે ના ફ્લોર પર મકાન માલિક રહેતા હતા. તેમાં ફક્ત એક ડોસો અને એક ડોસી જ રહેતા હતા. અને મકાન ના બીજા ફ્લોર પર નીરજ પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો.

મકાન ખૂબ સારી રીતે ડિઝાઇન કરેલું હતું. પહેલી નજરે જ પસંદ પડી જાય તેવું મકાન હતું. માટે જ કદાચ નીરજે ઘણા મકાનો જોયા પછી અહીં રહેવાનો નિર્ણય કર્યો હશે! મકાનમાં પ્રવેશતા જ ગરેડી વાળો મોટો લોખંડ નો રંગબેરંગી દરવાજો હતો, આગળ મોટું ફળિયું, એક તરફ રખાયેલો મોટો હિચકો, જમણી બાજુ મકાન માલિકનો સાગ ના દરવાજા માં નકશી કામ કરેલો દરવાજો. મકાન ની ડાબી બાજુ સ્ટીલની રેલીંગ માં કાચ થી મઢેલો દાદરો મકાન ની સુંદરતા વધારતો કરતો હતો. દાદરો ચડતા જ જમણી બાજુ એક નાનો દરવાજો, એની અંદર પ્રવેશતા જ એક મોટો હોલ, હોલની સામે ની દીવાલ ને અડોઅડ સંડાસ બાથરૂમ. આગળ જતાં એક સરખા બે રૂમ જેમાં એક રૂમ માં નીરજ રહેતો અને બીજા રૂમ માં હમેશા એક તાળું મારેલું રહેતું. જેને ખોલવાની પરવાનગી મકાન માલિકે આપી ના હતી. ડાબી બાજુના રૂમ ની સામે ની બાજુ એક ઉભુ રસોડું હતું.

નીરજ જ્યારે પણ કોલેજ જવા નીકળતો ત્યારે કોઈ ભાવ વગર ના ચહેરે ડોસો અને ડોસી જ્યાં સુધી નીરજની ગાડી જતી દેખાઈ ત્યાં સુધી જોતા રહેતા. બંને ના ચહેરા પર કોઈ જાણી ના શકાય તેવી ચિંતા ઘેરાયેલી રહેતી. જ્યારે નીરજ કૉલેજથી પાછો આવતો ત્યારે ડોસી પાણીનો ગ્લાસ લઈને ઓસરીએ બેઠી હોય અને નીરજ ને પાણી નો ગ્લાસ આપતા કહેતી કે આવી ગયો બેટા. નીરજ પાણી નો ગ્લાસ હાથ માં લઇ ને કહેતો કે હા, માજી આવી ગયો. ડોસો પણ હિસકે બેઠા બેઠા ચહેરાને મલકાવી દેતો.

નીરજે એક વાર ડોસા ને કહ્યું કે મારી સાથે જ અભ્યાસ કરતો એક છોકરો મકાન ગોતી રહ્યો છે. જો તમે પરવાનગી આપો તો મારા રૂમ ની બાજુ નો રૂમ તમે ખોલી આપો તો અમે બંને સાથે રહી શકીએ. ડોસો તો વાત સાંભળી ને જ ઉભો થઇ નીરજ ને ગુસ્સા થી જોઈ રહ્યો. એનું આખું શરીર ધ્રુજતુ લાગ્યું. ચહેરા પર પડતી કરચલીઓ વધવા લાગી. એને એવું લાગ્યું કે હમણાં જ પડી જશે માટે પાછો એની જગ્યા પર બેસી ગયો. આંખ માં આંસુ એક ખૂણે લટકી રહ્યું. નીરજ તો ડોસા ને જોઈ જ રહ્યો. એ રૂમ માં એવું તો શું છે કે વાત સંભાળતા જ ડોસો આટલો લાગણીશીલ થઈ ગયો. ડોસો એ તેનું માથું ઉચકાવી નીરજ સામે જોયુ. અને કહ્યું કે બેટા એ રૂમ હું જીવું છું ત્યાં સુધી તો નહિ જ ખુલ્લે. તારા મિત્ર ને બીજું મકાન શોધવા કહી દેજે. આટલું કહી ડોસો પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો. વધારે પૂછવું વ્યાજબી ના લાગતા નીરજ પણ તેના રૂમ માં જતો રહ્યો.

આજે પહેલી વાર નીરજ તેના રૂમ ની બાજુના રૂમ ને નીરખી રહ્યો. આજે તેને આ રૂમ રહસ્યમયી લાગી રહ્યો હતો. એવું તો શું હતું આ રૂમ માં કે જે ડોસા ને તડપાવી રહ્યું હતું. એક પળે એને રૂમ પર લટકતા તાળાને તોડી નાખવા નો વિચાર આવ્યો. પણ બીજી જ પળે એને ડોસાની આંખમાં અટકેલા આંસુઓ નજર આવ્યા. તેણે તાળું તોડવાનો વિચાર પડતો મૂક્યો.
નીરજ બેચેન થઇ ઊઠતો, એને બંને વૃદ્ધ ઉપર ક્યારેક ગુસ્સો આવતો તો ક્યારેક લાગણીશીલ થઈ જતો. એને બંને વૃદ્ધ નું વ્યક્તિત્વ સમજ માં નહોતું આવતું. કંઇક એવું હતું જે નીરજ ને ખટકતું હતું. આજે તેણે નિર્ધાર કર્યો કે એ બંને ને ખટકતી પીડાઓ જાણી ને જ રહશે.

આજે નીરજ કૉલેજથી રોજ ના ટાઈમ કરતા થોડો વહેલો આવી ગયો. આવું પ્રથમ વખત બન્યું હતું કે નીરજ કોલેજ ના ટાઈમ કરતા વહેલા આવી ગયો હોય. એણે જોયું તો આજે પણ માજી પાણીનો ગ્લાસ લઈને ઓસરીમાં બેઠા હતા. નીરજ તો વિચારતો રહી ગયો કે શું માજી રોજ આટલા વહેલા મારી રાહ જોતા હશે? નીરજ આજે પ્રથમ વખત માજી ની પાસે બેસી એક ઘૂંટડે પાણી પિય ગયો. માજી નો રોજ સાંભળવા મળતો એક નો એક પ્રશ્ન આજે પણ પૂછાયો, આવી ગયો બેટા. હા, માજી આવી ગયો. નીરજે માજીની ઊંડી ઉતરી ગયેલી આંખ માં જોતા કહ્યું. આજે નીરજે નક્કી જ કર્યું હતું કે બંને વૃદ્ધ ની અંદર કંઈ પીડા વહી રહી છે. અને પેલા રૂમ માં એવું શું રહસ્ય છે એ જાણી જ લેશે.

નીરજ :- માજી, એક વાત પૂછું?

માજી :- હા, બોલ ને બેટા. માથા ના સફેદ વાળ ને સરખા કરતા કહ્યું

નીરજ :- તમે રોજ મારી રાહ જોતા હોવ એવું મને લાગે છે. હું જ્યારે કોલેજ જતો હોઉં ત્યારે તમે મને ચિંતા ભરી નજરે જોતા હોય એવું વર્તાય છે. જ્યારે કોલેજ થી આવું ત્યારે તમારા ચહેરા પર હરખ હોય એવું સ્પષ્ટ થાય છે. તમને શેની આટલી ચિંતા થાય છે માજી. અને મારી રૂમ ની બાજુ ની રૂમ માં એવું શું છે કે એને તમે ક્યારેય ખોલવા નથી માંગતા. એવું શું રહસ્ય છે એ રૂમ માં? હું હમણાં થી આ જ બાબતે ઘણો ઉકળાટ અનુભવું છું મહેરબાની કરી ને મને સાચું જણાવો.....

માજી:- બેટા....... આગળ કંઈ બોલી શકતા નથી. ગળા માં શબ્દો અટકી ગયા. બંને આંખોમાંથી આંસુ નીકળી ઊંડા ઉતરી ગયેલા ગાલ માંથી પસાર થઈ નીચે ટપાકવા લાગ્યા.

નીરજ આંસુને જોઈ ને હતપ્રદ થઈ ગયો. ખોટો સવાલ પૂછાય ગયો હોય એવો એહસાસ કરવા લાગ્યો. છતાં એને એનો નિર્ધાર કરેલો નિર્ણય યાદ આવતા માજી ને આશ્વાસન આપતા કહ્યું કે...
તમારો દીકરો સમજી ને મને કહો કે તમને કંઈ ચિંતા સતાવી રહી છે?
દીકરો શબ્દ સાંભળતા જ માજી ના ડુસકા વધુ તીવ્ર થાય. વાત વધુ લાગણીશીલ થતી જાય છે એ જોતાં જ ડોસો હિચકેથી ઊભો થઈ નીરજ ની પાસે ઓસરી પર બેસતા કહ્યું કે બેટા તારા બધા પ્રશ્નો ના જવાબ હું આપુ છું.

ડોસો :- એક વાર અમારો અભિષેક પણ તારી જેમ જ કોલેજ જવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તા માં એક બસે તેના મોટર સાઈકલ ને ટક્કર મારતા જ એ ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો. એ અમારો એક નો એક દીકરો હતો. એ તારી બાજુ ની રૂમ માં જ અભ્યાસ કરતો અને ત્યાંજ રહેતો. એના મુત્યુ પછી અમે ક્યારેય એ રૂમ ખોલ્યો જ નથી. કારણ કે એની યાદગીરી ની વસ્તુ જોતા અમે વધુ ભાંગી પડીએ છીએ. આટલી વાત કરતા જ ડોસાની આંખો પાણી થી ભરાઈ આવે છે. થોડી વાર રહી ને પોતાના આંસુ લૂછી ફરી બોલવાનું શરૂ કરે છે.

હવે તને સમજાણું ને બેટા, તું જ્યારે કોલેજ જવા નીકળે ત્યારે કેમ અમારા ચહેરા ચિંતાગ્રસ્ત રહે છે અને જ્યારે તું પાછો આવે છે ત્યારે અમારા ચહેરા ખુશી થી મલ્કી ઉઠે છે.

તને ઘણી વાર કહેવાનું મન થતું કે બેટા સાચવી ને જજે. પણ અત્યાર ની પેઢી ની વણમાંગી સલાહ ગમતી જ નથી. માટે ઘણી વાર હોઠે આવેલા શબ્દો ગળે ઉતારી દેતો.

તને અત્યારે કદાચ એવું લાગતું હશે કે મકાન, સોના, ચાંદી, ઝવેરાત કે પૈસા સૌથી વધુ કિંમતી છે પણ બેટા એ વાત ભૂલ ભરેલી છે કારણ કે સૌથી વધુ કિંમતી તો જીવ છે. જો આ જીવ જ નહિ હોય તો આ બધી વસ્તુ ગૌણ રહી જશે.

અભિષેક ના એક જીવ સાથે બીજા બે જીવ પણ જતા રહ્યા છે. આ તો અમે ખોળિયું લઈ ને જીવ વગરના જીવી રહ્યા છીએ.

તું હોશિયાર છોકરો છો તને બધું સમજાય ગયું હશે એમ કહી ડોસો રૂમ તરફ જતો રહ્યો એની પાછળ ડોસી પણ જતી રહી.

નીરજ વિચારતો રહી ગયો કે અજાણ્યા વડીલો સવાંદ વગર પણ કેટલી કાળજી લેતા હોય છે. આજે તેને પતાના જીવ ની પણ પરવા થવા લાગી. કારણ કે એ પણ એના માતા પિતાનું એક નું એક સંતાન હતું.

* * * * સારાંશ * * * *

અત્યાર ના નવ યુવાનો ને કોઈ અજાણ્યા વડીલ વણમાંગી સલાહ આપે છે ત્યારે એ યુવાન એ વડીલ ને હાંસી પાત્ર સમજે છે અથવા તો એની સલાહ ને અનદેખી કરે છે. પરંતુ એ વડીલને એ અજાણ્યા યુવાન પ્રત્યે પણ એક સહાનુભૂતિ હોય છે. એણે જીવેલી જિંદગીના બોધ રૂપે એ યુવાન ને સાચો રસ્તો બતાવવો હોય છે. પરંતુ કેમ જાણે કેમ એ આજ નો યુવાન સમજી શકતો નથી.

સમાપ્ત
પ્રમોદ સોલંકી

પ્રતિભાવ ના આપી શકો તો ચાલશે પરંતુ સૂચનો જરૂરથી આપજો. મારી બીજી વાર્તા કરિયાવર, સ્ત્રી મિત્ર અને નવરાત્રીનો પ્રેમ રાગ વાંચવા વિનંતી. મારી નવલકથા કુદરતના લેખા જોખા પણ જરૂર થી વાંચજો. આભાર🙏🙏