ખૂબ જ ઉતાવળા પગલે ઘર ભણી જઈ રહ્યો હતો. પત્નીનો ત્રીજી વારનો ફોન પણ કાપી નાખ્યો હતો. આજે દુકાને વધુ ઘરાઘી હોવાથી બપોરે જમવા જવાનું મોડું થઈ ગયું હતું. સમય ૧:૩૦ થઈ ગયો હતો. દુકાન થી ઘર સુધીનો રસ્તો પણ ૧૦ મિનિટ નો જ હતો એટલે પત્નીનો ફોન કાપી નાખવાનુ જ ઉચિત હતું. જો ઉપાડ્યો હોતતો એ જ શબ્દો સાંભળવા મળત કે જમવાનું ઠંડુ થઈ જશે એ પછી મને ના કહેતા. બપોરનો તડકો પણ તેનો પ્રકોપ વરસાવી રહ્યો હતો. આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. શેરીઓ સૂનસાન ભાસી રહી હતી. બસ હું મારા ઘર નો દરવાજો ખોલી જ રહ્યો હતો ત્યાં અમારી શેરી ના ભોળા કૂતરા સામે એક બીજી શેરી નો કદાવર કૂતરો સામ સામા ભસી રહ્યા હતા. કદાવર કૂતરા ને જોતા જ મને અમારી શેરીના ભોળા કૂતરા પર દયા ઉપસી આવી. કદાવર કૂતરાના તીક્ષ્ણ દાંતો અને હાવભાવ પરથી મને એવું લાગ્યું કે હમણાં જ એ ભોળા કૂતરાને રહેંસી નાખશે. પણ આ શું! બંને થોડી વાર સામાં સામી ભસીને પૂંછડી પટ પટાવતા એકાબિજાની વિરૂદ્ધ દિશામાં શાંત થઈને નીકળી ગયા.
હું આ દૃશ્ય જોઈને અચંબિત થઈ ગયો. કારણ કે કદાવર કૂતરાને જોઈને જ એમ લાગે કે હમણાં પેલા ભોળા કૂતરાને લોહી લુહાણ કરી મૂકશે! પણ મેં ધારેલી ધારણા પ્રમાણે કશું જ ના થયું. ત્યાં જ મારા મગજમાં અખબારમાં છપાતા ન્યુઝના અમુક અંશો તરવરવા લાગ્યા. ' ભર બજાર માં મિત્રે તેમના મિત્રની કરી હત્યા ' , ' અંગત અદાવતની દાઝ રાખી યુવકને રહેસી નાખ્યો ' , ' પતિએ કરી પત્નીની હત્યા '. આવા તો કેટલાય ન્યૂઝ પલભરમાં ચલચિત્ર ની માફક મારી આંખો પરથી પસાર થઈ ગયા. શું આજ નો માણસ આ કૂતરા કરતા પણ હિન થતો જાય છે? જો આ કદાવર કૂતરો પણ પોતાની શક્તિ દુબળા કૂતરા પર અજમાવતા ખચકાતો હોય તો આપણે તો માણસો છીએ! પણ અહીં બધું ઊંધું જ થઈ રહ્યું છે. દૂબળાં પર તાકાત અજમાવવા તાકાતવીરો કોઈ ખચકાટ નથી અનુભવતા. આજના માનવીઓ માં સહન શક્તિ ખૂટી રહી છે. એટલા માટે જ કદાચ નાની નાની વાતો માં પણ એ મારામારી પર આવી જતાં હોય છે!
આજ નું ઊંચું જીવન ધોરણ પણ ઘણાખરા અંશે આ બધી બાબતોને અસર કરતું હશે. આ ઊંચા જીવન ધોરણને પૂર્ણ કરવામાં અસફળ થનાર લોકો વધુ ઝનૂન વાપરીને આવા હીન કાર્યો કરે છે. ઘણી વાર લોકો આપણા દેશ ની સભ્યતા ભૂલી જતા હોય છે. મા બાપ તો પૂરા લાડ, પ્યાર અને સંસ્કારિતા થી જ દીકરાઓનો ઉછેર કરે છે પણ દીકરાઓની સંગત પણ આવા હિન કાર્યો માં અસરકારક ભૂમિકા ભજવતી હોય છે.
સૌથી વધુ આવા કિસ્સાઓ અશિક્ષિત વર્ગ માં જોવા મળે છે. પણ સાથે વ્હાઈટ કોલર ગુંડાઓ પણ એટલા જ વધતા જાય છે. આજ ના મોટા નેતાઓ પણ આવા ગુંડાઓને છાવરે છે એ એક ચિંતા નો વિષય છે. દેશ માં પ્રવર્તતી બેરોજગારી પણ આવા હિન કાર્યોમાં મહત્વનો ફાળો નોંધાવે છે.
એક સમય એવો પણ હતો કે સામ સામે ગાડીને ટક્કર લાગી ને પડી ગયેલા લોકો જોશ ભેર થી ગળે મળીને છુટા પડી જતાં. પરંતુ હવે આવા જ નાના બનાવો માં ગાળાગાળી, મારામારી, ચપ્પુ થી વાર કે પિસ્તોલ ચલાવવામાં લોકો કોઈ ખચકાટ અનુભવતા નથી. આવા સમયે લોકોને જરૂર છે એક નવી દિશાની.
માણસ પોતાના માનવીય મૂલ્યો ભૂલતો જાય છે માટે જ ૩ વર્ષની બાળા થી લઇ ને વૃદ્ધા સુધી કોઈ પણ સ્ત્રી ઉપર બળાત્કાર જેવી ઘીનોની હરકત કરતા અચકાતો નથી. પશુને પણ શરમાવે એવા કાર્યો અમુક માણસો કરી નાખતા હોય છે. મોબાઇલનો આવિષ્કાર લોકોને ખૂબ જ ઉપયોગી થયો છે. પણ એની સાથે એનો ગેરઉપયોગ પણ એટલો જ છે. લોકો અશ્લીલ વિડિયો જોઈને જ બળાત્કાર જેવી ઘટનાઓને અંજામ આપે છે.
અમુક જગ્યા પર તો તાકતવર ગુંડાઓ રીતસરના દુકાનદારો પાસેથી હપ્તા વસૂલે છે. પોતાની દાદાગીરીથી લોકોનું શોષણ કરે છે. જોવાની એ ખુબી કે પોલીસ પણ આવા લોકોના કાર્યોમાં આંખ આડા કાન કરતા જોવા મળે છે.
જો કે આવા કિસ્સામાં અમુક સમયે લોકો પણ જવાબદાર છે જે જાગ્રત થઈને કાનૂની કાર્યવાહી આગળ નથી વધારતા. થોડા પૈસા આપી વધારે લપ માથી છુટકારો મેળવવા એ આજીવન તેનો ગુલામ બની રહે છે.
ફોનની રીંગ વાગવાથી હું વિચારોના ગરકાવમાંથી પાછો ફર્યો. જોયું તો પત્નીનો ચોથી વખત ફોન આવતો હતો. તરત જ દરવાજો ખોલીને ઘરની અંદર આવ્યો. પત્નીનો ચહરો જોતા જ અગાઉ જોયેલા ન્યુજપેપરના સમાચાર યાદ આવ્યાં. "પત્નીએ કરી પતિની ......." વિચાર આવતા જ વિચારોને અટકાવ્યા. ફટાફટ જમવા બેસી ગયો અને મોડા આવવાના કારણો પણ રજૂ કરી દીધા. પછી એક હાશકારો થયો. બચી ગયા😀😃