Kariyavar books and stories free download online pdf in Gujarati

કરિયાવર

ફર્નિચર ની દુકાન શરૂ કરી એના પાંચ વર્ષ વિતી ગયા. અવનવા લોકો ના પરિચય માથી પસાર થયો છું. ખૂબ જ અમીર લોકો થી માંડી ગરીબ ઘરના લોકો પોતાની દીકરીના કરિયાવર માટે ફર્નિચર ની ખરીદી કરવા આવતા. પાંચ વર્ષ ના વેપાર ના અનુભવ પરથી એટલું તો હું ચોક્કસ પણે શીખ્યો જ છું કે આવનાર ગ્રાહક કેટલું ખરીદવા સક્ષમ છે. એની વાણી, વર્તન અને પહેરવેશ પરથી હું એમનું બજેટ નક્કી કરી લેતો. એમના બજેટ ને અનુકૂળ પડે એજ વસ્તુ હું એમને બતાવતો. પરંતુ એક એવું ગ્રાહક આવી ચડ્યું જેણે મારા આટલા અનુભવ ને પણ ખોખલો સાબિત કરી દિધો.

એક વાર દુકાન પર કોઈ ગ્રાહક ના હતું એટલે એક પુસ્તકનું વાંચન કરી રહ્યો હતો ત્યારે ફોન પર આવેલ રીંગે મારું વાંચન પર નું ધ્યાન ભંગ કર્યું. પરંતુ બીજી જ સેકન્ડે સ્ક્રીન પર નામ વાંચતા જ ચહેરો ખીલી ઉઠ્યો. કેમ ના ખીલે, મારા ગામ ની બાજુ માં જ રહેતો અને મારી સાથે અભ્યાસ કરતો મારો ખાસ મિત્ર વિપુલ કલસરિયાનો ફોન હતો. એક પળ પણ થોભાવ્યા વગર મે ફોન ઉપાડ્યો. કેમ છે વિપુલ, ઘણા દિવસે યાદ કર્યો. મે ખૂબ ઉત્સુકતાથી વાત ની શરૂઆત કરી. બસ આનંદ છે પ્રમોદ. એકાબિજાની ખુશખબર પૂછ્યા બાદ વિપુલે જે મુદ્દો કહેવા અર્થે ફોન કર્યો હતો એ વાત કહેવાની શરૂ કરી. જેના શબ્દો કંઇક આવા હતા.
યાર પ્રમોદ તારી થોડી હેલ્પ ની જરૂર હતી. મારી ભાણી ને તો તું ઓળખે જ છે. તે જ એને ભાવનગર માં એ નર્સિંગ નો અભ્યાસ કરવા ગઈ ત્યારે એના રહેવા માટે રૂમ ભાડે અપાવી હતી. એના ઘરની પરિસ્થિતિ તો તને ખબર જ છે ને! એના પિતા માંડ ખેત મજૂરી કરી ને ઘર નું ભરણ પોષણ પૂરું પાડે છે. હવે એ ભાણી ની સગાઈ એક ડોક્ટર સાથે નક્કી કરવામાં આવી છે. એના આજ થી ૨ મહિના પછી લગ્ન છે. એના લગ્ન ના કરિયાવર માં આવતી ફર્નિચર ની બધી જ ખરીદી તારે ત્યાંથી કરવાની છે. તને મારી ખાલી એટલી જ ભલામણ છે કે એ લોકોની રેન્જ માં અને ઓછા ભાવે સેટ તૈયાર કરી આપજે. મારા ખ્યાલ થી એ લોકો રૂ.૨૫૦૦૦ સુધી ની રેન્જ માં વસ્તુ ખરીદવા માંગે છે. અને એમાં પણ એ લોકો થોડા પૈસા બાકી રખાવે તો થોડા સમય સુધી બાકી રાખજે મારા વતી. હું કાલે જ મારી ભાણી ને લઇ ને તારી દુકાને આવીશ.

શું વાત કરી યાર વિપુલ. તારી ભાણી એ મારી ભાણી. એ લોકો જે પ્રમાણેનો સેટ જોઈશે એ પ્રમાણે હું કરી આપીશ. અને પૈસા ની પણ કાંઈ ચિંતા ના કરતા. હવે તમે કાલે આવો જ છો તો રૂબરૂ જ વાત કરીએ.

બીજા દિવસે સવારે વિપુલે કહ્યા મુજબ ભાણી, તેના મમ્મી પપ્પા અને વિપુલ દુકાન પર આવે છે. ઔપચારિક વાતો કર્યા પછી તેમને અનુરૂપ મે ૨૩૦૦૦ રૂપિયા વાળો ફર્નિચરનો સેટ બતાવ્યો જેમાં ૬×૪ પલંગ, ગાદી, કબાટ, ડ્રેસિંગ કાચ, ટીપોય અને ખુરશીનો સમાવેશ થતો હતો. આ વાત જણાવતા જ ભાણી ના પપ્પા નો ચહેરો મલ્કી ઉઠ્યો. એ જણાવી નહોતા શક્યા પણ હું એના ચહેરા ને સ્પષ્ટ વાંચી શકતો હતો. પરંતુ ભાણી એ મને સ્પષ્ટ શબ્દો માં કહ્યું કે મામા હું જે ઘર માં જવાની છું ત્યાં આવી સાદી વસ્તુ લઈ ને જઈશ તો સારું નહિ લાગે. માટે મને કોઈ સારો સેટ બતાવો જેથી મારા સાસરિયાં વસ્તુ જોઈ ને ખુશ થઈ જાય. મે બધી જ વસ્તુ બતાવી પછી એણે રૂ.૬૫૦૦૦ વાળો સેટ પસંદ કર્યો. ભાણી ના પપ્પા તો જાણે હિસાબ ની ગણત્રીઓ કરતા હોય એમ એના ચહેરા પર ચિંતા ના વાદળો ઘેરાય રહ્યા હતા. વિપુલે અને ભાણી ની મમ્મીએ ભાણી બેન ને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા છતાં બધા પ્રયત્નો નિરર્થક સાબિત થયા. ભાણી ના પપ્પા એ એના ચેહરા પર ના મુખવટા ને બદલાવી આત્મવિશ્વાસ થી મને કહ્યું લો પ્રમોદભાઈ દીકરી ને આ સેટ ગમે છે તો આ જ સેટ એને લઈ આપીશ. લો આ રૂ. ૧૫૦૦૦ હજાર બાના પેટે. થોડા દિવસ માં કરિયાવર લઈ જઈશું ત્યારે બાકી ના પૈસા પણ આપી દઈશ. હવે આ સેટ કોઈ ને આપશો નહિ. દસ દિવસ ની અંદર અમે લઈ જઈશુ.

હું તો આ આખું ચિત્ર જોતો જ રહી ગયો. એમના બજેટ કરતા ઘણા જ વધારે બજેટ વાળી વસ્તુ પસંદ કરી હતી. મને તો ભાણી ના પપ્પા નું ટેન્શન આવી રહ્યું હતું કે આટલા રૂપિયા નો બંદોબસ્ત કેવી રીતે કરશે?

એમણે કહ્યા મુજબ એ લોકો સાતમા દિવસે કરિયાવર ભરી ગયા અને બાકી ના પૈસા પણ રોકડા આપતા ગયા. મે ઘણી વાર કહી જોયું કે પૈસા ની કોઈ ચિંતા નથી ગમે ત્યારે આપશો તો પણ ચાલશે. છતાં તેમણે એટલું જ કહ્યું કે અમારે આજે નહિ તો કાલે દેવાના જ છે ને. તો પછી શું ખોટા બાકી રાખવા.

એ વાત ને આજે એક વર્ષ વિતી ગયા પછી એક વાર વિપુલ દુકાન પર આવ્યો. ત્યારે વાતો વાતો માજ મે એને ભાણી વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે બંને વચ્ચે મન ભેદ અને મતભેદ થતાં હોવાથી એક મહિના પહેલાં જ એ લોકો ના છૂટાછેડા થયા છે. વાત જાણી ને મને ખૂબ જ આંચકો લાગ્યો પણ બીજી પળે જ મન બોલી ઉઠ્યું કે જે માવતર ની પરિસ્થિતિ ના સમજી શકે એ બીજા ને શું સમજી શકવાના? વિપુલે બીજી વાત કરી ત્યારે સૌથી વધારે દુઃખ થયું કે ભાણી ના પપ્પા એ બજારમાંથી ૪% વ્યાજે પૈસા લાવી એના લગ્ન કર્યા હતા. અને હજુ પણ એ પૈસા ચૂકતે કરી શક્યા નથી.

* * * * સારાંશ * * * *

માતા પિતા આખી જિંદગી કાળી મજૂરી કરીને પોતાના બાળકો ને ઉછેરે છે. પોતાની દરેક ઈચ્છાઓ ને મારી ને પોતાના સંતાન ની દરેક જીદ પૂરી કરે છે. છતાં તે જ સંતાન મોટું થઈ ને પોતાના માતા પિતા ની વેદના સમજવા ને બદલે ખોટો દેખાડો કરવા પોતાના અહમ ને સંતોષવા ખોટી જીદ કરે છે. આ અત્યાર ના યુગ ની વાસ્તવિકતા છે. એક કહેવત છે ને કે "જેટલી ચાદર હોય એટલા જ પગ પહોળા કરવા જોઈએ" વ્યક્તિ પોતાની વર્તમાન સ્થિતિને મહત્વ આપવાને બદલે ખોટી દેખાદેખી કરે છે. આપણી આર્થિક અને સામાજિક સ્થિતિ મુજબ દેખાદેખી થાય તો એ બરાબર છે. પરંતુ ચાદર કરતા વધારે પગ પહોળા કરીને માત્ર ને માત્ર લોકો સામે પોતાનો વટ રાખવા કરાયેલી દેખાદેખી સમગ્ર પરિવારને મુશ્કેલીમાં મુકી દેતી હોય છે આપણે ખોટી દેખાદેખી કરતા પહેલા એકવાર આપણી વર્તમાન પરિસ્થિતિ જોઈ લેવી જોઈએ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED