દીકરી Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી

ભારે મૂંઝવણના અંતે મનીષા એક નિર્ણય પર આવે છે. એ નિર્ણય ખૂબ જ ગંભીર હતો. શું એના બા (મમ્મી) આ નિર્ણયને માન્ય રાખશે? પોતાના મનને જ આ પ્રશ્ન કરે છે. બાના માટે જ તો આ નિર્ણય કર્યો છે. એનું મારા સિવાય છે પણ કોણ? પોતે જ પોતાને જવાબ આપે છે. બા રોકકળ કરશે જ આ નિર્ણય માટે એના માટે પણ પૂર્વ તૈયારી રાખી જ હતી. કોઈ પણ સંજોગોમાં આ નિર્ણય નહીં બદલે.


પિતાના અવસાન થયા બાદ મનીષા નો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. સાવકો ભાઈ ક્યારેય બા કે મનીષાની સારસંભાળ લેતો ના હતો. સારસંભાળ તો દૂરની વાત છે ગામમાં પણ બા અને મનીષાની ખોદણી કરવાની એકોઈ તક ચૂકતો ના હતો. શા માટે એ આવું કરતો હતો? બા એ તો એને ખૂબ લાડ પ્યારથી ઉછેર્યો હતો તો પણ કેમ એ આવું ઓરમાયું વર્તન કરતો હશે? જ્યારે મનોજના બા ગુજરી ગયા હતા ત્યારે તો મનોજ ૫ વર્ષ નોજ હતો. પિતાએ બીજા લગ્ન કર્યા. પછી મારી બાએ મનોજનો ઉછેર એક સગા દીકરાની જેમ જ કર્યો હતો છતાં કેમ એ મોટો થઈને આટલો ભેદભાવ રાખતો હશે. કદાચ મારા અને સુરેશના જન્મ પછી બાએ મનોજ પર ઓછું ધ્યાન આપ્યું એમ હોય શકે! પણ ના બા એવી તો નહોતી જ કે મનોજ ને કાંઈ ઓછું આવવા દે. પણ એક જોતા સારું થયું કે મનોજ મુંબઈ રહેવા જતો રહ્યો. મનીષા વિચારોમાં વિહવળ થયા કરતી એના મન માં ઉઠતા આ બધાના જવાબો તેની પાસે નહોતા. પણ આવા વિચારોથી એ દુઃખી થઈ જતી. એ દુઃખી જરૂર હતી પણ ક્યારેય એની બા પાસે રડી નહોતી કારણે કે જો એની બા પાસે રડાઈ જશે તો બા વધુ દુઃખી થશે એ વિચારે જ એ અંદરો અંદર બળી ઉઠતી. બાને દુઃખી જોવાની શક્તિ પણ ક્યાં મનીષા પાસે હતી.


ક્યારેય પૈસાની માંગણી મનીષાએ કે બાએ મનોજ પાસે નહોતી કરી. ઘરનું ગુજરાન તો નાની કરિયાણાની દુકાનમાંથી કરતા. ચાલો મનોજ તો સમજ્યા કે સાવકો ભાઈ હતો એટલે એ ઓછું ધ્યાન આપતો હશે પણ સુરેશ તો સગો ભાઈ હતો! એને પણ ક્યાં માં દીકરીની પરવા હતી! એ સુરત ગયો હીરા ઘસવા એને આજે ૮ વર્ષ થયાં. પહેલા એ દર ૬ મહિને ૮ દિવસ રોકાતો ત્યારે તો દુકાન સંભાળી લેતો અને માં દીકરી માટે સુરત થી કપડાં પણ લઈ આવતો. ઘર ખર્ચ માટે પૈસા પણ આપીને જતો. પણ જ્યાર થી એણે લવ મેરેજ કર્યા પછી તો એ સાવ બદલાઈ જ ગયો. ભાભીને લઈને એક જ વાર આવ્યો હતો ગામડે. કદાચ ભાભીને ગામડે નહિ ગમતું હોય એટલે એણે પણ આવવાનું બંધ કરી દીધું હશે! પહેલા તો ૮ દિવસે એકાદવાર ફોન કરીને ખબર પણ પૂછી લેતો હવે તો મહિનાઓ સુધી ક્યાં એકોઈ ફોન આવતો! લગ્ન પછી તો એકવાર પણ એણે પૈસા આપવાની વાત તો દૂર પૈસા વિશે પૂછ્યું પણ નથી.


સગાઈ વખતે પણ ભાઈ એ એવું જ કર્યું હતું ને! મે એને પૂછ્યું હતું કે છોકરા વિશે તું તપાસ કરી લેજે? ત્યારે પણ એણે કેવો જવાબ આપ્યો હતો. "તમને માં દીકરીને ગમે તો કરી નાખોને" આવો જવાબ કોઈ બહેનને આપતું હશે! પછી શું? પછી તો ભાઇને પૂછવાનું પણ બંધ કરી દીધું. એને કોઈ લાગણી જ ના હોય તો શાં માટે પૂછવું જોઈએ. સગાઈ વખતે ભાઈ આવ્યો પણ હતો પણ એક મહેમાન થઈ ને. આવી ને જતો રહ્યો. એણે પૂછવાની દરકાર પણ નહોતી કરી કે આ ખર્ચ માટે કંઇ જરૂર હોય તો કહેજો. મનોજ તો સગાઈમાં આવ્યો પણ નહોતો. જો કે બંને ભાઈ પાસે કોઈ આશા હતી જ નહિ. દુકાનના વેપારમાથી થયેલ બચતથી જ ખર્ચ તો નીકળી જ ગયો હતો. પણ સાથે જ બંને ભાઈનું હ્રદયમાં રહેલું સ્થાન પણ નીકળી ગયું.

બા ની ચિંતા સતાવતી હતી. જો પોતે લગ્ન કરીને સાસરે જતી રહે તો બંને ભાઈ માંથી એકપણ ભાઈ બા ને સાચવશે નહિ. અત્યારે તો બા ઘરનું બધું કામ કરી શકે એમ છે પણ આગળ જતા ઉંમર પ્રમાણે એ કામ ના થઈ શકે ત્યારે એની સંભાળ લેનાર કોઈ એની પાસે નહિ હોય. માટે હવે મારે જ આ નિર્ણય લેવો જરૂરી છે. આ સગાઈ ને હું તોડી નાખીશ. આજીવન બા ની સેવાનું જ ધ્યેય રાખીશ.


તરત જ મનીષાએ જે છોકરા સાથે સગાઇ થઇ એ છોકરાને ફોન કર્યો. સામે થી આવેલા ફોનથી છોકરો ખૂબ જ ખુશ થઈ ગયો. કારણ કે અત્યાર સુધી ક્યારેય મનીષા એ સામે થી ફોન કર્યો જ નહોતો. પરંતુ એ ખુશી થોડીવાર જ ટકી શકી. મનીષાએ બીજી આડી અવળી વાતો ના કરતા મુખ્ય મુદ્દાની વાત કહી. "હું આ સગાઈ રાખવા નથી માંગતી". સામે વાળો છોકરો ગભરાય ગયો. મારાથી કાઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું પણ તું આવી વાત ના કર. કાકલૂદી કરવા લાગ્યો છોકરો. પણ મનીષા મક્કમ હતી. એ ટસ થી મસ ના થઈ. છોકરાએ સગાઈ તોડવા માટે નું કારણ પૂછ્યું. મનીષાએ ગોળગોળ જવાબ આપી વાતને પૂરી કરી અને કહી દીધું કે સગાઈ વખતે જે તમે મને આપ્યું એ બધું લઈ જજો.


બા ના કાને વાત પહોંચી. ખૂબ ઝગડો કર્યો મારી સાથે. મને પૂછ્યા વગર આ નિર્ણય લીધો જ કેમ? આ કોઈ ઢીંગલા ઢીંગલી ના ખેલ છે? આપણા સમાજમાં હું શું મોઢું દેખાડીશ? નિરુત્તર બની હું બાને વઢતા જોય રહી. બાએ મારી આંખોને વાંચી લીધી. એને પણ ખબર પડી કે મે શાં માટે સગાઈ તોડી. મને ગળે વળગી રડી પડ્યા. ફરિયાદ કરી રહ્યા હતા કે મારા માટે તે શા માટે આવું કર્યું? મારી જિંદગી તો પૂરી થવા આવી છે બેટા તું આમ મારી પાછળ તારી જિંદગી ના ખર્ચી નાખ.


આજે મનીષા પોતાના એકલા હાથે એની બા ની સંભાળ લે છે. સાહેબ આ છે આજકાલની પુરુષ સમોવડી દીકરી. જે ઉંમરમાં એને પોતાના લગ્નના સપના જોવા જોઈએ. પોતાના હાથોમાં મહેંદી રચવી એ ઉંમરે પોતાની સામે નવજીવન હોવા છતાં પોતાના અરમાનો ને પોતાના સપનાઓને એક અલ્મારીમાં કેદ કરીને પોતાની બા ખાતર આખું જીવન તેની સેવામાં ખર્ચી નાખવા તૈયાર છે. એક દીકરાની જેમ પોતાની બા ના ધડપણની લાકડી બનીને રહી.જે આશા એક દીકરા પાસે રાખવી જોઈએ એ તમામ જવાબદારી આજે મનીષા પૂરી કરે છે. આપણા દેશમાં દરેક ઘરમાં જો મનીષા જેવી દીકરી હોય ને સાહેબ તો સાચું કહું તો કોઈ માં બાપને ઘરડા ઘર માં જવું ના પડે.

સમાપ્ત
પ્રમોદ સોલંકી