ખાલીપો - 12 (દિપકને ફરીથી મળી) Ankit Sadariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાલીપો - 12 (દિપકને ફરીથી મળી)

જમીને હું થોડી વાર ફળિયામાં છાયે હીંચકા પર બેઠી. ધીમે ધીમે થોડી ઊંઘ ઘેરાતી હતી અને સાથે સાથે યાદો પણ રમતી હતી. ત્યાં બહાર વૃક્ષ નીચે એક કોલેજીયન કપલ એકબીજામાં ખોવાયેલું હતું. છોકરો મોટર સાઇકલ પર સ્ટેન્ડ ચડાવી બેઠો હતો, છોકરી એની પાસે હાથમાં હાથ નાખીને ઉભી હતી. જાણે બંને એકબીજાને કઈક પ્રોમિસ કરી રહ્યા હોય. બાલિશ લાગતી આ રમતમાં જિંદગીના ઘણા ફેસલા થઈ જતા હોય છે.
--
તે દિવસે દિપક પણ મને આમ જ મળવા આવેલો. તે વરસાદી દિવસ પછી આજે અમે પહેલી વખત એકાંતમાં મળ્યા. શું બોલવું એ જ સમજાતું નહોતું. એક દિવસે અમે એકમેકમાં એક થઈ ગયેલા અને પછી સીધો જ વિરહ. આજે પણ દિપક એટલો જ આકર્ષતો હતો, કદાચ વધુ. એ નજીકના શહેરમાં બાઇક લઈને આવ્યો હતો, હું બસમાં ગઈ હતી. પછી એની બાઇકમાં બેસીને અમે શહેરની એક સારી હોટેલમાં ચાઇ પીવા આવ્યા હતા. હું બાઇકમાં પણ એક સલામત અંતર રાખતી હતી, એ પણ કદાચ મારી મનોભાવના સમજતો હતો.
અમે ઘણા સમય સુધી એમ જ બેસી રહ્યા, વેઈટર આવ્યો ત્યારે એને પૂછ્યું કે શું લઈશ? મેં કહ્યું જે તું મંગાવે તે અને એને મારી પસંદની ઈલાયચી વાળી ચા મંગાવી. એને કેમ ખબર કે મને ઈલાયચીવાળી ચા બહુ જ ભાવે છે? અમે છેલ્લે મળેલા ત્યારે તો હું ચા પીતી પણ ના હતી. મતલબ એ હજુ મારું ધ્યાન રાખતો હતો. મેં એના તરફ જોઈને સ્માઈલ કરી. એ પહેલાની જેમ જ શરમાયો.
થોડા સમય પછી ચા આવી, મેં શાંતિ ભંગ કરતા પૂછ્યું "તો કેવી છે છોકરી? "
એ બોલ્યો "સારી છે." ફરી ધીમેથી વાત આગળ વધારતા ટોન્ટ મારતા બોલ્યો " મારી જ જ્ઞાતિની છે, ઘર પરિવાર પણ અમારા જેવો જ છે. તો અમારો સ્વભાવ બહુ જ મળતો આવે છે."
મેં કહ્યુ "બરાબર. મતલબ કે વાતો થાય છે".
એ બોલ્યો " હા.. મળીએ પણ છીએ..અહીં જ !".
મારું મન સળગતું હતું, ગુસ્સો પણ આવતો હતો. પણ એમાં એનો પણ ક્યાં કાંઈ વાંક હતો. મારી પાસે દિપક પર ગુસ્સો કરવાનો કોઈ જ હક્ક નહોતો.
એ એટલો જ શાંત લાગતો હતો. એને પૂછ્યું તો "જોવા આવ્યો હતો એ છોકરો કેવો હતો? બહુ વખાણ સાંભળ્યા છે".
મેં કહ્યું " હા..દેખાવમાં ઠીકઠાક છે.."
એ વચ્ચે અટકાવતા બોલ્યો - "સરકારી નોકરી છે અને સરકારી ગાડી પણ.."
મેં કહ્યું "મારા વિશે બહુ માહિતી રાખે છે.."
એને કહ્યું "રાખવી જ પડે ને કે એમ કહીએ રખાઈ જ જાય.."
મને ગમ્યું, હું કાંઈ ના બોલી. મેં થોડી સ્માઈલ કરી.મારી આગળની લટને આંગળીના ટેરવાથી હળવેથી કાનની પાછળ કરી.
એ આગળ બોલ્યો - " તો પછી હવે કેમ મળવા બોલાવ્યો?"
મેં જવાબ આપવાનો બદલે સામો સવાલ કર્યો - "તને ક્યારેય મળવાનું મન ના થયું?"
એ થોડો મરકયો પણ આંખો એનું દુઃખ છુપાવી શકતી ના હતી. બોલ્યો - "તારો ભ્રમ છે કે હું તને મળતો નથી, આટલા વર્ષો પછી પણ હું તને એટલો જ મળું છું જેટલો પહેલી વખત મળ્યો હતો."
મને એની ફિલોસોફીમાં કાંઈ સમજાતું નહોતું. હા એ સાહિત્ય પરિષદમાં કૈક કામ કરતો હતો. સાથે સાથે એક બે પાછલી જ્ઞાતિઓને આગળ લઇ આવવા પણ મહેનત કરતો હતો.
મેં કહ્યું (હસતા હસતા) - " તો પછી ચાલ અહીંથી જ ક્યાંક ભાગી જઈએ".
એ બોલ્યો - "ઊંચી જ્ઞાતિની છોકરી અમારી જ્ઞાતિમાં નો સમાય".
મેં કયું - "તારે ટોન્ટ જ મારવા છે? મારી ય મજબૂરી હતી સમજ. તને ખબર જ હશે"
એ બોલ્યો - "પ્રેમ કર્યો ત્યારે મજબૂરી ખબર નહોતી? સાચા પ્રેમને કોઈ મજબૂરી હોતી નહોતી."
અત્યાર સુધી દીપકને ગુમાવવા પાછળ મમ્મી, પાપાને જવાબદાર ગણીને એના પર ગુસ્સો કાઢતી રહી. આજે દીપકે ભાન કરાવ્યું કે વાંક તો મારો જ છે. આજે ક્યારેય નહોતું થયું એવું દુઃખ થયું.જીવનમાં તમારી સાથે જે કાંઈ થાય છે એના જવાબદાર તમે કરેલા નિર્ણયો જ છો!
મેં મારી જાતને સાચવી, ધીમેથી મારો પક્ષ રજૂ કર્યો "ત્યારે ઉંમર પણ નાની હતી, વધુ સમજ પડતી નહોતી. મમ્મી પપ્પાની આબરૂ, સ્વમાન મારા માટે સૌથી પહેલા... "
એને વચ્ચે અટકાવતા જ કહ્યું "તો અત્યારે મળવા આવી એમાં તો ક્યાંક મમ્મી પાપાની આબરૂ નથી જતી ને? તો હું જ ચાલ્યો જાવ."
હું રડવા જેવી થઈ ગઈ. મારી પાસે જવાબો ઘણા હતા પણ આપવા નહોતા, એ દુઃખી દિલને વધુ દુઃખી કરવું નહોતું.
મેં કહ્યું- " જે થયું એ ભૂલી જા.. હું પણ તને હજુ એટલો જ પ્રેમ કરું છું. કાલે એ છોકરો જોવા આવ્યો એ મને ગમ્યો. પણ સતત હું તને અન્યાય કરતી હોય એવી લાગણીઓ થતી હતી. એટલે જ મેં તને મળવા બોલાવ્યો..".
એને કહ્યું- "તો હવે શું કરવાનું છે?"
મેં કહ્યું - "હવે ક્યારેય આમ આપણે મળીશું નહિ. બંને મિત્રની જેમ ક્યાંક ફંક્શન કે ગામમાં મળીએ તો વાત કરી લેશું. આપણે આપણા ભવિષ્યના પાર્ટનરને પૂરતો પ્રેમ આપશું. એમની સાથે ખુશ રહેશું."
એ તરત જ બોલ્યો -" એ તો તું ના મળી હોત તો પણ એ જ કરત.."
મેં કહ્યું - "હા, પણ આપણી વચ્ચેની ગેરસમજ દૂર કરીને આપણા સંબંધો પર સાવ પૂર્ણવિરામ લાગતા બચાવવું હતું..અને હા તને જોવો પણ હતો.."
એ બોલ્યો - "જોઈ લીધો હોય તો ચાલ હવે..યાદ રાખજે હું હમેશા તને પ્રેમ કરું છુ. ક્યારેય પણ મારી મદદની જરૂર પડે તો ફક્ત યાદ કરજે હું સામે જ હોઈશ.'
હું કાંઈ બોલી નહિ અને આજુબાજુના લોકોની પરવાહ કર્યા વગર હળવેકથી એના ગાલ પર પપ્પી કરી લીધી.

--
ત્યાં જ મારી વિચારધારા તૂટી. ટપાલી કોઈ કાગળ આપવા આવ્યો હતો. કદાચ દર્શનની કંપનીના કાગળો હતો. મેં કાગળ લઈને સહી કરી. ત્યાં સામે જોયુ તો પેલું ઝાડ નીચે ઊભેલું કોલેજીયન કપલ હળવી કિસ કરીને બાય બાય કરી નીકળી ગયું.

(કમશઃ)

તમને આ વાર્તા કેવી લાગે છે જરૂરથી પ્રતિભાવમાં જણાવજો.