દર્શનનો ફોન આવતા જ મારી યાદોની ગાડીમાં બ્રેક લાગી. હું બેડ પરથી ઉભી થઇ. અત્યારે તો મારી જિંદગીનો એકમાત્ર સહારો દર્શન હતો. જીવન જીવવાનું કારણ પણ એ જ હતો. જેમને આપણે જીવન સાથી કહીએ એનો જીવનભર સાથ તો આપીએ જ ને ! અફકોર્સ મારો મોટો પરિવાર હતો જ, તો પણ જીવનમાં અજીબ ખાલીપો હતો.
આ જિંદગી છે જ સાલી એવી, પહેલા કૈક એવું આપે જે આપણને બહુ ગમવા માંડે, એની આદત પાડી દયે પછી ધીમે ધીમે એ જ પ્રિય વસ્તુ તમારી પાસેથી છીનવી લે. તમને રડાવે, બેચેન કરે, જિંદગીથી તમે નફરત કરવા માંડો. ત્યાં જ જિંદગીમાં એવું કંઈક નવું આવી ગયું હોય, જે તમારી જિંદગી બની જાય. કદાચ, એ પહેલાં કરતા પણ સારું હોય. અને આ જ રીતે જિંદગી જીવાતી જાય !
મારી અને દીપકની મુલાકાતો વધતી જતી હતી. એ બાલિશ ઉંમરમાં પ્રેમ ફક્ત પ્રેમ જ નહોતો, રોમાંચ હતો, નવો અનુભવ હતો, એક મોડ હતો, જિંદગીનો બદલાવ હતો, મારામાં થતો બદલાવ હતો, મારી આખી દુનિયા બદલાતી જતી હતી. અમે દુનિયાથી છુપાઈને એકબીજા માટે થોડી સમય ચોરી લેતા. ક્યારેક રાવણાના ઝાડ પાછળ મળતા, ક્યારેક દુરની ટેકરી પર, ક્યારેક ટેકરીથી નીચે ખડખડ વહેતા ઝરણાં પાસેના અવાવરું મંદિરે. વર્ગખંડમાં પણ ચિઠ્ઠીઓની આપ-લે થી વાતો કરતા રહેતા.એક એક ચિઠ્ઠીના જવાબ માટે આતુરતા રહેતી, જવાબ વાંચીને મોઢા પર આવતા ભાવ, શરીરમાં થતી ધ્રુજારી કૈક અલગ જ હતા.
ચિઠ્ઠી હું વાંચી રહી હતી
"દક્ષા, મને તને જોયા કરવું બહુ જ ગમે છે. એમ થાય કે બસ આમ જ તું મારી સામેની પાટલી પર બેઠી રહે અને હું તને જોતો રહું. શું તને પણ મારા માટે આવું થાય છે.? "
મેં વાંચ્યું, સ્માઈલ કરી. હજી હું જવાબ લખવા જ જતી હતી ત્યાં ધ્યાન પડ્યું અમારા ગણિતના શિક્ષક ચંપક સાહેબ પણ આ જવાબ વાંચી રહ્યા હતા. મને ઉભી કરી
" આ બધું શું છે?"
"મને નથી ખબર સર, કોઈક મને હેરાન કરે છે"
સાહેબે બૂમ પાડી, "કોણ છે એ નાલાયક?" વર્ગખંડમાં ટાંચણી પડે તો પણ અવાજ આવે એવો સન્નાટો હતો. મેં ત્રાસી આંખે દિપક તરફ જોયું, એ ડરનો માર્યો ધ્રૂજતો હતો.
ક્લાસમાં બધા છેલ્લી બેન્ચ પર બેઠેલ રવજી તરફ જોઈ રહ્યા હતા. રવજીને સાહેબે ઉભો કર્યો. રવજીને કાંઈ બીક જેવું નહોતું. "સાહેબ આ વખતે હું નહોતો પહેલા જ કહી દવ છું. અક્ષર જોઇ લ્યો".
સાહેબે અક્ષર જોયા થયું કે રવજીના આટલા સારા અક્ષર ના જ હોય. એટલે બેસાડી દીધો. ત્યાં પિરિયડ પૂરો થઈ ગયો. અમે માંડ માંડ બચ્યા.
દિવસો વીતતા ગયા અમારી પ્રેમકહાની દિવસેને દિવસે ગાઢ બની રહી હતી. ઘણા લોકોને અમારા પર શક પણ હતો. અમે પ્રેમમાં એટલા પાગલ બની ગયા હતા કે ભણવામાં ધ્યાન આપવાંનું પણ ઓછું થઈ રહ્યું હતું.
આજે અમારે દશમાં ધોરણનું પરિણામ આવ્યું હતું. દિપક હોશિયાર હતો અને બધાને એનાથી સારી અપેક્ષા હતી. હું પણ ભણવામાં ઠીકઠાક જ હતી. દીપકના 65 ટકા આવ્યા એ નિરાશ હતો કારણ કે એને 80 ઉપર ટકાની અપેક્ષા હતી. અમારી પ્રેમ ઘેલછાને લીધે અમે વર્ગખંડની શિક્ષા કરતા ચિઠ્ઠીઓની આપ લેમાં વધુ ધ્યાન આપ્યું હતું. હું ગણિતમાં નાપાસ થઈ.
ઘરે રિઝલ્ટ લઈને ગઈ તો બાપુજી થોડા ગુસ્સે થયા. બા ને કાંઈ ફર્ક પડ્યો હોય એવું લાગ્યું નહિ. બાપુજીને અમારા બધા ભાઈ-બહેનથી વધુ અપેક્ષાઓ હતી, બાપુ બધાને મોટા સરકારી અફસરો બનાવવા માંગતા હતા. હું થોડી વખત રડી, મને ત્યારે દીપકની બહુ ઈર્ષા આવતી હતી. એ સાલાએ પ્રેમની રમત રમતમાં ભણી લીધું, પાસ થઈ ગયો અને મેં જીંદગી બગાડી. હું એને મહિનાઓ સુધી મળવા જ ના ગઈ. રેખાએ મને દીપકની કેટલીક ચિઠ્ઠીઓ આપી પણ મેં વાંચ્યા વગર જ સળગાવી દીધી.
બાપુએ મને ગણિતમાં ફરીથી ટ્રાય આપવાની વાત કરી. મેં હા પાડી પણ મને ગણિત શીખવે કોણ? મારી મોટી બહેન સોનલ સાસરિયામાં જઈને ભણતર પૂરું કરી શિક્ષિકા બની ગઈ હતી. કૃપાલી પણ બહુ હોંશિયાર હતી અને એ હમણાં જ આગળનું ભણવા બોર્ડીંગમાં ગઈ હતી. એટલે મને ગણિત શીખવવાવાળું કોઈ નહોતું. ત્યાં વાત કરતા કરતા બાપુએ કીધું ચનાભાઈના છોકરાને ગણિતમાં 89 માર્ક્સ આવ્યા છે. એમની બિચારાની પરિસ્થિતિ ય ખરાબ છે એને પૂછી જોવ ટ્યુશન રાખે તો. એવું હોય તો આપણે એને બે પાલી ઘઉં આપી દેશું. હું કાંઈ ના બોલી, હવે મારો ગુસ્સો શાંત થઈ ગયો હતો. એ બહાને એને મળવા મળશે એ જાણીને જ હું ખુશ થઈ ગઈ. દિપકને ત્યાં મારું ટ્યુશનમાં જવાનું નક્કી થયું. મેં એ રાતે ઘણા સપનાઓ જોઈ લીધા.
સવારે બધા મારા સપનાઓ મરેલા મળ્યા. હું કામ કરી તૈયાર થઈને દીપકના ઘરે જવા તૈયાર થતી હતી ત્યાં જ દિપક ઘરે આવી ગયો. બા એ શરત રાખી હતી કે એ છોકરો ઘરે આવે તો જ ટ્યુશન રાખવા દેશે. બાની અમારા પર બાજ નજર રહેતી. હું એને આટલો સમય કેમ ના મળી, મેં એના પત્રોના જવાબ કેમ ના આપ્યા એ બિચારાને કાંઈ જ ખબર નહોતી.
દીપકે એક દિવસ ગણિત શીખવતા શીખવતા નોટમાં લખ્યું જો સાચો પ્રેમ કરતી હોય તો આજે સાંજે રાવણાના ઝાડ નીચે મળજે. મારા પ્રેમના સમ છે. મારે પણ એકાંતમાં એને મળવું જ હતું. એને બથ ભરવી હતી, એને કિસ કરવી હતી, એને પકડીને રડવું હતું ! મારે ફરીથી એને સૂંઘવો હતો, મહેસુસ કરવો હતો.
એ દિવસે બહુ વરસાદ વરસી રહ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાવા લાગ્યા હતાં. આમાં બહાર કેમ જવું? ઘરેથી બહાનું પણ શું કાઢવું? દિપક આવશે અને એ ત્યાં મારી રાહ જોતો હશે તો? પણ એને મારા પ્રેમના સમ આપ્યા છે? શું કરવું? રાધાના પ્રેમની કસોટી હતી ..
(ક્રમશઃ)
(તમને આ વાર્તા કેવી લાગે છે એ રિવ્યુમાં જરૂરથી જણાવજો.)