ખાલીપો - 11 (મને જોવા છોકરો આવ્યો) Ankit Sadariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાલીપો - 11 (મને જોવા છોકરો આવ્યો)

એ દિવસે હજુ ય યાદ છે બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. સવારનો વરસતો વરસાદ સાંજના 4 વાગવા આવ્યા તો પણ બંધ થવાનું નામ લેતો નહોતો. આજે સવારે જ મે'માન મને જોવા આવવાના હતા પરંતુ હજુ એમનું કોઈ નામોનિશાન નહતું. મને સવારથી તૈયાર થવા માટે, કેમ બોલવું, કેમ ચાલવું વગેરે પર ટોકવામાં આવી રહી હતી. હું ઇચ્છતી હતી કે જલ્દી મને જોઈને જતા રહે અને હું આમાંથી છૂટું.

સાંજે છ વાગે દિવસ આથમવા આવ્યો ત્યારે મહેમાન ઘરે પહોંચ્યા. લગભગ બધા પલળીને આવ્યા હતા. આવીને બધા થોડીવાર ઓસરીમાં એમ જ બેઠા અને થોડા કોરા થયા. બે છોકરાઓ સાથે હતા એટલે નક્કી થતું નહોતું કે મને જોવા આવ્યો એ કોણ છે. મને તો આમ પણ લગ્નમાં કોઈ રસ નહોતો એટલે હું આજુબાજુમાં બેઠેલી બૈરાઓની વાતો ગણકારતી નહતી. કોઈ કહેતી હતી છોકરો બહુ રૂપાળો છે, દક્ષા તો થોડી કાળી લાગશે.. કોઈ વળી કહેતું છોકરાને સરકારી નોકરી છે, ખાનદાન ઊંચું કહેવાય આપણાં કરતા..

એવું ના હતું કે મારે લગ્ન જ નહોતા કરવા, એવું ય નહોતું કે દિપક સાથે જ લગ્ન કરવા હતા. એ વાત પછી દિપક સાથે ક્યારેય વાત થઈ નહોતી. એની સગાઈ પણ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે મારા લગ્નની વાત આવે હું દિપકને દગો આપતી હોય એવું અનુભવાતું. એમ થતું કે હું બીજા લગ્ન કરી રહી છું. અંદરથી એ પણ ભય રહેતો કે કોઈ બીજા છોકરાને હું સ્વીકારી શકીશ કે નહીં અને એ પણ મને સ્વીકારશે કે નહીં. મેં મનોમન નક્કી કરેલું કે લગ્ન પહેલા હું બધુ જ કહી દઈશ.

આટલું વિચારતી હતી ત્યાં એક ચાની કિટલી અને રકાબી મારી પાસે આવી. બાએ કહ્યું જા મહેમાનને આપી આવ. ત્યારે આમ ચા આપવામાં જ છોકરી અને છોકરો એકબીજાને જોઈ લેતા. હવે આટલા સમયમાં મારે શું વાત કરવી કે છોકરમાં શું જોવું? હું મહેમાનોને ચાઈ આપતી હતી મારો હાથ થોડો ધ્રુજી રહ્યો હતો. ત્યાં એક મહેમાનો ઈશારો કરીને જણાવ્યું કે આ છોકરો છે. મેં એના સામે જોયું, એ મારા સામે જોઈ રહ્યો હતો. મેં શરમથી આંખો નીચે કરી દીધી. છોકરો એકદમ દેખાવડો અને ગમી જાય એવો હતો. મને થોડી રાહત થઈ પણ ડર પણ લાગ્યો કે એ મને ના પાડશે. જો કે ડર કેમ લાગ્યો? મારે ક્યાં આમેય લગ્ન કરવા હતા. !!

આટલા વખતમાં ઓરડાના દરવાજે ઉભા રહીને છોકરાને જોયો. કાળું પેન્ટ અને ઉપર આછો લીલો શર્ટ ઈન્સર્ટ કરીને પહેર્યો હતો. પગમાં લાલ જેવા બુટ હતા અને મેચિંગ બેલ્ટ બાંધ્યો હતો. કાંડા પર મેટલ બેલ્ટની ઘડિયાર પહેરી હતી. એકદમ ક્લીન સેવ હતી અને વાળ થોડા લાંબા હતા અને આછું આછું તેલ નાખેલું હતું. બોલતો ત્યારે મોઢા પર હળવું સ્મિત રહેતું. જોતા કોઈ હીરોથી ઓછો લાગતો નહતો. મને થોડું આકર્ષણ થયું પણ બીજી જ પળે દિપક યાદ આવ્યો જાણે કહેતો હોય કે મને કેમ એકવાર પણ મળવા ના આવી, મારો શું વાંક હતો?

આટલામાં ઘરે આવેલી સોનલ દીદીએ મને બોલાવીને આંખ મારીને પૂછ્યું છોકરો ક્યાં હિરા જેવો લાગ્યો? હું શરમાઈને નીચું જોઈને એમની બાજુમાં બેસી ગઈ. મારા મગજમાં દ્વંદ્વ ચાલી રહ્યું હતું. મને હવે દિપક આકર્ષણ કરતા મોટી ભૂલ લાગી રહ્યો હતો. આવું કાંઈ કર્યું જ ના હોત તો કેટલું સારું હતું. આ છોકરાને તો દૂરથી જોતા જોતા પણ આખી જીંદગી વિતાવી શકું !! શું મારામાં ફરીથી પ્રેમની કૂંપળ ફૂટી હતી?

થોડી વારમાં મહેમાન બે ત્રણ દિવસમાં જણાવશું કહીને ગયા. ધીમે ધીમે ઘર ખાલી થવા માંડ્યું. સાંજે બાપુ મને પૂછ્યા વગર જ કોઈને કહી રહ્યા હતા કે દક્ષાને છોકરો બહુ ગમ્યો, અમને પણ ગમ્યો છે. અમારા તરફથી તો હા જ છે. અમને આવું સારું ઠેકાણું ક્યાં મળવાનું વળી. હું સાંભળી રહી હતી પણ અત્યારે મારામાં કોઈ જ લાગણી નહોતી જાણે મને કોઈ ફરક જ પડતો ના હતો.

ત્યાં મારા મગજમાં ફરી એક વિચાર આવ્યો, લગ્ન પહેલા દીપકને છેલ્લી વખત મળી લેવાનો ! મેં મારી મિત્ર રેખા દ્વારા મળવા માટેનું પ્લાનિંગ કરી લીધું હતું. દીપકની સગાઈ નક્કી થઈ ગઈ હતી પરંતુ મને પાક્કી ખાતરી હતી કે એ આવશે જ ! એમ જ વિચારતા વિચારતા હું સુઈ ગઈ.

બપોરનું જમવાનો સમય થઈ ગયો હતો. હું જમવા માટે કિચનમાં આવી. કેવું સજાવેલું મારું કિચન છે. વાસણના કેટલા સેટ હતા એ પણ મને યાદ નથી. આઠ ચેરવાળું ડાઇનિંગ ટેબલ છે અને જમવા વાળા અમે બે જ ! કિચનમાં આવતા જ આ ખાલીપો મને કરડવા દોડે !

(ક્રમશઃ)
(તમને આ વાર્તા કેવી લાગી રહી છે, જરૂરથી જણાવજો).