ખાલીપો - 5 (પહેલો પહેલો પ્રેમ) Ankit Sadariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાલીપો - 5 (પહેલો પહેલો પ્રેમ)

મને ઊંઘ આવતી ના હતી.મારો પહેલો પ્રેમ મને સુવા દેતો ન હતો. પ્રેમમાં સાલું એવું કંઈક છે જે દુનિયામાં ક્યાંય નથી. કોઈને પ્રેમ કરવો એ દુનિયામાં સૌથી અઘરી કળા છે. ક્યારેક એવું લાગે કે પ્રેમ વગર આ દુનિયામાં કાંઈ નથી દુનિયા જ નક્કામી છે. આ દુનિયા પર માણસજાત 100 વરસ કાઢી શકે છે તો એનું કારણ છે પ્રેમ ! પ્રેમ વગર માણસ ગમે ત્યાં ભટકી લે અંદરથી એક અધૂરપ લાગે જે ક્યારે પણ પુરી ના થાય. માણસ એક વખત દિલથી પ્રેમ કરી લે તો ભવ તરી જાય.

હું થોડીવાર ગેલેરીમાં ઉભી રહી. એક અજાણ્યો છોકરો ક્યારનો શેરીમાં બાઇક લઈને આંટા મારતો હતો. જેમ ખગોળ શાસ્ત્રીઓ બ્રહ્માંડમાં બનતી ઘટનાઓ જોવા આખી રાત જાગે એમ આ બાઇક સવાર એની પ્રેમિકાની ઝલક માટે આ તડકાની યાત્રાઓ કરતો હોય એવું લાગ્યું. ત્યાં એની પ્રેમિકા દેખાણી સામેની ગેલેરીમાંથી મને ખબર ના પડે એમ હાઈ કરી,ન ફ્લાઈંગ કિસ આપી,બાય કરીને જતી રહી. ખગોળ શાસ્ત્રી પણ જતો રહ્યો. હું રૂમમાં આવી. મને ફરી દિપક યાદ આવી ગયો.

હું દીપકને જોવા માટે સાઇકલ શીખવા કે કોઈના કોઈ બહાને એની શેરીમાં આંટા મારતી રહેતી. હું કોઈ પણ કામ કરતી હોય મને દિપક શું કરતો હશે એ જ વિચારો આવતા. હજુ સુધી અમે કાંઈ વાત પણ કરી નહોતી. હવે મેં નક્કી કરી લીધેલું કે મારે એની સાથે વાત કરવી જ છે. મેં દિપક માટે એક પત્ર લખ્યો, જેને ચિઠ્ઠી પણ કહી શકો.

"વ્હાલા દિપક,

મને તું બોવ ગમે છે. મારી સાથે વાત કેમ નથી કરતો ? જો તને ય હું ગમતી હોય તો ઘોઘાબાપાના રાવણા પાસે આજે સાંજે જ એકલો મળવા આવ.

તારી જ
દક્ષા".

આ પત્રમાં કોઈ લખાણ નહોતું પણ અંદરથી જન્મતી સાચે સાચે સાચી લાગણીઓ હતી, તડપ હતી પામવાની. મેં આ પત્ર બેનપણી રેખાને આપ્યો. રેખા અને દિપક બાજુમાં જ રહેતા હતા તો ચોપડી લેવા દેવાના બહાને આપી દેવા કહ્યું. હવે તો મારી હૂંડી શ્યામ સુધી રેખા જ પહોંચાડી શકે એમ હતી.

સાંજની રાહ હતી. મને બપોરે શાળાએથી આવીને જમવાનું પણ ના ભાવ્યું. હું જગો અને જાગૃતિ સાથે જમવા બેઠા, રોટલી હું શાકના બદલે છાસમાં બોળી રહી હતી તો ક્યારેક ભૂલથી શાકનો વાટકો ઉપાડીને પી રહી હતી. માંડ એક રોટલી જેટલું ખવાણું. બપોરે ઊંઘ તો ત્યારે પણ આવતી જ નહીં. દીપકના જ વિચારો આવ્યા કરતા હતા આવશે કે કેમ? અંદરથી પાક્કું હતું કે સાઇકલ રીપેર કરતી વખતે જે સ્માઈલ આપી હતી એ જ તો પ્રેમ હતો, આવશે જ, એને આવવું જ પડશે.

બપોરથી સાંજ કોઈ વાતે પડતી જ નહોતી. એમ થતું હતું કે પાંચ કલાક નહિ પણ પાંચ દશકાઓ વીતી ગયા હોય. આખરે સાંજ પડી જ, એને પડવું જ પડ્યું. હું તૈયાર થઈ, ક્યાં કપડાં પહેરવા, વધુ તૈયાર થઈશ તો કોઈને શક જશે. એમાં તૈયાર શુ થવાનું એ મને રોજ જોવે જ તો છે. પણ આજ થી મેં વાળમાં બે ચોટીને બદલે લાંબો ચોટલો રાખવાનું નક્કી કર્યું.હું સાઈકલના ચક્કર મારવાના બહાને બહાર નીકળી, ત્યાં જ બા મળી, મને દૂર ના જવા અને જલ્દી ઘરે આવવું કહ્યું. મેં કહ્યું રેખાને ત્યાંથી ચોપડી લઈને જલ્દી આવી જઈશ. આજે સાઇકલ કદાચ એની મેળાએ જ ચાલતી હતી.

હું રાવણા પાસે ગઈ. ભૈલું પડ્યો હતો પછી આટલા વર્ષે ફરી હું એ રાવણાના ઝાડ પાસે આવી હતી. એક ખરેલ રાવણો ઉપાડીને ચાખ્યો, આજે રાવણાનો સ્વાદ અમૃત લાગતો હતો. મેં ફરીથી એક ઉપાડ્યો ચાખ્યો. રાવણા હોય જ એવા એક ખાવ એટલે ખાતા જ રહો. માગજમાં દિપક જ હતો, મેં બે ત્રણ વખત વિચારી લીધું કે એ સાઇકલ લઈને આવતો હોય, એના વાળ આગળથી ઉડતા હોય જાણે હવા સાથે રમતા હોય, મને જોઈને જ દક્ષા કહીને સીરિયલના હીરોની જેમ ભેટી પડે અને હું એને ટાઈટ બથ ભરીને મારામાં સમાવી લવ. એમ જ એક એક ક્ષણોમાં જમાનો જીવી લવ. પછી બંને એકબીજાને સાથે આઈ લવ યુ કહે.

પણ સપનામાંથી બહાર દિપક હજુ આવ્યો નહોતો. રાવણો એકલો ખાવા દોડતો હતો. રાવણા કડવા લાગતા હતા. સામેથી સૂરજ આથમવાની તૈયારીમાં હતો. હવે અંદરથી થતું હતું એ નહિ આવે. ધીમે ધીમે આંખમાં આંસુ આવવા લાગ્યા, રડવું નહોતું તો કેટલુંક રોકી શકાય. ધીમે ધીમે ડૂસકા ભરવા લાગી. બહુ રોકયું પણ છેલ્લે વરસાદ મન મુકીને વરસે અમે મન મુકીને રડી પડી. રાવણા ને બાથ ભરીને દીપક, મારો દીપક કેમ ના આવ્યો પૂછતી રહી. સાઇકલ લઈને પાછી ઘરે આવી. મોડું થતા ઉપરથી બા એ ધમકાવી. બધાને એમ કે બા એ ધમકાવી એટલે રડું છું. સાંજે હું કાંઈ જમી પણ નહીં.

બાને પણ થયું કે ખોટું ખિજાઈ એટલે એક બે વખત પ્રેમથી બોલાવવા આવી. પણ હું ના ગઈ એટલે ના જ ગઈ. દિપક કેમ નહિ આવ્યો હોય? શું એ મને પ્રેમ નહિ કરતો હોય? હું સાવ નહિ ગમતી હોય. ઓલી હિરોઈન જેવી લટકા મટકા કરતી પૂજલી ગમતી હશે? કાલે હું એને નહિ જ છોડું...આવું વિચારતા વિચારતા જ સુઈ ગઈ.

(ક્રમશઃ)
(હું રોજ આ વાર્તાનો ભાગ લખવાની કોશિશ કરું છું. તમને આ વાર્તા કેવી લાગી એ જરૂરથી જણાવજો.)