ખાલીપો - 1 Ankit Sadariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાલીપો - 1

ખાલીપો ! ભાગ 1.

આજે સવારે પાંચ વાગ્યામાં ઊંઘ ઊડી ગઈ, કરવું શું? સવારના પાંચથી સાંજના દસ સુધીનો અજગર જેવો લાંબો દિવસ કેમ નીકળશે? કરવા માટે શું હોય? એમનું ટિફિન ધીરે ધીરે કાચબાની ગતિએ કરીશ તો પણ એક કલાક અને એક કલાકમાં કચરા પોતા. બાકી નાના મોટા કામ, બહાર ખરીદીના બહાને આંટો મારી આવું તો પણ જઇ જઈને કેટલો સમય જાય?

ટીવીમાં તો કઈ જોવું ગમતું નથી, વાંચવામાં રોજ ગીતા હાથમાં પકડી બેસવાનું, સમજાય કાય નહિ પણ પુણ્ય કમાવા એટલું તો વાંચવું પડે ને. ઉપરથી નવરા પડ્યા બે વખત ભગવાનના નામ લઈ લઈએ. બપોરે આંખ બંધ થાય તો થોડી નિરાંત બાકી ખુલી આંખે પંખો જોતા જોતા પાછલી પચાસ વરસની, જ્યારથી યાદ છે એટલી જિંદગીને ફરી ફરીને નિચોવીએ.

ના એવું નથી છોકરાવ નથી કે કાંઈ કામ નથી. એમ તો મારું ય ઘર હર્યું ભર્યું રહેતું. પહેલેથી જ શરૂ કરું, હું આમ તો બે દીકરીઓ પછીની ત્રીજી પછી એક ભાઈ અને પાછી એક બહેન. એટલે નામ પણ વચલી જ પડી ગયેલું. સૌથી મોટી સોનલ, બીજા નંબરની કૃપાલી, ત્રીજી હું એટલે કે દક્ષા ઉર્ફે વચલી, નાનો ભાઈ જગદીશ અને નાની બહેન જાગૃતિ.

આવડા મોટા કુટુંબમાં હું ઉછરેલી. ગામડે બા-બાપુજી ખેતરે જાય, મોટી બહેન અમને ખાવાનું બનાવી આપીને, એનાથી નાનીને લઈને નિશાળે જાય. મારુ પણ નિશાળમાં નામ નાખ્યું હતું પણ હજુ મારા નાના ભાઈ બહેન થોડા મોટા થાય પછી જવાનું ત્યાં સુધી ઘરે જ પાટીમાં ચિતરામણ કર્યા કરવાનું. ભાઈ બહેનને રાખતી, મોટી બહેનો સાથે પાણી ભરતી, ક્યારેક બા બાપુજીને ભાતું આપવા જવાનું, ક્યારેક ખેતરે બધા સાથે જે આવડે એ કામ કરવાનું. નવરા પડીએ એટલે બહેનો સાથે છબી કે કુંડાળે રમીએ. ગોરમાં પૂજવા જઈએ. પૂણીમાં પાસે ભાગવત સાંભળવા જઈએ. ક્યાંક બા અને મોટી બહેન કપડાં ધોવા જાય તો એમની સાથે નદીના ઘાટે ન્હાવા જઈએ. રેતીમાંથી અસલ આકારના છબા શોધીએ. એવુ લાગતું કે ચોવીસ કલાકનો દિવસ બાર કલાકમાં જ પૂરો થઈ જતો.

હજુ ય યાદ છે એક વાર બધા મામાને ઘરે કોઈક પ્રસંગમાં ગયા હતા અને તાવ હોવાથી હું નહોતી જઇ શકી. હું અને બાપુ ઘરે જ રોકાયા હતા. બાપુને તો આમ પણ મામાના ઘરે ના જવાનું બહાનું જોઈતું હોય. તાવ તો એક દિવસમાં સરખો થઈ ગયેલો પણ ભાઈ અને બહેનો વગર જરા પણ ગમતું નહોતું. પહેલી વખત બધાથી અલગ પડી હતી. એકલા એકલા શુ કરવું એ જ ખબર ના પડે. બાપુ તો શિરામણ કરીને ખેતરે જતા રહ્યા. મેં એકલીએ ઘરના કામ કર્યા અને નવરી પડી. પાટી હાથમાં લઈને બેઠી, ભણતર આમેય મને બહુ વ્હાલું. પણ એકથી દશ એકડા લખીને જ કંટાળી ગઈ. રોજ હું નાના ભાઈ બહેનને શીખવાડતા શીખવાડતા સો એકડા અને કક્કો લખતી. આજે કાંઈ ગમતું નહોતું. કાકાને ત્યાં ટીવી જોવા ગઈ, પણ ટીવીમાં ય એકલા એકલા કેટલું ગમે ઉપરથી કાકીનો કડક સ્વભાવ એકલા કેટલોક જીરવાય. અમે ચારેય બહેનું હોય તો કાકીથી જરાય બીક નો લાગે. પાછી ઘરે આવી મૂંઝારો થવા લાગ્યો. એવું લાગતું હતું કે કોઈ દિવસને લંબાવ્યે જ જાય છે. દર પાંચ મિનિટ થાય કે મોટી બહેન હોત તો આપણે આ કરતા હોત, ભઈલું હોત તો હું એને બારાખડી શીખવાડત. એમ વિચરતા વિચારતા જ રડી પડી. લગભગ કલાક સુધી એકલી રડી. ત્યાં બાપુ બપોરે જમવા આવ્યા અને એમને જોઈને જ ભેંકડો તાણ્યો " હાલો, મામાના ઘરે જાવું છે".
(ક્રમશઃ)
(આગળના ભાગ પણ વાંચજો અને તમારો પ્રતિભાવ આપજો)