પિતાનો ઓછાયો Urvashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિતાનો ઓછાયો

ધોમખતો બપોરનો તાપ, નિર્જન - વેરાન જગ્યા, ગામડાંનો ડરાવનો રસ્તો જાણે તાપથી તરસ્યો થયો હોય એવો ભાસતો હતો. બસમાંથી ઉતરીને આજુબાજુ નજર નાંખી રસ્તાની બંને બાજુ ખેતરો સિવાય કંઇ કોઈ નજરે પડ્યું નહીં. એ ઝડપથી ડગલાં ભરતી ચાલવા લાગી. જાણે કોઈ અજાણ્યો ડર એને સતાવતો હોય કે અજાણી મુસબીત એનો પીછો કરી રહી હોય એમ એ ઝડપથી ચાલી રહી હતી. અહીં જે સુમન સાથે થયું હતું એનો ડર આજે પણ જાગ્રત હતો. આમ તો રોજ એની સાથે એની સહપાથી, પાડોશી, મિત્ર એવી જિજ્ઞા હોય પણ આજે એ નહોતી આવી.

કોલેજથી ઘરે જવાનો રોજનો આ જ સમય અને અહીં ઘણી વખત ગામના મોટા જમીનદાર બાપના બગડેલા, ટપોરીઓ જ ગણાય એવા ત્રણ છોકરાઓ ક્યારેક રખડતા જોવા મળતા અને જો આવતા - જતાં કોઈ છોકરીઓ દેખાય તો એમની છેડતી કરતાં, મજાક - મશ્કરી કરતાં. એવું એકવાર સેજલ અને જિજ્ઞા સાથે પણ કરેલું પણ એ બંને જાણતી હતી કે, ઘરે કહેશે તો પોતાનું જ બહાર નીકળવું અને કોલેજ જવું બંધ કરાવશે. એ ડરે બંનેએ ચૂપ રહેવું યોગ્ય સમજ્યું પણ આજે ડરએ ટપોરીઓનો નહીં પણ અલગ હતો.

કેટલાં દિવસથી આ ટોપરીઓની ટોળકી તો નહોતી જોવા મળી પણ જે થોડાં દિવસથી સતત સેજલ ને જિજ્ઞા ગામના પાદરમા પ્રવેશ ન કરે ત્યાં સુધી એક અજાણ્યો વ્યક્તિ જે કદમાં ઊંચો, ડાંગ કાયમ સાથે રાખતો, સફેદ પહેરણ આશરે સાઠ વર્ષનો લાગતો હતો. બાઇક પર એમનો પીછો કરતો. જ્યારે એ લોકો ગામના પાદરે પહોંચે કે એ ત્યાંથી પાછો વળી જતો. ગામના પાદરે થોડાં લોકોની એકલ - દોકલ થોડી અવર - જવર રહેતી.

હવે તો આ જાણે એનો નિત્યક્રમ બની ગયો હતો. આજે જિજ્ઞા ન હોવાથી સેજલ વધુ ડરી રહી હતી કે આજે પણ એ પીછો કરશે અને કંઈ અજુગતું થાય એવો ડર એને હેરાન કરી રહ્યો હતો.

ક્યારે ગામનું પાદર આવે એ વિચારે એ ઝડપથી ડગલાં ભરી રહી હતી. આકરા તાપના કારણે એના કપાળ પર પરસેવો વળી ગયો હતો. એ હમણાં પીછો કરશે એ ભયથી એના રુંવાડા ઊભાં થઈ ગયાં હતાં. એણે માંડ હજી દસ મિનિટનું અંતર કાપ્યું કે એ વ્યક્તિ અચાનક એક ખેતરના સીમાડે બેઠેલો દેખાયો. એણે ચાલતાં - ચાલતાં આંખના ખૂણાએથી ડર સાથે એની તરફ નજર કરી. જેવી એ ત્યાંથી પસાર થઈ કે, એ અજાણ્યો વ્યક્તિ એનો પીછો કરતો એની પાછળ ચાલવા લાગ્યો. સેજલના હૃદયની ધડકન ઓર તેજથી ધડકવા લાગી. જાણે હમણાં જ ગામના પાદર તરફ ડોટ મૂકે કે કદાચ કોઈ આવી જાય તો સારું એવા વિચાર સાથે એ ઝડપથી ચાલવા લાગી.

ડર સાથે એણે ગામના પાદર સુધીનું અંતર કાપ્યું ને એને થોડી કળ વળી પણ ડર તો હતો જ. રોજની જેમ જ આજે પણ એ ત્યાંથી પાછો વળી ગયો. સેજલ રોજની જેમ આજે પણ અનેક વિચારો અને પ્રશ્નો સાથે અજાણ્યા ડરથી ચિંતિત અવસ્થામાં ઘરે પહોંચી.

બીજે દિવસે રોજના નિત્યક્રમ મુજબ એ અને જિજ્ઞા ઘરેથી સાથે કોલેજ જવા નીકળ્યાં એણે બધી ગઈ કાલે જે ઘટ્યું એ બધું જ જિજ્ઞાને જણાવ્યું.

"મને એમ નથી સમજાતું કે એ રોજ આપણો પીછો કેમ કરે છે? એણે આપણી સાથે કંઈ ખરાબ વર્તન પણ નથી કર્યું. તો પછી એવું શું છે જે………" આશ્ચર્ય સાથે જિજ્ઞા બોલી.

"હા, જિજ્ઞા! મને પણ એ જ આશ્ચર્ય થાય છે. મને તો કેટલીવાર એવો પણ વિચાર આવ્યો કે, એને પૂછી જ લઈએ કે રોજ કેમ આપણો પીછો કરે છે !!! પણ પછી હિંમત નથી થતી." સેજલએ આ પરિસ્થિતિથી થાકી ગઈ હોય એમ ચહેરો બગાડીને બોલી.

"હા ! પેલાં તો ટપોરીઓ છે, છેડતી ને મશ્કરી પણ કરો છે પણ આ કેમ પીછો કરે છે? એ જ પ્રશ્નથી મગજ હેરાન થઈ જાય છે. " બોલીને જિજ્ઞા લાંબો શ્વાસ લઈ છે. બંને વિચારોમાં ખોવાઈ જાય છે. મૌન થઈ જાય છે.

અચાનક જિજ્ઞાને જાણે કાંઈ વિચાર આવ્યો એમ ઝબકીને સેજલ સામે જોતાં……

"હું કહું છું કે, આપણે એને પૂછી લેવું જોઈએ કે એ આપણો પીછો કેમ કરે છે!! એણે આપણને હેરાન તો નથી જ કર્યા. તો નક્કી એ આપણને કંઈ નુકશાન ન જ પહોંચાડે! અને આપણને ય સમજાઈ કે એ કેમ આવું કરે છે. "

"હા! તારી વાત મને સાચી લાગે છે પણ મારું માનવું છે કે, જ્યારે ગામનું પાદર આવે ત્યારે આપણે એને પૂછવું જોઈએ જેથી આપણે એકલાં તો ન હોઈએ." આ વિચારથી થોડી હળવાશ પ્રાપ્ત હોય એમ સેજલ બોલી.

"હા !એજ બરાબર રહેશે." વાત કરતાં એ લોકો બસસ્ટોપ પર પહોંચે છે. બંને વાત કરી હોય છે ત્યાં થોડીવારમાં જ બસ આવે છે. બંને બસમાં બેસી જાય છે.

રોજની જેમ આજે પણ નીરવ વાતાવરણ અને પક્ષીઓનો કલરવ હતો. આજે કોલેજમાં એક્સ્ટ્રા લેક્ચર હોવાથી બંનેને થોડું મોડું થયું હતું. જેવી બંને બસમાંથી ઉતરી કે સામે પડેલાં મોટા પથ્થર પર એ બેઠો હતો. એને જોઈને બંને વિમાસણમાં પડી ગઈ અને એકબીજા સામે જોઈ રહી. રોજ તો આ રસ્તા વચ્ચે મળે પણ આજે અહીં જ, સ્ટેશને જ !!!આ આશ્ચર્ય બંનેને ઘેરી વળ્યું. આજે બંને નક્કી જ કર્યું હતું કે ગમે તે થાય પણ આજે તો પૂછી જ લેવું છે પણ હિંમત નહોતી. બંને ઝડપથી ચાલવા લાગે છે. ગભરાયેલી બંને થોડી - થોડીવારે એકબીજા સામે જોઈ રહી હતી. એ ઉતાવળમાં સેજલના પગમાં ઠોકર વાગી અને પથ્થર વાગવાથી પગના અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યું.

"આ……હ…" સેજલના મોંઢામાંથી અવાજ નીકળી પડ્યો અને એ ત્યાં જ બેસી પડી. જિજ્ઞા એને જોઇ રહી.

ત્યાં જ એ અજાણ્યો વ્યક્તિ ત્યાં આવે છે. સેજલ પાસે નીચે બેસી જાય છે. સેજલ ને જિજ્ઞા બંને ડઘાઈ જાય છે.

"શું થયું? આ તો લોહી વહે છે. એ જોઈને ન ચલાય ! એટલી તો શી ઉતાવળ !" એમ કહીને એનો પગ પકડવા જાય છે.

ત્યાં જ એ પગ દૂર ખસેડતા "મને…… મ…… ને હાથ ન લગાવતા. ક………હું છું… મારાથી દુર જ રહેજો." એમ ડરતા અવાજે એ બોલે છે.

"બેટા તમેં મને સમજવામા ભૂલ કરી છે." એ બોલે છે.

"શું ભૂલ………? કેટલાં દિવસથી તમે અમારો પીછો કરો છો." જિજ્ઞા બોલી.

બેટા !!! મારી તમારા જેવડી દીકરી હતી સુમન એને બાળપણથી માં નો પ્રેમ ન જોયો પણ મેં એને માતા - પિતા બંનેનો પ્રેમ આપવાનો પૂરો પ્રયત્ન કર્યો. તમારા જેમ એના ય ઘણાં સપના હતા. અહીં જ એના ફોઈના ઘરે રહીને કોલેજ કરતી. મારૂ ગામ જ્યાં છે ત્યાંથી તો કોલેજનું એ વિચારી ન શકતી. એવું અંતરિયાળ ગામડું. અવર - જવર માટે વાહનોની કોઈ સગવડ નહીં. માટે એ અહી રહેતી. એનો રોજનો અવર - જવરનો આ જ રસ્તો. આમ તો અહીં કોઈ જંગલી જાનવરો નજરર નથી પડતાં પણ એ જાનવરોથી પણ ઉતરતા ને ક્રૂર લોકોએ અહીં બપોરના સમયે એની એકલતાનો ફાયદો ઉઠાવીને આ ખેતર વાળા રસ્તેથી અવાવરું જગ્યાએ લઈ ગયાં અને એને પીંખી નાંખી. એને મેં આંખો સામે તડપતા જોઈ,કાયમ માટે જતાં જોઈ અને જ્યારે મેં તમને બંનેને જોઈ તો મને મારી દીકરી દેખાઈ. જે મારી સુમન સાથે થયું એ કોઈ બીજી સુમન સાથે ન થાય એનો મને હવે ડર રહે. કોઈ દીકરી જોઉં કે મને મારી સુમન જ દેખાય. એ નરાધમો અહીં જ ફરતા હોય છે અને દીકરીઓની છેડતી કરતા હોય છે, હેરાન કરતાં હોય છે માટે હું તમારી સલામતીની આશ રાખું ને ગામના પાદર સુધી પાછળ આવું. પછી ત્યાં વિસામો કરું."

"હા, અમે સુમન વિશે તો જાણીએ અને એ પણ જાણીએ કે, જમીનદારના દીકરા હતાં અને બધું છુપાઈ ગયું. સત્ય બહાર આવ્યું છતાં કોઈ કંઈ ન કરી શક્યું." જિજ્ઞા એ વ્યક્તિ તરફ જોતાં દુઃખ ભર્યા અવાજે બોલી.

"હા, અમે રહયા ગરીબ માણહ અમારું કોણ હાંભળે ?" એમ કહી એણે આંસુ લૂછી નાખ્યા.

આટલું બોલી એ આંખોમાં ઝળઝળિયાં સાથે સેજલ તરફ જોઈ રહ્યો. જિજ્ઞાએ હાથ લાંબો કર્યો સેજલ એનો હાથ પકડીને ઊભી થઈ ગઈ ને આંખોમા આંસુ ને હૃદયમાં અસહ્ય વેદના સાથે એને જોઈ રહી.


✍…… ઉર્વશી.