પહાડો વચ્ચે, વૃક્ષોથી શોભતું પ્રાકૃતિક સ્થળ. ત્યાં રસ્તાની બાજુએ એક નાના ધાબા સામે આવીને એક કાર ઊભી રહી. એમાંથી 3 છોકરીઓ જે આશરે 19 કે 20 વર્ષની હશે અને એક શૂટ - બુટમાં સજ્જ બિઝનેસમેન જેવો પુરુષ અને સિલ્કની ઘાટા ગુલાબી અને કાળા રંગની સાડીમાં સજ્જ એક સ્ત્રી ઉતર્યાં.
ત્રણેય છોકરીઓ ખુબ જ ખુશ નજરે પડતી હતી પણ એ સ્ત્રી અને પુરુષના ચહેરા પર અણગમો વર્તાતો હતો. જાણે બંને એકબીજા સાથે અનુકૂળ નહોતાં. જેવાં એ લોકો ધાબાની થોડાં નજીક પહોંચ્યા કે, તરત રેડિયોમાં વાગી રહેલાં ગીતના શબ્દો એમનાં કાને પડ્યાં.
જિંદગી કે સફર મેં ......
ગુજર જાતે હેં જો મકામ ......
વો ફિર નહીં આતે ......
બંને ત્યાં જ થોભી ગયાં અને એકબીજાને જોઈ રહ્યાં. મમ્મી - ડેડી ચલો..... એ છોકરી ચાલવા લાગી.
બંનેનું ધ્યાન તૂટ્યું અને બંને જાણે ઉંડા વિચારમાંથી બહાર આવીને ચાલવા લાગ્યાં. પેલી ત્રણેય છોકરીઓ સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી. આ બંને એકબીજાથી નજર ચુરાવતા સામસામેની ચેરમાં બેઠાં. બંનેએ ચાનો ઑર્ડર આપ્યો. રેડિયો પર એ જ ગીત હજી ચાલી રહ્યું હતું.
જેવું એ ગીત પૂરું થયું કે, " હાઈ ફ્રેન્ડ હું આપનો પ્રિય મિત્ર જિત આજે એક બીજી નવી, લાગણીઓને ભીંજાવતી, તમારા આસપાસના વાતાવરણમાં સુંગધ ફેલાવતી, દિલને સ્પર્શતી, થોડો રોમાંચ જગાવતી, જુની યાદો તાજા કરતી અને સાંજની તમારી મસાલેદાર 'ચા' ની ચૂસકીઓને મજેદાર બનાવતી એક સ્ટોરી લઈને હાજર છું.
તો તમે તૈયાર છો ને એ સુગંધમાં તરબતર થવા.... ? લાગણીના વરસાદમાં ભીંજાવા....?
સારીકા એક ગુજરાતી નાટ્ય તખ્તાની પ્રસિદ્ધ અભિનેત્રી હતી. પ્રીત એ શહેરના સફળ બિઝનેસમેનનો એકનો એક દીકરો હતો. સારીકાએ ઘણાં પ્રસિદ્ધ નાટકો ભજવ્યા હતાં અને થોડી ફિલ્મો દ્વારા પણ નામ કમાયું હતું. એ સમયમાં એની પાછળ ઘણાં યુવાનો પાગલ હતાં ઘણાંના સપનાની રાજકુમારી હતી. એ સમયે એના એક નાટકના શૉ જોવા ગયેલો પ્રીત એને પહેલીવાર જોતાં જ પસંદ કરવા લાગે છે. બીજા યુવાનોની જેમ જ એના માટે પણ સારીકા સપનાની રાજકુમારી બની ગઈ હતી.
હવે તો સારીકાના બધા નાટકના શૉ જોવા એ જતો. એ શહેરના પ્રસિદ્ધ વ્યક્તિનો દીકરો હતો. એના માટે સારીકાને મળવું એ કાંઈ મોટી મુશ્કેલ વાત નહોતી. એણે સારીકાને મળવા માટેનો સમય લીધો અને એ બંને મળ્યાં. એના એક ફેન તરીકે મળેલો પ્રીત સમય અને સમયની ધાર પારખીને વર્તન કરતો હતો. આખરે એક દિવસે સારીકાના જન્મદિવસે તક જોઈને એને રેડ રોઝ અને સુંદર ગિફ્ટ આપી સાથે પ્રપોઝ પણ કરી જ દીધું. સારીકાએ સ્મિત આપતાં શરમાઈને હથેળીમાં પોતાનો ચહેરો છુપાવી લીધો હતો. એ જોઈને પ્રીત સમજી ગયેલો કે, સારીકા પણ એને..........
બંનેની મુલાકાતો વધવા લાગી એવામાં જ પ્રીતના ઘરે એના સગપણ માટે એક માંગુ આવ્યું. જેમ સારીકા પાછળ અનેક યુવાન ઘેલાં હતા એમ પ્રીત માટે પણ સારી, દેખાવડી છોકરીઓની ખોટ નહોતી પણ એના માટે તો એના મનની રાણી સારીકામાં જે હતું એ ક્યાંય કોઈ અન્યમાં નહોતું. એની સારીકા સાથે જ લગ્ન કરવાની જીદ સામે ઘરનાએ નમતું જોખેલું અને બંનેના લગ્ન ધામધૂમથી થયેલાં.
હવે તો બધો સમય સાથે જોયેલાં સપનાંઓ પુરા કરવામાં અને એ સપનાંઓને વાગોળવામાં જ જતો હતો.
સાથે સારીકા પોતાનું પેન્ડિંગ કામ પણ પૂરું કરી રહી હતી એણે હમણાં નવી ઓફર સ્વીકારવાની બંધ કરી દીધી હતી. લગ્નને એકવર્ષ એકદમ સારી રીતે પૂરું થયું અને ત્યારબાદ બરાબર આઠ મહીના પૂરાં થવાની તૈયારીમાં જ બંનેને ખુશ ખબર મળી કે સારીકા માં બનવાની હતી. હવે સારીકાએ પોતાનું બધું કામ બાજુ પર મૂક્યું, કહોને કે સદંતર બંધ જ કર્યું. એમનાં ઘરે એક સુંદર રાજકુમાર જેવા દીકરાએ જન્મ લીધો. એની સાથે સારીકાનો સમય પસાર થવા લાગ્યો. પ્રીત આખો દિવસ વ્યસ્ત રહેતો રાત્રે ઘરે આવતો. પોતાનો દીકરો અને સંયુક્ત પરિવારમાં સારીકા વ્યસ્ત રહેવા લાગી હતી. હવે એનો દીકરો એક વર્ષનો થઈ ગયો હતો. ત્યાં જ એક દિવસ એની પાસે એક ફિલ્મની નવી ઓફર લઈને એક યુવાન આવે આવે છે અને એ નકારી દે છે પણ એ યુવાને કરેલાં ખૂબ આગ્રહના કારણે એણે સ્ક્રીપ્ટ વાંચેલી. એને સ્ક્રીપ્ટ તો ખૂબ જ પસંદ આવી પણ એણે જાણે જેમતેમ મન મારીને ના પાડી દીધી હોય એવા ભાવ એના ચહેરા પર વર્તાતા હતાં.
પેલો યુવાન એને સમજાવવા લાગ્યો એની અત્યાર સુધીની નાટ્ય અને ફિલ્મ ક્ષેત્રની સફરની યાદ કરાવવા લાગ્યો અને સારીકા સ્તબ્ધ બની જાણે થોડીક્ષણો માટે પોતાના ભૂતકાળને જીવી ગઇ, જાણે ફરી એક નવી ઊર્જા સાથે સજીવન થઇ હોય એમ એણે એ યુવાનને એ ઓફર માટે 'હા' કહી દીધી. જેવો પ્રીત ઘરે આવ્યો અને એણે બધી વાત જણાવી. પ્રીત આશ્ચર્યમાં પડી ગયો " તું હવે ..... ફરી કામ કરીશ.....! હવે શું કામ છે? અને હવે તો આપણો દીકરો પણ છે."
" તો....! એમાં શું છે એના માટે તો ઘરમાં બધા છે અને હું એટલી પણ વ્યસ્ત થોડી રહીશ કે તમને બંનેને સમય ન આપી શકું....! " પ્રીતના વાળમાં આંગળીઓ ફેરવતી હસતાં ચહેરે એ બોલી.
તું સમજતી કેમ નથી? આપણાં ઘરે શું કમી છે ? અને મારો પરિવાર પણ આ વાત નહીં ......... " પ્રીત ધીમેથી એનો હાથ દૂર કરતાં બોલ્યો.
આ સાંભળીને સારીકાને ખુબ દુઃખ થયું. આખી રાતની મથામણ બાદ સવારે એણે પ્રીતને પોતાનો નિર્ણય જણાવી દીધો હતો કે પોતે એ કામ કરશે અને એના કારણે બંને વચ્ચે રકઝક થઈ. બધાની વિરુદ્ધ જઈને એ કામમાં વ્યસ્ત રહેવા લાગી. જેમ એને પ્રસિધ્ધિ મળી રહી હતી એમ એનો સમય જાણે ઘટી રહ્યો હતો અને વ્યસ્તતા વધી રહી હતી. એ જ વ્યસ્તતાના કારણે એના અને પ્રીત સાથેના સંબંધમાં વધુને - વધુ દૂરી આવવા લાગી હતી. એ પછી કાયમના ઝગડાથી બંને હેરાન થઇ ગયા હતાં. અને અંતે બંનેએ અલગ રહેવાનું નક્કી કરી લીધું હતું. બંનેના આ નિર્ણય બાદ ઘરનાએ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ બે માંથી એક પણ માનવા તૈયાર નહોતાં.
અંતે બંને અલગ થયાં અને સારીકાએ દીકરાને સાથે લઈ જવા જીદ કરી પણ પ્રીતના પપ્પાની પોતાની ઓળખ અને પૈસાના જોરે દીકરો તો પ્રીત પાસે જ રહ્યો.
એક તરફ સારીકાનું જીવન પ્રસિધ્ધિમાં પસાર થતું હતું. બીજી તરફ પ્રીત વ્યસ્ત રહેતો અને દીકરો પરિવારના અન્ય સદસ્ય સાથે મોટો થવા લાગ્યો પણ ડગલે ને પગલે એને પોતાના માતા - પિતાની કમી મહેસૂસ થતી રહેતી હતી. હવે જ્યારે એ 17 વર્ષનો થઈ ગયો હતો ત્યારે એને એક પ્રકારની નફરત પેદા થવા લાગી. એ મિત્રો સાથે વધુ ને વધુ બહાર રહેવા લાગ્યો.
આ તરફ સારીકાના સમય અને નસીબે પણ કરવટ બદલી હતી. કહેવાય છે ને સમય કાયમ એક જેવો નથી રહેતો. એક આકસ્મિક કાર અકસ્માતમાં એણે પોતાનું સૌંદર્ય ગુમાવ્યું હતું અને એમ પણ વર્ષો બાદ ચહેરાને ઘેરી વળતી કરચલીઓ પહેલાં જેવું સૌંદર્ય છીનવી જ લેતી હોય છે. સારીકા હવે એકલવાયું જીવન જીવવા લાગી, એની પાસે હવે કોઈ કામ કે ઓફર ન આવતી, પહેલાં એની પાસે સમય જ નહોતો અને હવે એની પાસે સમય જ સમય હતો પણ એનું પોતાનું કહી શકાય એવું કોઈ ન્હોતું. એણે બે - ત્રણ વાર પોતાના દીકરાને મળવાનો પ્રયત્ન કરેલો પણ પ્રીત અને એના પિતા એના પ્રયત્નને નિષ્ફળ બનાવી દેતાં માટે એણે એ પ્રયત્ન પણ હવે બંધ કરી દીધા હતાં.
એક દિવસ અચાનક એને " સારીકા...! " ધીમો અવાજ એને કાને પડ્યો એણે જોયું તો પ્રીત એની પાસે એના ઘરે મળવા આવ્યો હતો. આટલાં વર્ષોમાં પહેલીવાર એને પોતાના ઘરે જોઈ એ આશ્ચર્યથી એને જોતી રહી.
" મારે આપણાં દીકરાના વિષયમાં વાત કરવી છે." કોઇપણ જાતની ઔપચારિકતા વગર કર્કશ અવાજે પ્રીત સીધેસીધું જ બોલ્યો.
એ જાણે તંદ્રામાંથી જાગી હોય એમ આશ્ચર્યથી જોઈ રહી. દીકરાના વિષયમાં શું હશે એ પ્રશ્નથી એના મજગમાં અનેક વિચારો આવવા લાગ્યા. " શું થયું છે?"
થયું કંઈ નથી પણ આપણે એને નહીં સમજાવીએ તો ઘણું થઈ શકે છે જે આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય પ્રીત ખૂબ દુઃખભર્યા અવાજે નીચી નજરે સારીકાને બધું કહી રહ્યો હતો. "સારીકા આપણો દીકરો આપણાથી નારાજ છે આપણી કમી મહેસૂસ કરે છે. એણે પહેલેથી અને હું એની સાથે રહેવા છતાં ક્યારેય એ સમજી ન શક્યો હવે સમજાયું જ્યારે ......... " પ્રીતની આંખોમાં આંસુ હતાં. એનો અવાજ રડમસ થઈ ગયો હતો.
" શું થયું એને....? " સારીકાના હૃદયની ધડકન તેજ થઇ ગઈ સારીકાને જાણે પોતાનો શ્વાસ રૂંધાતો હોય એમ લાગવા માંડ્યું.
" એ મોડી રાત સુધી ઘરની બહાર રહે છે. કાંઈ કહીએ કે ટોકીએ છે તો ઘરમાં ખૂબ જ ગુસ્સો કરે છે બે વખત તો ઘરના સામાનની તોડફોડ કરી દીધી હતી અને એકવાર આખો દિવસ પોતાનો ફોન બંધ કરી પોતાને રૂમમાં બંધ .......
ગઈકાલે પણ એમ જ થયું અને મેં એને ઠપકો આપ્યો તો એ ગાંડાની માફક પોતાના વાળ ખેંચી અને પોતાને જ મારતો રડવા લાગ્યો. હું એનું એવું વર્તન જોઈ હેબતાઈ ગયો. મારા મિત્રની સલાહથી હું એને સાયકોલોજીસ્ટ પાસે લઈ ગયો અને એમની સાથેની એની વાતચીતમાંથી જાણવા મળ્યું કે, એ બાળપણથી આપણને બંનેને સાથે જોવા માંગે છે, આપણો સમય અને સાથ માંગે છે, આપણાં બંનેનો પ્રેમ માંગે છે પણ સાથે રહેતાં એક પરિવારની જેમ. ડૉક્ટરે મને એ પણ જણાવ્યું એ એક માનસિક બીમારીથી, અસહ્ય તણાવથી પીડાઈ રહ્યો છે પણ જો એને સાચવામાં નહીં આવે તો એનું ગંભીર પરિણામ આવી શકે છે.
સારીકા.... ! અત્યારે મારે તને કાંઈ કહેવું નથી. ભૂલ તારી કે મારી જેની પણ હોય અત્યારે ફક્ત આપણા દીકરા માટે ઘરે ચાલ.
આટલું સાંભળી સારીકાની આંખોમાંથી દડદડ આંસુ વહેલાં લાગ્યાં એણે એક પણ પ્રશ્ન પૂછ્યા વગર પોતાનો જોઈતો સામાન ફટાફટ પેક કરવા માંડ્યો. બંને સાથે ઘરે પહોંચ્યા. દીકરાને બધી વાત જણાવી બંનેએ એની માફી માંગી. એમનો દીકરો ખુશીથી બંનેને ભેટી પડ્યો અને બંને આંખોના ખુણાથી એકબીજા સામે સ્મિત આપતાં એને જોઈ રહયાં.
તો ફ્રેન્ડ્સ કેવી રહી આજ સાંજની આપની ચાય અને તમારા મિત્ર આર .જે. જીત દ્વારા રજૂ થયેલી આ સ્ટોરી...?
મજા આવીને ...! લાગણીની ભીનાશ, પ્રેમની હેલી અને કડકડતી ઠંડીમાં જેમ ગરમ વસ્ત્રો હૂંફ આપે એમ તમારા જીવનમાં દુઃખ અને તકલીફમાં કાયમ હૂંફ આપતાં સંબંધોની યાદ આવી ને.... આવી...ને.... ! તો આવતી કાલે સાંજે ફરી મળીશું નવી સ્ટોરી સ્વરૂપે નવી તાજગી, લીલીછમ હરિયાળી સાથે. ટેક કેર... બા...બા..ય ફ્રેન્ડ્સ.
અરે મમ્મી - પપ્પા ચલો લેટ થાય છે કહીને પેલી છોકરી સામે પાર્ક કરેલી કાર તરફ પોતાની સહેલીઓ સાથે ચાલવા લાગી. અહીં બેઠેલાં સ્ત્રી - પુરુષ બંને જાણે આંખોથી વાતો કરી રહયાં હતાં. એમની દીકરી બોલીને ગઈ એ તરફ એમનું ધ્યાન ગયું અને એ સ્ત્રી પોતાની દીકરી સામે જોતાં આંખોમાં આંસુ આવી ગયાં એ પુરુષ જે એનો પતિ છે એ બંને વચ્ચે ઘણાં સમયથી આવા જ અણબનાવ હતાં અને બંને અલગ થવા વિચારતા હતાં પણ હવે રેડિયો પર હમણાં સાંભળેલી સ્ટોરી બાદ એમનું મન બદલાયું હોય એમ લાગી રહ્યું હતું.
એ સ્ત્રી કંઈપણ બોલ્યાં વગર ચેરમાંથી ઊભી થઈ ચાલવા લાગી.
એનો પતિ ઝડપથી ઊભો થઈ એની પાસે જઈને પાછળથી એનો હાથ પકડીને " આપણે અલગ નથી થવાનું નહીં તો આપણો પરિવાર, આપણું જીવન આપણું ઘર આપણી દીકરીનું જીવન છિન્નભિન્ન થઈ જશે. મારા પક્ષે હું મારી ભૂલ સ્વીકારું છું અને માફી માંગુ છું."
" હું પણ ....! " માત્ર એટલું બોલીને એ સ્ત્રીએ એના પતિનો હાથ ભાર પૂર્વક જકડ લીધો. જો સ્થળ પર એકાંત હોત તો જાણે બંને એકબીજાને ભેટી જ પડતાં.
" મમ્મી .... પપ્પા ... કેટલીવાર ..... ? " દીકરીનો અવાજ સાંભળીને હાથમાં - હાથ નાંખીને એકબીજા સામે જોતાં ગાડી તરફ ચાલવા લાગ્યાં.
* ગીતનો સંદર્ભ : -
ફિલ્મ : - આપકી કસમ
ગીતકાર : - કિશોર કુમાર
✍...... ઉર્વશી "આભા"