સડસડાટ ચાલી જતી ટ્રેનનો અવાજ પણ એના વિચારોના પ્રવાહને રોકી ન શક્યો. એ જૂની યાદોમા ખોવાઈને ત્યાં બેઠી હતી. બહુ નાની ઉંમરમાં જ જવાબદારીઓના બોજ નીચે એ દબાઈ ગઈ હતી.
પિતાની છત્રછાયા ગુમાવી હોવાથી થોડું ભણીને એ નોકરી કરવા લાગી. એમાંથી એના નાના ભાઈ - બહેનનો અભ્યાસનો ખર્ચ અને મમ્મીને ઘરને ઘરખર્ચમાં મદદ મળતી. મમ્મી પણ સિલાઈ કામ સારું કરી લેતી જેથી ઘરખર્ચ નીકળે.
પોતે અભ્યાસ અધૂરો મુક્યો પણ પોતાના ભાઈ - બહેનને એ ખૂબ આગળ લાવવા, પ્રગતિના પંથ પર જોવા માંગતી હતી. એની મમ્મીની તબિયત સારી ન હોય તો પણ એ ભાઈ કે બહેનને જાણ પણ ન થવા દેતી અને પોતાને કંઈ થયું હોય તો પણ એ રીતે રહેતી કે ઘરમાં કોઈને જાણ ન થાય કે દુઃખ ન પહોંચે.
આ જવાબદારીમાં એણે પોતાના સપના અને પોતાના પ્રેમને હૃદયના એક ખૂણે સંઘરી રાખ્યા હતાં.
આજે પણ એ રોજની જેમ ફટાફટ કામ પૂરું કરવામાં લાગી હતી. જેથી એ પ્રણવને મળી શકે. પોતાનું કામ પૂરું કરીને એ એને મળતી અને બંને રોજ સાથે કોફી પીતા. અઢળક વાતો કરતાં ને ઘરે જવા નીકળતા. બંને ગાઢ પ્રેમના બંધનથી બધાયા હતાં. સમય આમ હસતાં - હસતાં ખુશીથી પસાર થતો હતો. એ જાણતી નહોતી કે આ સાથ ટૂંકા સમય માટે હતો.
નાના - બહેનોની જવાબદારીમાં અને મમ્મીની નાજુક તબિયત ને કારણે એ પોતાના માટે કંઈ વિચારતી નહોતી.
સમય આવતા પ્રણવએ એની સામે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખ્યો પણ લગ્નની વાત સાંભળીને એ અચાનક વિચારમાં પડી ગઇ.
"રશ્મિ…! એય… રશ્મિ.. ક્યાં ખોવાઈ ગઈ?" પ્રણવ એની સામે જોઇને બોલ્યો.
"કંઈ નથી થયું! પણ જવાબદારીઓનું ભાન થઈ રહ્યું છે." દૂર ક્ષિતિજને જોતાં રશ્મિ બોલી.
"તારા પરિવારની જવાબદારીની વાત કરે છે ને! તો એ આપણે બંને મળીને નિભાવીશું. હું છું ને તારી સાથે." એના ખભે હાથ રાખીને પ્રણવ બોલ્યો.
"ના!! એ શક્ય નથી. આપણાં લગ્ન પછી હું તારા ઘરે રહીશ ને મારી પેહલી ફરજ તારા પરિવાર માટેની બને. મારી મમ્મીની તબિયત નાજુક રહે છે. જો હું હમણાં માર નાના ભાઈ - બહેનને એકલાં મૂકીને લગ્ન કરી લઉં તો એ લોકોનું ભણતર બગડે. એમનું જીવન બગડે. એ પણ મારા કારણે? ના! હું એ નહીં કરી શકું. મને માફ કર." આંખમાં આંસુ સાથે એ બોલી.
"તું એકવાર વિચાર કર. એમ ન બને કે પાછળથી તું પસ્તાય." એનો હાથ પકડીને ગળગળા અવાજે એ બોલ્યો.
"મેં વિચાર કરેલો જ છે! ને હું મારા નિર્ણયમાં અડીગ છું." રશ્મિનો આ નિર્ણય સાંભળીને એને ઊંડો આઘાત લાગ્યો. એના ગળે ડૂમો ભરાઈ આવ્યો. એ બોલવા માંગતો હતો પણ કંઈ બોલી શકયો નહીં.
"તું ખુશીથી જીવનમાં આગળ વધ મારા કારણે તારે હેરાન કે દુઃખી થવાની જરૂર નથી." એણે દૂર ક્ષિતિજ જોતાં કહ્યું.
"એમ? એટલે કે, એકબીજાને આપેલાં વચનો, સાથે પસાર કરેલો સમય બધું ભૂલી જાઉં? કે, તું જાણી જોઈને રમત રમી ગઈ……!" ગુસ્સામાં એનો હાથ પકડી જોરથી એને નજીક ખેંચીને આંખોમાં આંસુ સાથે એની સામે જોતાં બોલ્યો.
"તું આવું બોલે છે!! તું મારા માટે આવું વિચારે છે?" એને જોરથી દૂર હડસેલીને એ બોલી.
"હવે મારે કંઈ નથી સાંભળવું, નથી સમજવું. તું જા અહીંથી." એમ કહીને એ રડવા લાગી. પ્રણવ એને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ એ કઇ સમજવા કે સાંભળવા રાજી નહોતી.
"તું જા……! તું અહીંથી જા…!" એ સતત બોલી રહી હતી. એ ત્યાંથી ચાલ્યો ગયો. એ રડતી અહીં રેલવે સ્ટેશન આવીને બાંકડા પર બેઠી હતી. ત્યારબાદ એની અને પ્રણવની ક્યારેય મુલાકત થઈ નહીં. એ જવાબદારીઓ પુરી કરવામાં લાગી ગઈ. એને હતું કે એકવાર તો પ્રણવ એને મળવા આવશે પણ એ ખોટી પડી. આજે ઘણાં વર્ષો થઈ ગયાં પણ એ પાછો ન આવ્યો.
આજે પણ જાણે એમની બંનેની બધી મુલાકાતો એના માનસપટ પર જીવંત હતી અને એ બધી યાદ તાજી થતાં ફરીથી એ ક્ષણોને એ જીવી લેતી હોય એવી સાંત્વના એને મળતી.
✍......ઉર્વશી.