આપણે હમેંશા આપણી જાતને અન્યના હાથમાં કે અન્યના ભરોસે છોડી દઈએ છે. મને લાગે છે કે, આપણે હમેંશા દરેકને સાંભળીયે છે. પણ આપણે ક્યારેય આપણા જ અંતરાત્માનો આવાજ નથી સાંભળતા.
રોજિંદી ભાગ- દોડમાં દરેક વ્યક્તિની ધીરજ પણ જાણે ખૂંટી ગઈ હોય એવું લાગે. "નાની - નાની વાતમા ગુસ્સે થઈ જવું, એકાંત સહન ન કરી શકે હમેંશા કોઈક જોઈએ જ.
જીવનમાં ઘટતી ઘટનાઓ આપણાં માનસપટ પર સારી કે ખરાબ અસર પાડે છે, હા એ દરેક ઘટનાઓ આપણાં માનસપટ પર કેવી અસર કરે છે એ આપણી વિચારસરણી અને આપણાં વ્યક્તિત્વને જવાબદર છે. એ અન્યના હાથમાં નથી.
તો ક્યારેક આપણે આપણાથી શક્ય ન હોય કે પછી સમયનો અભાવ હોય અથવા આપણને પસંદ ન હોય એવાં કામ માટે પણ આપણે અન્ય વ્યક્તિને 'હા' પાડી દઈએ છે. 'ના' કહી શકતા નથી અને અંદર ને અંદર ગુસ્સો, અણગમો થાય અને પછી એ આપણા મન અને વર્તન પર હાવી થાય છે અને આપણે હેરાન થઈએ.
સંધ્યા પોતાના બેડરૂમની બહાર બાલ્કનીમાં ખુરશીમાં બેઠી છે. સાંજનો સમય છેે પોતાના ઘરથી થોડેક દૂર સામે જ ગુલમહોરના ફૂલો પોતાનું સામ્રાજ્ય બિછાવીને જાણે પ્રકૃતિપ્રેમીઓનું મન લુભાવતા હતાં. અને એનો લાલ ચટક રંગ વારંવાર એ ફૂલોને જોવા આંખોને મજબુર કરતો હતો.
સંધ્યા પોતાના બેડરૂમની બહાર બાલ્કનીમાં ખુરશીમાં બેઠી - બેઠી એ ગુલમહોર ને એકધારી જોઈ રહી છે. એનાં ચેહરા પર આનંદ અને ખુશીના ભાવ અંકિત છે. એ ગુલમાહોરને જોતી - જોતી જાણે કે, કોઈ સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરી રહી હોય એવું લાગી રહ્યું હતું.
"સંધ્યા..... ! ઓ સંધ્યા.....! આ તારી ફ્રેન્ડ અવની આવી છે!" એની મમ્મીએ સંઘ્યાને બૂમ પાડી. અને સંધ્યાનું ધ્યાનભંગ થયું," અને એ બોલી "એને અહીંયા જ મોકલ......"
ચેહરા પર આશ્વર્યના ભાવ સાથે અવની આવીને તરત જ રૂમનો દરવાજો બંધ કરી લે છે."અરે સંધ્યા! આ શું જાણ્યું મેં કે તું અને રોહન........ અને તું અહીંયા શાંતિથી બેઠી છે જાણે કે, તને તો કઈ ફરક જ નથી પડતો. આટલો સમય થઈ ગયો હતો છતાં...? અને તું તો...!"
અવનીને આગળ બોલતા અટકાવીને, "બસ અવની! બસ ! તું કેટલાં પ્રશ્નો કરીશ આપણે કેટલા બધાં દિવસો બાદ મળ્યા છે; આપણી વાતો કર બીજી બધી નહીં."એમ બોલતાં સંધ્યા ઊભી થઈ રૂમમાં આવી અને એની પાછળ અવની પણ આવી અને બેડ પર બેસી.
"અરે તું મને હવે વિસ્તારથી જણાવીશ?" અવની બોલી,
"હા કેમ નહીં; તું તો મને કાયમ આ બંધનમાંથી મુક્ત થવાનું કહ્યા કરતી હતી તો જો આખરે થઈ ગઈ."
" હા બરાબર કર્યું! પણ મને એમ કે તું તો સાવ તૂટી જ ગઈ હોઇશ રડતી હોઈશ. તું તો કેહતી હતી કે તું ક્યારેય એના વગર રહી જ ન શકે." એમ બોલતા અવની આશ્ચર્યના ભાવ સાથે સંધ્યાની સામે જુવે છે.
"હા તો શું એનો શોક માનવું? તને નથી ખબર કેવું બધું કર્યું છે એણે?" સંધ્યા ચેહરા પર ગુસ્સાના ભાવ સાથે બોલી.
"જ્યારે એણે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખેલો અને મેં કાઈ જવાબ આપ્યો નહીં ત્યાં સુધી કેટલી ડાહી - ડાહી વાતો કરી અને તને ખબર છે કે એનાં રૂપથી જ હું તો અંજાઈ ગઈ હતી."
"હા સંધ્યા જ્યારે રોહને તારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકેલો ત્યારે તો તું ખુશીથી પાગલ જ થઈ ગયેલી!" અવનીના આ શબ્દો સાંભળી જાણે સંધ્યા કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ.
અને અવનીએ એને પૂછ્યું, "શું થયું?" ક્યાં ખોવાઈ ગઈ?"
" કંઈ નહી; અવની! મેં રોહન માટે શું ન કર્યું છતાં એણે શું આપ્યું સામે? શરૂઆતમાં થોડો સમય બધું બરાબર ચાલ્યું પછી એનું ખરું વ્યક્તિત્વ ધીરે - ધીરે બહાર આવવા લાગ્યું. અમે બંને જયારે પણ સાથે બહાર જતા એ હંમેશા કઈ ને કઈ
વાતથી નારાજ થઈ જતો.
આ બધામાં મારો કોઈ વાંક ન હોવા છતાં હું એનાથી ડરી ડરીને રેહવા લાગી અને ધીરે - ધીરે હું જાણે એના આધીન થઈ ગઈ અને બીજા બધા સાથે સંબંધ બગાડ્યા.
શોર્ય મારો સ્કૂલનો મિત્ર છતાં મેં એની સાથે વાત કરવાની જ બંધ કરી દીધી. અને ત્યારબાદ તો સમય જતાં એણે, "ક્યાં જાય છે? શા માટે જાય છે? ત્યાં કોને - કોને મળી?
આવા પ્રશ્નો પણ કરવાના શરુ કરી દીધા એટલે હવે તો હું મારી જાતને સાવ જ ભૂલી ગઈ અને અંદરથી ડરેલી, દુઃખી, નિરાશ રેહવા લાગી.
પછી તો મારા જીવનનો અંત લાવવાના વિચારો કરવા લાગી. એ નાની - નાની વાતોમાં રિસાઈ જાય અને કોઈ ગુનેગારની જેમ હું માફી માંગ્યા કરું બસ એ જ મારી જિંદગી બની ગઈ.
જેમ દિવસો અને સમય વહી રહ્યો એમ હું આ સંબંધમાં વધારેને વધારે ગૂંગળામણ અનુભવવા લાગી. જ્યારે હું તને આ બધી વાત જણાવતી અને તું રોહન સાથેના સંબંધનો અંત આણવા કેહતી એ વિચારીને જ હું રડી પડતી.
મને થતું હતું કે આ તો સારું ન કેહવાય મેં તો જિંદગીભર એની સાથે રહેવાનું વચન કેટલીય વાર આપ્યું. અને પછી હું ફરી જાવ? આવું ન કરાય, હું એને સમય આપીશ એ બદલાશે.
અવની નિરાશા સાથે બોલી, "હા સંધ્યા! તે તો એને સમજાવવાના પણ પ્રયત્ન કર્યા હતા."
આ સાંભળીને સંધ્યા બોલી; "તને યાદ છે હું એકવાર એને મળવા ગયેલી મને અડધો કલાક મોડું થઈ ગયેલું અને એણે કેટલો ઝઘડો કરેલો મેં ત્યાં જ રડી દીધું પણ એને કાઈ ફરક નહોતો પડ્યો.
ત્યારે જ મેં નક્કી કરેલું કે, "હવે હું આની સાથે કયારેય વાત નહીં કરું અને સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દઈશ. પણ બીજે દિવસે એ મારા મનપસંદ ફૂલો લઈને આવ્યો અને મને કેહવા લાગ્યો; "જો તેં ધ્યાન રાખ્યું હોત તો આવું ન થાત અને મેં પણ જાણે કોઈ ગુનો કર્યો હોય એમ એની માફી માંગી. અને એ ખુશ થઈ ગયો."
અવની! હું ખરેખર એ માટે પાછળથી ખૂબ - ખૂબ પસ્તાઇ કે મારે માફી માંગવાની જ નહોતી, પછી તો થોડા દિવસો બાદ એ જ પ્રશ્નો, શંકાઓ અને ઝઘડાનો સિલસિલો એણે ચાલુ કરી દીધો.
અને હું રોજ રડતી દુઃખી રેહતી.જ્યારે તું તારી મોટી બહેનનાં ઘરે ગઈ ત્યારે બે - ત્રણ દિવસ બાદ જ મારા મામાની દીકરી ત્રિશા આવી, ત્યારે ત્રણ દિવસ એ રોકાઈ. એણે મારો ચેહરો જોઈને જ મને તરત પૂછ્યું; "શુ થયું તને? કેમ તારા ચેહરાનો રંગ ઉડી ગયો છે? સાવ બીમાર જેવી લાગે છે."
મેં એને કાઈ ન જણાવ્યું, મેં કહ્યું કે, થોડો માથાનો દુખાવો છે એ તો બરાબર થઈ જશે. બીજે દિવસે એ ન માની અને એને નવા ડ્રેસ ખરીદવા હતા તો મને સાથે લઈ ગઈ. જેવા અમે જવા નીકળતા હતા કે મેં રોહનને ફોન કરવા ફોન લીધો. પણ એ તો જબરી ઉતાવળી મારો ફોન મારા હાથમાંથી ઝૂટવી લઈને એના પર્સમાં મૂકી દીધો.
અને કેહવા લાગી, " હું છું ત્યાં સુધી ફક્ત હું જ બસ! અરે સંધ્યા! હું ફક્ત બે - ત્રણ દિવસ માટે જ આવી છું, હું તો જતી રહીશ પછી કયાં જલદી આવવાની છું."
એમ કહીને મારો હાથ પકડીને ચાલવા લાગી.હું કંઈ બોલી શકી નહીં અને એની વાતો ચાલુ જ રહી પણ મને અંદરથી એક જ વિચાર આવતો હતો કે, "જો રોહનને ખબર પડશે તો? એ પાછો ઝઘડશે અને રિસાઈ જશે."
અને એને માનવવો મારા માટે દિવસે ને દિવસે મુશ્કેલ થતું જતું. હું અંદરથી ખૂબ ડરેલી હતી અને ચિન્તામાં પણ. અમે બંને કપડાંની દુકાનમાંથી બહાર આવ્યા કે......."
સંધ્યા બોલતા અટકી ગઈ. "પછી શું થયું ? બોલ !" આ પ્રશ્ન સાથે અવની સંધ્યાની સામે જોઈ રહી.
એટલે સંધ્યા આગળ બોલી, "અને પછી મેં રોહનને થોડેક દૂર સામે એના બે મિત્રો સાથે ઉભેલો જોયો અને હું તો ડરી જ ગઈ. અને એની સામે જોઈ રહી, અને હું કઈ સમજુ એ પેહલાં જ આવીને એ તો સીધો મારી સાથે લડવા જ લાગ્યો.
અને મારી બેનની સામે જ મને મનફાવે એવું બોલવા લાગ્યો. એના મિત્રો પણ સાંભળતા હતા, અને આજુબાજુ જે હાજર હતા એ લોકો પણ.
હું હંમેશાની જેમ જ કંઈ બોલી નહીં પણ મારી બેનથી ના રહેવાયું એણે રોહનને ઘણું સંભળાવી દીધું, અને એણે રોહનને પૂછ્યું "તું કોણ છે? અને મારી બેન સાથે કેમ આ રીતે વાત કરે છે?" એટલે રોહન તો એને પણ ગમેતેમ બોલવા લાગ્યો.
"તું કોણ છે? તું અમારી વચ્ચે કેમ બોલે છે?" મેં એને અટકાવાનો પ્રયત્ન કર્યો કે, "રોહન બસ કર! આ મારી મોટી બેન થાય." પણ એણે બોલવાનું બંધ ન કર્યું. અને જતા- જતા મને કહીને ગયો કે, "તારી સાથે તો હું પછી વાત કરું છું." પછી તો હું રડવા લાગી એટલે મારી બેને મને ચૂપ કરાવી. અને પછી અમે બંને બહેનો ઘરે આવી ગઈ.
અમે બંને બહેનો અહીંયા રૂમમાં બેઠી હતી, અને મારી બેન ખૂબ જ ગુસ્સામાં હતી, અને હું ખૂબ ડરેલી......
મારી બેન મારી સામે ખૂબ ગુસ્સામાં જોઈ રહી હતી. અને હું થોડી - થોડી વારે એની સામે જોઈ રહી હતી. એનો ગુસ્સો વધતો જતો હતો. "તું હવે કંઈ કહીશ કે પછી .......!"
એવું બોલી ગુસ્સાથી મારી સામે જોઈ રહી. એટલે મેં કહ્યું,
"હા, હું અને રોહન બે વર્ષથી એકબીજાને ઓળખીએ છે. અમે બંને જિંદગીભર સાથે રહીશું એવા વચનમાં બંધાયેલા છે........."
આમ બધી જ વાત વિગતે જણાવી અને "હું રડવા લાગી"
એટલે એણે મારા પર ગુસ્સો કર્યો. અને પછી મને કેહવા લાગી, "તું કેમ હાથે કરીને તારી જિંદગી બગાડી રહી છે? તું જાણે છે કે આ વ્યક્તિ તને કેટલું હેરાન કરે છે તો પછી શા માટે સહન કરે છે? હું તો આવું ન જ ચલાવું? ખોટું શા માટે સહન કરવાનું? તું એને ભૂલી જા અને જિંદગીમાં આગળ વધ અને નવી શરૂઆત કર.
એટલે મેં મારી બેનને કહ્યું કે, "હું એની વગર હવે ન રહી શકું. મેં એની સાથે જ મારી જિંદગી જીવવાના સપના જોયા છે. હા એ જ્યારે આવું ખરાબ વર્તન કરે છે ત્યારે મને ખુબ દુઃખ થાય છે કે, મને જાણ હોત તો હું એની સાથે ક્યારેય આગળ ન વધતી."
"પણ સંધ્યા! જ્યારે ખબર પડી જ ગઈ તો આપણે ત્યાંથી જ અટકી જવાનું. પછી આગળ શા માટે વધવાનું? જે તારું માન- સન્માન નથી જાળવાતો કે નથી તારા પર વિશ્વાસ કરતો તો તું કેવી રીતે માને છે કે એ તને પ્રેમ કરે છે?
કોઈ વ્યક્તિ આપણને પ્રેમ કરે તો આપણા જીવનમાં રોજ રંગોની રંગોળી હોય, રોજ ફૂલોની સુંગધ હોય, ચેહરા પર હમેંશા સ્મિત હોય.
અને તું જેને પ્રેમ કહે છે એ તારા માટે જંજીર છે. તું યાદ કર એ સમય જ્યારે રોહન તારી જિંદગીમાં નહોતો તું કેટલી ખુશ રેહતી, તારા ફ્રેન્ડ્સ સાથે ફરવા જતી, જ્યારે આપણી ફોન પર વાત થતી તો પણ તું હમેંશા ખુશ જ હોય. અને ઘણી વખત તો આપણી કેટલી લાંબી વાત થતી. યાદ કર ક્યારે તેં મારી સાથે કે કોઈ અન્ય સાથે ખુલ્લા દિલથી વાત કરી?
સંધ્યા! મારી વાત સમજ; જ્યારે કોઈ પણ સંબંધના કારણે આપણી અંદર ડર, નિરાશા અને અશાંતિ ઘર કરી જાય ત્યારે સમજવું કે એ સંબંધ આપણા માટે યોગ્ય નથી, અને ત્યાંથી જ પાછા વળી જવું. જ્યારે આપણે કોઈ સંબંધના ભાર નીચે દબાઈ જઈએ અને તણાવ અનુભવવા લાગીએ ત્યારે આપણે સંબંધમાં આગળ ન વધવું જોઈએ.
આ સાંભળીને મેં ત્રિશાને કહ્યું; " હું એના વગર કેવી રીતે રહીશ? તો ત્રિશાએ મને કહ્યું કે; "સંધ્યા! થોડી પરેશાની તો થશે પણ આખી જિંદગી તો આવી વ્યક્તિ સાથે ન રહેવાય. અને આપણે આપણી જાતને એટલી કમજોર ન બનાવવી જોઈએ કે; 'આપણી ખુશીઓ આપણી જિંદગીમાં અન્ય વ્યક્તિની મોજુદગીની મોહતાજ થઈ જાય.'
આપણી ખુશીઓ અને આપણા મનનો આનંદ, આપણા જીવનની શાંતિ હમેંશા આપણાં જ હાથમાં હોવું જોઈએ. આપણે એને અન્યના હાથમાં સોંપી દઈએ છે.
તું એ ભૂલી ગઈ છે, અને તે તારી જિંદગીનો આનંદ, ખુશી, સુખ, શાંતિ બધું રોહનના હાથમાં સોંપી દીધું.
અને એણે તને સમજવાની અને પ્રેમ આપવાની જગ્યાએ જેમ ઉધઈ ધીરે - ધીરે અંદરથી બધું કોરી ખાય અને ખોખલું કરી નાંખે એવું એણે ધીરે - ધીરે તારી સાથે કર્યું. હવે તો સમજ.
આપણા જીવનમાં કોઈ એક વ્યક્તિના ના હોવાથી આપણી જિંદગી પુરી નથી થઈ જતી. અને એ પણ એવી વ્યક્તિ જેને આપણી કંઈ કદર જ ન હોય? આપણે એટલા કમજોર ન બનવું કે આપણે કોઈની વગર રહી જ ન શકીએ. જીવનની જેટલી પણ કડવી વાસ્તવિકતા હોય એનો આપણે જેટલો જલદી સ્વીકાર કરીએ એ જ આપણા માટે સારું છે.
અને તું કેમ તારી જિંદગીનો અંત લાવવાનું વિચારતી હતી? તારી શું ભૂલ છે? એટલે જ કહું છું સંધ્યા! કે આપણી જાતને એવી કયારેય ન બનાવવી કે કોઈના વગર ન ચાલે. કોઈકવાર એકલી રહીને જો, કોઈકવાર આંખો બંધ કરીને મનગમતા ગીતો સાંભળ, કોઈકવાર જે લોકોએ જીવનમાં ખરેખર સંઘર્ષ કર્યો છે એમને સાંભળ કે એમના પુસ્તકો વાંચ.
આપણને તો આવી નકામની વાતોમાં જ જીવન ટૂંકાવી નાખવાના વિચારો આવે.
જેમને આપણી કદર જ ન હોય એવી વ્યક્તિઓ પાછળ સમય બાગાડવા કરતાં જેમને ખરેખર આપણી કદર હોય એવા લોકોને આપણો કિંમતી સમય આપવો જોઈએ.
સમય અને વર્ષો આપણી રાહ નથી જોતાં એ તો ક્યારે વહ્યાં જશે ખબર પણ નહીં પડે. અને જ્યારે ખબર પડશે ત્યારે એવું ન બને કે બહું મોડું થઈ ગયું હોય. માટે વાર લગાડ્યા વગર આ જંજીર તોડી નાખ. હા, થોડો સમય તકલીફ થશે પણ પછી સમય જતાં તને સમજાશે કે તે જે કર્યું એ બરાબર છે.
મેં તને આ સાચો રસ્તો અને 'નવી રાહ'બતાવી છે. હવે તું જ વિચાર તારે શું કરવું જોઈએ?"
ત્રિશાની આ બધી વાતો સાંભળીને મને થયું કે, સાચી વાત છે રોહનના આવા વ્યક્તિત્વ અને વર્તનને કારણે દુઃખી અને હેરાન તો હું જ થઈ છું એને તો મેં ક્યારેય પરેશાન નથી જોયો એ તો હમેંશા ખુશ જ હોય છે. પછી હું શા માટે મારી કિંમતી જિંદગી બગાડું? અને એના આવા વર્તનની સજા હું શા માટે ભોગવું? કારણે ક્યારેક આવેશમાં કે ગુસ્સામાં હું કઈ કરું કે પછી; કાયમ માટે માનસિક રોગી બની જાઉ, એના કરતાં તો એ જ બરાબર છે કે હું અહીંયાથી રોહન સાથે આગળ ન વધુ.
અને મેં એવું જ કર્યું. અને અને એણે મને કંઈ મનાવવાનો પ્રયત્ન પણ ન કર્યો એટલે મને સમજાયું કે મારી બેન ત્રિશા બરાબર જ કેહતી હતી આને મારી કોઈ પરવા કે કોઈ કદર નથી.
જો અવની! આ ગુલમહોર કેટલી સુંદરતા પાથરીને બેઠો છે, એના લાલ ચટક ફૂલોને હું પહેલાં પણ રોજ જોતી, પણ હવે જોઉં છું તો અલગ જ આનંદનો એહસાસ થાય છે. જયારે જોઉં છુ તો મને અનેરો આનંદ પ્રાપ્ત થાય છે, રાત્રે જ્યારે ખુલ્લું આકાશ જોવ છું તો હું પોતાને મુક્ત અનુભવુ છું.
અને મારા જુના મિત્રોને મળી એમની સાથે ખુલ્લા દિલે. વાતો કરી મજાક - મસ્તી કરી તો મને સમજાયું કે, આટલું બધું છે મારી જિંદગીમાં પછી શા માટે હું એનાથી વંચિત રહું?
તને મેં બધું જ જણાવ્યું ચાલ હવે બહાર જઈએ ક્યાંક ફરવા. અવની એની સામે આશ્ચર્યથી જોઈ રહી અને બોલી.
"સંધ્યા! તું........" , "હા હું જ કહું છું ચાલ, મને હવે ડરવું નથી, મારે નિરાશા નથી જોઈતી, મારે આંસુ નથી જોઈતાં,
"સંધ્યા હું આજે ખુશ થઈ ગઈ! હું તને આવી જ જોવા માંગતી હતી." એમ કહી અવની સંધ્યાને ગળે લાગી ગઈ.
"સારું - સારું, ચાલ હવે, પછી ઘરે પણ સમયસર પાછા આવવાનું છે." એમ કહી સંધ્યા અવની સામે હસવા લાગી.
બંને બહેનપણીઓ બહાર જાય છે. " હવે મને લાગ્યું કે, જાણેે હું ખુલ્લા દિલથી શ્વાસ લઉં છું અવની!" એમ હસતાં ચેહરે સંધ્યા બોલે છે.
✍...... ઉર્વશી."આભા"
.