RX 100 books and stories free download online pdf in Gujarati

RX 100

આજે જે ફિલ્મ વિશે હું વાત કરવાનો છું એ ફિલ્મ છે “RX 100 – અન ઇંક્રેડિબલ લવ સ્ટોરી.” Rx 100 એ 2018માં આવેલી ઇન્ડિયન તેલુગુ ફિલ્મ છે જે દક્ષિણ ભારતની એક સત્યઘટના પર આધારિત છે. આ ફિલ્મે પોતાના શરુઆતના દિવસોમાં ખૂબ ઓછા સમયમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
Rx 100 - અન ઇંક્રેડિબલ લવ સ્ટોરી. ફિલ્મનું આ ટાઇટલ જોતા એવું લાગે છે કે આ ફિલ્મ યામાહા બાઈક Rx 100 પર છે. જો ટાઈટલના પાછળના શબ્દોને પણ ધ્યાનમાં લઈએ તો એવું લાગે છે કે ફિલ્મમાં એક લવ સ્ટોરી છે અને કદાચ એ લવ સ્ટોરીને જોડતી આ બાઈક Rx 100 છે. હા આ બાઈક સાક્ષી છે બે પ્રેમીઓ વચ્ચેના પ્રેમનું. ઇંક્રેડિબલ લવ સ્ટોરી? હા આ લવ સ્ટોરી ખરેખર ઇંક્રેડિબલ છે. મને ખાતરી છે કે હું અત્યારે આ ફિલ્મ વિશે કહી રહ્યો છું એ સમયે મોટા ભાગના લોકોએ આ ફિલ્મ જોઈ લીધું હશે તેમ છતાં આ ફિલ્મ વિશે વાત કરવાની મને ઈચ્છા થઈ છે. જે લોકોએ આ ફિલ્મ જોઈ લીધું છે એ લોકોને અભિનંદન કે તેઓ પ્રેમના એક અલગ ચહેરાને જોઈ શક્યા છે(જે વાંચક મિત્રોએ આ ફિલ્મ જોઈ લીધું છે એ સમજી જશે કે હું શું કહેવા માગું છું). જે વાંચકમિત્રોએ આ ફિલ્મ હજી નથી જોઈ તેઓને હું આ ફિલ્મ જોવાની નમ્ર વિનંતી કરીશ કારણ કે આ ફિલ્મ તમને પ્રેમનો કંઈક અલગ જ એન્ગલ બતાવશે.
ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો કહાની છે શિવા અને ઇન્દુની. ફિલ્મની શરૂઆતમાં શિવાને સિગરેટનો નસેડી, હિંસક વૃતિવાળો અને લડતો-ઝગડતો બતાવવામાં આવે છે. તે આવો કેમ છે એના જવાબ માટે ફિલ્મના ફર્સ્ટ હાફ પછી શિવાનો ફ્લેશબેક બતાવવામાં આવે છે. ફ્લેશબેકમાં શિવા એક અનાથ યુવાન છે અને તેના માતાપિતા સમાન ડેડી(ફિલ્મનું એક પાત્ર) સાથે રહે છે. ગામમાં તેનું પોતાનું થિયેટર છે એ ઉપરાંત તે ડેડી સાથે વિશ્વનાથ નામનાં નામદાર પોલિટિશિયનની પાર્ટીનો સભ્ય છે. જ્યારે વિશ્વનાથ ચૂંટણી જીતી જાય છે ત્યારે એન્ટ્રી થાય છે વિશ્વનાથની દીકરી ઇન્દુની. ઇન્દુ ખૂબ મોડર્ન છોકરી છે અને તે ઘણી બહાદુર છે. તે શિવાને જોઈને તેના પ્રેમમાં પડી જાય છે અને શિવાને સામેથી પ્રપોઝ કરી દે છે. શિવા તેના જીવનમાં પહેલી વખત પ્રેમનો અનુભવ કરે છે. શિવા હવે ભાનમાં આવે છે(આઇમીન ફ્લેશબેક પૂરું થાય છે). તેને ભાન થાય છે કે હવે તેની સામે તેની વાસ્તવિક દુનિયા છે. તે છેલ્લા ત્રણ વર્ષથી ઇન્દુની રાહ જોઈ રહ્યો છે. ઇન્દુના લગ્ન બીજે થઈ ગયા હોવાથી શિવા તેની રાહમાં પાગલ થઈ ગયો હોય છે. તેને વિશ્વાસ હોય છે કે ઇન્દુ જરૂર આવશે અને તેનો વિશ્વાસ સાચો સાબિત થાય છે. ફિલ્મની સ્ટોરી જેટલી સિમ્પલ લાગે છે એટલી છે નહીં. આ ફિલ્મ એવી છે જે તમને પ્રેમ પર સવાલો કરવા મજબૂર કરશે. ઇન્દુના આવ્યા પછી ફિલ્મ ક્લાઈમેક્સ તરફ જાય છે. ફિલ્મના સેકન્ડ હાફથી ક્લાઈમેક્સ સુધીમાં ફિલ્મ મૅકર્સ ફિલ્મ દ્વારા લોકોને જે વાસ્તવિકતા બતાવવા માંગે છે એ તમારી આંખો સામે હોય છે.
ક્યારેક માણસ લવ અને લસ્ટ વચ્ચેના ભેદને સમજી નથી શકતો. ક્યારેક તે લસ્ટને જ લવ માની બેસે છે અને તેના કારણે જ માણસની નબળી વાસ્તવિકતા બતાવતી આવી એક ફિલ્મ સામે આવે છે. હવે તમને પ્રશ્ન થશે કે હું અત્યાર સુધી શિવા અને ઇન્દુના અતૂટ પ્રેમ વિશે વાત કરી રહ્યો હતો તો અત્યારે આ લસ્ટ જેવી નેગેટિવ બાબતો કેમ આવી ગઈ? આનો જવાબ ફિલ્મમાં રહેલો છે. મેં પહેલા કહ્યું એમ કે આ ફિલ્મ પ્રેમ પર સવાલો ઉભા કરશે. આ ફિલ્મ જોયા પછી તમને લાગશે કે ફિલ્મમાં સ્ત્રીના પાત્રનો અનાદર કરવામાં આવ્યો છે. લાગશે કે ફિલ્મ મેકર્સે ફિલ્મ દ્વારા સ્ત્રીના ચરિત્ર પર હુમલો કર્યો છે પણ એવું નથી. ફિલ્મ મેકર્સે માણસને ધ્યાનમાં રાખી ફિલ્મને રજૂ કરી છે ન કે કોઈ સ્ત્રી-પુરુષને ધ્યાનમાં લઈને. ફિલ્મના એક સીનમાં વિશ્વનાથ ઈન્દુને કહે છે કે, “સો વ્યક્તિઓમાંથી એક સાચો પ્રેમી હોય છે અને મારા નસીબ એટલા ખરાબ છે કે મને આ(શિવા) મળ્યો છે.” (આ સીનમાં એક બાપની સાચી વેદના સામે આવે છે કે તે દીકરીના સારા ભવિષ્ય માટે એટલો ચિંતિત હોય છે કે સમાજ સામે તેને વિલેન બનવું પડે તોપણ તે બની જશે.)
ફિલ્મની બીજી બાબતો પર વાત કરું તો સૌથી પહેલા હું ફિલ્મ મેકર્સના સાહસને વધાવવા માંગીશ કે તેમણે સમાજની એક સત્યઘટના પર ફિલ્મ બનાવી લોકો સુધી પહોંચાડી. ફિલ્મના લીડ એક્ટર-એક્ટ્રેસ કાર્તિકેય ગુમ્માકોન્ડાએ શિવાના અને પાયલ રાજપૂતે ઇન્દુના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. ઉપરાંત બંનેનું કામ ખૂબ વખાણવા લાયક છે. વિશ્વનાથનો રોલ પ્લે કરતા રાઓ રમેશ કોઈપણ ફિલ્મમાં લોકોનું દિલ જીતી જ લે છે. જે તેમણે આ ફિલ્મમાં પણ કર્યું છે. એક્ટર રામકીએ ડેડીના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. તેમનું કામ પણ વખાણવા લાયક છે. છેલ્લે એટલું કહીશ કે ફિલ્મ મેકર્સ શિવા અને ઇન્દુની પ્રેમ કહાનીને ફિલ્મ રૂપે રજૂ કરવામાં સફળ રહ્યા છે.
હવે હું એ કહીશ જે હું મારા દરેક ફિલ્મ રિવ્યુમાં કહું છું કે લખેલી તમામ બાબતો મારુ પર્સનલ ઓપિનિયન છે. તેમ છતાં જો મારાથી કોઈની લાગણીને ઠેસ પહોંચે તો માફી ચાહું છું. વાંચકમિત્રો તમને મારા ફિલ્મ રિવ્યુમાં કંઈપણ સુધારા જેવું લાગે તો જરૂર જણાવજો. મને ઈંપ્રુવ થવું ગમશે.
આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED