96 - film review books and stories free download online pdf in Gujarati

'96 - ફિલ્મ સમીક્ષા

ભૂતકાળમાં ક્યારેય પ્રેમ કર્યો છે? શું એ પ્રેમના પળો આજે પણ તમને યાદ છે? શું ફરી એ પળોને માણવા માગો છો? તમને થતુ હશે કે એ તો મુશ્કેલ હશે. ચિંતા ન કરો શક્ય પણ છે અને સરળ પણ છે. ભૂતકાળની એ મીઠી લાગણીઓને માણવા માટે બસ માત્ર એક ફિલ્મ જોવાની છે. એ ફિલ્મ છે “96”.


96 એ ઇન્ડિયન તમિલ ફિલ્મ છે. ફિલ્મની શરૂઆત રામ નામના ટ્રાવેલ ફોટોગ્રાફરથી શરૂ થાય છે જે તમિલનાડુના પ્રાચીન મંદિરમાં તેના વિદ્યાર્થીઓને ફોટોગ્રાફીની તાલીમ આપતો હોય છે. એ દરમિયાન તે પોતાની સ્કૂલની મુલાકાત લે છે જ્યાં તેણે અને તેના મિત્રોએ 1996માં વિદાય લીધી હતી. તે સ્કૂલને ઘણા વર્ષો પછી જોઈને ભાવુક થઈ જાય છે. તે આખી સ્કૂલમાં ફરી વળે છે અને છેલ્લે તેના વર્ગમાં જઈને બેસે છે. તે તેની બેન્ચ પર બેસી ફરી તેની યાદોને વાગોળે છે. ફિલ્મનો આ સીન દરેક વ્યક્તિને તેનો સ્કૂલનો ટાઈમ યાદ અપાવવાની શક્તિ ધરાવે છે.( વિશ્વાસ ન આવે તો ફિલ્મ જોઈને અનુભવી લો.)


રામ તેના મિત્ર મુરલીની મદદથી સાથે ભણતા વિદ્યાર્થીમિત્રોને વોટ્સએપ દ્વારા એકઠા કરી સ્કૂલમાં એક રિયુનિયનનો પ્રોગ્રામ રાખે છે. એ પ્રોગ્રામ દ્વારા બધા મિત્રો ભેગા મળી પોતાના સ્કૂલમાં વિતાવેલા દિવસોને ફરી જીવંત કરે છે. હા ફરક એટલો જ હોય છે કે હવે આ બધા વિદ્યાર્થીઓ નાના બાળકો નથી રહ્યા! પણ મજાની વાત એ છે કે પ્રોગ્રામ ને કારણે તેઓ ફરી બાળકો બની ગયા છે!( આ સીન મિત્રો વચ્ચેનાં સુંદર પ્રેમના પ્રત્યક્ષ દર્શન કરાવે છે. આ સીન જોઈને તમને પણ તમારા સ્કૂલ ટાઇમના મિત્રોની યાદ આવી જાય એના ચાન્સ ઘણા છે.)


રાતે જ્યારે બધા ડિનર કરતા હોય છે ત્યારે રામ એકલો બધાથી દૂર ઉભો હોય છે કારણ કે તેને જાણ થાય છે કે જાનુ પણ આવી રહી છે. જાનુ રામનો સ્કૂલ ટાઇમનો પ્રેમ હોય છે. રામ બધાની સામે નોર્મલ જ રહેતો હોય છે પણ જ્યારે જાનુ તેની પાસે હોય ત્યારે તે એકદમ ચૂપ થઈને જાનુની આંખોથી નજરો હટાવી પોતાની લાગણીઓ છુપાવે છે. જાનુ જ્યારે સિંગાપોરથી ત્યાં આવે છે ત્યારે તેને જાણ થાય છે કે રામ પણ આવેલો છે ત્યારે તે રામની પાસે દોડી જાય છે. રામ જાનુને જોઈને ફરી ઇમોસનલ થઈ જાય છે અને તેના ચહેરાથી નજર છુપાવે છે. રામને નર્વસ જોઈ જાનુ તેની પાસે આવીને તેના હૃદય પર હાથ રાખે છે કે ત્યાં જ રામ બેભાન થઈ જાય છે જેવી રીતે સ્કૂલ ટાઇમમાં જાનુના આ જ રીતે હાથ રાખવાથી થઈ ગયો હતો.


થોડીવાર પછી રામ ભાનમાં આવે છે અને બધા મિત્રો વાતો કરતા હોય છે ત્યારે રામને જાણ થાય છે કે જાનુના લગ્ન થઈ ગયા છે અને તેની એક દીકરી પણ છે. એ સાથે જાનુને પણ જાણ થાય છે કે રામે હજી સુધી લગ્ન કર્યા નથી. જાનુ સવારે સિંગાપોર જતી રહેવાની હોય છે એટલે રામ અને જાનુ સવાર સુધી સાથે ટાઈમ પસાર કરે છે. આ પાંચ-છ કલાકોમાં રામ અને જાનુ પોતાની ભૂતકાળની યાદોને ફરી તાજી કરે છે. આમ તો આખી ફિલ્મ આ છેલ્લા પાંચ-છ કલાકો પર જ ફોકસ છે.


મિત્રો આ ફિલ્મના અમુક સીનની મેં ચર્ચા કરી એનો ઉદ્દેશ ફિલ્મ પ્રત્યે તમારો રસ ઓછો કરવાનો નથી. આ બસ થોડી ઝલક હતી જેનાથી જાણ થઈ શકે કે ફિલ્મની થિમ શુ છે? બાકી ફિલ્મ પોતે જ એક મોટી પ્રેમ યાત્રા છે. મિત્રો મારા મતે 96 એ એક માસ્ટરપીસ ફિલ્મ છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ફિલ્મને માસ્ટરપીસ બનાવે છે. એક નિખાલસ પ્રેમ કેવો હોય ? તેનો જવાબ આ ફિલ્મ છે. આ ફિલ્મમાં નથી કોઈ ત્યાગની કથા કે નથી કોઈ સંઘર્ષની કથા બસ છે તો એક માત્ર પ્રેમ, નિખાલસ પ્રેમ!


હવે ફિલ્મની સ્ટોરીને બાજુ પર રાખી ફિલ્મના બીજા પાસાની વાત કરીએ તો ફિલ્મના લીડ કાસ્ટ વિજય સેતુપતિ(રામ) અને ત્રિશા ક્રિષ્નન(જાનુ) અને બીજા સપોર્ટિંગ કાસ્ટની એક્ટિંગ એકદમ નેચરલ છે. ક્યાંય તમને લાગશે જ નહીં કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો. ફિલ્મનું ડાયરેક્ટિંગ જોરદાર છે. ફિલ્મના સોંગ્સ તમિલ ભાષામાં છે છતાં પણ તમારા હૃદયને સ્પર્શી જશે એની હું ખાતરી આપું છું કારણ કે પ્રેમની કોઈ ભાષા નથી હોતી. ફિલ્મના ડાયરેક્ટર પ્રેમકુમાર અને ફિલ્મની ટીમે પ્રેમના સાચા અર્થને લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે એવું મારુ અંગત માનવું છે.


મિત્રો 96નું રીવ્યુ કરી શકું એટલી મારી લાયકાત નથી છતાંય મને આવડે એવું રીવ્યુ કરી એક નાનકડો પ્રયાસ કરું છું કારણ કે 96 એ કોઈ પ્રેમ કહાની નથી પણ ખરા અર્થમાં પ્રેમનો અનુભવ છે. જે વાંચકોએ 96 જોઈ લીધી છે તેમને હું અભિનંદન પાઠવું છું અને જે વાંચકોએ નથી જોઈ તે એક માસ્ટરપીસ ફિલ્મને મિસ કરી રહ્યા છે.


મિત્રો અહીં હું મારી વાતને વિરામ આપું છું. મારી તમને એક મિત્ર તરીકે નમ્ર વિનંતી છે કે આ લેખને રિવ્યુને બદલે એક મારો અંગત અભિપ્રાય તરીકે લેવામાં આવે કારણ કે આ રિવ્યુમાં લખેલી તમામ બાબતો એ મારુ પર્શનલ ઓપિનિયન છે. આ સમગ્ર લખાણમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફી ચાહું છું.
આભાર.
Thanks for reading.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED