આજ પહેલી વખત કોઈ ફિલ્મની સમીક્ષા કરી રહ્યો છું. મને ફિલ્મ સમીક્ષાનું વધારે નોલેજ નથી પણ તેમ છતાં આપ સૌ વાંચકમિત્રો મારા આ પ્રથમ અને અજાણ્યા પ્રયોગને સ્વીકારશો એવી આશા સાથે ફિલ્મની સમીક્ષા કરું છું. હું જે ફિલ્મની વાત કરી રહ્યો છું એ ફિલ્મ છે ‘ધ ડિજિટલ થિફ’ જેનું ઓરીજનલ નામ ‘થિરુટ્ટુ પયલે 2’ છે.
‘ધ ડિજિટલ થિફ’ એ એક ઇન્ડિયન તમિલ ફિલ્મ છે. જ્યારે મેં આ ફિલ્મ જોઈ ત્યારે એવું લાગ્યું કે આ એક ફિલ્મ નથી પણ આપણે જે સમયમાં અત્યારે જીવી રહ્યા છીએ તેનું સ્પષ્ટ ચિત્ર છે. કમ્પ્યુટરના આ ઝડપી યુગમાં આપણે જીવનમાં કેવા અજાણ્યા અને વિચિત્ર પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે સ્થિતિ ફિલ્મના મેકર્સે આપણી સામે રાખવાની સફળ કોશિશ કરી છે. સાયબર ક્રાઇમ પર આ કોઈ પહેલી ફિલ્મ નથી. આ ફિલ્મ પહેલા પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની ઘણી બધી ફિલ્મો બની ચુકી છે પણ મજાની વાત એ છે કે આ ફિલ્મ અગાઉ બની ચુકેલી ફિલ્મોથી તદ્દન જુદા જ ખ્યાલ પર આધારિત છે.
ફિલ્મની શરૂઆત સેલ્વમ નામના પોલીસ ઓફિસરથી થાય છે. જેને તેના વડા અધિકારી દ્વારા કોલ ટ્રેકિંગનું કામ સોંપવામાં આવે છે. તે રાજ્યના મુખ્યમંત્રી જેવા મોટા સરકારી અધિકારીઓની કોલમાં થતી વાતચિત સાંભળે છે અને જ્યારે કઈક શંકા દેખાઈ ત્યારે તેઓની વાતચિતનું રેકોર્ડિંગ કરી વડા અધિકારીને આપે છે. જેથી સરકારી કાર્યોમાં થતા ભ્રષ્ટાચારને દૂર કરી શકાય. ભ્રષ્ટ અધિકારીઓને દૂર કરી શકાય. સેલ્વમ પોતાની ડ્યૂટી દરમ્યાન તામિલનાડુના મુખ્યમંત્રી દ્વારા થતા ભ્રષ્ટાચારને વડા અધિકારી સમક્ષ રજૂ કરે છે. એ સમયે તેને પોતાના ભૂતકાળમાં થયેલી પોલીસ મિટિંગની ઘટના યાદ આવે છે.
એ મિટિંગ દરમિયાન સેલ્વમને પૂછવામાં આવે છે કે તેને શુ તકલીફ છે ત્યારે સેલ્વમ માત્ર એટલું જ જણાવે છે કે હું પ્રામાણિક છું. ત્યારે તેને તેનો અધિકારી કહે છે કે “ડિપાર્ટમેન્ટમાં બે પ્રકારની કમ્યુનીટી છે પહેલી ભ્રષ્ટ અને બીજી પ્રામાણિક ભ્રષ્ટ. ભ્રષ્ટ ગમે ત્યાંથી લાંચ લઈ શકે છે અને પ્રામાણિક ભ્રષ્ટ લાંચનો સ્ત્રોત છુપાવી રાખે છે.” સેલ્વમ ફરી કહે છે “સર હું સાચે જ પ્રામાણિક છું” તે સાંભળી અધિકારી સેલ્વમની હાંસી ઉડાવતા કહે છે કે, “તો તો તુ બહુ મોટો ચોર બનીશ. તક મળશે તો બધાને વેંચીને ખાઈ જઈશ.” ફિલ્મના આ ભૂતકાળના સીન પછી વર્તમાન સીનમાં સેલ્વમ કોઈ માણસ સાથે અનીતિ દ્વારા કમાયેલા પૈસાનો સ્ત્રોત છુપાવતો હોય એ સીન બતાવવામાં આવે છે અને એ સીનમાં સેલ્વમ હસતા કહે છે, “હું પ્રામાણિક ભ્રષ્ટ છું.”
સેલ્વમ તેની પત્ની અગલ્યાની બર્થ ડે પાર્ટીમાં તેના મિત્રો સાથે ડ્રીંક કરતો હોય છે. એવામાં તેનો એક મિત્ર મુખ્યમંત્રીની ધરપકડ વિષે વાત કરતા પૂછે છે કે આ તારું કામ છે ને? પહેલા તો સેલ્વમ ના કહે છે અને પછી સ્વીકારતા કહે છે કે, “જાસુસી બહુ ગંદુ કામ છે. દરેક વીઆઈપી બહારથી કઈક બીજો છે અને અંદરથી પણ કઈક બીજો છે.” તેની વાતનો જવાબ આપતા તેનો મિત્ર કહે છે કે, “ક્યારેક પોતાની વાત રેકોર્ડ કરી જોજે. તારું દિલ કઈક અલગ કહેતું હશે અને જીભ કઈક અલગ.” એવામાં તેનો બીજો મિત્ર મજાક કરતા કહે છે કે, “તુ એમ કેમ નથી કરતો કે તારા માબાપની, તારી પત્નીની અને અમારી જાસુસી કર. તને ખબર પડી જશે કે દરેક ડબલ(બે ચહેરાવાળા) છે.
એક વખત સેલ્વમ રાત્રે કોઈકના કોલની જાસુસી કરતો હોય છે. કોલ સાંભળતી વખતે તેને ખબર પડે છે કે કોલમાં તેની પત્ની કોઈક પુરુષ સાથે વાત કરી રહી છે. સેલ્વ્મને જાણીને ખૂબ દુખ થાય છે કે તેની પત્ની તેના ગયા પછી કોઈ બીજા પુરુષ સાથે કોલમાં વાતો કરે છે. સેલ્વમ અને અગલ્યાના પ્રેમલગ્ન થયા હોય છે અને સેલ્વમ તેને ખૂબ ચાહતો હોય છે તેથી તે અગલ્યાને આ વિષે પૂછતો નથી. તે ગણેશ નામના એક પ્રાઇવેટ ડિટેક્ટીવને એ પુરુષની જાણકારી શોધી આપવાનું કામ સોંપે છે. ગણેશ પણ એક કેસને કારણે સેલ્વમ પાછળ લાગેલો હોય છે તેથી તે તેનું કામ કરી આપે છે. ગણેશ સેલ્વમને એ પુરુષની તમામ જાણકારી આપે છે. જાણકારી પ્રમાણે એ પુરુષનું નામ બાલાક્રિષ્નન હોય છે. તે ઈન્ટરનેટ પર સ્ત્રીઓને ફસાવે છે. ગણેશ કહે છે કે આ એક પ્રકારની માનસિક બીમારી છે. જેવી રીતે દારૂ અને સિગરેટનો નશો હોય એવી રીતે. ગણેશ આગળ વાત કરતા કહે છે કે બાલાક્રિષ્નન ફેસબુક પર સ્ત્રીઓને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે છે અને જ્યારે સામેથી રીક્વેસ્ટ એક્સેપ્ટ થઇ જાય એટલે તે એકદમ સાયલેન્ટ થઇ જાય છે. તે સામેની વ્યક્તિની પ્રોફાઈલ ચેક કરે છે અને જરૂરી તમામ માહિતી જાણી લે છે જેવી કે સામેની વ્યક્તિને શું પસંદ છે? કયો એક્ટર ગમે છે? કયો સિંગર ગમે છે? ક્યાં સોંગ ગમે છે? ક્યા ફૂલની સુગંધ ગમે છે? વગેરે જેવી બાબતો જાણે છે અને એ પ્રમાણે ફેસબુક પર પોસ્ટ નાખે છે. જ્યારે સામેની વ્યક્તિ આ પોસ્ટ જુએ છે તો તેને લાગે છે કે કોઈક તો છે તેના જેવું અને તે ખુશ થઇ જાય છે. (આ સીન દ્વારા ફિલ્મના મેકર્સે પરોક્ષ રીતે માનવીની માનસિકતાની વાત કરી છે કે આપણે એવા લોકોને વધુ પસંદ કરીએ છીએ કે જેમાં આપણા જેવી સમાન બાબતો હોય જેવી આ સીનમાં ગણેશ દ્વારા બતાવવામાં આવી છે.)
બધી જ માહિતી મેળવી સેલ્વમ બાલાક્રિષ્નનને બીજા વ્યક્તિઓ દ્વારા સામે આવ્યા વગર માર ખવડાવે છે. જ્યારે બાલાક્રિષ્નન જાણી જાય છે કે આ બધું સેલ્વમ કેઈ રહ્યો છે ત્યારે તે સેલ્વમનું કમ્પ્યુટર હેક કરી નાખે છે અને તેને બ્લેકમેલ કરે છે. બાલાક્રિષ્નન સેલ્વમને સાથે મળીને કામ કરવાનું કહે છે પણ સેલ્વમ તેનો ઇનકાર કરે છે. તેથી બાલાક્રિષ્નન ગુસ્સે થઈ અગલ્યાને સોંપી આપવા કહે છે. સેલ્વમ ગુસ્સે થઇ બાલાક્રિષ્નનને મારવાની કોશિશ કરે છે. બાલાક્રિષ્નન ખૂબ ચાલક હોય છે તેથી તે સેલ્વમને ઝૂકવા પર મજબુર કરે છે. તે અગલ્યાને તેના ફોટાઓ, વીડિઓ વગેરેને વાયરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપી તેને કન્ટ્રોલ કરે છે. અગલ્યા સેલ્વમને ગુમાવવા નથી માંગતી તેથી તે સેલ્વમને આ વિષે વાત નથી કરતી અને હમેશા ડરેલી રહે છે પણ સેલ્વમ આ બધુ જાણતો હોય છે.
ફિલ્મના અંત પહેલા એક સીન આવે છે અને મારા મતે આ સીનમાં જ ફિલ્મનો સાર છુપાયેલો છે. આ સીનમાં બાલાક્રિષ્નન સેલ્વમને કોલમાં વાત કરતી વખતે જણાવે છે કે અગલ્યા માટે એ તેના કરતા વધારે શ્રેષ્ઠ છે. તે વાત કરતા કહે છે કે સેલ્વમને અગલ્યા સાથે ચાર વર્ષ રિલેશનશીપના અને એક વર્ષ લગ્નના થયા છતાં સેલ્વમ અગલ્યાની પસંદ-નાપસંદ વિષે કંઈપણ નથી જાણતો જ્યારે તે(બાલાક્રિષ્નન) બધુ જ જાણે છે કારણ કે તેણે સમય દીધો છે. તે સેલ્વમને કહે છે કે તુ અગલ્યા માટે આટલું પણ નથી કરી શકતો તો પછી પતિ બનીને કેમ બેઠો છે? તેને છોડીને દુર ચાલ્યો જા. અંતે સેલ્વમ વિવિધ યુક્તિઓથી આ સમસ્યાને પોતાના જીવનમાંથી દુર કરે છે. એ કેવી રીતે દુર કરે છે એ ખૂબ દિલચસ્પ છે.
ફિલ્મની પાત્ર અગલ્યા તેના પતિને દગો નથી આપી રહી પણ જે સમય સેલ્વમ નહતો આપી શકતો, જે વાતો સેલ્વમ નહતો કરતો ટૂંકમાં કહીએ તો અગલ્યાની જે અપેક્ષાઓ હતી સેલ્વમ પાસેથી. તે જ અપેક્ષઓને તે બાલાક્રિષ્નન દ્વારા પૂરી કરતી હતી. એ એવું શા માટે કરતી હતી તેની પણ સ્પષ્ટતા ફિલ્મના મેકર્સે કરી છે. જે વાંચકમિત્રોએ “પતિ-પત્ની ઓર વો” ફિલ્મ જોઈ હશે તે આ બાબતને વધારે સ્પષ્ટતાથી સમજી શકશે. ફિલ્મમાં સ્ત્રીના ચરિત્રને કોઇપણ રીતે નીચું બતાવવામાં નથી આવ્યુ જે ફિલ્મની સૌથી સારી બાબત છે. આ ફિલ્મ એક અરીસાની જેમ આપણી સમક્ષ આપણી કડવી વાસ્તવિકતા બતાવે છે. એ વાસ્તવિકતા એ છે કે આપણે બીજી બાબતોમાં એટલા બીઝી રહીએ છીએ કે આપણા પરિવારને સમય આપવાનું ચુકી જઈએ છીએ અને આ સમય કોઈ અજાણ્યો આપીને આપણા પરિવારની આપણી પ્રત્યેની લાગણીઓના દોરામાં ગાંઠો ઉભી કરે છે. મિત્રો પહેલાના સમયમાં જ્યારે કમ્પ્યુટર, મોબાઈલ કે ઈન્ટરનેટ નહતુ ત્યારે લોકો દુર હોવા છતાં ખૂબ નજીક હતા. અત્યારે ઈન્ટરનેટને કારણે નજીક હોવા છતાં ઘણા દુર રહીએ છીએ. સોસિયલ મીડિયા પરના મિત્રોના બર્થડેથી માંડીને તેઓને શું પસંદ છે તે તમામ જાણતા હોઈએ છીએ અને ન જાણતા હોય તો જાણવાની કોશિશ કરીએ છીએ. પણ પરિવારના સભ્યો કે મિત્રોની આ બાબતોને જાણવાની કોશિશ ભાગ્યે જ કરતા હોઈએ છીએ. ફિલ્મના એક સીનમાં અગલ્યા બાલાક્રિષ્નનને કહે છે કે, “મેં બહુ મોટી ભૂલ કરી. ઘરના દરવાજે મળવાને બદલે ફેસબુક દ્વારા મેં તને મારા બેડરૂમનો રસ્તો આપી દીધો.” આ ડાયલોગ ઘણુ બધુ સમજાવી જાય છે. સોસિયલ મીડિયા કે ઈન્ટરનેટનો ઉપયોગ જરાય ખરાબ નથી બસ તકલીફ એ વાતની છે કે આ બધાનો ઉપયોગ કરતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી લાઈફ એ આપણી પોતાની અને પ્રાઇવેટ છે. આપણી લાઈફનો એક્સેસ પોતાની જાત સિવાય કોઈને પણ મળવો ન જોઈએ. કારણ કે જે વ્યક્તિ એક્સેસ મેળવી લેશે એ વ્યક્તિ આપણી લાઈફને કન્ટ્રોલ કરવાની પૂરી તાકાત ધરાવે છે.
વાંચકમિત્રો, મેં પહેલી વખત કોઈ ફિલ્મની સમીક્ષા કરી છે અને હું ફિલ્મ સમીક્ષા વિષે વધારે નોલેજ ધરાવતો નથી તેથી શક્ય છે કે મેં આ સમીક્ષા કરતી વખતે ઘણી ભૂલો કરી હશે. જો મારાથી આ સમીક્ષામાં કોઈ ભૂલ થઈ હોય અથવા કોઈની લાગણીને ઠેસ પહોચે તેવું લખાઇ ગયુ હોય તો માફી ચાહું છું. આ સમીક્ષાની તમામ બાબતો એ માત્ર મારું પર્સનલ ઓપીનીયન છે. આભાર.