હું રાહ જોઇશ! - (૭) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! - (૭)

અભય ખુબજ દુઃખી હતો. એક તો એની મમ્મીએ વેદિકા ને તેમના ઘરે રહેવા માટે બોલાવવાની ના પાડી હતી અને બીજું કે વેદિકા કહ્યા વિના જ કશે જતી રહી હતી. થોડીવાર પછી તે ઘરે જાય છે. તે જેવો ઘરમાં પ્રવેશે છે તેવો જ ચોંકી જાય છે. તે વેદિકા ને સોફા પર બેઠેલી જુએ છે. તેની પાસે તેનું બેગ પડેલું હોય છે. તેના ચહેરા પર મુઝવણના ભાવ દેખાય રહ્યા હતા. અભય તેની પાસે ગયો.
"અરે વેદિકા અહીંયા શું કરે છે? અને આ બેગ લઈને ક્યાં જતી હતી. તારા ગેસ્ટ હાઉસ પર ગયો તો એ લોકોને પણ કંઈ ખબર ન હતી. મને થયું અચાનક કહ્યા વિના ક્યાં ચાલી ગઈ."
"અરે શાંત. આટલું તો પેલી રેલવે સ્ટેશન પર અનાઉન્સ કરતી છોકરી પણ નઈ બોલતી હશે." એમ કહીને વેદિકા હસવા લાગે છે.
"જે હોય તે પણ મને જવાબ આપ."
"હમણાં થોડીવાર પહેલા આંટીનો ફોન આવ્યો હતો. એમણે મારો બધો સામાન લઈને અહીંયા બોલાવી. અને તેમણે તને કે બીજા કોઈને પણ કહેવાની ના પાડી હતી. અને મને પણ નથી ખબર કે શા માટે બોલાવી છે."
આટલું સાંભળતાજ અભય સમજી ગયો કે એની મમ્મીએ વેદિકાને પોતાના ઘરે રાખવા માટે મન બનાવી લીધું છે. એટલે તે મનમાં ખુશ થતો હોય છે.
"અરે અભય બેટા આવી ગયો તું. લે ચાલ તું પણ નાસ્તો કરીલે." સલોનીબેન હાથમાં નાસ્તાની ટ્રે લઈને આવી રહ્યા હતા.
"મમ્મી આ વેદિકા અહીંયા શું કરે છે?" અભયને ખબર હોવા છતાં જાણી જોઈને પૂછે છે. મમ્મી તેના મોઢા પરના હાવભાવ જોઈ રહ્યા હતા.
"બેટા એ તો એના માટે એક જગ્યા એ રહેવા માટેની વ્યવસ્થા કરી છે એટલે એને તેનો સામાન લઈને જ બોલાવી." આ સાંભળતાજ અભયનુ મોઢું પડી ગયું હોય છે. સલોનીબેન એના એ હાવભાવ પણ જોઈ લે છે. પછી સલોનીબેન વેદિકા ને તેમની પાછળ આવવાનું કહે છે. તેઓ ઉપર તરફ જાય છે. વેદિકા પણ સલોનીબેનને કંઇક કામ હશે એમ વિચારીને તેમની પાછળ પાછળ જાય છે. સાથે સાથે અભય પણ તેમની પાછળ જાય છે. ઉપર જતા જ દાદરની સામે સાનવીનો બેડરૂમ આવે છે. તે રૂમની જમણી તરફ સલોનીબેન અને વિરાજભાઈ નો બેડરૂમ હોય છે અને તેની બાજુમાં ગેસ્ટરૂમ હોય છે. જ્યારે સાનવી ના રૂમની ડાબી તરફ અભયનો બેડરૂમ હોય છે અને બાજુમાં બીજો એક ખાલી રૂમ હોય છે. આ બધા રૂમ નીચેના હૉલની ની ઉપર વર્તુળાકારે હોય છે. જે એક વર્તુળાકાર લોબી સાથે જોડાયેલા હોય છે. સલોનીબેન પેલા ખાલી રૂમ તરફ જાય છે. વેદિકા અને અભય પણ તેમની પાછળ જતા હોય છે. બધા રૂમમાં દાખલ થાય છે.
"તો વેદિકા જોઇલે આ રૂમ કેવો છે. તારે આજથી અહીંયા જ રહેવાનુ છે."
અભય તો આટલું જ સાંભળીને ખુશ થઈ ગયો. તે તો તરત જ જલ્દીથી નીચે જઈને એનું બેગ લઈ આવ્યો. તે જ્યારે ઉપર આવ્યો ત્યારે વેદિકા કંઇક બોલતી હતી.
"ના આંટી. આવી રીતે થોડું રહેવાય. હું બીજે રહેવાની જગ્યા શોધી જ રહી છું. અને જલ્દીથી મળી પણ જશે."
"મારે કંઈ સાંભળવું નથી. તારે અહીંયા જ રહેવાનુ છે. મે તારા મમ્મી પપ્પા સાથે પણ વાત કરી દીધી છે." સલોનીબેન કડક અવાજમાં પણ વહાલથી કહે છે.
"ઓકે. સારું આંટી. તમે જેમ કહો તેમ." વેદિકા તેમની વાતમાં સંમત થતા બોલે છે.
"સારું તો ચાલ ફ્રેશ થઈ જા. પછી નીચે આવી જજે. ડિનર નો ટાઇમ પણ થઈ જ ગયો છે."
પછી અભય અને સલોનીબેન નીચે જાય છે. અભય નીચે જતા જ સલોનીબેન ને ગળે વળગી જાય છે.
"થેંક્યું સો મચ મમ્મી. તે વેદિકા ને અહીંયા રાખવાનું નક્કી જ કરી દીધું હતું તો પછી મને કેમ ના પાડી હતી."
"બસ તને હેરાન કરવો હતો મારે. મે જોયુ હતું કે તું કેવો દુઃખી થઈ ગયો હતો. અને જ્યારે તેને અહીંયા રહેવાનુ કહ્યું ત્યારે પણ કેટલો ખુશ થઈ ગયો હતો. શું તને ગમે છે એ?"
"ના મમ્મી. એવું કંઈ જ નથી. જસ્ટ ફ્રેન્ડ છીએ." એમ કહીને અભય પણ પોતાના રૂમમાં જતો રહે છે.
અભય જેવો રૂમમાં જાય તેવો જ કોઈ તેના રૂમના દરવાજા પર કોઈ નોક કરે છે. અભય દરવાજો ખોલે છે તો સામે વેદિકા હોય છે.
"ઓહ આવ વેદિકા. બેસ. હું હમણાં ફ્રેશ થઈને આવ." એમ કહીને અભય જતો રહે છે.
વેદિકા અભયના રૂમનું નિરીક્ષણ કરે છે. આખા રૂમની દીવાલ આછા ભૂરા રંગથી સુશોભિત હોય છે. રૂમની વચોવચ દીવાલને અડીને જ એક મોટો બેડ હોય છે. તે દીવાલ ઉપર રાધાકૃષ્ણ નો એક મોટો ફોટો હોય છે. બેડની સામે ની દીવાલ પર એક ટીવી હોય છે. ટીવીની ઉપર અભયના મમ્મી પપ્પા અને સાનવી નો મોટો ફોટો હોય છે. બેડની દરવાજા તરફની દીવાલને અડીને કબર્ડ હોય છે. અને બીજી તરફ એક મોટી કાચની બારી હોય છે જે બાલ્કનીમાં ખૂલે છે. તે બારી એટલી મોટી હોય છે કે બાલ્કનીમાં તે બારીમાંથી જવાતું હોય છે. તે બારી ને અડીને એક બાજુ સ્ટડી ટેબલ હોય છે. અને બારીની બીજી તરફ અટેચડ બાથરૂમ હોય છે. વેદિકા અભયના સ્ટડી ટેબલ પર જુએ છે તો ત્યાં તેના લાઈફ ગોલ્સ લખેલા હોય છે. જેમાં તેનો કરિયર ગોલ જોઈને તે ચોંકી જાય છે. અને બીજું એક નિરીક્ષણ એવું કરે છે કે આખા રૂમમાં તેનો એકપણ ફોટો નથી હોતો.
"શું જુએ છે?" અભય બાથરૂમમાંથી બહાર આવતા બોલે છે.
"કંઈ નહિ. આતો તારો રૂમ જોતી હતી. મસ્ત સિમ્પલ રૂમ છે. પણ મને એક વાત ખબર નઈ પડી કે..."
"મારા રૂમમાં મારો જ ફોટો કેમ નઈ? એમ જ ને?" અભય વેદિકા ને વચ્ચેથી અટકાવતા બોલે છે.
"હા હું એ જ પુછતી હતી."
"તો સાંભળ મને ફોટો પડાવવા ગમતા નથી. આજ સુધીમાં મે ફક્ત પાસપોર્ટ સાઇઝ ફોટો માટે અને કોઈ પ્રસંગ વખતે જ યાદગીરી માટે ફોટો પડાવ્યા છે."
"એવું કેમ? યાદગીરી માટે ફોટો તો હોવા જ જોઈએ ને? અને હવે તો બધા નાની નાની વાતોમાં ફોટો પાડતા હોય છે."
"મે કીધુ તો ખરું કે હું કોઈ પ્રસંગ હોય તો યાદગીરી માટે ફોટો પડાવ જ છું. અને આપણે ફોટો પડાવવામાં સમય બગાડીએ ત્યારે જેતે પ્રસંગ ને માણવાનું જ ચૂકી જઈએ છીએ. હું તો યાદગીરી મનમાં જ કંડારવાનું પસંદ કરું છું. અને મે એવું કંઈ હજી સુધી મેળવ્યું પણ નથી કે મારો ફોટો જોઈ કોઈ પ્રેરણા મેળવે. જ્યારે હું ખુદના દમ પર કઈક બનીશ ત્યારે ખૂબ બધા ફોટો પડાવીશ."
"ખુબજ સરસ વિચાર છે તારા. મને ખુબજ ગમ્યું. હવે તો અહીંયા રહેતા રહેતા તારી પાસેથી ઘણું શીખવા મળશે."
"હું કોઈ મહાન નથી કે મારી પાસેથી શિખવાનું મળે. અને કોઈને જોઈને આપણે એના જેવું કરવાનું એના કરતા આપણે એવું કરવાનું કે લોકો આપણા જેવું કરે."
"જો પાછું મને શીખવાડ્યું ને. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. ખુબજ સારા વિચાર છે. અને બીજી વાત બધા ભગવાનનો ફોટો બેડની સામેની દીવાલ પર રાખે જેથી કરીને સવારે ઉઠતા પહેલા એમના દર્શન થાય. પણ તે તો ઊંધું કર્યું."
"હા કારણકે મારા ભગવાન મારા મમ્મી પપ્પા અને દીદી જ છે. મારા મમ્મી પપ્પાએ મને જીવન આપ્યું છે. હું જે છું તે એમના થકી જ છું. એમણે મારામાં સંસ્કારનું સિંચન કર્યું છે. અને મારી દીદી મારી ફ્રેન્ડ, ફિલોસોફર બધું જ છે. મારામાં તેની જાન વશે છે. એ કોઈ પણ કામ કરતા પહેલા મારા વિશે વિચારે છે. અરે મારાથી દુર ન જવું પડે એ માટે એમણે ફોરેન ભણવા જવાની ના પાડી દીધી હતી."
"ખુબજ સરસ ફેમિલી છે તમારું. મને તમારા ફેમીલી થી એક મીઠી ઈર્ષા થાય છે."
"હા હા હા.. એવું કંઈ નથી. દરેક ફેમિલીમાં બધા એક બીજા ને આટલો જ પ્રેમ કરતા હોય છે. ચાલ હવે નીચે જઈએ. જમવાની તૈયારી થઈ ગઈ હશે."
વેદિકા ને અભયના કરિયર ગોલ વિશે મુઝવણ હોય છે. પણ તે અભયને ખોટું લાગશે એમ કરીને પૂછવાનું તાળે છે.
પછી તેઓ નીચે જાય છે. અભય નીચે જઈને તરતજ સોફા પર બેસીને તેના પપ્પા સાથે વાતો કરવા લાગે છે. વેદિકા કિચન તરફ જઈને સલોનીબેનની હેલ્પ કરવા જાય છે. તે જુએ છે કે સાનવી પણ કિચન માં તેની મમ્મીને હેલ્પ કરતી હોય છે. તે જોઈને ચોંકી જાય છે કે આટલા મોટા બિઝનેસમેન ની છોકરી અને પત્ની કિચનમાં જાતે કામ કરે છે.
"લાવો આંટી શું કરવાનું બાકી છે? હું મદદ કરું."
"ના બેટા. રહેવા દે. તું જઈને બાહર બેસ. હવે બધું થવા જ આવ્યું છે."
"મને લાગે છે તમે મને અહીંયા મહેમાન તરીકે જ રાખી લાગે છે." વેદિકા મો ફુલાવીને કહે છે.
"અરે ના બેટા એવું નથી. તું તો હવે મારા ઘરની સદસ્ય જ છે. અને તું મારા માટે સાનવીની જેમ જ છે."
"તો પછી દીદી તમને હેલ્પ કરે છે તો મને કેમ બાહર બેસવાનું કહો છો?"
"ઓકે બેટા હું હારી ગઈ તારાથી, તું જીતી બસ? જા આ બધું જમવાનું ટેબલ પર મૂકતી થા. અમે બીજું બધું લઈને આવ્યે." સલોનીબેન હસતા હસતા કહે છે.
પછી વેદિકા બધા જમવાના બાઉલ ટેબલ પર મૂકે છે. અને ટેબલ પર બીજી બધી વસ્તુ પણ વ્યવસ્થિત કરે છે. પછી બધા જમવા બેસે છે.
"વેદિકા પાસે કેમ કરાવ્યું બધું? વેદિકા આપણા ઘરે રહીને ભણવા આવી છે તો તે માત્ર ભણવા પર જ ધ્યાન આપશે." વિરાજભાઈ કહે છે.
"અરે ના અંકલ. મે જ કહ્યું કામ કરવાનું. અને તમે મને ઘરના સદસ્યની જેમ રાખો છો તો હું ઘરના સદસ્યની જેમ કામ પણ કરીશ. અને દીદી પણ ભણે જ છે ને? તો તેઓ પણ સમય મળે ત્યારે આંટીને મદદ કરે જ છે ને. તો હું પણ સમય મળે ત્યારે આંટીને મદદ કરીશ."
"વાહ શું સંસ્કાર છે બેટા! તારા વિચાર જાણીને સારું લાગ્યું મને. બાકી આજકાલના છોકરા તો બસ ક્લબ, પાર્ટી અને સોશિયલ મીડિયામાં જ લાગેલા રહે છે." વિરાજભાઈ વેદિકા ના વખાણ કરતા કહે છે.
"પપ્પા. મારા તો કોઈ દિવસ આવા વખાણ નઈ કર્યા ને? હું પણ તો મમ્મીને રોજ હેલ્પ કરું છું. જાવ તમારી સાથે કિટ્ટા." સાનવી લાડમાં બોલે છે.
"એ તો દીદી મમ્મી તમને જબરદસ્તીથી કરાવે એટલે કામ કરો છો. બાકી તમે પણ તમારા ફેન્ડસ માં જ બિઝી રહો છો."
"જાને બેટું એવું કંઈ નથી. હું જાતે જ બધી હેલ્પ કરાવ છું મમ્મીને" સાનવી મીઠા ગુસ્સા સાથે કહે છે.
તેમની વાતો સાંભળીને બધા હસી પડે છે.
"હા મારી દીકરી તો ખુબજ ડાહી છે. એની મમ્મીને ઘરકામમાં પણ મદદ કરે છે. અને મને ઓફિસમાં પણ ઘણીવાર મદદ કરે છે. અને ઘણા લોકોએ તો હજી ઓફિસ પણ જોઈ નથી." વિરાજભાઈ અભય તરફ જોઈને કટાક્ષ કરે છે. તેમની વાત સાંભળીને અભયના ચહેરા પરના હાવભાવ બદલાય જાય છે.
"પપ્પા જવાદો ને એ વાત. જુઓ તો મમ્મીએ આજે સરસ જમવાનું બનાવ્યું છે." સાનવી વાત બદલવાની કોશિશ કરે છે.
"પણ શા માટે. તે મારી બધી વાત માને છે તો આ વાત કેમ સમજતો નથી. મારા પછી બધું એણે જ સંભાળવાનું છે ને?" વિરાજભાઈ થોડા અકળાતા અવાજમાં બોલે છે.
"પપ્પા મે નક્કી કરી દીધું છે એ ફાઈનલ રહેશે. એટલે એ વાત વારંવાર કરવાની કોઈ જરૂર નથી." અભય તીખા અવાજમાં બોલે છે. વિરાજભાઈ આગળ બોલવા જાય છે પણ સલોનીબેન નો વેદિકા ની ઉપસ્થિતિ દર્શાવતો ઈશારો જોઈને વેદિકા ને લીધે કઈ બોલતા નથી. અભય થોડો ગુસ્સે થઈને જતો રહે છે. પછી વિરાજભાઈ પણ જમીને જતા રહે છે. ટેબલ પર વાતાવરણ થોડું ભારે થઈ જાય છે.
"આ બાપ દીકરા બધી જ વાતમાં સરખું વિચારે છે. અને બધા જ કામમાં તેઓ એકબીજા સાથે વાત કર્યા વિના એકબીજાના વિચાર જાણી લે છે. પણ એક જ વાત માં તેમના વિચાર અલગ પડે છે." સલોનીબેન ચિંતિત સ્વરે કહે છે.
"અને તે વાત છે અભયના કરિયર ગોલને લગતી." વેદિકા અચાનક બોલે છે.
સલોનીબેન અને સાનવી તેની તરફ જોતા હોય છે. અને જાણે પૂછતા હોય છે કે તને કેવીરીતે ખબર પડી આ વાત. વેદિકા તેમના મનમાં ચાલતા ભાવ સમજી જાય છે. તેથી તે કહે છે.
"આંટી, દીદી મે આજે અભયના રૂમમાં તેના સ્ટડી ટેબલ પર તેના લાઈફના ગોલ જોયા તેમાં મને ખબર પડી. તમે ચિંતા ન કરો. બધું સારું થઈ જશે."
"વેદિકા બેટા તું ખુબજ સમજદાર છે. બધું તરતજ સમજી જાય છે." સલોનીબેન વેદિકા ની વાતોથી આકર્ષિત થાય છે.

(ક્રમશ:)


(શું હોય છે અભયનો લાઈફ ગોલ? શા માટે અભય તેના પપ્પાની ઓફિસ નથી જતો? જાણવા માટે રાહ જુઓ આગળના ભાગની.…)

મિત્રો આપના સૂચનો જરૂર આપજો. તો જ મને ખબર પડશે કે હું સારું લખું છું કે ખરાબ. જેથી મારા લખાણમાં કોઈ ખામી હોય તો તે હું દૂર કરી શકું.

આભાર.