Featured Books
શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફરે ભાગ 12

વેકેશનનો સદ્ઉપયોગ :: સામાજિક પ્રવૃત્તિઓનું ભાથું:
બાળકનું ચંચળ મન તેને અનેક કાર્યો કરવા પ્રેરે છે, ખાસ તરુણાવસ્થામાં જો તેમની શક્તિઓને યોગ્ય દિશામાં વાળવામાં ન આવે તો તે અવળા માર્ગે ફંટાઈ જવાની શક્યતા રહે છે. માણસમાત્રને ફરવાનું ગમતું હોય છે ને એમાંય આ તો શાળાની વિદ્યાર્થિનીઓ ને તે પણ તરૂણ... વેકેશનમાં એક નાનકડો પ્રોજેક્ટ કરવાની વાત કરી અને એમાં પણ ફરવાનું હોય તો પછી કોણ ના પાડવાની ?! પણ શરત માત્ર એટલી હતી કે ફરવા જઈશું પણ સામાજિક સંસ્થાઓની મુલાકાતે ફરવાનું. જિજ્ઞાસાથી પ્રેરાઇને આ નવા પ્રવાસ પર્યટન માટે તેઓ તૈયાર થઈ ગયા આ દિવાળી વેકેશન સામાજિક જાગૃતિ નું ભાથું બાંધવા નવતર પ્રયોગમાં સામેલ થયા..
પછી એક યાદી તૈયાર કરી.. ક્યાં, ક્યારે અને કેવી રીતે જવું.. વિવિધ સંસ્થાઓને ફોન કરી એમને કઈ તારીખ અનુકૂળ છે તે મુજબ આયોજન કર્યું. જોડાનાર વિદ્યાર્થીના વાલી પાસેથી સંમતિ પત્રક પણ મંગાવ્યા, હોશે હોશે વાલીઓ આ નવતર પ્રયોગમાં પર્યટનમાં જવા માટે સંમતિ દર્શાવી રહ્યા હતા.સંસ્થાના ટ્રસ્ટીઓ તો આ નવતર પ્રયોગ માટે હંમેશા તૈયાર હોય અને આનંદથી આર્થિક સગવડ સાથે બાળાઓ માટે દરરોજ નાસ્તાની વ્યવસ્થા પણ કરી આપી અને ખુબ શુભેચ્છાઓ પાઠવી તેથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાયો. સૌપ્રથમ ગરીબ અને અનાથ બાળકો માટે ચાલતી પ્રાથમિક શાળામાં ગયા.ત્યાં ૯૦થી ૧૦૦ જેટલા બાળકોને શાળા તરફથી શૈક્ષણિક કીટ આપી અને બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી બચાવેલા રૂપિયા માંથી વસ્તુઓ ખરીદી તે બાળકોને આપતા, એક સામાજિક ફરજ નિભાવવાનો સંતોષ અનુભવ્યો. સમાજમાં ઉદ્ભવેલ જનરેશન ગેપ અને અન્ય કોઇ કારણસર વધતા જતા વૃદ્ધાશ્રમ ખરેખર આજના સમાજ માટે કલંકરૂપ ગણાય. વૃદ્ધો માટે ના ઘરડા ઘરની મુલાકાત લઇ તેઓ સાથે થોડો સમય રહ્યા. વૃદ્ધોને ફળો આપ્યા. તેમની પાસેથી ભજનો સાંભળ્યા, ગીત ગાયા અને તેઓની વાતો પરથી એ શીખ્યા કે સમાજના વૃદ્ધ કે પોતાના ઘરના વડીલો વૃદ્ધો સાથે ક્યાંય થતો હશે તો અટકાવીશું અને પોતે મોટા થયા પછી આવા કોઈ કારણ હું એક ભાગ નહીં બને જે આ પ્રોજેક્ટનું સૌથી મોટી ફલ શ્રુતિ બની રહી. સજીવ ખેતી આજના જમાનાની તાતી જરૂરિયાત છે, જંતુનાશક ના બેફામ ઉપયોગથી માનવીનું આરોગ્ય જોખમાયું છે.આવા સમયે સજીવ ખેતી દ્વારા પોષક તત્ત્વો જાળવી જમીન અને પાકનો બચાવ કરવો લોકોનું આરોગ્ય જાળવવું એ સજીવ ખેતી ફાર્મ ની મુલાકાત થી જાણ્યું. કોઈપણ કારણસર તજી દીધેલ જે બાળકો અનાથ બનેલા હોય છે, તેમને અનાથાશ્રમમાં રાખી પૂરતી હું ફ અને પારિવારિક વાતાવરણ આપ્યું, સમાજ માટે એક સારો નાગરિક તૈયાર કરવાનું સુંદર કામ કરતી સંસ્થા ની મુલાકાતે ગયા ત્યારે જાણવા મળ્યું કે ખરેખર માનવી સામાજિક પ્રાણી છે.
રોજ લગભગ નવ વાગ્યાની આસપાસ સવારે નીકળતા અને બપોરે એક બે વાગ્યા સુધી ઘરે પરત ફરતા.વિવિધ સામાજિક સંસ્થાઓની મુલાકાત કરતા જીવનનું ભાથું મેળવતી બાળાઓને કેળવણી નુ 'અનુભવ દ્વારા શિક્ષણ'નુ ઉત્તમ પાસુ પીરસ્યું.
‌‌ વધતી જતી વસ્તીની સામે પાણીની માંગને પહોંચી વળવા વધુ ને વધુ ઊંડા જતા પાણીના સ્તર અને તેના પરિણામે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે આજે ઘરોઘર આર.ઓ. મશીન વસાવાય છે કે પ્લાન્ટની પાણીની બોટલો લેવાની પરિસ્થિતિ વધી જાય છે. જેમાં પાણી શુદ્ધિકરણ કઈ રીતે થાય તે જાણવા કચ્છના સૌથી મોટા જાણીતા આરઓ પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી પણ તેમાંથી નીકળતા વેસ્ટ વોટર વિશે જાણી જાગૃત પણ થયા કે આટલું અધધ.. પાણી લગાડી શકાય નહીં. તેની બચત કરવી જ જોઈએ. આ અંગે જાતે સમજી અન્ય લોકોને પણ સમજાવી હજારો લીટર પાણીની બચત પણ કરી.
દેશ-વિદેશના સમાચારો મેળવી ઘરોઘર સુધી વર્તમાન પત્ર સ્વરૂપે પહોંચાડવાની અતથી ઈતિ સુધીની પધ્ધતિની જાણકારી મેળવવા એક દૈનિક વર્તમાનપત્ર ની ઓફિસ ની મુલાકાતે ગયા અને પત્રકારત્વનું અદભુત અનુભવ મેળવ્યુ. તો સ્થાનિક ન્યૂઝ ચેનલને મુલાકાત લઇને એ દ્વારા સમાચાર કઈ રીતે એકત્ર થાય, સ્ટુડિયો માં કઈ રીતે શૂટિંગ થાય, કઈ રીતે ડબીંગ થાય, એડિટિંગ થાય વગેરેનું અદભુત અનુભવ મેળવીને જાણે કોઈ નવી દુનિયામાં આવી ગયા હોય એવો અનુભવ વિદ્યાર્થીઓની થયો. સૌથી ઉત્તમ પર્યટનનો છેલ્લો દિવસ રહ્યો, પુસ્તકોનું અગાધ સમુદ્ર જેને કહી શકાય તેવા જાણીતા પુસ્તકાલયની મુલાકાતે ગયા અહી પુસ્તકોનો સાગર જોઈ vancha પ્રેમી હૈયા એ તેમાં હિલોળા લીધા. ઘણા બધા પુસ્તકો ત્યાં જોઈને અતિ આનંદની લાગણી અનુભવી. નાના મોટા અનેક પુસ્તકો તેની વળતર કિંમત વગેરે જાણી, વાંચન સાથે વેચાણનું ગણિતનું જ્ઞાન પણ અનુભવ દ્વારા મેળવ્યું. નાની મોટી પુસ્તિકાઓ લઈ અને ઘરે પણ સૌને પુસ્તકો વહેંચવાનું નક્કી કર્યું.
દિવાળી વેકેશનમાં સમાજ અભિમુખ બન્યા પછી શાળામાં રંગબેરંગી ફૂલો વાળા છોડ તથા મોટા વૃક્ષો વાવી એની જેમ શાળાની સુવાસ ચોમેર ફેલાય અને અમર રહે તેવા હેતુથી વાવેતર કરેલ શાળાના પ્રાંગણમાં સુંદર વાવેતર કરી લહેરાઈ રહેલા છોડ ને જોઈ ખૂબ આનંદ વ્યક્ત કર્યો. વેકેશનના આનંદ ની મઝા બમણી કરી, સાથે નિર્ધાર પણ કર્યોકે હવેથી મિત્રો સ્વજનો અને પુસ્તકો અથવા છોડ રૂપે આપીશું સામાજિક સંસ્થાઓની મુલાકાત પણ લઈશું અને જરૂરીયાત મંદને મદદ પણ કરતા રહીશું. આ સમગ્ર પ્રવૃત્તિઓ ચરમસીમા ત્યારે આવી કે જ્યારે આ સમગ્ર કાર્યક્રમનો રોજનો વ્યવસ્થિત અહેવાલ બાળકોએ જાતે જ સુંદર રીતે તૈયાર કર્યો. સાથે રંગીન ફોટો લગાડ્યા. અહેવાલ લેખન માં પણ માહિર બન્યા એ વધુ નફાનું કામ થયું!! કહેવાનો મતલબ એ છે કે કેળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કોઈ શીખવે તે ભૂલી જઈ શકાય, સાંભળીએ તો થોડો સમય યાદ રહે પણ અનુભવે તો એ જીવન પર્યંત યાદ રહે છે. શાળા સમય દરમિયાન વેકેશનમાં આવી સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને અનુભવ જન્ય શિક્ષણ આપી કેળવણી દ્વારા તેનો સર્વાંગી વિકાસ જરૂર સાધી શકાય છે...