" પારિજાતના પુષ્પ " પ્રકરણ-3
" શૂન્ય મનસ્ક અદિતિ.... "
આપણે ગયા પ્રકરણમાં જોયું કે.... અચાનક આટલા બધા વર્ષો પછી અરમાનનો ફોન આવ્યો અને ફોન કટ થઈ ગયો....!! અદિતિની નાજુક-નમણી આંગળીઓ એક હાથમાં રીસીવર અને બીજા હાથમાં ફોનનું ડાયલ ઘૂમાવતી રહી.... પણ.... અરમાનનો નંબર ક્યાં હતો અદિતિ પાસે....?? ક્યાંથી પોતાનો નંબર લઈ ક્યાંથી ફોન કરેલો અરમાને....?? શું ખબર....?? અરમાન કેનેડાથી જ બોલતો હતો કે પછી અહીં ઇન્ડિયા આવ્યો હતો....?? આટલું બધું દર્દ કેમ હતું તેના અવાજમાં.....?? તે કોઈ મુશ્કેલીમાં તો નહિ હોય ને....?? બધું હેમખેમ તો હશે ને....?? જેવા અનેક સવાલો અદિતિના નાજુક મનને અકળાવી રહ્યા.....
ઘણાં બધા પ્રયત્નો કરવા છતાં અદિતિને અરમાનનો નંબર ન મળ્યો અને અરમાન સાથે વાત ન થઈ તે ન જ થઈ....હવે આગળ....
અદિતિ એકલી હતી અને એકલી જ રહી ગઈ...
અદિતિનો જન્મ ક્યાં, ક્યારે અને કઇરીતે થયો હતો તે ખબર નથી પણ અદિતિ નસીબદાર હતી કે તેને વિનેશભાઈ જેવા પિતા મળ્યા તેમજ સંધ્યાબેન જેવા માતા મળ્યા તેમજ સંધ્યા બેને જેમણે અદિતિને જન્મ તો ન હતો આપ્યો પણ દીકરી કરતાં વિશેષ તેનો ઉછેર કર્યો હતો.
સંધ્યાબેનના વિનેશભાઈ સાથે લગ્ન થયે સાત વર્ષ થયા હતા પરંતુ સંધ્યાબેન વિનેશભાઈને પિતા બનવાનું સુખ આપી શક્યા ન હતા. એટલામાં એક દિવસ શિયાળાની રાત હતી સંધ્યાબેન તેમજ વિનેશભાઈ પોતાના એક મિત્રના ત્યાંથી સ્કૂટર ઉપર સવાર થઈ પરત ફરી રહ્યા હતા, રસ્તો થોડો સૂમસામ હતો ત્યાં
સંધ્યાબેનને નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો તેમણે વિનેશભાઈને સ્કૂટર રોકવા માટે કહ્યું, એક બે મિનિટ વિનેશભાઈએ સ્કૂટર રોક્યું પણ ખરું....પણ પછી રડવાનો અવાજ આવતો બંધ થઈ ગયો તેથી " તારા મનની ભ્રમણા છે " તેમ સંધ્યાબેનને કહી વિનેશભાઈએ સ્કૂટર ફરીથી ચાલુ કર્યું પણ આ નાનું માસુમ બાળક, તેને સંધ્યાબેન તેમજ વિનેશભાઈ સાથે કોઈ પૂર્વ ભવની લેણદેણ હશે તો બાળક ફરીથી રડવા લાગ્યું, આ વખતે સંધ્યાબેન સ્કૂટર ઉપરથી નીચે ઉતરી બાળક જે તરફ રડતું હતું તે તરફ જવા લાગ્યા. વિનેશભાઈ પણ સ્કૂટર સાઈડમાં પાર્ક કરી સંધ્યાબેનની પાછળ પાછળ રોડથી નીચે ઉતરી ઝાડી તરફ જવા લાગ્યા એક ઝાડ નીચે એક કપડામાં લપેટેલું એક બાળક બંનેએ જોયું, સંધ્યાબેને તેને ઉંચકી લીધું અને હ્રદયસ્પર્શી ચાંપી લીધું....થોડી વાર બંને ત્યાં જ આ બાળક કોનું છે...? તેને કોણ આ રીતે મૂકીને ચાલ્યું ગયું છે...? કોઈ તેને લેવા આવે છે કે નહિ તેની રાહ જોતાં ઉભા રહ્યા... પણ એ સૂમસામ રસ્તામાં કે ઝાડીમાં ન તો કોઈ દેખાયુ કે ન તો કોઈ બાળકને લેવા માટે આવ્યું....બસ એ જ દિવસથી આ બાળકના મમ્મી-પપ્પા સંધ્યાબેન તેમજ વિનેશભાઈ બની ગયા. સંધ્યાબેન સૂનો ખોળો મમતાની ગોદથી ભરાઈ ગયો..તેમણે આ બાળકીનું નામ અદિતિ પાડ્યું.
અદિતિના પગલાથી વિનેશભાઈને ગવર્મેન્ટ જોબ મળી ગઇ, સંધ્યાબેન તેમજ વિનેશભાઈની ખુશીનો કોઈ પાર ન હતો. સંધ્યાબેન તેમજ વિનેશભાઈનું સર્વસ્વ એટલે અદિતિ. અદિતિનો પડ્યો બોલ ઝીલતાં બંને. અદિતિને સંધ્યાબેને જન્મ નથી આપ્યો તે વાત અદિતિને સંધ્યાબેન તેમજ વિનેશભાઈએ જણાવી ન હતી. અદિતિ સંધ્યાબેન તેમજ વિનેશભાઈને જ પોતાના મમ્મી-પપ્પા સમજતી હતી.
અદિતિને એક નાજુક ફુલની જેમ સાચવીને સંધ્યાબેન તેમજ વિનેશભાઈએ તેની સારામાં સારી પરવરીશ કરી. તે થોડી મોટી થઈ એટલે વિનેશભાઈએ સોસાયટીમાં એક સુંદર બંગલો ખરીદી લીધો. થોડા સમય પછી તેમની બાજુનો બંગલો અરમાનના પપ્પા જીનલભાઈએ ખરીદ્યો. બંને અલગ અલગ ધર્મ પાળે પણ બંને પરિવાર વચ્ચે ખૂબજ સંપ. અરમાનની મમ્મી દર્શનાબેન તેમજ અદિતિની મમ્મી સંધ્યાબેન પણ બે બહેનોની માફક રહે અને અદિતિને તો અરમાન મળ્યો એટલે જાણે બધું જ મળી ગયું....!! પણ તેને ક્યાં ખબર હતી કે અરમાન એક દિવસ તેને છોડીને ચાલ્યો જવાનો છે....!! ખૂબ દુઃખ થાય છે જ્યારે કોઈ પોતાનું છોડીને જાય ત્યારે....!!
અદિતિ-અરમાનનીજુગલબંધી વાંચો આગળના પ્રકરણમાં.....