પારિજાતના પુષ્પ - પ્રકરણ-2 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારિજાતના પુષ્પ - પ્રકરણ-2

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-2

" અચાનક શાંત વાતાવરણમાં આટલો બધો ખળભળાટ ક્યાંથી...!! ક્યાંક વિજળી પડયાની વાત લાગે છે....!! "

" દુન્યવી ઉત્તમ સંબંધોમાંનો એક અનોખો અને ઉત્તમ સંબંધ એટલે મિત્રતા, ઈશ્વરે બીજા બધા દુન્યવી સંબંધો જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન વગેરે જન્મની સાથે લઈને મનુષ્યને મોકલ્યો છે....!! પરંતુ મિત્રની પસંદગી ઈશ્વરે મનુષ્યના હાથમાં સોંપેલી છે....!! "

આટલા મોટા બંગલામાં અદિતિ એકલી પડી જતી હતી તેથી તેમજ તેને ડોગ પાળવાનો શોખ પણ હતો તેથી તેણે આરુષને એક આર્સેસિયન ડોગ લાવી આપવા કહ્યું પણ આરુષને ડોગ પસંદ ન હતું તેથી તેણે અદિતિને ચોખ્ખી " ના " પાડી દીધી, અદિતિને થોડું દુઃખ પણ થયું પણ આરુષની દરેક વાતનો સ્વીકાર કરવો તેવું અદિતિએ મનથી નક્કી કરેલું હતું માટે તે ચૂપ રહી...હવે આગળ...

એટલામાં અદિતિના બગીચામાં મહેમાન કલાકારની જેમ ક્યાંકથી બિલાડીના બે બચ્ચાં આવી ગયા અને ઝાડની બખોલમાં લપાઈ ગયા, અદિતિએ તેમને ઝાડની બખોલમાંથી બહાર કાઢ્યા, પ્રેમથી તેમના માથે હાથ ફેરવ્યો અને તેમને દૂધ પીવડાવ્યું, શરૂઆતમાં બંને બચ્ચા અદિતિથી ખૂબ ડરતા હતા પણ પછી તે અદિતિના ખાસ મિત્ર બની ગયા. અદિતિને તેમના વગર ન ચાલે અને તેમને અદિતિ વગર ન ચાલે. અદિતિ તેમની સાથે નાના બાળકની જેમ રમી પણ લેતી. આગળ બિલાડીના બન્ને બચ્ચા તીવ્ર ગતિથી દોડે અને પાછળ ચંચળ હરણી જેવી અદિતિ તેમને પકડવા માટે તેમનાથી પણ વધારે નાના બાળકની માફક તીવ્ર ગતિથી દોડતી હોય પણ બિલાડીના બચ્ચા હાથતાળી દઈ ક્યાંય ભાગી જાય....!! અને અદિતિ હાંફતી હાંફતી થાકીને હિંચકા ઉપર બેસી જાય અને તેના પગ પાસે બિલાડીના બચ્ચા આવીને બેસી જાય હવે તો આ અદિતિ અને બિલાડીના બચ્ચા નો નિત્યક્રમ થઈ ગયો હતો.

આરુષ ઑફિસેથી આવે ત્યાં સુધી અદિતિ બગીચામાં જ આહલાદક સંધ્યાની સુંદર સફર કરતી જોવા મળે, પશ્ચિમ દિશામાં ખીલેલી સંધ્યાના આથમતાં નરમ કિરણો અદિતિને હળવાશભર્યો સ્પર્શ કરી બીજે દિવસે મળવાનું વચન આપીને વિદાય થતા હોય....ઉંચી ઉડાન ભરીને થાકેલા પક્ષીઓ અદિતિના બગીચામાં પોતાનો વિસામો શોધતા પાછા વળી રહ્યા હોય, ચકલીઓના મીઠા કલબલથી અદિતિનો બગીચો ગુંજી ઉઠે અને જાણે પાંદડે પાંદડામાં જીવ આવી ગયો હોય તેમ ઝાડની ડાળીઓ આમતેમ જોલા ખાતી હોય....!! અદિતિ પણ આરુષની સાથે સાથે જાણે તેમની પણ રાહ જોતી હોય તેમ તેમના મીઠા કલબલાટથી જાણે ખુશ થઇ જાય.અને પગની ઠેસથી મંદ મંદ ઠંડા પવન સાથે હિંચકા સાથે થોડું હવામાં ઉડી લેતી હોય....!!

આરુષ આવે એટલે બંને પ્રેમથી એકજ થાળીમાં જમી લે, પછી થોડીક વાર ટીવી ચાલે અને પછી અદિતિ અને આરુષ રાત્રિના દામનમાં ક્યાંક લપાઈ જાય તેની ખબર જ ન પડે....!!

આરુષ સારો પતિ બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ અદિતિનો સારો મિત્ર બનવું તેને માટે શક્ય નહતું....!! અદિતિને કાયમ અરમાનની ખોટ વર્તાયા કરતી....પોતાની દરેકે દરેક વાત તે અરમાન સાથે બેજીજક શેર કરતી. જ્યાં સુધી તે અરમાનને પોતાની વાત જણાવે નહિ ત્યાં સુધી તેને ચેન ન પડે અને ખાધેલું પચે પણ નહિ....!!

આમ તો, અરમાનના કોઈ સમાચાર હવે આવશે તેવી આશા પણ અદિતિએ છોડી દીધી હતી. પણ આજે અચાનક આટલા બધા વર્ષો પછી અરમાનનો ફોન આવ્યો અને ફોન કટ થઈ ગયો....!! અદિતિની નાજુક-નમણી આંગળીઓ એક હાથમાં રીસીવર અને બીજા હાથમાં ફોનનું ડાયલ ઘૂમાવતી રહી.... પણ.... અરમાનનો નંબર ક્યાં હતો અદિતિ પાસે....?? ક્યાંથી પોતાનો નંબર લઈ ક્યાંથી ફોન કરેલો અરમાને....?? શું ખબર....?? અરમાન કેનેડાથી જ બોલતો હતો કે પછી અહીં ઇન્ડિયા આવ્યો હતો....?? આટલું બધું દર્દ કેમ હતું તેના અવાજમાં.....?? તે કોઈ મુશ્કેલીમાં તો નહિ હોય ને....?? બધું હેમખેમ તો હશે ને....?? જેવા અનેક સવાલો અદિતિના નાજુક મનને અકળાવી રહ્યા.....

અદિતિને અરમાન સાથે વાત થાય છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં....