આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા સૂરજ પાસેથી બધી માહિતી મેળવે છે. અવનીને જે જગ્યા પર રાખવામાં આવી છે એના વિશે સૂરજને જેટલી માહિતી હતી એટલી માહિતી આપે છે.. આસ્થા નામની બિલ્ડીંગ એમને મળે છે,બધા અંદર જવાની તૈયારી કરે છે.. હવે આગળ.
"સુગંધા આપણે હજુ અંધારામાં તીર મારીએ છીએ..આ બિલ્ડીંગમાં જ બધી છોકરીઓ હશે એવું પાક્કું કેમ કહી શકાય??ને માન કે બધી છોકરીઓ હોય અને અવની જ નહીં હોય તો?? ચંકી અવનીને જીવતી નહીં છોડે.. અરે એતો એટલો નરાધમ છે કે અવની જેવડી નાની છોકરી પર પણ જરાય દયા નહીં રાખે.."પરિમલના પિતા બોલ્યા..
"પિતાજી,આપણી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો જ નથી..આપણે આસ્થામાં જઈશું ને કદાચ અવની હશે તો મારા જીવને ભોગે પણ બચાવી લઈશ,પણ અવની અહીં નહીં હોય તો ચંકીને હાથે એ ચોક્કસ મરશે..આપણે અંધારામાં તીર મારવું જ પડશે. અવનીને બચાવવાનો આ એકમાત્ર વિકલ્પ છે..એક અવનીને બચાવવા આપણે 35 છોકરીઓનો જીવ જોખમમાં ન નાખી શકીએ.."સુગંધાએ કહ્યું..
"સાચું કહે છે સુગંધા મેડમ.પૌત્રીના મોહમાં અંધ ન બનશો.જ્યારે વર્દી પહેરી હતી ત્યારે આપણે જે કસમ લીધી હતી એ યાદ કરો..આપણી પ્રથમ ફરજ દેશવાસીઓનું રક્ષણ કરવાની છે..ને સૂરજને તમે સામાન્ય વ્યક્તિ ન માનતા,એ મારા આદેશને લીધે ચૂપ છે.. એ ધારે તો એકલો ચંકીના સામ્રાજયને ચપટીમાં મસળી શકે..એણે જે કહ્યું છે એ હું આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકું એટલો ભરોસો છે મને એના પર.હવે સૂરજને આપણે બોલાવી લઈએ..એને આપણે નારીકેન્દ્રમાં મોકલી દેવો પડશે.. ચંકીને જરા સરખી પણ ગંધ આવી તો એ ત્યાં જઈને તબાહી મચાવશે..જો સૂરજને ત્યાં રાખ્યો હશે તો એ એકલો
નારીકેન્દ્રનું રક્ષણ કરશે.. એની મદદ માટે હું પોલીસ જવાનો પણ મોકલી દેવાનો આદેશ આપી દઉં છું.."રાણાએ કહ્યું..ફોન લગાવી એમણે સૂરજને જાણ કરી દીધી..
"તો સમયને બરબાદ કર્યા વિના આપણે અંદર જવું જોઈએ.."સુગંધા બોલી.
એમણે બિલ્ડીંગ તરફ જાણે કંઈ બન્યું જ નથી એ રીતે કોઈને વહેમ ન જાય એ રીતે ચાલવાનું શરૂ કર્યું..સુગંધાને એમણે કારમાં જ રહેવા જણાવ્યું..ચંકીએ પોતાના માણસોને સુગંધાથી સચેત રહેવા કહ્યું જ હશે.. જો સુગંધા બહાર નીકળે તો એ લોકો પહેલાથી જ ચેતી જાય.. ખોટો સંઘર્ષમાં સમય બરબાદ થાય..
રાણાએ ગેટની નજીક દિવાલ પાસે જઈને વોચમેનને બોલાવ્યા.. નામમાત્રના વોચમેન હતા.. અલમસ્ત આખલા જેવા શરીરના માલીક હતા બંને.. રાણાએ તરત પોતાનું કાર્ડ બતાવીને કહ્યું ."અંદર બિલ્ડીંગમાં કોણ રહે છે??"
"અંદર કોઈ નહીં રહેતા.આપકો કિસકા કામ થા??યહ બિલ્ડીંગ અભી બન રહા હૈ."વોચમેન જરાય ડર્યા વગર બોલ્યો..
રાણાએ તરત સુગંધાને બોલાવી લીધી.સુગંધાને જોઈને વોચમેનના હાવભાવ થોડા બદલાયા..
"હમે તલાશી લેની હૈ બિલ્ડીંગ કી..હમે પક્કા પતા હૈ યહાં અવૈધ તરીકે સે લડકીયાં રખી હૈ.."રાણાએ કહ્યું..
"આપકે પાસ કોઈ ઓર્ડર હૈ?? ઈસ બિલ્ડીંગ કે અંદર આપ બગૈર પરમિશન નહીં જા શકતે.."વોચમેને કહ્યું..
સુગંધાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પોતાનું કાર્ડ બતાવ્યું.."અમારે કોઈના ઓર્ડરની જરૂર નથી સમજ્યો??ચૂપચાપ અંદર જવા દે નહીંતર સૌથી પહેલાં ફરજમાં રૂકાવટ કરવા બદલ તને જેલમાં નાખવો પડશે.."
"હમે અપની વર્દી કા રૌફ મત દીખાઈએ.. હમ જબતક હમારે સાહબ નહીં બોલતે તબતક કિસીકો અંદર નહીં જાને દેતે.."એમ કહી વોચમેને ફોન કાઢ્યો.. રાણાએ તરત પોતાની ગન કાઢી..
"યે જો ગન હૈ ઉસસે 15 એન્કાઉન્ટર કિયે હૈ,લગતા હો આજ દો મર્ડર ઔર હોંગે."રાણા બોલ્યો..સુગંધાએ બંનેના ફોન લઈ લીધા.સાદા ડ્રેસમાં રહેલા પોલીસને બોલાવી બંનેને હિરાસતમાં લઈ લેવા કહ્યું.વોચમેન મચક નહોતા આપતા એટલે એમની સાથે બળપ્રયોગ કરવો પડ્યો..સુગંધા અને રાણાએ પોતાની તાકાતનો પરચો બેયને આપી દીધો..ગેટ ખોલીને પરિમલના પિતાએ પહેલા ચેક કરી લીધું..કયાંય કોઈ દેખાતું ન હતું..ક્યાંય સીસીટીવી કેમેરા પણ દેખાતા ન હતા.. એમણે ઈશારાથી પોતાની ટીમને અંદર બોલાવી લીધા..
આખી બિલ્ડીંગ હજુ બનતી હતી..એના તળ સિવાય દરેક વસ્તુ બાકી હતી એમ સ્પષ્ટ જણાતું હતું..બિલ્ડીંગ હજુ બની રહી છે મતલબ અંદર કોઈ છે જ નહીં..રાણાની સાથે સુગંધા અને ત્રિવેદી સાહેબ આખી બિલ્ડીંગ ચેક કરે છે,પણ કોઈ વસ્તુ હાથ લાગતી નથી..
"મારી અવની ન મળી,પપ્પા એ સલામત તો હશે ને?? મારે અવની જોઈએ,કોઈપણ ભોગે..હું મારી જાત ચંકીને ક્યારેય નહીં સોંપું..અવનીની સાથે હવે ચંકી પણ મરશે.. મારી અવની જીવતી તો નહી જ મળે એ નક્કી છે,પણ ચંકીને હું ફાવવા નહીં દઉં."અર્ધપાગલ જેવી હાલતમાં સુગંધા બોલતી હતી..
"ઓફીસર!!! પોતાની જાતને સંભાળો..આ વર્દી તમે પોતાના પરિવાર માટે નથી પહેરી.અવની મારા હ્રદયનો ટૂકડો છે,એને કશું થાય એ હું પણ નથી ઈચ્છતો,પણ પરિસ્થિતિ આપણા માટે અનુકૂળ નથી..ચંકીનું સરનામું હોત તો અબઘડી એનું માથું ઉતારી આવું એટલું જોમ હજુ છે મારામાં.એક અવની જ મારી દીકરી નથી,,એની સાથે હજારોની સંખ્યામાં આ દોજખની જીંદગી જીવતી તમામ છોકરી મારી દીકરી છે..તમને કેસ અવની માટે જ નથી સોંપ્યો.."ત્રિવેદી સાહેબ પહેલી વખત સુગંધાને મતલબી થતા જોઈને થોડા ઉગ્ર બની ગયા..
"અવની હજુ સલામત છે એ મારો વિશ્વાસ છે,તમારી ઈમાનદારીનું ફળ ઈશ્વર ખરાબ નહીં આપે..ચંકીનો વિનાશ એણે તમારા હાથે જ લખ્યો છે..ઈશ્વર એટલો ક્રુર ક્યારેય ન હોય..અવની બહુ જલ્દી મળી જશે.."રાણા સાહેબ બોલ્યા..
"પણ કેવી રીતે??ક્યાં? આમા અવનીનો શું દોષ?"પોતાના હાથમાં રહેલી કોદાળી એણે જોરથી જમીન પર પછાડતા કહ્યું.
"તમે જોયું કોદાળી જમીન પર પછાડતા કંઈક અલગ અવાજ આવે છે!! જાણે કે આ સિમેન્ટનું તળ જમીન પર ન હોય અને આપણે ધાબા પર જાણે કે ઘા કર્યો હોય એવો અવાજ આવે છે.."રાણાએ કહ્યું..
સુગંધા વાતને પામી ગઈ,તરત મોટી કોશ લઈ એમણે એનાથી ઘા મારવાનું શરૂ કરી દીધું..પણ ક્યાંય કળ દેખાણી નહીં..એની અંદર કંઈક તો રહસ્ય હતું જ.. સુગંધાએ કંઈક વિચાર કરીને પાસે રહેલ બોર્ડની સ્વિચો દબાવવાનું શરૂ કર્યું..
"સુગંધા જરા ધ્યાન રાખીને હો..આની નીચે કોઈ રસ્તો તો છેજ પણ આપણે એ રસ્તે બહુ સાવધાની પૂર્વક જવું પડશે.. અંદર વધારે લોકો હશે અને હથિયારધારી હશે તો આપણે અંદર રહેલી છોકરીઓને નહીં બચાવી શકીએ.. એે લોકો જરૂર એમને નુકશાન પહોંચાડશે.."ત્રિવેદી સાહેબે કહ્યું..
"ના એ લોકો કશું નહીં કરી શકે,આપણી પાસે ઢાલ છે.."સુગંધા બોલી.
"આપણી પાસે ઢાલ?"ત્રિવેદી સાહેબ બોલ્યા.
"અરે પેલા બે વોચમેન છે એ આપણા માટે ઢાલ જ છે.. એમને પકડીને અહીં લાવો અને ધમકી મારો એટલે એ અંદર ઉતરશે,અને એતો ચંકીના માણસો જ છે એટલે એમને કશું નુકસાન નહીં પહોંચાડે.અંદર રહેલા માણસોને આપણે વારાફરતી બહાર બોલાવશું.."રાણાએ કહ્યું..
ઘણું સમજાવવા છતા વોચમેન મોં ખોલવા રાજી ન થયા એટલે સુગંધાએ સાઈલેન્સર વાળી પિસ્તોલ કાઢી અને એક વોચમેનના પગ પર ગોળી ચલાવી દીધી..વોચમેન ચિત્કાર કરી ઊઠ્યો..
"સાલા ધાનના ધનેરા તમને બેયને ગોળી મારી દઈશ તો મને બહુ ફેર નહીં પડે. અમને સાથ આપો નહીંતર મરવા તૈયાર થઈ જાવ..તમને બહુ સમજાવ્યા,પણ તમને જીવવાનો મોહ નથી રહ્યો લાગતો.."
સુગંધા બીજાને પણ ગોળી મારવા જતી હતી,ત્યાં એ બોલી ઊઠ્યો"મને માફ કરી દો.. હું...હું તમને બધું કહું છું..આનો ખુફિયા રસ્તો પણ બતાવું છું,પણ ગોળી ન મારતા.."
એણે બોર્ડને ખોલ્યું અને બોર્ડની પાછળ એક સ્વિચ એ દબાવવવા જતો હતો ત્યાં સુગંધા બોલી.. "અંદર કેટલા લોકો છે?? એમની પાસે કયા હથિયાર છે એ જરા કહી દે.."
"અંદર ત્રણ લોકો છે અને એમની પાસે ગન સિવાય કોઈ હથિયાર નથી."વોચમેન બોલ્યો..
"તો સ્વિચ હું દબાવું છું,તુ અંદર ગયા વગર દરવાજો ખૂલે કે તરત એમાથી જેટલાને બહાર બોલાવી શકતો હોય એને બોલાવ."રાણા સાહેબે કહ્યું..
વોચમેને સ્વિચ બતાવી અને ધીમા પગલે એક જગ્યા પર જઈને ઊભો રહ્યો.. એ છૂપા રસ્તાનો દરવાજો હતો..
સુગંધાએ સ્વિચ દબાવી.ત્રિવેદી સાહેબ અને રાણા સાહેબ પોતાની પોઝિશન પર તૈયાર હતા.. એક દરવાજો ખુલ્યો જેના પર પ્લાસ્ટર કરેલું હતું.. બહારથી કોઈને ખબર જ ન પડે કે આ છૂપો રસ્તો છે. પહેલા તો કોઈને સ્વિચ મળે એમ હતું જ નહીં..વોચમેને અંદર અવાજ લગાવ્યો.. જેકી!!
અંદરથી એક વ્યક્તિ બહાર આવતો હતો.. બધાએ પોતાની પોઝિશન દરવાજા પાછળ લઈ લીધી.. એક તગડા શરીરનો માલિક એવો પહેલવાન સીડીની મદદથી બહાર આવ્યો.. એને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે બહાર એનું મોત રાહ જોઈ રહ્યું છે.. એનું ધ્યાન તો વોચમેન પર જ હતું.. એણે બહાર આવી વોચમેનને પૂછવા પોતાનું મોં ખોલ્યું ત્યાં રાણાએ પિસ્તોલનો હાથો એના માથા પર જોરથી માર્યો.. એ તમ્મર ખાઈને નીચે પડી ગયો..એને પણ બાંધીને કેદ કરી લીધો. હવે અંદર જવામાં એક પડાવ એમણે પાર કરી લીધો હતો,પણ મોટી મુશ્કેલી હવે જ હતી..બહાર એકેયને બોલાવી શકાય એમ ન હતું..અંદર જવામાં કોઈનો જીવ જાય એમ હતું..મોતનો ડર એકેયને ન હતો પણ ચંકી હોય તો જીવ જોખમમાં મુકાય.. આતો એના અાદેશનું પાલન કરનારા નાના ગુંડા હતા..
થોડીવાર બધા ત્યાં રાહ જોઈને ઊભા રહ્યાં.. હમણા એકાદો બહાર આવશે એની આશાએ, પણ ત્યાં અંદરથી પિસ્તોલની ગોળીનો અવાજ આવ્યો. ધાંય..
કોને ગોળી મારી હશે??
અંદર બધાને ખબર તો નહી પડી ગઈ હોયને??
ચંકીનો ફોન આવ્યો હશે એવું તો નહીં હોય ને??
જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે