ઔકાત – 25
લેખક – મેર મેહુલ
પોલિસ સ્ટેશનેથી બળવંતરાય, ગોપાલ અને મંગુ એક કારમાં હવેલીએ આવ્યા હતાં.
“દાદા હું ફેક્ટરીએ આંટો મારતો આવું” મંગુએ કહ્યું, “ઘણા દિવસથી સ્ટોક મેન્ટેન નથી થયો”
બળવંતરાયે હાથ ઊંચો કરી, ઈશારા વડે સહમતી આપી એટલે મંગુએ કાર ફેક્ટરી તરફ વાળી. બળવંતરાય સીધાં પોતાનાં રૂમમાં ગયાં, રૂમમાં લાંબી એક લાકડાની ખુરશી હતી, એ સીધા ત્યાં જઈને બેસી ગયા અને ગહન વિચારોમાં ખોવાય ગયાં.
બીજી તરફ મંગુ પોતાની ધૂનમાં કાર ચલાવતો ફેકટરી તરફ આગળ વધી રહ્યો હતો. શિવગંજ શહેરની ભાગોળ પસાર કરીને એક રફ રસ્તા પર ચડ્યો. અહીંથી ત્રણ કિલોમીટર સુધીનો સુમસાન અને વળાંકવાળો રસ્તો હતો. રસ્તો ફેક્ટરીએ આવીને પૂરો થઈ જતો એટલે આ રસ્તે માત્ર ફેક્ટરીનાં કામનાં ઉદ્દેશથી જઈ શકાતું હતું.
વળાંકવાળો રસ્તો હોવાને કારણે મંગુએ કારની ગતિ ધીમી કરી. બે વળાંક પછી કાર રસ્તામાં રેળાવા લાગી, મંગુએ બ્રેક મારી અને દરવાજામાંથી પાછળનાં ટાયર તરફ નજર કરી. જમણી બાજુનાં ટાયરમાં હવા નહોતી. મંગુ દરવાજો ખોલીને નીચે ઉતર્યો, પાછળનાં ટાયર પાસે પહોંચી એ નીચે ઝુક્યો અને ટાયર ચેક કર્યું.
ટાયરમાં એક મોટો ગોળાકાર છેદ હતો, જોયા પરથી ગોળીનું નિશાન લાગતું હતું. મંગુને હુમલાની આશંકા થઈ એટલે એ સચેત થયો અને કમરેથી પિસ્તોલ કાઢીને ઉભો થયો. જેવો એ ઉભો થયો એટલે તેનાં માથાં પર પાછળથી પ્રહાર થયો, મંગુએ પાછળ ફરીને જોયું. લાંબી દાઢી વાળો, ઝીણા વાળવાળો એક વ્યક્તિ તેની સામે જોઇને સ્મિત કરતો હતો. મંગુ વળતો પ્રહાર કરવા સશક્ત નહોતો. મંગુને આંખે અંધારા આવી ગયા, તેનાં પર થયેલો પ્રહાર એટલો જોરદાર હતો. સહસા મંગુની આંખો બંધ થઈ ગઈ અને મંગુ ત્યાં જ ઢળી પડ્યો.
*
બળવંતરાય ગહન વિચારોમાં ડૂબેલા હતાં, તેની દીકરીએ આવું પગલું કેમ ભર્યું હશે એ વિચાર તેનાં મગજમાં વારંવાર ઘૂમી રહ્યો હતો. સહસા ટેલિફોન રણક્યો એટલે બળવંતરાયની વિચારધારા તૂટી. એ ઉભા થઈને ટેલિફોન પાસે આવ્યાં અને રીસીવર હાથમાં લઈને કાને રાખ્યું.
“દાદા, ગણેશ બોલું. મંગુભાઇની કાર ફેક્ટરી તરફ જતાં રસ્તે પડી છે અને તેઓ ફોન રિસીવ નથી કરતાં, કારનાં પાછળનાં ટાયર પર મારવામાં આવી છે. મને હુમલાની આશંકા છે” ગણેશે માહિતી આપતાં કહ્યું.
“હું પહોંચું છું થોડીવારમાં, તું ત્યાં જ રહેજે” કહીને બળવંતરાયે રિસીવર રાખી દીધું. એ બહાર નીકળતાં હતાં ત્યાં અચાનક તેણે કશું યાદ આવ્યું એટલે એ ફરી ટેલિફોન નજીક આવ્યાં, રીસીવર ઊંચકીને તેણે શિવગંજ પોલીસ ચોકીમાં ફોન જોડ્યો.
“શિવગંજ પોલીસ સ્ટેશન” કૉલ રિસીવ થતાં સામા છેડેથી અવાજ આવ્યો.
“ઇન્સપેક્ટર રાવત સાથે વાત કરાવો, બળવંતરાય બોલું”
“જી દાદા, હોલ્ડ કરો” બળવંતરાયનું નામ સાંભળીને સામા છેડેથી સહેજ દબાય ગયેલો અવાજ આવ્યો.
વિસેક સેકેન્ડ પછી કોઈનાં પગરવનો અવાજ બળવંતરાયનાં કાને પડ્યો,
“જી બોલો દાદા” રાવતે રીસીવર ઊંચકીને કહ્યું.
“મારા માણસ પર હુમલો થયો છે, એડ્રેસ આપું એ જગ્યા પર આવી જાઓ” કહેતાં બળવંતરાયે ફેક્ટરીનું એડ્રેસ આપ્યું.
“અમે નિકલીએ જ છીએ, તમે પણ પહોંચતા થાઓ” રાવતે કહ્યું અને રીસીવર રાખી દીધું.
બળવંતરાયે પણ રીસીવર ટેલિફોન પર રાખ્યું અને ફેક્ટરી તરફનાં રસ્તે નીકળી પડ્યા.
“જાણીજોઈને આ જગ્યા પસંદ કરવામાં આવી છે” રાવતે કહ્યું. રાવત તેનાં કાફલા સાથે ઘટનાં સ્થળ પર પહોંચી ગયો હતો. સુમસાન અને વળાંકવાળો રસ્તો જોઈને તેણે અંદાજો આવી ગયો હતો.
“પહેલાં મારી દીકરી અને હવે મંગુ, આ બધું શું ચાલી રહ્યું છે ?” બળવંતરાય નાક ફુલાવીને ગુસ્સામાં બબડ્યા.
“અમે મંગુભાઇને સચેત કર્યા હતાં, તેઓનાં પર હુમલો થવાની પુરી આશંકા હતી પણ મંગુભાઇએ વાતને ગંભીર ના લીધી” રાવતે કહ્યું.
“વિસ્તારમાં જણાવો ઇન્સ્પેક્ટર” બળવંતરાયે કહ્યું, “ક્યારે અને શા માટે મંગુને તમે ચેતવ્યો હતો ?”
“તમને યાદ હોય તો થોડા દિવસ પહેલા બદરુદ્દીનનાં ખાસ માણસ પઠાણ પર ઘાતકી હુમલો થયો હતો, ત્યારબાદનાં થોડા દિવસોમાં શશીકાંતનો ખાસ માણસ અણવર માર્યો ગયો. અમને મંગુભાઇ પર હુમલાની આશંકા હતી એટલે જ્યારે તેઓ કેશવને છોડાવવા પોલીસ સ્ટેશને આવ્યાં ત્યારે મેં વિગતવાર બધું જણાવ્યું હતું અને સાવચેતી રાખવા કહ્યું હતું”
“તમે આ વાત અત્યારે છેક જણાવો છો મને” બળવંતરાય ખારા થયાં, “તમને આટલી બધી ખબર છે તો હાથ પર હાથ ધરીને શા માટે બેઠા છો ?, આ બધું કોણ કરે છે એની તપાસ કરો”
“આ તમારો અંગત મામલો હતો દાદા, વર્ષોથી તમારાં વચ્ચે આવી નાનકડી જંગો ચાલતી જ આવી છે એટલે તમે મામલો સુલટાવી દેશો એમ વિચારીને અમે કોઈ પગલું નહોતાં ભરતાં” રાવતે ચોખવટ પાડી.
“એ તો હવે હું જ જોઈ લઈશ, તમે લોકો મંગુની શોધખોળ કરો. જો એને કશું થયું તો પોલીસતંત્ર પર માછલાં ધોવાશે એટલું યાદ રાખજો”
રાવતે બનાવટી સ્મિત કર્યું, ઘટનાં સ્થળ પરની તપાસ પુરી કરીને એ ચોકી તરફ રવાના થયો.
“આપણી સ્ટૉરી ફરી આગળ ચાલી રાવત સાહેબ” રાવત ચોકીમાં પ્રવેશ્યો એટલે રણજિતે તેનું સ્વાગત કર્યું.
“કોણ છે એ કમજાત ?” રાવત ગુસ્સામાં બબડ્યો, “સાલો શું કરવા માંગે છે એ જ ખબર નથી પડતી. કોની સાથે દુશ્મની છે એને ?”
“તમે પહેલ શાંત થાઓ અને આ લો, સિગરેટ સળગાવો” રણજિતે એક સિગરેટ રાવતનાં હાથમાં આપી.
“શાંત કેમ રહું રણજિત, શાંત કેમ રહું ?” રાવતે સિગારેટનાં મોઢા પર આંગળી રાખીને સ્પંચને ટેબલ પર ઠપકારતા કહ્યું, “એક તો IPS ની નિમણૂક થવાની છે અને ઉપરથી બળવંતરાય દબાણ કરે છે. ખરા સમયે જ આ બધી ઘટના બને છે”
“મારા હાથમાં એક એવી વસ્તુ લાગી છે જે જોઈને તમે ખુશ થઈ જશો” રણજિતે ઉત્સાહિત થઈને કહ્યું.
“હવે એવું તો શું લાગ્યું છે તારાં હાથમાં ?” રાવતે કંટાળાજનક અવાજે કહ્યું, પછી સિગરેટને બે હોઠ વચ્ચે દબાવીને સળગાવી.
“અત્યારે હું ફ્રી હતો એટલે બધા કેસની ફાઇલ વાંચતો હતો, આમ તો મેં બધી ફાઇલ વાંચી જ લીધી હતી પણ ધ્યાનથી વાંચતા એક વાત મારી નજરે ચડી છે” રણજિતે ગુંથી બનાવતાં કહ્યું, “પઠાણ અને અણવરનાં પગમાં એક જ ગોળી મળી હતી એ વાતથી તમે વાકેફ છો પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે શ્વેતાનાં માથાંમાંથી જે ગોળી નીકળી હતી એ આ જ પિસ્તોલની છે”
“શું !!!” રાવતે ઉદગાર કાઢ્યો, “તે સરખી રીતે જોયુને ?”
“હા રાવત સાહેબ, મેં ધ્યાનથી રિપોર્ટ વાંચ્યા છે અને હજી એક ઝટકો આપે એવા સમાચાર છે” રણજિતે કહ્યું, “થોડા દિવસ પહેલાં કેશવે પેલાં રાજાનાં પગમાં ગોળી ચલાવી હતીને, મેં આમ જ એ ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપી હતી. ગઈ કાલે તેનો રિપોર્ટ પણ આવી ગયો છે અને એ ગોળી પણ આ જ છે”
“મતલબ કેશવ જ આ બધું કરે છે ?” રાવતે સિગરેટનો ઊંડો કશ ખેંચ્યો.
“શક્ય છે, એ શિવગંજમાં આવ્યો પછી જ આ બધી ઘટનાઓ બની છે” રણજિતે કહ્યું, “બનવાજોગ છે કેશવે જ શ્વેતાને ગોળી મારી હોય, છેલ્લે એ જ શ્વેતાને મળ્યો હતોને ?”
“એ ચાલાક છોકરો છે, શ્વેતાનાં ગાલ પર પોતાનાં ફિંગરપ્રિન્ટ મળશે જ એની તેને ખબર હતી એટલે જ સામેથી તેણે શ્વેતાને તમાચો માર્યાની વાત કહી દીધી હતી” રાવતે કહ્યું, “ સાંજ સુધીમાં મારે કેશવની બધી જ માહિતી જોઈએ છે, મુંબઈમાં એ ક્યાં રહેતો હતો, તેનાં પરિવારમાં કોણ કોણ છે, તેનાં દોસ્તો-સંબંધીઓ, છેલ્લા દસ દિવસમાં એ શિવગંજમાં કોને કોને મળ્યો એ બધી જ માહિતી એકઠી કરો”
“સાંજ સુધીમાં બધી માહિતી મળી જશે સર” રણજિતે ઉત્સાહિત થઈને સલામી ઠોકી.
(ક્રમશઃ)